સમુદ્રી અસ્વસ્થતા (sea sickness) (આયુર્વેદ) : સમુદ્રયાત્રાના કારણે થતી અસ્વસ્થતા. જહાજસ્ટીમરો દ્વારા દરિયામાં લાંબી મુસાફરી કરનારા ઘણા બિનઅનુભવી કે નવા લોકોને ‘સમુદ્રી અસ્વસ્થતા’ કે sea sickness કે sea uneasinessના રોગનો સામનો કરવો પડે છે. આ બીમારી જહાજયાત્રામાં જહાજની સતત થતી હાલન-ડોલનની ક્રિયા, શીતળ પવન અને વ્યક્તિની વાયુ કે પિત્તદોષની તાસીર – એ ત્રણે ભેગાં મળતાં ઉત્પન્ન થાય છે.
રોગનાં લક્ષણો : સમુદ્રમાં જહાજ કે વહાણ દ્વારા યાત્રા કરવાથી અસ્વસ્થતા કે માંદગી આવે છે, તેમાં કાનની અંદર આવેલી અર્ધવલયી નલિકાઓમાંના સંતુલન સ્વીકારકોના ઉત્તેજનથી આ સ્થિતિ ઉદ્ભવે છે. તેમાં વ્યક્તિને ચક્કર આવે છે, આંખે અંધારાં આવે છે, પાણી સામે જોતાં ડૂબી જવાનો ભય લાગે છે, સ્થિરતાથી એક જગ્યાએ ઊભાં રહી શકાતું નથી; ઊલટી કે ઊબકા થાય છે અને માથું ભારે થાય છે. વળી બ્લડપ્રેશર વધે અને હૃદયનાં સ્પંદનો વધે છે, પેટમાં ઉછાળા આવે છે તથા મન અને શરીર ભારે અસ્વસ્થતાનો અનુભવ કરે છે.
સાવધાની અને ઉપાય : સમુદ્રી યાત્રા કરતાં જો કોઈને ઉપર જણાવ્યા મુજબ ઉપદ્રવો કે બીમારી જણાય તો દર્દ વધતું અટકાવવા નીચે મુજબના ઉપાયો કરાય છે :
(1) યાત્રા શરૂ થવાના 2 કલાક પૂર્વે હળવો નાસ્તો કે કોઈ ફળનો રસ અપાય; પણ ભારે ખોરાક ન લેવાય. ખાલી પેટે જ જહાજમાં બેસવું હિતાવહ છે.
(2) સમુદ્રી અસ્વસ્થતાના ભોગ ન બનાય તે માટે વ્યક્તિએ જહાજની તૂતક ઉપર ફરવા નીકળવું જોઈએ નહિ. તેણે પોતાની કૅબિનમાં કે રૂમમાં જ બેસી રહેવું કે પછી સૂઈ જવું હિતાવહ છે.
(3) હાલક-ડોલક થતા જહાજ પ્રત્યે ધ્યાન ન દેવાય અને મનને રેડિયો, વાચન કે વાતચીત જેવા વિષયમાં વ્યસ્ત રખાય તે ઇચ્છનીય છે.
(4) આ બીમારીની શક્યતાવાળી વ્યક્તિએ પાણીમાં જરા પણ નજર ન કરવી જોઈએ. તે આકાશ તરફ ઊંચી નજર કરે તે ઇષ્ટ છે.
(5) મુસાફરી લાંબી હોય તો વચ્ચે કોઈ ખોરાક ન લેતાં જરૂર પડ્યે લીંબુનું મીઠું શરબત અવારનવાર પીવું જરૂરી ગણાય છે.
(6) વળી, વધુ ચક્કર કે અસ્વસ્થતા જણાય તો શાંતિથી સૂઈ જઈને ઊંડા-ઘેરા-લાંબા શ્વાસ ધીમેથી લેવા અને મૂકવાથી રાહત થાય છે.
(7) ચક્કર આવે કે અસ્વસ્થતા થાય તે વખતે મુખમાં ખાટીમીઠી લેમન-પીપરમિન્ટ કે ચૉકલેટ અથવા તજ, લવિંગ કે એલચી રાખીને તેનો રસ ધીમે ધીમે ચૂસ્યા કરવાનું સૂચવાય છે.
(8) જેને ઊલટી-ઊબકા આવતાં હોય તેમણે વિલાયતી દવા સિક્વિલ, ઍવોમિન કે ડોમસ્ટાલ ટૅબ જેવી ટીકડી ગળી જવી જોઈએ અથવા આયુર્વેદિક દવા વૉમિટેબ ટીકડી કે સીરપ લેવાં જોઈએ. વળી એલાદિવટીની ગોળી કે છર્દિરિપુ નામની ગોળી પણ ગળી શકાય. ઝાડા-ઊલટી થતાં સંજીવનીવટીની ગોળી થોડાક લીંબુના શરબતમાં કે મધમાં લઈ શકાય. જેમને હાઈ બી.પી. રહેતું હોય તેમણે તે દવાની ટીકડી લઈ લેવી જરૂરી છે. જેમને હૃદયના ધબકારા વધી જવાની તકલીફ હોય તેમણે ચિકિત્સકની સલાહ મુજબ યોગ્ય દવા અને સમુદ્રી-સારવારનું જ્ઞાન ધરાવતા તબીબનું વ્યક્તિગત માર્ગદર્શન મેળવવું હિતાવહ છે.
(9) જેમને વારંવાર અસ્વસ્થતા, ભય, પરસેવો અને ગભરામણ થતાં હોય તેમણે ઠંડા પાણીમાં ગુલાબજળ કે કૉલન વૉટર થોડું મેળવી, તે જળની આંખો અને ચહેરા પર વારંવાર છાલકો મારવી જોઈએ, જેથી આવતો વેગ શમે કે ઘટે.
બળદેવપ્રસાદ પનારા