સમુદ્રશોષ (વરધારો)

January, 2007

સમુદ્રશોષ (વરધારો) : દ્વિદળી વર્ગમાં આવેલા કૉન્વોલ્વ્યુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Argyreia nervosa (Barm. f.) Bojer syn. A. speciosa Sweet (સં. સમુદ્રશોષ, મ. સમુદ્રશોક, બં. બિરતારક, હિં. સમંદર-કાપાત, ક. અને તે. ચંદ્રપાડા, ત. સમુદ્રીરાપાકૃચાઈ, અં. એલિફંટ ક્રીપર, વૂલી મોર્નિંગ-ગ્લોરી) છે. તે એક કાષ્ઠમય આરોહી વનસ્પતિ છે અને સમગ્ર ભારતમાં 300 મી.ની ઊંચાઈ સુધી થાય છે. પ્રકાંડ મજબૂત, 12-15 મી. લાંબું, સફેદ ઘનરોમિલ (tomentose); પર્ણો અંડ-હૃદયાકાર (ovate-cordate); 7.5 સેમી.થી 30.0 સેમી. વ્યાસવાળાં, ઉપરની સપાટીએ અરોમિલ (glabrous) અને નીચેની સપાટીએ સફેદ ઘનરોમિલ હોય છે. પુષ્પો ગુલાબી-જાંબલી અને ઘંટાકાર હોય છે અને 7.5 સેમી.થી 15 સેમી. લાંબો, મજબૂત, સફેદ ઘનરોમિલ પુષ્પદંડ ધરાવે છે. ફળો ગોળ, આશરે 20 સેમી.નો વ્યાસ ધરાવતાં અને સાગ્રક (apiculate) હોય છે.

સમુદ્રશોષ (વરધારો)

તેનો ગ્લીટ (gleet), પરમિયો (gonnorrhoea), મૂત્રકૃચ્છ (strangury) અને દીર્ઘકાલીન વ્રણ(chronic ulcers)માં સ્થાનિક ઔષધ તરીકે ઉપયોગ થાય છે. તેને ઉદ્યાનોમાં શોભન-વનસ્પતિ તરીકે ઉગાડવામાં આવે છે. તેનાં પર્ણો શાકભાજી તરીકે વપરાય છે. પર્ણો પ્રશામક (emolient) અને સ્ફોટક (vesicant) હોય છે. દાદર, ખસ, ખૂજલી અને ત્વચાનાં અન્ય દર્દોમાં પર્ણોથી બાહ્ય ચિકિત્સા આપવામાં આવે છે. તેનો દાઝ્યા પર અને સોજામાં ઉપયોગ થાય છે. તે સ્થાનિક ઉત્તેજક (stimulant) અને રક્તિમાકર (rubefacient) છે. તે l-ટ્રાઇએકોન્ટેનોલ, એપીફ્રૅડીલીનોલ અને તેનો એસિટેટ તથા b-સીટોસ્ટેરોલ ધરાવે છે.

તેનાં બીજ ખાદ્ય હોય છે અને સરપત[Hygrophila auriculata (Schum.) Heine syn. H. spinosa T. Anders.]નાં બીજ સાથે મિશ્ર કરી તેનો સ્વાસ્થ્યવર્ધક (tonic) તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેઓ 0.5 %થી 0.9 % અર્ગોલિન ઍલ્કેલૉઇડ, એગ્રોક્લેવિન, શેનોક્લેવિન-I, શેનોક્લેવિન-II, રેસિમિક શેનોક્લેવિન-II, એલિમોક્લેવિન, ફૅસ્ટુક્લેવિન, લાયર્જિન, લાયસર્ગોલ, આઇસો લાયસર્ગોલ, મેલીક્લેવિન, પેનીક્લેવિન, સેટોક્લેવિન, આઇસોસેટોક્લેવિન, અર્જિન (0.14 %), આઇસોઅર્જિન (0.19 %), અર્ગોમેટ્રિન, અર્ગોમેટ્રિનિન, લાયસર્જિક ઍસિડ, a-હાઇડ્રૉક્સિ ઇથાઇલેમાઇડ, આઇસોલાયર્જિક ઍસિડ a-હાઇડ્રૉક્સિઇથાઇલેમાઇડ અને કેટલાંક અન્ય ઍલ્કેલૉઇડ હોય છે. કેટલાંક અર્ગોલિન ઍલ્કેલૉઇડ ભ્રમજનક (hallucinogenic) હોય છે. બીજના આલ્કોહૉલીય નિષ્કર્ષમાં કૅફિક ઍસિડ, ઇથાઇલ કૅફિયેટ અને ઍલ્કેલૉઇડ હોય છે. બીજ અલ્પરક્તદાબી (hypotensive) અને ઉદ્વેષ્ટહર (spasmolytic) સક્રિયતા ધરાવે છે. બીજમાં મેદીય તેલ (10.68 %) હોય છે.

મૂળ કડવાં, વાજીકર (aphrodisiac) અને મૂત્રલ (diuretic) હોય છે. તેમનો ઉપયોગ પરમિયો, સંધિવા અને ચેતાતંત્રના રોગોમાં થાય છે. તે સ્વાસ્થ્યવર્ધક છે. તેનાં મૂળ શતાવરી (Asparagus racemosus), ખડધામણી (Grewia hirsuta Vahl.) અને ઉપલસરી(Hemidesmus indicus R. Br.)ના મૂળ સાથે મિશ્ર કરીને તૈયાર કરેલી લૂગદી દીર્ઘકાલીન કફ, શરદી અને તાવમાં ઉપયોગી છે. ‘ફૉર્ટેજ’ તરીકે જાણીતી બનાવટ અન્ય ઘટકો મેળવીને આ વનસ્પતિમાંથી બનાવાય છે, જે પુરુષોના જાતીય રોગોના નિવારણમાં વપરાય છે. ‘સ્પેમેન’ તરીકે જાણીતું ઔષધ આ જાતિમાંથી અન્ય ઘટકો મિશ્રિત કરી બનાવવામાં આવે છે, જે ઉંદરમાં ચય (anabolic) અને એન્ડ્રોજેન જેવી સક્રિયતા દાખવે છે.

ઔષધિ તરીકે ઉપયોગી અંગ : તેનાં મૂળ ખાસ દવામાં વપરાય છે. કેટલાક તેનાં ફળનાં બી વાપરે છે.

માત્રા : તેનું (મૂળ) ચૂર્ણ 3થી 6 ગ્રામ માત્રામાં લેવાય છે.

ગુણધર્મ : સમુદ્રશોષ – પહેલાં ઠંડો અને તૃપ્તિકર છે. તે વીર્યપુદૃષ્ટિકર અને સંશમન કરનાર છે. તે શુક્રમેહ, વીર્યનું પાતળાપણું, મૂત્રદાહ તથા શીઘ્રપતનમાં દૂધ સાથે અપાય છે. તેના બીજનો ઉપયોગ ઝાડા, પરમિયો, અતિરજ:સ્રાવ અને લોહી દૂઝતા હરસમાં કરાય છે. તે વીર્યને ઘટ્ટ કરે છે. મગજને બળવાન કરે છે.

વરધારો : કડવો, તીખો અને ગરમ, કફ અને વાતનાશક, પિચ્છિલ, બળવર્ધક, જરાવીર્યવર્ધક, રસાયન છે. તે સોજા, કૃમિ, પ્રમેહ, વાતોદર, ખાંસી, આમદોષ, આમવાત, શ્વાસ તથા તાવનાશક છે. વરધારો દીપન, આમપાચક, અનુલોમક અને રેચક છે. તે વ્રણપાચક, દારક, શોધનકર અને રોપક છે. તે નાડીને બળ દેનાર, હૃદ્ય તથા ગર્ભાશયના સોજાને દૂર કરનારો છે. તે ક્ષય (ટી.બી.), શોષરોગ અને સ્વરભંગમાં પણ અપાય છે.

આર્જિરિયાની અન્ય જાતિ Argyreia cuneata Ker-Gawl. syn. Convolvulus cuneatus willd. (પર્પલ કૉન્વોલ્વ્યુલસ) આરોહી કે ક્ષુપ વનસ્પતિ છે અને ઉદ્યાનોમાં શોભન-વનસ્પતિ તરીકે ઉગાડવામાં આવે છે. તેનાં પુષ્પો ઘેરા જાંબલી રંગનાં અને ચકચકિત હોય છે. A. elliptica (Wight) Choisy syn. Lettosomia elliptica Wight (મ. બૉન્ડવેલ, ખેદારી, સોનારીએલ; અં. સિલ્વરવીડ) સુંદર આરોહી ક્ષુપ જાતિ છે. તેનાં પુષ્પો ગુલાબી કે આછાં જાંબલી હોય છે.

આર્જિરિયાની અન્ય જાતિઓમાં A. capitata (Vahl.) (Choisy syn. Convolvulus capitatus Vahl., A. fulgens Choisy, A. imbricata (Roth) Sant. and Patel., A. malabarica Choisy, A strigosa (Roth.) Sant. and Patelનો સમાવેશ થાય છે.

બળદેવભાઈ પટેલ

વૈદ્ય બળદેવપ્રસાદ પનારા