સમુદ્રતરંગ–ઊર્જા : બિનપરંપરાગત ઊર્જા. આ એવી ઊર્જા છે, જેમાં પૃથ્વીનાં મર્યાદિત ખનિજ જેવાં સંસાધનોનો ઉપયોગ થતો નથી. આથી જીવાવશેષ (fossil) અને ન્યૂક્લિયર વિખંડનશીલ ઈંધણનો બિનપરંપરાગત ઊર્જાના સ્રોતમાં સમાવેશ થતો નથી.
આ પ્રકારની ઊર્જા માટે ભરતી-ઓટનો ઉપયોગ કરવામાં આવે છે. બંધની પાછળ પાણી એકત્રિત કરવામાં આવે છે, જેને પાછળથી છોડીને ટર્બોજનરેટર ચલાવવામાં આવે છે. ફ્રાન્સ (રાન્સ નદીને કિનારે) અને રશિયામાં ટાઇડલ પાવરમથકો કાર્યરત છે. સેવર્ન નદીનાળ (estuary) ઉપર આવું મથક સૂચિત કરવામાં આવ્યું છે. ત્યાં 8.8 મીટરની ભરતી આવે છે, જેના વડે યુ.કે.ની 7 % વિદ્યુત પેદા કરી શકાય તેમ છે.
સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણને કારણે સમુદ્રતટનું પાણી અવારનવાર ઉપર-નીચે થાય છે. આ પરિસ્થિતિનો ઉપયોગ કરીને ટાઇડલ-વિદ્યુતશક્તિ મેળવી શકાય છે. સમુદ્ર-તટવર્તી પ્રદેશને બંધ વડે પરિબદ્ધ કરવામાં આવે છે. આ બંધ વડે સમુદ્રના અને તટવિસ્તારના પાણીના સ્તરમાં તફાવત પેદા થાય છે. પાણીના દોલનશીલ પ્રવાહ વડે હાઇડ્રૉલિક ટર્બાઇન વિદ્યુત-જનિત્રને ચલાવે છે અને તે રીતે વિદ્યુત પેદા થાય છે.
પૃથ્વી પર સમુદ્રતટ પરના વિસ્તારોમાં વિદ્યુતશક્તિ પેદા કરી શકાય છે. તેનો પૂરેપૂરો વિકાસ કરવામાં આવે તો ઠીક ઠીક વિદ્યુત મેળવી શકાય છે. તમામ સમુદ્રતટીય પ્રદેશોમાં ટાઇડલ પાવર પેદા કરવામાં આવે તો વાર્ષિક 1.2 x 1012 kwh ઊર્જા મેળવી શકાય તેમ છે.
ટાઇડલ પાવર સ્થાનિક રીતે મહત્ત્વનો ગણાય, કારણ કે તેનાથી હવા કે ઉષ્મીય પ્રદૂષણ પેદા થતું નથી. આ અખૂટ ઊર્જા-સ્રોત છે.
યુરોપમાં મધ્ય યુગમાં ટાઇડલ પાવરનો ઉપયોગ શરૂ કરવામાં આવેલ. વસાહતો માટે અમેરિકાએ કર્યો હતો.
આનંદ પ્ર. પટેલ