સમુદ્રગહન મેદાન (Abyssal plain or Deep sea plain)
January, 2007
સમુદ્રગહન મેદાન (Abyssal plain or Deep sea plain) : સમુદ્ર-મહાસાગરતળના 3થી 5/6 કિમી.ની ઊંડાઈ પર પથરાયેલા વિશાળ પહોળાઈ આવરી લેતા સમતળ સપાટ વિસ્તારો. સમુદ્રતળની આકારિકીમાં ખંડીય છાજલી પછી ખંડીય ઢોળાવ અને તે પછી સમુદ્રગહન મેદાન આવે. ખંડીય ઢોળાવ તરફનો મેદાની વિભાગ નિક્ષેપના ઠલવાવાથી ઢાળ-આકારિકીમાં જુદો પડે છે, તેથી તેને ખંડીય ચઢાવ (continental rise) કહે છે.
પૃથ્વીની કુલ સપાટીનો 56 % વિસ્તાર મહાસાગરતળના ઊંડાણથી બનેલો છે. એ જ રીતે, એમાં પણ મહાસાગરતળનો મેદાની વિસ્તાર પૃથ્વીની સપાટીનો 30 % જેટલો ભાગ આવરી લે છે. કુલ સમુદ્રતળનો 47 % જેટલો ભાગ સમુદ્રગહન મેદાનથી આવરી લેવાયેલો છે. ઍટલૅન્ટિક મહાસાગરમાં એના કુલ તળવિસ્તારનો 55 % વિસ્તાર, પૅસિફિકમાં 80.3 % વિસ્તાર તથા હિન્દી મહાસાગરમાં 80.1 % વિસ્તાર આ મેદાનો આવરી લે છે. ઍટલૅન્ટિક મહાસાગરમાં ખંડીય છાજલીઓનું પ્રમાણ વિશેષ હોવાથી આ મેદાની વિસ્તાર ઓછો છે.
સમુદ્રગહન મેદાનો પર ઘનિષ્ઠતાવિહીન કણજમાવટનો નિક્ષેપજથ્થો આચ્છાદન રૂપે પથરાયેલો હોય છે. બહોળી દૃષ્ટિએ જોતાં આ મેદાનો પહોળાં, સપાટ અર્થાત્ ઊંચાણ-નીચાણનાં લક્ષણોથી વિહીન છે, મથાળાનો સપાટી-ઢાળ 0.05°થી વધુ હોતો નથી; પરંતુ તેમની વિભાગીય સપાટીઓ ઓછાવત્તા ખાડાટેકરાઓવાળી હોય છે. તેમાં ઊંડી ખાઈઓ, ઉચ્ચપ્રદેશો, લાંબી પર્વતમાળાઓ પણ હોય છે. ક્યાંક ક્યાંક સમુદ્રતલીય પર્વતો (guyot) પણ જોવા મળે છે. મેદાનોનું સ્થળદૃશ્ય ભૂસંચલનક્રિયાથી અલિપ્ત રહે છે, પરંતુ તેના પર જળકૃત જમાવટનું આચ્છાદન તો હોય છે. વિશાળ વિસ્તાર આવરી લેતાં આ મેદાનો મધ્યમહાસાગરીય ડુંગરધારો(midoceanic ridges)થી સેંકડો કિમી. દૂરના અંતર સુધી વિસ્તરેલાં હોય છે. ઢાળ ક્રમશ: નીચે તરફ ઊતરતો જતો છેવટે અગાધ ઊંડાણ(deeps)માં ફેરવાય છે. સાગરમગ્ન પર્વતમાળાનાં કેટલાંક શિખરો સમુદ્રસપાટી બહાર આવેલાં પણ જોવા મળે છે, તે ટાપુઓ તરીકે ઓળખાય છે. ‘આલ્બાટ્રૉસ’ નામના એક જહાજી-અભિયાન દરમિયાન હિન્દી મહાસાગરમાં શ્રીલંકાની અગ્નિદિશાએ આવેલું નક્કર ખડકોથી બનેલું હજારો ચોકિમી. વિસ્તારમાં પથરાયેલું સમુદ્રગહન મેદાન શોધી કાઢવામાં આવેલું છે.
સમુદ્રગહન મેદાની વિભાગ સમુદ્રકાંઠાથી ઘણા કિમી. દૂર આવેલો હોવાથી સમુદ્રમાં ઠલવાતા બધા જ નિક્ષેપો અહીં સુધી પહોંચી શકતા નથી. આ કારણે, તેમની સપાટીનાં આચ્છાદનો પ્રાણી-વનસ્પતિજન્ય સ્યંદનો(oozes)થી બનેલાં હોય છે; ક્યારેક જ્વાળામુખી દ્રવ્યથી પણ બનેલાં હોય છે. આ સમુદ્રગહન મેદાનોમાં વર્ષો પહેલાં ડૂબી ગયેલાં જહાજોના અવશેષો હોવાનું કેટલાંક અભિયાનો દ્વારા જાણવા મળેલું છે, તેના ઉત્તમ ઉદાહરણ રૂપે ‘ટાઇટેનિક જહાજ’ લઈ શકાય.
ગિરીશભાઈ પંડ્યા
નીતિન કોઠારી