સમુદ્રકંપ (સુનામી) (Seaquake – tsunami)
January, 2007
સમુદ્રકંપ (સુનામી) (Seaquake – tsunami)
સમુદ્રતળ પર થતો (ભૂ)કંપ તથા તેને કારણે ઉદ્ભવતાં મહાકાય સમુદ્રમોજાં. સમુદ્ર/મહાસાગરના તળ પર થતા ભૂકંપથી ઉદ્ભવતી ઊર્જાને કારણે કાંઠા પર ધસી આવતાં રાક્ષસી મોજાં ‘સુનામી’ તરીકે ઓળખાય છે. સમુદ્રીય પોપડા પર થતા ભૂકંપને સૈદ્ધાંતિક રીતે સમુદ્રકંપ (seaquake) કહે છે. ગુરુત્વાકર્ષણ-બળ અને પવનને કારણે સમુદ્રસપાટી પર લહેરાતાં જળઆંદોલનો ભરતી-મોજાં તરીકે ઓળખાય છે. ભરતી-મોજાંની સરખામણીએ આ મોજાં વિરાટ કદનાં હોય છે. સુનામી માત્ર ભૂકંપથી જ ઉત્પન્ન થાય એવું નથી, તે જ્વાળામુખી-પ્રસ્ફુટન, અધોદરિયાઈ ભૂપાત, ઉલ્કાપાત, હરિકેન-ટૉર્નેડો-ચક્રવાતની અસરથી પણ ઉત્પન્ન થઈ શકે છે.
ઉત્તર પૅસિફિક મહાસાગરના ભાગરૂપ જાપાની સમુદ્રમાં તે અવારનવાર ઉદ્ભવતાં રહેતાં હોવાથી તેને માટે ‘સુનામી’ (સુ = બંદર-બારું, નામી = મોજાં; બારામાંનાં મોજાં) જેવો જાપાની શબ્દ પ્રયોજાયેલો, જે હવે સર્વત્ર રૂઢ થઈ ગયો છે. આ માટે ભરતી-મોજાં જેવો સામાન્ય શબ્દપ્રયોગ ઉપયોગમાં લેવાતો નથી.
સમુદ્રતળ હેઠળ જે તે ઊંડાઈએ ઉદ્ભવતા ભૂકંપથી કે ઉપર બતાવ્યા પ્રમાણે, અન્ય કોઈ પણ કારણે સમુદ્રમંથન થતાં પરિણમતા વિક્ષેપથી સમુદ્ર-સપાટી પર જે પ્રચંડ મોજાં ઉત્પન્ન થાય તેને સુનામી કહે છે. ઊંડા સમુદ્રજળમાં તો તેની કોઈ વિશિષ્ટ અસર થતી હોતી નથી, પરંતુ તે જેમ જેમ ઉપર તરફ આવતાં જાય છે અને આગળ ધપે છે તેમ તેમ તે ઉપલી જળસપાટીને ધમરોળે છે, જ્યારે કાંઠા પર પહોંચે છે ત્યારે ભયંકર ઉત્પાત મચાવી તારાજી કરી મૂકે છે.
સમુદ્ર-મહાસાગરની જળસપાટીનું સંતુલન જાળવી રાખતો જળજથ્થો કોઈ પણ પ્રકારના મોટા પાયા પરના વિક્ષેપ હેઠળ આવતાં સુનામી ઉત્પન્ન કરી શકે છે. ભૂકંપજન્ય સુનામી ઉદ્ભવતાં અગાઉ ત્યાંનું સમુદ્રતળ સ્તરભંગની ફાટરેખીય સપાટી પર સરકીને પરસ્પર ઊર્ધ્વગમન-અવતલન પામતું હોય છે; ક્યારેક તેને કારણે વિશાળ પરિમાણ ધરાવતો જળસ્તંભ પણ ઊંચકાતો હોય છે. સમુદ્રીય પોપડાનો કોઈ ભાગ તૂટી પડે તોપણ ત્યાં ભૂકંપ થતો હોય છે. આવા પાતથી, જો ત્યાં જ્વાળામુખી-કોટરો હોય તો તે પણ તૂટી પડે છે, ત્યાં ઉપર રહેલો જળજથ્થો વિક્ષેપ પામી સંતુલન ગુમાવે છે. આવી ક્રિયામાં ક્યારેક ત્યાંનો નિક્ષેપબોજ ખસી જઈ ફરીથી ગોઠવાવા પ્રયાસ કરે છે. સમુદ્રતળ પર જ્વાળામુખી-પ્રસ્ફુટન થાય, ઉલ્કાપાત થાય કે સમુદ્રતળ પર અણુઅખતરા કરવામાં આવે તોપણ સુનામી ઉદ્ભવી શકે છે.
પૅસિફિક મહાસાગરમાં ઉદ્ભવતાં મોટાભાગનાં સુનામી ભૂકંપજન્ય હોય છે. આ મહાસાગરનો વ્યાપ વિશાળ હોવાથી ત્યાં ઉદ્ભવતાં સુનામી 1 મીટરથી વધુ ઊંચાઈવાળાં હોતાં નથી, તેમની ઊર્જા અને તેમનાં આંદોલનો જળમાં શોષાઈ જતાં હોય છે, તેથી તેમની તારાજી કરવાની ક્ષમતા ક્ષીણ બની જાય છે. તે દૂર દૂર રહેલા કાંઠાઓ પર પહોંચી શકતાં નથી અને કદાચ પહોંચે તો તેમની વિશિષ્ટ વિનાશક અસર થતી હોતી નથી.
જે સુનામી વિનાશક અસર ઉપજાવે છે તેની સમજ આ પ્રમાણે આપી શકાય : શાંત જળમાં કાંકરો પડતાં જેમ વલયાકાર આંદોલનો ક્રમશ: ઉત્પન્ન થતાં જાય છે, તે જ રીતે, એવાં જ આંદોલનો ભૂકંપનિર્ગમનકેન્દ્રના ઉદ્ભવસ્રોત પરથી શરૂ થઈ આવર્તિત થતાં જાય છે અને તે જળસપાટી પર વિસ્તરતાં જાય છે. ઊંડાં જળમાં તેમની તરંગલંબાઈ મોટી (આશરે 100થી 200 કિમી. જેટલી) હોય છે, પરંતુ ત્યાં જળઉછાળાની ઊંચાઈ ખૂબ જ ઓછી (0.3થી 0.6 મીટર) હોય છે; તેથી મોજાંનો ઢાળ અર્થાત્ ઊંચાઈ-લંબાઈનો ગુણોત્તર 3/20,00,000થી માંડીને 6/10,00,000 વચ્ચેનો રહે છે. આ જ કારણસર સુનામીની તુલનામાં પ્રતિ સેકંડે 15 મીટરની ગતિવાળાં સામાન્ય દરિયાઈ મોજાંની ગણતરી મૂકી શકાય નહિ.
વધુ વ્યાપ ધરાવતા ખુલ્લા સમુદ્ર કે મહાસાગરમાં સુનામીની કોઈ વિશિષ્ટ અસર વરતાતી હોતી નથી. તેનાથી નૌકાઓ/વહાણોને ભરદરિયે પાંચ મિનિટથી એક કલાકના ગાળા માટે 30થી 60 સેમી. અથવા વધુમાં વધુ એક મીટરના ઊંચાણ-નીચાણનો પછડાટ માત્ર થતો હોય છે. જળઊંડાઈના વધવા સાથે મોજાંની અસર પણ ઘટે છે; જે કાંઈ ક્રિયાત્મક-પ્રતિક્રિયાત્મક અસર થાય છે તે માત્ર જળસપાટી પર જ થતી હોય છે.
સૈદ્ધાંતિક રીતે જોતાં, જળઆંદોલનોની ગતિ v2 = Gd સૂત્ર દ્વારા દર્શાવાય છે, જેમાં v = ગતિ (velocity), G = ગુરુત્વપ્રવેગ (gravity acceleration), તે આશરે 960 અથવા 1000 સેમી./સેકંડ2 હોય છે અને d = જળઊંડાઈ (depth) છે; દા.ત., d જો 4 કિમી. હોય તો v2 = 40,00,00,000 થાય, v = 20,000 સેમી./સેકંડ = 720 કિમી./કલાક થાય. આ સૂત્ર-ગણતરીની ખાતરી પહેલવહેલી ક્રાકાટોઆના જ્વાળામુખીજન્ય સુનામી પરથી કરવામાં આવેલી છે, જે દુનિયાનાં બધાં જ બારાં પર મૂકેલાં ભરતીમાપકો (tide-gauges) પરથી મળેલી છે. હિન્દી મહાસાગરનાં પાણી માટે આ ગતિ 565-720 કિમી./કલાકના ગાળાની મળેલી છે, જે માટેનાં મુખ્ય મથકો એડન અને કેપટાઉન હતાં.
સુનામીનું સર્વપ્રથમ મોજું અને ક્રમશ: આવતાં મોજાં આગળ વધતાં વધતાં જ્યારે કાંઠા પર આવી પહોંચે છે ત્યારે મોજાંનો ગર્તભાગ (trough) પ્રથમ અથડાય છે, અથડામણના પ્રત્યાઘાત રૂપે તે પાછું પડે છે ત્યારે ત્યાંના છીછરા તળનો કેટલોક ભાગ ક્ષણિક ખુલ્લો થઈ પાછો જળઆચ્છાદિત બની ઢંકાઈ જાય છે. બરાબર આ પ્રકારની ક્રિયા 1755ના નવેમ્બરની પહેલી તારીખે (All Saints Day) લિસ્બન (પોર્ટુગલ) ખાતે થયેલી. તેને કારણે ત્યાં ચર્ચમાં પ્રાર્થના કરવા એકઠા થયેલા દર્શનાર્થીઓ કુતૂહલવશ શું થઈ રહ્યું છે તે જોવાની જિજ્ઞાસામાં હુમલાનો ભોગ બની ગયેલા. દરિયાકાંઠેથી જબરદસ્ત મોજું આવ્યું અને થોડીક જ ક્ષણોમાં મોજાની પાછા હઠવાની સાથે બધા તણાઈ ગયા, આવર્તિત મોજાંથી 60,000 માણસોનો ભોગ લેવાયો અને પુસ્તકાલય, સંગ્રહાલય, ઑપેરાગૃહ સહિત અર્ધા ઉપરનું લિસ્બન પણ તારાજ થઈ ગયેલું. 1703માં જાપાનના ‘આવા’ (AWA) ખાતે ઉદ્ભવેલા અતિપ્રચંડ સુનામીમાં નહિ નહિ તો એક લાખ લોકો મૃત્યુ પામેલા. 1883ના ઑગસ્ટની 26 અને 27મીએ ઇન્ડોનેશિયાના ક્રાકાટોઆ ટાપુ પર થયેલા જ્વાળામુખી-પ્રસ્ફુટનથી ઉદ્ભવેલા સુનામીમાં આખાય ટાપુની ભૂપૃષ્ઠ-આકારિકી બદલાઈ ગયેલી; 35 મીટર ઊંચાં ઊછળેલાં મોજાંની થપાટોથી ઈસ્ટ ઇન્ડિઝના 36,000 લોકો મોતને ભેટેલા.
સુનામી જ્યારે ભૂમિકાંઠે પહોંચે છે ત્યારે મહત્ત્વના બે ફેરફારો થાય છે : જળઊંડાઈ ઘટવાની સાથે આંદોલનોની તરંગલંબાઈ ઘટે છે, પરંતુ મોજાંના ઉછાળાની ઊંચાઈ વધે છે. તેથી ક્યારેક માત્ર 10થી 15 મિનિટમાં તો તે ણ્ 30 મીટર સુધીની ઊંચાઈ મેળવી લે છે. આમ થવાનું મુખ્ય કારણ ભૂમિ-અવરોધ ગણાય. અવરોધથી આઘાત-પ્રત્યાઘાત સર્જાય છે. સમુદ્રજળસપાટીમાં વૃદ્ધિ થવાથી નજીકની ખંડીય છાજલી પરનો જળરાશિ પુષ્કળ પ્રમાણમાં વિક્ષેપિત થાય છે; માત્ર 3થી 5 આવર્તિત આંદોલનોમાં તો તારાજી થઈ જાય છે. મોજાંનાં આવર્તનો એક-બે કે ત્રણ દિવસ અથવા વધુમાં વધુ અઠવાડિયા સુધી ચાલુ રહી શકે છે. ભૂકંપ-તરંગો દર મિનિટે 970 કિમી.ની ગતિથી પ્રસરે છે. સુનામી ખુલ્લા સમુદ્રમાં દર કલાકે 800થી 970 કિમી.ની ગતિથી આગળ ધપે છે, જોકે મોજાંની ગતિનો આધાર જળની ઊંડાઈ પર પણ રહે છે. તે જ્યારે કાંઠા નજીક છીછરા જળમાં પહોંચે ત્યારે ણ્ 30 મીટર ઊંચી જળદીવાલ રચી શકે છે; જેમ કે હિન્દી મહાસાગરમાં ખંડીય છાજલી આશરે 200 મીટરની ઊંડાઈએથી શરૂ થાય છે. 4,000 મીટરની ઊંડાઈએથી 200 મીટરની ઊંડાઈ સુધી આવતાં તરંગ-ઊર્જામાં ફેરફાર ઊભો થાય છે. છીછરા જળમાં આવતાં, મોજાંની ભૌતિક ઊર્જા વૃદ્ધિ પામે છે. ઊર્જામાં વૃદ્ધિ થવાથી સીધી ગતિથી આવતાં મોજાં વક્ર ગતિમાં ફેરવાઈ જાય છે. કાંઠા નજીક આવતી વખતે ઊંચાઈ 20 મીટર હોય તો ભૂમિ-અવરોધ આવી જતાં તેમાં 60 % વૃદ્ધિ થાય છે. જળબુંદગતિ કાંઠા નજીક 7 મીટર/સેકંડ, અર્થાત્, 25 કિમી./કલાકની થઈ જાય છે. આ ક્ષમતા પ્રાપ્ત થતાં કાંઠા પર મોજાં અથડાય ત્યારે ઉછાળો મારે છે. કંઠારપટ પર જોનારને તે જાણે કે ઊંચી જળદીવાલ ધસી આવતી હોય એવું લાગે છે.
ઓછી ક્ષમતાવાળાં અને તેથી ઓછાં વિનાશક સુનામી સમુદ્રતળ પર થતા જ્વાળામુખી-પ્રસ્ફુટન કે અધોદરિયાઈ ભૂપાતને કારણે ઉદ્ભવતાં હોય છે; વિનાશકારી સુનામી ઘટનાઓ મોટેભાગે તો ભૂકંપજન્ય જ હોવાનું માલૂમ પડ્યું છે. આ માટે મુખ્યત્વે ભૂતકતી- સંચલન (plate tectonics) કારણભૂત હોય છે. એક ભૂતકતી બીજી ભૂતકતી સાથે અથડાય કે એકની નીચે બીજી દબાય ત્યારે ભૂકંપ સ્વરૂપે સંચલન થાય છે. પૃથ્વીના પોપડાની વિરૂપતા સાથે સંકળાયેલા આ પ્રકારના ભૂકંપને ભૂસંચલનજન્ય ભૂકંપ કહે છે. આ ક્રિયાપદ્ધતિમાં સ્તરભંગ(fault)-સપાટી પર ખસેડ થતો હોય છે. પોપડામાં થતી આ પ્રકારની વિક્ષેપક્રિયા ભૂકંપ અને સુનામીના ઉદ્ભવ માટે જવાબદાર ગણાય છે. ભૂતકતી-સંચલન વખતે મોટેભાગે 18થી 30 કિમી.ની ઊંડાઈના સ્તરે કોઈક બિંદુએ ભૂકંપકેન્દ્ર (focus) ઊભું થાય છે,
પરિણામે 7થી વધુ તીવ્રતા(રિક્ટર માપ)વાળો ભૂકંપ સર્જાય છે. ભૂકંપ-તરંગો જળજથ્થાને વિક્ષેપિત કરે છે, જળજથ્થો પોતાનું સંતુલન ગુમાવે છે, તેમાંથી પ્રચંડ ઉછાળો ઉદ્ભવે છે. સમુદ્રપોપડા પરની સ્તરભંગ રેખાને સમાંતર સુનામી પ્રસરે છે. પૃથ્વીના પટ પર થતા મોટા ભૂકંપો પૈકીના માત્ર 20 % ભૂકંપોમાં જ સુનામી ઘટના થતી હોવાનો અંદાજ મુકાયેલો છે. એક વાર સુનામી ઉદ્ભવ્યું એટલે તે બધી દિશાઓમાં શ્રેણીબંધ મોજાં રૂપે પ્રસરે છે. મોજાંની તરંગલંબાઈ અને ભૂમિકાંઠાનું સામીપ્ય ઓછાવત્તા નુકસાન માટેનાં આધારરૂપ પરિબળો ગણાય. ભૂકંપનું ઉદ્ભવબિંદુ જાણ્યા પછી સુનામી ક્યાં, ક્યારે, કેટલી તીવ્રતાથી પહોંચશે તેનો નિર્ણય લઈ શકાય અને શક્ય હોય તે મુજબ ચેતવણી પ્રસારિત કરી શકાય.
સુનામીનો ઉદ્ભવ : મહાસાગર-તળ પર જ્યારે પણ મોટા પાયા પર સંચલનની આકસ્મિક ઘટના બને ત્યારે ત્યાંનો જળરાશિ પુષ્કળ પ્રમાણમાં વિક્ષોભ પામે છે. વિક્ષોભ થવા માટે ત્રણ ક્રિયાપદ્ધતિઓ જવાબદાર ગણાય : (i) ભૂકંપનિર્ગમનકેન્દ્ર જ્યારે મહાસાગર-તળ પર હોય ત્યારે તેમાંથી ઉત્પન્ન થતાં આંદોલનો તે તળભાગને હચમચાવી નાખે; (ii) મહાસાગર-તળ પર, વિશેષે કરીને ખંડીય ઢોળાવ (continental slope) પર ભૂસ્ખલન (પંકસ્ખલન) થાય, તો ત્યાંના તળની આકારિકીમાં એકાએક ફેરફાર થાય અને (iii) જ્વાળામુખી-પ્રસ્ફુટન જો મહાસાગર-તળ પર અથવા તેની તદ્દન પાસેના ભૂમિભાગ પર થાય ત્યારે તે ભાગ ધ્રૂજી ઊઠે, ત્યાં લાવા/જ્વાળામુખી ભસ્મ ઠલવાય.
ઉપર્યુક્ત વિક્ષેપો પૈકીનો કોઈ પણ વિક્ષેપ તળને હચમચાવે, ત્યાંનો જળજથ્થો વલોવાય અને ભૂકંપની તીવ્રતા અને ઊર્જા મુજબ સુનામી ઉદભવે. આ પ્રકારનાં સુનામી આટલાન્ટિક કે હિન્દી મહાસાગરમાં ઉત્પન્ન થવાની સંભાવના પ્રમાણમાં ઓછી રહે છે, પરંતુ પૅસિફિક મહાસાગરના કાંઠાઓ માટે તો તે સર્વસાધારણ ઘટના ગણાય છે. (જુઓ, ટકાવારી-દર્શક સારણી 1) આ સંદર્ભમાં જોતાં, 4,000 વર્ષ અગાઉ ચીનમાં કે 1,300 વર્ષ અગાઉ જાપાનમાં સુનામી થયાં હોવાની નોંધ મળે છે; પરંતુ ભારતમાં સુનામી થયાં હોવાની કોઈ નોંધ મળતી નથી.
સારણી 1 : સ્થળો મુજબ સુનામીની ટકાવારી
ક્રમ | સ્થળ | % |
1. | પૅસિફિક મહાસાગર | 25.4 |
2. | ઈસ્ટ ઇન્ડિઝ | 20.3 |
3. | જાપાનરશિયા | 18.6 |
4. | કૅરિબિયન સમુદ્ર | 13.8 |
5. | ભૂમધ્ય સમુદ્ર | 10.1 |
6. | પૅસિફિક પૂર્વ કાંઠો | 8.9 |
7. | આટલાન્ટિક પૂર્વ કાંઠો | 1.6 |
8. | બંગાળાનો ઉપસાગર | 0.8 |
9. | આટલાન્ટિક પશ્ચિમ કાંઠો | 0.4 |
સુનામી-ઉદ્ભવની સરેરાશ જોતાં એમ જરૂર કહી શકાય કે આજ સુધીના 80 % સુનામી ભૂકંપજન્ય રહ્યાં છે; તે મોટેભાગે તો પૅસિફિકમાં ઉદભવેલાં છે. ભૂતકતી-સંચલન તેમજ સમુદ્રતળ-વિસ્તરણને કારણે તે થતાં હોય છે. આવાં કારણોથી જ પૅસિફિક કાંઠો જ્વાળામુખી-પ્રસ્ફુટનને પાત્ર બની રહેલો છે; આથી તેને અપાયેલું ‘પૅસિફિક અગ્નિવલય’ (Pacific Ring of Fire) નામ યથાર્થ ઠરે છે.
ભૂકંપનું કારણ : 2004ના ડિસેમ્બરની 26મીની સવારનો આ અતિધસારા(overthrust)જન્ય ભીષણ ભૂકંપ ભારતીય ભૂતકતી અને મ્યાનમાર ભૂતકતીના જોડાણના આંતરપૃષ્ઠ પર થયો. ભૂકંપ થવાનું મુખ્ય કારણ મ્યાનમાર ભૂતકતીની નીચે દબેલી ભારતીય ભૂતકતી વધુ દબવાથી ઉદ્ભવેલાં દાબનાં પ્રતિબળો(compressive stresses)ની મુક્તિ હતું. ભૂકંપનું કેન્દ્ર (focus) 8.8 કિમી. નીચે હતું. ભૂકંપનિર્ગમનકેન્દ્ર(epicentre)ની પશ્ચિમે રહેલી સુન્દા ખાઈ હેઠળના ભૂમધ્યાવરણમાં ભારતીય તકતીએ દબવાનો પ્રારંભ કરેલો. આ ખાઈ એ ઑસ્ટ્રેલિયા અને ભારતની તકતીઓ વચ્ચે જોડાણનું એક સપાટી-લક્ષણ છે. આ તકતીઓ સુન્દા ખાઈની અગ્નિ દિશામાં છે, જ્યારે મ્યાનમાર અને સુન્દા તકતીઓ ઈશાન તરફ આવેલી છે. આમ તકતીઓના અન્યોન્ય સંચલનથી ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પરના અસેહ પ્રાંતને કાંઠે ભારતીય પ્રમાણસમય મુજબ સવારે 6.29 કલાકે 9ની તીવ્રતાનો ભૂકંપ સર્જાયો. ત્યારબાદ 8.38 કલાકે આંદામાનમાં પણ 6.1ની તીવ્રતાનો ભૂકંપ થયેલો.
આ ભૂકંપની ક્રિયાપદ્ધતિની ભૂસ્તરીય સમજ આ રીતે આપી શકાય : ભૂતકતી-સંચલનના સંદર્ભમાં ભારતીય તકતી પ્રતિવર્ષ 6 સેમી.ના દરથી ઈશાન તરફ ખસતી રહે છે. દાબનાં પ્રતિબળો સંચિત થતાં જાય છે. તેનું પરિણામ એ આવે કે સુન્દા ખાઈ ખાતે ત્રાંસું કેન્દ્રગામી જોડાણ ઊભું થાય છે. ત્રાંસી ગતિને કારણે ધસારા-સ્તરભંગ ક્રિયાશીલ થાય, તે તકતીઓની સંપર્ક-સપાટી પર અસર કરીને ખાઈની લંબદિશામાં ખસેડ કરે. આ ક્રિયાથી સ્તરનિર્દેશન સ્તરભંગ (strike-slip fault) થાય; પરિણામે ખાઈની ફાટદિશાને સમાંતર પૂર્વ તરફ સેંકડો કિમી. લંબાઈના અંતરમાં ખસેડ થતો જાય. આ પ્રકારનો ખસેડ અને દબવાની સંયુક્ત ક્રિયા એટલે ધસારા-સ્તરભંગની સંચલનક્રિયા. બસ, આ જ રીતે 2004ના ડિસેમ્બરની 26મીએ ભૂકંપ ઉદ્ભવેલો.
મુખ્ય ભૂકંપ થયા બાદ, દક્ષિણ તરફથી શરૂ થઈને ઉત્તર તરફ 1200 કિમી. લંબાઈની રેખા પર ત્રણ તબક્કામાં ઓછામાં ઓછા આઠ મોટા પશ્ચાત્કંપ આવેલા; તે બધા તકતીઓ વચ્ચેની સ્તરભંગ-સપાટીના છીછરા સ્તરે વહેંચાતા ગયેલા; એટલું જ નહિ, તે ભૂકંપનિર્ગમનકેન્દ્રથી ઉત્તર તરફ આંદામાન ટાપુઓ તરફ વિસ્તરતા ગયેલા. અતિધસારાજન્ય મુખ્ય ભૂકંપને અનુસરીને જે જે મધ્યમ તીવ્રતાવાળા પશ્ચાત્કંપ ઉદ્ભવતા ગયેલા, તે બધા આ 1200 કિમી. લાંબી તકતી-સીમા પર જ થયેલા. અન્ય અતિધસારાજન્ય ભૂકંપોની તુલનામાં આ ભૂકંપ માટેનું ફાટ-ભંગાણ અંદાજે 100 કિમી. પહોળાઈનું હતું. ભૂકંપની તીવ્રતા પરથી કહી શકાય કે સ્તરભંગ સપાટી પરનો સરેરાશ ખસેડ આશરે 15 મીટર જેટલો હતો. આ ભૂકંપને પરિણામે ધસારા-સ્તરભંગ પરનું સમુદ્રતળ અનેક મીટર જેટલું ઊંચકાયું હોવું જોઈએ.
ઇન્ડોનેશિયા અને આંદામાનને વટાવીને સુનામી સવારે 9 કલાકના સુમારે ચેન્નાઈકાંઠાને આંબી ગયાં; ઉદ્ભવસ્રોતથી તે જેમ જેમ આગળ ધપતાં ગયાં તેમ તેમ છીછરા જળને ધમરોળતાં ગયાં અને ઉછાળાની ઊંચાઈ વધતી ગયેલી. ચેન્નાઈ અને શ્રીલંકાના કાંઠે ઊંચી જળદીવાલને સ્વરૂપે અથડાયાં, પાછાં પડ્યાં, ફરીને અથડાયાં અને તારાજી કરી મૂકી.
ઇન્ડોનેશિયાનાં નોંધપાત્ર ભૂસ્તરીય લક્ષણો : ઇન્ડોનેશિયાનો લગભગ સમગ્ર વિસ્તાર ભૂકંપના સંદર્ભમાં ખૂબ જ સક્રિય ગણાય છે, સાથે સાથે તે સક્રિય જ્વાળામુખીનો વિસ્તાર પણ છે. તેમાં અન્ય મુખ્ય ભૂપૃષ્ઠ રચનાત્મક લક્ષણોમાં ઊંડી મહાસાગરીય ખાઈ (deep oceanic trench), ભૂઊર્ધ્વવાંકમય પટ્ટો (geanticlinal belt), આંતરિક જ્વાળામુખી ચાપ (inner volcanic arc) તેમજ કિનારીથાળું ધરાવતો દુનિયાભરનો નમૂનેદાર દ્વીપચાપનો વિસ્તાર (Island arc structure) સમાવિષ્ટ છે. આમ ભૂસ્તરીય દૃષ્ટિએ તે વિક્ષેપને પાત્ર બની રહેલો છે, આવાં ભૂસ્તરીય લક્ષણોને કારણે અહીં અવારનવાર ભૂકંપ/જ્વાળામુખી થતા રહે છે.
એશિયાઈ સુનામી ઘટના : 2004ના ડિસેમ્બરની 26મી તારીખે, રવિવારે સવારે (સ્થાનિક સમય 6 : 58; ભારતીય સમય 6 : 29) ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુના વાયવ્ય તરફના અસેહ પ્રાંત નજીકના હિન્દી મહાસાગરમાં, રિક્ટર માપ મુજબ 9 તીવ્રતાનો ભૂકંપ થયો. તેનું ભૂકંપકેન્દ્ર ત્યાંના સમુદ્રતળ હેઠળ 8.8 કિમી.ની ઊંડાઈએ સ્થિત હતું. વધુ તીવ્રતાવાળા ભૂકંપો પૈકી 1900 પછીનો દુનિયાભરનો આ ચોથો તેમજ 1964માં અલાસ્કાની પ્રિન્સ વિલિયમ સાઉન્ડમાં થયેલા ભૂકંપ પછીનો આ ભીષણ ભૂકંપ હતો.
મહાસાગર-જળ હેઠળ થયેલા આ ભૂકંપથી ઉદ્ભવેલાં પ્રચંડ સુનામીને કારણે સમગ્ર દક્ષિણ અને અગ્નિ એશિયાના ઘણાખરા દેશોને વિનાશક અસર થઈ. ઇન્ડોનેશિયાનાં કેટલાંક નગરો નકશા પરથી ભૂંસાઈ ગયાં, કેટલાક ટાપુઓ તૂટી ગયા તો કેટલાક જળમાં ગરક થઈ ગયા. આ સુનામી પૅસિફિક મહાસાગરને પણ વટાવી ગયું; એટલું જ નહિ, ઉત્તર અને દક્ષિણ અમેરિકાના પશ્ચિમ કાંઠા પર પણ તેની નોંધ લેવાઈ. સુનામીની અસર કોકોસ ટાપુ, કેન્યા, મોરિશિયસ, રીયુનિયન અને સેશલ્સ ટાપુઓ પર પણ વરતાઈ. ભૂકંપ સુમાત્રાના બાંદા અસેહ અને મેડન પર પણ અનુભવાયો; તેની અસર ભારત (પૂર્વ કાંઠો, નૈર્ઋત્ય કાંઠો, આંદામાન-નિકોબાર ટાપુઓ), મલયેશિયા, મ્યાનમાર, માલદીવ, સિંગાપોર, શ્રીલંકા, થાઇલૅન્ડ અને કંઈક અંશે બાંગ્લાદેશ પર પણ પહોંચી.
આ આપત્તિકારક ભૂકંપજન્ય સુનામીથી આફતમાં સપડાયેલા એશિયા અને આફ્રિકાના આશરે 30 લાખ લોકોને જરૂરી રાહતસામગ્રી પૂરી પાડવા રાહતછાવણીઓ કામે લાગી ગઈ. રાહતટુકડીઓએ ઇન્ડોનેશિયાનાં અસરગ્રસ્ત ગામોને ભંગારમાં ફેરવાયેલાં જોયાં, દેશના 50 %થી વધુ લોકોને મરણ પામેલાં જોયાં. કલ્પના બહાર થયેલી હોનારતથી માત્ર પાંચ જ દિવસમાં મૃત્યુઆંક એક લાખની સંખ્યાને આંબી ગયો, જાન્યુઆરીની 5મી સુધીમાં તે 1,50,000નો થઈ ગયો. આ ઉપરાંત હજારો લોકો લાપતા તેમજ બેઘર બન્યાના સમાચાર મળતા ગયા; વિવિધ સમાચાર માધ્યમોએ છેલ્લા સત્તાવાર આંકડા બહાર પાડેલા, તે અંદાજે આ પ્રમાણે હતા : ઇન્ડોનેશિયા : 94,000 (બિનસત્તાવાર 1,66,000); શ્રીલંકા : 30,240 (70 વિદેશીઓ સહિત); ભારત : 15,700 (ઓછામાં ઓછા 10,000); થાઇલૅન્ડ : 5200 (2500 પ્રવાસીઓ સહિત); સોમાલિયા : 175; મ્યાનમાર : 90; માલદીવ : 82; મલયેશિયા : 68; તાન્ઝાનિયા : 10; સેશલ્સ : 3; બાંગ્લાદેશ : 2; કેન્યા : 1. યુરોપથી આવેલા આશરે 5000 પ્રવાસીઓનો કોઈ પત્તો લાગ્યો નહિ. આ ઉપરાંત કૅનેડા, ઑસ્ટ્રેલિયા, જાપાન, સિંગાપોરના પ્રવાસીઓ તો અલગ. જૂન 2005 સુધીમાં મૃત્યુ પામેલા તથા લાપતા થયેલા લોકોનો ઉપલબ્ધ આંકડો 2,30,000નો મુકાયેલો છે.
સારણી 2 : અસરગ્રસ્ત દેશો : હોનારત
મૃત્યુ-આંક | તારાજી / અન્ય વિગત | |
ઇન્ડોનેશિયા | 94,081 | કાંઠાનાં ઘણાં ગામ ધોવાઈ ગયાં |
શ્રીલંકા | 30,500 | હજારો લાપતા |
થાઇલૅન્ડ | 5,200 (50 % પરદેશી) | – |
સોમાલિયા | 300 | 50,000 બેઘર |
માલદીવ | 82 | 12,500 બેઘર |
મલયેશિયા | 68 | પેનાંગના ઘણા લોકો તણાઈ ગયા. |
મ્યાનમાર | 64 | કદાચ મૃત્યુ-આંક ઘણો મોટો |
તાન્ઝાનિયા | 10 | 50,000 બેઘર |
ઇન્ડોનેશિયા–સુમાત્રા : ભૂકંપનું નિર્ગમનકેન્દ્ર જેની નજીક હતું, તે સુમાત્રા ટાપુની 50 % વસ્તી મોતના મુખમાં ચાલી ગઈ; મેઉલાબોર નગરના 33 % લોકો(અંદાજે 10,000)નો ભોગ લેવાયો. સુમાત્રા ટાપુને આંચકાનો એટલા જોરથી ધક્કો લાગ્યો કે તે 30 મીટર જેટલું નૈર્ઋત્ય તરફ ખસી ગયું હોવાની નોંધ મુકાઈ. 9ની તીવ્રતાના ભૂકંપથી ઉદ્ભવેલા સુનામીની પ્રબળતા એટલી બધી હતી કે મોજાં બે કિમી. દૂરના પર્વતોને અથડાયાં ત્યારે જ અટક્યાં. ભૂકંપ તથા સુનામીથી થયેલો એકલા અસેહ પ્રાંતનો મૃત્યુ-આંક, માત્ર પહેલા દિવસનો જ 50,000થી 80,000 વચ્ચેનો થયેલો. આંતરરાષ્ટ્રીય રાહત સંસ્થાના અધિકારીઓએ જણાવેલું કે અહીંનો મૃત્યુ-આંક કદાચ એક લાખથી વધી જાય તો નવાઈ નહિ. મેઉલાબોર નગર લગભગ આખુંય ધોવાઈ ગયું. 80 % આવાસો-ઇમારતો નષ્ટ થઈ ગયાં. જીવતા રહી ગયેલા આવાસીઓને તેમના ભવિષ્યની ચિંતા સતાવી રહી.
થાઇલૅન્ડ : થાઇલૅન્ડના ફુકેટ, ફીફી ટાપુ, ક્રેબી તેમજ નજીકના બીજા ટાપુઓ પરનાં લોકપ્રિય વિશ્રામગૃહો, પ્રવાસીઓ માટેની ઉપયોગી ઇમારતો તથા આંતરમાળખાકીય સુવિધાઓને ખૂબ જ નુકસાન થયું, જાનહાનિ (5000 +) પણ થઈ. ફુકેટ ટાપુના પૂર્વ કાંઠા પર આવેલા ધક્કાનો – જ્યાંથી મુસાફરો ફીફી ટાપુ પર જવા માટે ફેરી પર ચઢવાના હતા તેનો સુનામીએ કચ્ચરઘાણ વાળી નાખ્યો; માત્ર લગુના ફુકેટ દક્ષિણે આવેલા ઊંચાઈવાળા અવરોધથી બચી જવા પામ્યું. અસરગ્રસ્ત અન્ય સ્થળોમાં કમાલા બીચ, કાટા બીચ, કારૉન બીચ, પાટોંગ બીચ, બાન્ગતાઓ બીચ, નાઈ હાર્ન બીચ તથા ફુકેટ ફૅન્ટસીનો સમાવેશ થાય છે. ફીફી ટાપુઓના લગભગ બધાં જ વિશ્રામગૃહો તથા અન્ય માળખાકીય સુવિધાઓ ભંગારમાં ફેરવાઈ ગયાં. ત્યાંનું બધું જ કામકાજ થંભી ગયું. ફુકેટનો પાટોંગ બીચ નષ્ટ થઈ ગયો. થાઇલૅન્ડનો આશરે 5,200 પૈકીનો 66 % મૃત્યુ-આંક અહીંનો હતો. થાઇલૅન્ડના ટાપુ-રિસૉર્ટમાં ભારત, જાપાન, ફ્રાન્સ, સ્વીડન, માલદીવ અને શ્રીલંકાના નાતાલની રજાઓ ગાળવા અને માણવા આવેલા આશરે 2,500-3,000 જેટલા પ્રવાસીઓ દરિયામાં ખેંચાઈ ગયા હોવાની નોંધ મુકાઈ.
મલયેશિયા : 68 લોકોનાં મૃત્યુ થયાં અને પેનાંગના ઘણા લોકો તણાઈ ગયા. ત્યાંનો બીચ સુનામીની પછડાટોથી પાછી વળેલી માછલીઓથી ભરાઈ ગયેલો.
મ્યાનમાર : મ્યાનમાર ખાતે જે કંઈ નુકસાન થયેલું તે માત્ર દક્ષિણ દ્વીપસમૂહ પૂરતું સીમિત હતું; ત્યાંના અંગપાલી, ચૌન્થા અને અંગવે સોંગ કંઠાર રેતપટોને નુકસાન પહોંચેલું.
માલદીવ : હુલુલીના નાનકડા ટાપુ પર આવેલા, માલદીવના એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈમથકની પટ્ટી જળબંબાકાર થઈ ગયેલી. ત્યાંનું પાણી પંપથી ઉલેચી નાખ્યા બાદ, 27મી ડિસેમ્બરે વહેલી સવારે તે ખોલી શકાયેલું. પ્રવાસીઓનું પ્રિય સ્થળ ગણાતો, છેક છેવાડે આવેલો, અહીંનો ધીફુશી ટાપુ આખોય ડૂબી ગયેલો, જેનું પુનર્નિર્માણ કરવું પડે એવી સ્થિતિ ઊભી થઈ.
શ્રીલંકા : શ્રીલંકાનો અગ્નિકાંઠાનો સમગ્ર ભાગ તારાજીની લપેટમાં આવી ગયેલો. દેશની ગીચ વસ્તી ધરાવતા આ વિસ્તારનાં ઘણાંખરાં ગામ નકશા પરથી ભૂંસાઈ ગયાં. ગાલે નગર સંપૂર્ણ વિનાશ પામ્યું. અહીંનો આખોય કાંઠો ધોવાઈ ગયો, તેનું નામોનિશાન પણ ન રહ્યું. જલાગ્રભાગ(waterfront)થી અંદર 100 મીટરમાં રહેલી બધી જ ઇમારતો નામશેષ બની ગઈ. 30,000થી વધુ લોકો માર્યા ગયા. લાખો લોકો બેસહાય-બેઘર બની ગયા. અહીંનો મૃત્યુઆંક ભારત કરતાં બમણો થયેલો અને તારાજી પણ વધુ થયેલી.
સેશલ્સ : સેશલ્સના પ્રેસ્લિન ટાપુને પણ અસર પહોંચેલી.
ભારત : ઇન્ડોનેશિયામાં ઉદ્ભવેલા ભૂકંપજન્ય સુનામીની વિનાશક અસર ભારતના આંદામાન-નિકોબાર ટાપુઓ, તમિલનાડુ-આંધ્રપ્રદેશના કાંઠાના વિસ્તારો પર વિશેષ જ્યારે કેરળ-ગોવાની કંઠારપટ્ટી પર ઓછા પ્રમાણમાં થવા પામેલી.
CSIRની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઓશનોગ્રાફીના ડિરેક્ટર-(ડૉ. એસ. આર. શેઠ)ના જણાવ્યા મુજબ હિન્દી મહાસાગરમાં ઘટેલી સુનામીની ઘટના ભારત તેમજ નજીકના પડોશી દેશોના દરિયાકાંઠાના ભાગો માટે એક અભૂતપૂર્વ, ઐતિહાસિક, પ્રલયકારી ઘટના હતી. 9ની તીવ્રતાનો આ ભૂકંપ વિશ્વભર માટે અતિપ્રચંડ હતો. ભૂકંપની તત્કાલીન અસર એ થઈ કે ભારતીય ભૂતકતી બર્માની ભૂતકતી હેઠળ સરકીને 15 મીટર જેટલી દબાઈ. તકતી-સંચલનથી ઉદ્ભવેલાં ભૂકંપનાં આંદોલનોએ ત્યાંના સમુદ્રજળજથ્થાને વલોવી નાખ્યો. ઍરક્રાફ્ટની ઝડપને સમકક્ષ કલાકના 750 કિમી.ની ગતિથી ધસતાં આવેલાં વિરાટ મોજાંની થપાટોએ વિશેષે કરીને આંદામાન-નિકોબાર ટાપુઓને, ચેન્નાઈ અને શ્રીલંકાના અગ્નિકાંઠાને ધમરોળી નાખ્યા. કાંઠાની અંદરના 200થી 250 મીટર સુધીના ભૂમિભાગ પર મોજાંનો મારો ચાલુ રહ્યો. મોજાંની ઉગ્ર અથડામણથી કંઠારભાગ નામશેષ થઈ ગયો. પ્રચંડ મોજાંનાં આવર્તનો એક પછી એક આવતાં રહ્યાં……… બેશુમાર જાનહાનિ થઈ, કરોડોની માલમિલકતને નુકસાન પહોંચ્યું, લાપતા-બેસહાય-બેઘર લોકોનો આંક મૂકી શકાય એવું રહ્યું નહિ.
કેન્દ્ર સરકારે, અસરગ્રસ્ત રાજ્ય સરકારોએ તેમજ અન્ય રાજ્ય સરકારોએ તથા લગભગ બધા જ ભારતવાસીઓએ માનવતાના ધોરણે વિવિધ સામગ્રી અને સહાયનો ધોધ વહાવ્યો; પરદેશોમાંથી પણ રાહતસામગ્રી, રાહતનાણાં તથા સહાનુભૂતિના સંદેશા આવ્યાં. (જુઓ, રાહત-સારણી.)
કાંઠા પરનાં બંદરો, જેટીઓ-ધક્કા, નૌકાજહાજો, વાહનો, આવાસો-ઇમારતો ધોવાઈ ગયાં; લોકો અને પશુઓ તણાઈ ગયાં. કંઠારપટ્ટીના વિસ્તારો ઉજ્જડ અને ભેંકાર બની રહ્યા. પશ્ચિમ તરફના કાંઠા પરના કેરળ અને ગોવા સુધીના ભાગો પણ ઓછીવત્તી અસરથી બાકાત રહી શક્યા નહિ.
દુનિયાભરમાં બીજા ક્રમે શ્રેષ્ઠ ગણાતી ચેન્નાઈની કંઠારપટ્ટી – ‘મરીના બીચ’ની અદ્વિતીય રમણીયતા 10 મીટર ઊંચાં મોજાંની ઉપરાઉપરી ઉગ્ર થપાટોથી નષ્ટ થઈ ગઈ. નજીક પડેલાં વાહનો, નૌકાઓ ઊછળ્યાં, ફંગોળાયાં, તણાયાં અને કેટલાંક પાછાં ઊછળીને જાહેરમાર્ગો પર, બીચ પર આવીને પડ્યાં. ઝૂંપડપટ્ટીઓ પર તેમજ નજીકના આવાસોના બીજા માળ સુધી પાણી ઊછળીને પડ્યાં.
26મી ડિસેમ્બરે, વહેલી સવારે હોડીઓ લઈને નીકળેલા માછીમારો દરિયામાં ગરક થઈ ગયા. નાગપટ્ટિનમની પરિસ્થિતિ બદતર હતી, ધક્કા નજીકની રેલપટ્ટીઓ ધોવાઈ ગઈ, કર્માવતી ગામ આખુંય તારાજ થઈ ગયું. કડલોરના સિલ્વર બીચ પર ઠેર ઠેર માનવશબોના ઢગલા ખડકાયા, જરૂર પડી ત્યાં સામૂહિક દફનવિધિ કરવામાં આવી, પાવડે પાવડે તેમના પર રેતીના ઢગ ખડકીને દાટી દેવાયા.
ચેન્નાઈ અને નાગપટ્ટિનમ-કડલોર ઉપરાંત કન્યાકુમારી, કલ્પક્કમ, થિટુએન્દુર, પુદુચેરી, કરાઇકલ; આંધ્રના કૃષ્ણા, પશ્ચિમ ગોદાવરી, પ્રકાશમ્ જિલ્લાઓના વિસ્તારોમાં પુષ્કળ નુકસાન પહોંચ્યું. કલ્પક્કમનું વેલાંકની ચર્ચ ધરાશાયી થઈ ગયું, ત્યાં પ્રાર્થના માટે ભેગા થયેલા બધા જ લોકો માર્યા ગયા. વસ્તીથી ધમધમતાં કેટલાંક નગરો કબ્રસ્તાનમાં ફેરવાઈને ભૂતિયાં બની રહ્યાં. નાગરકૉઈલના બિશપ ફાધર સ્ટીફન હેન્રીના જણાવ્યા મુજબ કોલાચલના 1000 આવાસો પૈકીના 500 આવાસોને નુકસાન પહોંચ્યું, કેટલાંક તો પાયામાંથી જ આખાં ને આખાં ઊખડી ગયાં. 500 માછીમારો માર્યા ગયા અને 1000 જેટલા માછીમારો લાપતા બન્યા. કોલાચલનો કાંઠો ભંગારમાં ફેરવાઈ ગયો. કર્ણાટક અને કેરળના કાંઠાવિસ્તારો પણ અમુક અંશે અસરગ્રસ્ત બન્યા.
મહાબલિપુરમ ખાતેના દરિયાકાંઠાની સિકલ સુનામીના આઘાત-પ્રત્યાઘાતથી ફેરવાઈ ગઈ, પરંતુ તેની સાથે સાથે ઈ. પૂ.ની સાતમી સદીનાં મનાતાં પલ્લવ વંશનાં સ્થાપત્યો દરિયામાંથી બહાર કાંઠા પર ખેંચાઈ આવ્યાં. પ્રાચીન સમયના પલ્લવ વંશની રાજધાની સંભવત: સમુદ્રમાં ડૂબી ગઈ હોવાની ગણતરી મુકાયેલી છે. આર્કિયૉલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયા અને ઇન્ડિયન નેવીએ કરેલા અભ્યાસનું આવું તારણ નીકળેલું છે ! અઢારમી સદીમાં યુરોપિયન પ્રવાસીઓ અને ખલાસીઓએ અહીં સાત મંદિરો હોવાનું જણાવેલું છે, તે પૈકીનાં છ મંદિરો ડૂબી ગયેલાં હોવાનો તથા માત્ર એક દરિયાકિનારે ઊભું હોવાનો ઉલ્લેખ કરેલો છે; અર્થાત્, આ કાંઠો અને અંદરનો ભૂમિભાગ તે કાળે વસાહતોથી ધબકતો હશે એવું અનુમાન મૂકી શકાય ખરું !
ભારતીય નૌસેનાના ‘દર્શક’ જહાજના કૅપ્ટન પી. જયસ્વાલે જણાવેલું કે પૉર્ટ બ્લૅરના દરિયાઈ પ્રવાહમાં પરિવર્તન આવ્યું હતું, ત્યાં સામાન્ય રીતે વહેતા રહેતા દરિયાઈ પ્રવાહની ઝડપ 1.28 કિમી.ની હોય છે તે આ સુનામીની અસરથી વધીને 4 કિમી. (ત્રણ ગણી) થઈ ગઈ હતી ! સુનામીની અસરથી સમુદ્રજળસપાટીમાં વૃદ્ધિ થાય તો શરૂઆતમાં તે 1.25 મીટર જેટલી વધે, વૃદ્ધિ જો ચાલુ રહે તો તે 3.2 મીટર સુધી વધી શકે; તેને ફરીથી સામાન્ય થતાં થોડોક વખત લાગે.
આંદામાન-નિકોબારના જૂથના ટાપુઓમાં જાનમાલની પુષ્કળ ખુવારી થઈ, ત્યાંનું ભૂપૃષ્ઠ ક્યાંક ઊંચકાયું, ક્યાંક અવતલન પામ્યું, ક્યાંક ખસ્યું, ક્યાંક ટાપુ(ટ્રિકેટ ટાપુ)ના ટુકડા થઈ ગયા તો કેટલાક પાણીમાં ડૂબી ગયા કે ગરક થઈ ગયા. ભારતનું વધુમાં વધુ દક્ષિણ છેડાનું ગણાતું સ્થળ ‘ઇન્દિરા પૉઇન્ટ’ તથા કાર નિકોબાર ટાપુ પાણીમાં ગરક થઈ ગયાં. પૉર્ટ બ્લૅરની નજીકની સમુદ્રજળસપાટી થોડા વખત માટે 1.5 મીટર ઊંચી આવી ગયેલી. અહીંના સમુદ્રતળ પર જામેલા સ્તરોમાં 25 સેમી. જેટલો ફેરફાર થઈ ગયેલો. ટાપુશ્રેણીઓનાં બંદરોની બધી જ જેટીઓ નષ્ટ થઈ ગઈ, આંતરમાળખાકીય સુવિધાઓ અસ્તવ્યસ્ત બની રહી. સાત ગામો (મોટું લપાટે, નાનું લપાટે, તમાલુ, પારગા, મુરુ, મલાક્કા, કામોત્રા) સંપૂર્ણપણે ધોવાઈ ગયાં. આંદામાન-નિકોબારની કુલ વસ્તી (3,56,265; 2001 મુજબ) પૈકી 12,000થી વધુ મૃત્યુ પામ્યાં અને 45,000 લોકો લાપતા બન્યા; જોકે સત્તાવાર મૃત્યુઆંક 900 જેટલો મુકાયેલો.
ભારતીય ભૂસ્તરીય સર્વેક્ષણ(GSI)ની ઉપલબ્ધ માહિતી અનુસાર, આંદામાન-નિકોબારના ભૂપૃષ્ઠ હેઠળ, પાણી-માટી-રેતીનું દળ ગરમ થવાથી ખદબદી રહેલું, તેનાથી સમુદ્રતળ પર ભૂપાત તેમજ જ્વાળામુખી પંક-પ્રસ્ફુટનની શક્યતા ઊભી થયેલી. આ ઉપરાંત સુનામીના પ્રચંડ આઘાતથી પૉર્ટ બ્લૅર પાટનગરનું ભૂપૃષ્ઠ 1.15 મીટર જેટલું અગ્નિકોણ તરફ ખસ્યું હોવાની નોંધ મુકાયેલી.
હિન્દી મહાસાગરમાં ઉદ્ભવેલા સુનામીએ એશિયાઈ દેશો(ઓછામાં ઓછા 13 દેશો)માં સર્જેલી હોનારતની સાથે સાથે તેની કેટલીક ઊર્જા ઑસ્ટ્રેલિયા ખંડના દક્ષિણ ભાગમાં થઈને પૅસિફિક થાળામાં પણ પ્રવેશેલી, તેથી ત્યાંનાં કેટલાંક સ્થળોની સમુદ્રજળસપાટીમાં ગૌણ ફેરફાર થયેલા. મેક્સિકોના મેન્ઝેનિલો (Manzanillo) ખાતે પહોંચેલી ઊર્જા, તેની પહેલાં આવતા પૂર્વ પૅસિફિક ઉપસાવ(East Pacific Rise)ને કારણે સંકેન્દ્રિત થયેલી, પરિણામે 2.6 મીટર જેટલી જળસપાટી વધી ગયેલી, જેને સામાન્ય સ્થિતિમાં આવતાં થોડો વખત લાગેલો.
સમીક્ષા : 26-12-2004ના ભૂકંપ અને સુનામીના ઉદ્ભવ બાદ 28-3-2005 સોમવારે રાત્રે ઇન્ડોનેશિયાની રાજધાની જાકાર્તાથી વાયવ્યમાં, પરંતુ સુમાત્રાની તદ્દન નજીક પશ્ચિમ તરફ આવેલા નિયાસ ટાપુ (ભૌગોલિક સ્થાન : 2° 0.65´ ઉ. અ., 97° 0.10´ પૂ. રે.) પર 8.7 તીવ્રતાનો ભૂકંપ થયેલો. (સ્થા. સમય : 23-10 કલાકે, ભારતીય સમય : 21-10 કલાકે). તેનું ભૂકંપનિર્ગમનકેન્દ્ર બાંદા અસેહથી થોડાક અંતરે હતું, ભૂકંપકેન્દ્ર સમુદ્રતળથી 30 કિમી. નીચે હતું.
આ ભૂકંપની ધણધણાટી મલયેશિયાના કુઆલાલમ્પુર અને પેનાંગ શહેરો સુધી સંભળાયેલી. આંદામાન-નિકોબારના પૉર્ટ બ્લૅર ખાતે પણ આંચકાની હળવી અસર અનુભવાયેલી. ઇન્ડોનેશિયામાં સુનામીની દહેશતના સંદેશા પ્રસારિત કરાયેલા ખરા, પરંતુ સુનામી ઉદ્ભવેલું નહિ. આ મુખ્ય કંપ પછી મધ્યમ તીવ્રતાના 13 જેટલા પશ્ચાત્કંપ થયેલા. ઇન્ડોનેશિયામાં આ ભૂકંપથી આશરે 2,000 જેટલાં મોત થયેલાં. સૌથી વધુ નુકસાન નિયાસ ટાપુ પર થયેલું. ત્યાંના કાંઠે 3 મીટર ઊંચાઈનાં મોજાં ઊછળેલાં. શહેરની હવાઈ પટ્ટી ઊખડી ગયેલી તેમજ ટાપુની 75 % જેટલી ઇમારતો તૂટી પડેલી. મુખ્ય શહેર ગુનુંગ સિતોલી તબાહ થઈ ગયેલું. 26-12-2004ના ભૂકંપની જેમ જ આ ભૂકંપને પણ 1900 પછીથી થયેલા આઠ મોટા ભૂકંપ પૈકીનો એક ગણવામાં આવેલો.
8.7ની તીવ્રતાના આ ભૂકંપની તુલનામાં 26-12-2004નો ભૂકંપ ભૂવૈજ્ઞાનિકોએ બેથી ચાર ગણો વ્યાપક હોવાનું ગણાવ્યું છે. સુમાત્રાના અગાઉના ભૂકંપ પછી ભૂસ્તરશાસ્ત્રીઓએ તદ્દન નજીકના ભવિષ્યમાં એવો જ બીજો ભૂકંપ થવાની જે આગાહી કરી રાખેલી તે સાચી ઠરી. આ ભૂકંપનું મુખ્ય કારણ પણ અગાઉના 9 તીવ્રતાવાળા ભૂકંપથી સર્જાયેલ ‘ભૂસ્તરીય દબાણ’ હતું. આવો જ મોટો ત્રીજો ભૂકંપ થઈ શકવાની દહેશતને પણ નિષ્ણાતો નકારી કાઢતા નથી; જો એવો જ ત્રીજો ભૂકંપ થાય તો, તેઓના મત મુજબ, ત્યાંથી અગ્નિ દિશા તરફના ભૂસ્તરો (કે તેના હિસ્સા) છૂંદાઈ જશે; જોકે આ ત્રીજો ભૂકંપ થવાને કેટલો સમયગાળો લાગશે (ત્રણ મહિના, ત્રણ વર્ષ કે ત્રીસ વર્ષ), તેની કોઈ ખાતરી આપી શકાય નહિ.
26-12-2004 પછીના માત્ર ત્રણ જ માસના ગાળામાં નજીકનાં સ્થળોએ સર્જાયેલા બીજા ભીષણ ભૂકંપથી સમગ્ર (અગ્નિ) એશિયાના મોટાભાગનું ભૂપૃષ્ઠ ખળભળી ગયું. આ ઉપરાંત 14-5-2005ના રોજ નિયાસ ટાપુના અગ્નિખૂણે 6.9 તીવ્રતાનો ભૂકંપ પણ આવેલો. (જેને ત્રીજો ભૂકંપ ગણવો કે પશ્ચાત્કંપ ગણવો તે નક્કી થયું નથી.) આ ભૂકંપો થયા પછી નિષ્ણાતો હિન્દી મહાસાગર, અરબી સમુદ્ર તેમજ હિમાલય વિસ્તારનો બારીકાઈભર્યો અભ્યાસ કરવા લાગી ગયા છે. તેઓ માને છે કે આગામી સમયમાં, ગમે ત્યારે, બૉમ્બે હાઈથી માંડીને ગુજરાતના પીપાવાવ પૉર્ટ સુધીમાં તથા મધ્ય સૌરાષ્ટ્રમાં, ગમે ત્યાં ભૂકંપ આવી શકે ખરો !
છેલ્લાં કેટલાંક વર્ષોથી ભૂકંપની ઘટનાઓનાં આવર્તનો વધ્યાં છે, ભૂતકતીઓના ખસેડ થયા છે, નવી સ્તરભંગ રેખાઓ પણ ઉદ્ભવી છે. આ બધાં કારણોથી હિમાલયની ઊંચાઈમાં પણ થોડોક ફેરફાર (8,848 મીટરથી 8,852 મીટર = ચાર મીટર જેટલો ફેરફાર) થયો છે. પોપડાના ઊંડાણમાં હિલચાલનો જે સિલસિલો ચાલુ થયો છે, તે દર્શાવે છે કે પેટાળ ભારે ઊથલપાથલોથી ખળભળી રહ્યું હોવું જોઈએ; એ પણ શક્ય છે કે સમુદ્રતળ પર નવો પોપડો આકાર લઈ રહ્યો છે ! અમેરિકી ઉપગ્રહ દ્વારા લેવાયેલી તસવીરો સ્પષ્ટ કરે છે કે તેમાં નવું પડ ઊપસી આવેલું છે. આગામી સમયમાં નર્મદા સ્તરભંગ રેખા અને માલદીવ ટાપુ સ્તરભંગ રેખાના જંક્શન પર નબળો વિભાગ સર્જાઈ રહ્યો છે; આ રેખા પર દક્ષિણથી ઉત્તર તરફનું દબાણ વધતું જાય છે. કોંકણથી પાવાગઢ સુધીની ભૂતકતીની જાડાઈ સ્થળભેદે 35 કિમી.થી 55 કિમી.ની છે.
ભૂકંપો દ્વારા ભૂગર્ભમાંથી જે ઊર્જા વછૂટી રહી છે, તેમાંથી વીજળી ઉત્પન્ન કરી શકાય તેમ છે; ભૂગર્ભની 300°થી 400° સે. તાપમાનની ગરમીથી ભૂતાપ વિદ્યુત-મથક (Geothermal Power Station) ઊભું થઈ શકે, જે 5,000 મૅગાવૉટ જેટલી વીજળી આપી શકે.
કેન્દ્ર સરકારે તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરળ અને પુદુચેરીમાં 26-12-2004થી 6-1-2005 સુધીમાં થયેલા નુકસાનનો પ્રાથમિક અંદાજ તથા રાજ્યવાર નુકસાનના આંકડા આ પ્રમાણે મૂક્યા છે :
સારણી 3 : ભારત : હોનારત
તમિલનાડુ | 7921 મૃત્યુ; | લાપતા : ઉપલબ્ધ નથી. |
નાગપટ્ટિનમ્ : | 6023 | |
કડલોર : | 606 | |
આંદામાન-નિકોબાર | 12,000 (બિનસત્તાવાર), | |
સત્તાવાર 900 મૃત્યુ; | લાપતા : 6010 | |
કાર નિકોબાર : | મૃત્યુ : 336 | |
ગ્રેટ નિકોબાર : | મૃત્યુ : 102 | |
પુદુચેરી | 579 મૃત્યુ; | લાપતા : 86 |
કેરળ | 170 મૃત્યુ; | લાપતા : ઉપલબ્ધ નથી |
કોલ્લમ : 130 | ||
અલાપુઝા : 35 | ||
આંધ્રપ્રદેશ | 105 મૃત્યુ; | લાપતા : 11 |
નેલ્લોર : 20 | ||
ગુંટુર : 12 | ||
ભારત | 9,682 (સત્તાવાર) | |
15,700 (બિનસત્તાવાર) |
સારણી 4
(કરોડ) |
||
ભારત : નુકસાનનો પ્રાથમિક અંદાજ | : | રૂ. 7,815.05 |
તમિલનાડુ | : | રૂ. 2730.70 |
આંધ્રપ્રદેશ | : | રૂ. 720.73 |
કેરળ | : | રૂ. 1358.62 |
પુદુચેરી | : | રૂ. 512.00 |
આંદામાન-નિકોબાર | : | રૂ. 2500.00 |
ભારતનો માનવમૃત્યુનો સત્તાવાર આંક | : | 9,682 |
ભારતનો માનવમૃત્યુનો બિનસત્તાવાર આંક | : | 15,000 થી 16,000 |
સારણી 5
સહાયક ટુકડીઓ | સંખ્યા |
ડૉક્ટરો-તબીબી ટુકડીઓ | 148 |
હોનાર-તરક્ષક ટુકડીઓ | 2,126 |
હોનાર-તસ્વયંસેવક ટુકડીઓ | 100 |
ભારત તરફથી ઇન્ડોનેશિયા, શ્રીલંકા, માલદીવ અને થાઇલૅન્ડ જેવા અસરગ્રસ્ત દેશોને વિવિધ પ્રકારની સહાય કરવામાં આવેલી.
નિષ્ણાતોનાં મંતવ્યો : પૃથ્વીના અક્ષભ્રમણ પર અસર : પૃથ્વીના ગુરુત્વાકર્ષણ-બળ પર કામ કરનાર ભૌતિકશાસ્ત્રી રિચાર્ડ ગ્રૉસના મંતવ્ય મુજબ 9ની તીવ્રતાના આ અતિપ્રચંડ ભૂકંપને કારણે અક્ષભ્રમણ પર અસર પહોંચી છે અને તેથી દિવસ 2.68 માઇક્રો સેકંડ જેટલો ટૂંકો થયો હોવાની શક્યતાને તેઓ નકારી કાઢતા નથી. (1 માઇક્રો સેકંડ = 1 સેકંડનો દસ લાખમો ભાગ.) જોકે અક્ષભ્રમણનો આ ઘટાડો એટલો તો નજીવો છે કે તેને માપી શકાય નહિ. તેથી આ ગણતરી માત્ર વૈજ્ઞાનિક ગણાય, વ્યવહારુ નહિ. આ હકીકત બીજી રીતે સમજવાનું વધુ સરળ પડે : પૃથ્વીના પોપડાનો મોટો હિસ્સો જો ખસે, તો તેને લીધે પૃથ્વીના સમગ્ર દળની વહેંચણી બદલાઈ જાય, તેથી દિવસની લંબાઈમાં ફરક પડે; અર્થાત્ પોપડાનો મોટોભાગ જો પૃથ્વીના કેન્દ્ર તરફ જાય તો ભ્રમણકક્ષાનો દર સહેજ વધી જાય. તેથી ઊલટું – જો તે ઉપર તરફ આવે તો ભ્રમણકક્ષાનો દર સહેજ ઘટે. આ જ બાબતને બૅલે-નૃત્યકારના સંદર્ભમાં પણ સમજી શકાય : નૃત્યનાટિકામાં કામ કરનાર કોઈ નૃત્યકાર/નૃત્યાંગના એક પગ પર ઊભા રહીને ગોળગોળ ચક્કર લગાવે ત્યારે જો તેના હાથ અંદર તરફ ખેંચી લે તો પગ પર થતા ચક્કરની ગતિ વધી જાય છે, પરંતુ જો તે તેના હાથ બહાર ફેલાવે તો ગતિ ઘટી જાય છે. 9ની તીવ્રતાવાળા આ ભૂકંપના આઘાત-પ્રત્યાઘાતથી પૃથ્વીના આકારમાં નજીવો ફેરફાર થયો હોવાનું કહેવાય છે. ઉત્તર ધ્રુવનું સ્થાન 145° પૂ. રે. તરફ 2.5 સેમી. જેટલું ખસ્યું હોવાની નોંધ પણ મુકાઈ છે.
ભારતના જાણીતા ભૂસ્તરશાસ્ત્રી કે. એસ. વાલ્દિયાના મંતવ્ય મુજબ, આંદામાન-નિકોબાર ટાપુઓ પર હવે જો મોટો ભૂકંપ આવે તો પૂર્વના દરિયાકિનારાના ભાગોમાં સુનામી કરતાં પણ વધુ વિનાશ સર્જાય. આ પ્રકારની પરિસ્થિતિ વર્તમાન સમયમાં પ્રવર્તી રહી હોવાથી તેમણે આવી ચેતવણી ઉચ્ચારી છે. તેમના જણાવ્યા પ્રમાણે આંદામાન-નિકોબારમાં સરેરાશ દર આઠ મહિને એક મોટો ભૂકંપ આવતો રહ્યો હોવાનો ઇતિહાસ છે. તેમના અભ્યાસનું તારણ આ પ્રમાણે છે : 1897થી 1937 વચ્ચેના લગભગ 40 વર્ષના ગાળા દરમિયાન 7 અને 7.9ની વચ્ચેની તીવ્રતાનો એક, 6 અને 6.9ની વચ્ચેની તીવ્રતાના 68 તથા 5 અને 5.9ની વચ્ચેની તીવ્રતાના 80 જેટલા ભૂકંપ આવ્યા છે. 26 ડિસેમ્બર, 2004ના રોજ સુમાત્રાના ઉત્તર છેડા પર (આંદામાન-નિકોબાર તદ્દન નજીક દક્ષિણે) 9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, તેનાથી ઉદ્ભવેલા સુનામીએ વિનાશ વેર્યો. હવે જો એ જ વિસ્તારમાં વાયવ્ય ભાગમાં મોટો ભૂકંપ આવે તો આ સુનામી કરતાં પણ વધુ તારાજી થાય. આવી ભૂકંપ-શક્યતાને તેઓ નકારી કાઢતા નથી.
1945ના નવેમ્બરની 28મીએ બલૂચિસ્તાનમાં મકરાન કિનારે 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવેલો. તેનાથી ઉદ્ભવેલા સુનામીએ મકરાન કિનારા પરના 400 માણસોનો ભોગ લીધેલો; ગુજરાત અને મુંબઈના કાંઠાના વિસ્તારોને પણ તેની અસર થયેલી.
આંદામાન-નિકોબાર ટાપુસમૂહની આજુબાજુનો હિન્દી મહાસાગર 6,000 મીટરની ઊંડાઈ ધરાવે છે. આ ઊંડાઈ વાયવ્ય ભાગમાં આશરે 1,000 કિમી.ની લંબાઈમાં વિસ્તરેલી છે. તેઓ કહે છે કે આ વિસ્તારનો પૂરતો ભૂસ્તરીય અભ્યાસ થયેલો નથી; વળી આ પ્રકારની હોનારત માટે સરકારે સાધનસજ્જતા ઊભી કરેલી નથી. મુખ્ય હકીકત એ છે કે અહીંના સમુદ્રની વધતી જતી ઊંડાઈ હિન્દી મહાસાગરના પોપડાને નીચે તરફ દબાવે છે. આ કારણે આ વિસ્તારમાં અવારનવાર ભૂકંપો થતા રહે છે. પૅસિફિક મહાસાગરમાં જ્યાં જ્યાં ઊંડી ખાઈઓ (trenches) આવેલી છે ત્યાં ભૂકંપજન્ય સુનામીની વધુ શક્યતા રહે છે, પછી તે જાપાન હોય, ચીલી હોય, પેરુ હોય કે પૅસિફિક અગ્નિવલયનો કોઈ પણ ભાગ હોય !
અમેરિકી વિજ્ઞાનીઓએ એક એવી પણ ચેતવણી ઉચ્ચારી છે કે અહીંના પશ્ચાત્-કંપોની ગતિ ઉત્તર દિશા તરફની હોવાથી આસામ નજીક ભીષણ ભૂકંપ થવાની શક્યતા છે. વર્જિનિયા(યુ.એસ.)ની જ્યૉર્જ મેશન યુનિવર્સિટીના ‘સેન્ટર ફૉર અર્થ ઑબ્ઝર્વિંગ ઍન્ડ સ્પેસ રિસર્ચ’ના વિજ્ઞાનીઓ ભૂકંપ-વિષયક માહિતીનું સતત વિશ્લેષણ કરી રહ્યા છે. તેઓ જણાવે છે કે ઘણા સમયથી (1950 પછીથી) આસામ વિસ્તારમાં ભૂકંપ થવાની જે શક્યતા ઊભી છે તે આ સુનામીની ઘટના પછી વધુ બળવત્તર બની છે.
26 ડિસેમ્બર, 2004ના અગ્નિ એશિયાના ભૂકંપ અને સુનામીથી ખરા અર્થમાં જ આપણા બધાના પગ નીચેથી ધરતી સરકી ગઈ છે. ‘ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ’ (GPS) દ્વારા ઉપલબ્ધ માહિતી મુજબ આખોય ભારત દેશ પૂર્વ તરફ કેટલાક સેમી. દૂર સરકી ગયો છે. ભૂકંપના દિવસે જ દક્ષિણ ભારત 15 મિમી.થી વધુ પૂર્વ તરફ ખસ્યું છે. સરેરાશ દૃષ્ટિએ જોતાં, તિરુવનંતપુરમ્ 26 મિમી. બૅંગાલુરુ 15 મિમી. અને હૈદરાબાદ 10 મિમી. જેટલાં ખસ્યાં છે. ઉત્તરના પ્રદેશોમાં ભૂપૃષ્ઠનું સ્થળાંતર નજેવું છે. ભુવનેશ્વર 6 મિમી. અને લ્હાસા 4 મિમી. જેટલાં ખસ્યાં છે. આ અસર ખરેખર આશ્ચર્યજનક છે.
ભૂકંપનિર્ગમનકેન્દ્રથી 4,500 કિમી.ની ત્રિજ્યામાં ભૂપૃષ્ઠની આકારિકીમાં આંશિક ફેરફારો થયા છે. GPSની વિગત દર્શાવે છે કે ભૂકંપ થયાના આશરે બે કલાક સુધી ધ્રુજારી તૂટક તૂટક ચાલુ રહેલી. દહેરાદૂનની વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ જિયૉલોજીના પી. બૅનરજીએ જણાવેલું કે ભૂકંપજન્ય ઊર્જા જે વછૂટી તેને ઓછી આંકવામાં આપણે થાપ ખાઈ ગયા.
બૅનરજી ઉપરાંત યુ.એસ.જી.એસ.ના એફ. એફ. પોલિત્ઝ અને કૅલિફૉર્નિયા યુનિવર્સિટીના આર. બર્ગમૅને સાથે મળીને કમ્પ્યૂટર દ્વારા એકત્રિત વિગતોનો અભ્યાસ અને પૃથક્કરણ કર્યાં છે. તેનો અહેવાલ ‘The size and duration of the SumatraAndaman Earthquake’ મે, 2005ના ‘Science’ સામયિકમાં પ્રગટ થયો હતો.
બેનરજીએ જણાવેલું કે તેમની પાસેની ઉપલબ્ધ વિગતો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય GPS રિસીવરો દ્વારા મેળવાયેલી હતી, તેનાં સાધનો ભારત, ચીન, કોરિયા, જાપાન, ઑસ્ટ્રિયા તેમજ અન્ય દેશોની ભૂમિ પર ગોઠવેલાં હતાં; જે કૃત્રિમ ઉપગ્રહ દ્વારા મોકલાતા રહેતા સંદેશાઓ ઝીલતાં હતાં.
યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલૉજિકલ સર્વેના કૉલોરેડો-સ્થિત ભૂકંપ-હોનારત વ્યવસ્થા-તંત્રના ભૂભૌતિક-વિજ્ઞાની જુલી માર્ટિનેઝના જણાવ્યા અનુસાર સુમાત્રાનો આ ભૂકંપ ક્ષણિક જ 9 તીવ્રતાનો રહેલો, મુખ્યત્વે તો તે 8.9 તીવ્રતાનો હતો. તે 1900 પછીનો ચોથો (અમેરિકી નિષ્ણાત મુજબ પાંચમો) અને 1964 પછીનો સૌથી વધુ પ્રચંડ હતો. તેના ભૂકંપ-તરંગો ત્યાંથી ઉત્તર તરફ આંદામાન-નિકોબારમાં, થાઇલૅન્ડમાં, ભારત અને શ્રીલંકા જેવા નજીકના દેશોમાં ફેલાયા અને વિનાશક અસરો કરી. ત્યાંના બીજા એક ભૂભૌતિક-વિજ્ઞાની બ્રુસ પ્રેસગ્રેવે જણાવ્યું કે હિન્દી મહાસાગરની ઊંડાઈએથી ઉદ્ભવેલા આ ભૂકંપે સુનામી દ્વારા વિનાશ વેર્યો છે. તેમણે સ્પષ્ટતા કરી કે જેમ પૃથ્વી ફરે છે તેમ ભૂતકતીઓ સંચલન પામે છે, અન્યોન્ય અથડાય છે, ક્યાંક તૂટે છે, તો ક્યાંક દબે છે……… પરિણામે દાબ વધતાં ભૂકંપ સર્જે છે.
બીજા કેટલાક નિષ્ણાતો એમ પણ જણાવે છે કે વિનાશકારી ભૂકંપો વીસમી સદીનાં છેલ્લાં વર્ષોમાં જાપાન, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, પેરુ, મેક્સિકોમાં પણ થયા છે; તેથી ભારત પાસે હવે ભૂકંપ-સુનામી હોનારતની ચેતવણીનું વ્યવસ્થાતંત્ર હોવું જરૂરી છે.
નજીકના ભૂતકાળમાં વૈજ્ઞાનિકોએ આગાહી કરી રાખેલી કે વૈશ્વિક તાપમાન-વૃદ્ધિ થવાની સાથે 2020 સુધીમાં સમુદ્ર-સપાટી ઊંચી આવશે અને કાંઠાનાં મહાનગરોને તેની અસર થશે. GSIના ડિરેક્ટર ડૉ. સુરજિત દાસગુપ્તાના જણાવ્યા મુજબ, સુનામી સર્જાવાનો આવર્તિત ગાળો અંદાજે 114થી 120 વર્ષનો ગણાય છે; જોકે આ તો એક સૈદ્ધાંતિક ગણતરી છે.
સારણી 6 : વીસમી સદીનાં સુનામીની તવારીખ (2004 સહિત)
[સુનામી = કાંઠા પર ત્રાટકતાં પ્રચંડ મોજાં]
સ્થળ | વર્ષ | ભૂકંપ- | મહત્તમ | મૃત્યુ | નુકસાન |
તીવ્રતા | ઊંચાઈ | આંક | (ડૉલરમાં) | ||
રિક્ટર | (મીટરમાં) | ||||
માપ | |||||
કૅનેડા (ગ્રાન્ડ બૅંક્સ) | 1929 | ઠ્ઠ માહિતી ઉપલબ્ધ નથી. |
(ઉત્તર આટલાન્ટિક) સ્થાનિક અસર.ડ્ડ
અલાસ્કા (ઍલ્યુશિયન 1946 એપ્રિલ 1 7.8 35 165 2.6 કરોડ
ટાપુઓ) (પૅસિફિક) 12 : 29 GMT
રશિયા (કામચાટકા) 1952 નવે. 4 8.2 4 8-10 લાખ
(પૅસિફિક) 16 : 52 GMT
અલાસ્કા (ઍલ્યુશિયન 1957 માર્ચ 9 8.3 16 50 લાખ
ટાપુઓ) (પૅસિફિક) 14 : 22 GMT
ચિલી (દ. અમે.) 1960 મે 22 8.6 ? 200 50 કરોડ
(દક્ષિણ-મધ્યભાગ) 19 : 11 GMT 10.7 (ચિલી)
ભૂકંપ અને
સુનામી (પૅસિફિક) 1.7 સ્થળભેદે
490થી હવાઈ ટાપુને
2,290 પણ અસર
330થી પેરુ-ચિલી
2,000 કાંઠાને
અસર
અલાસ્કા (પ્રિન્સ 1964 માર્ચ 28 8.4 31.7 122 10.6 કરોડ
વિલિયમ સાઉન્ડ) 03 : 28 GMT
(પૅસિફિક)
નિકારાગુઆ (પૅસિફિક) 1992 સપ્ટેમ્બર 7.2 9.7 170 પુષ્કળ
ઇન્ડોનેશિયા (હિન્દી 1992 ડિસેમ્બર 7.5 26 1000 પુષ્કળ
મહાસાગર)
જાપાની સમુદ્ર 1993 જુલાઈ 7.6 31 330 15 અબજ
ઇન્ડોનેશિયા (હિન્દી 1994 જૂન 7.2 14 250 22 લાખ
મહાસાગર)
ક્યુરાઇલ ટાપુઓ 1994 ઑક્ટોબર 8.1 9 11 થોડુંક
(પૅસિફિક)
ઇન્ડોનેશિયા (હિન્દી 1994 ઑક્ટોબર 6.8 ? 1 સ્થાનિક
મહાસાગર)
અલાસ્કા (પૅસિફિક) 1994 નવેમ્બર ભૂપાત- 10 1 2.1 કરોડ
જન્ય
ફિલિપાઇન્સ (પૅસિફિક) 1994 નવેમ્બર 7.0 10 62 2.5 કરોડ
ઇન્ડોનેશિયા (સુમાત્રા) 2004 8.9 30 આશરે અબજોમાં
દક્ષિણ-પૂર્વ એશિયાના ડિસેમ્બર 26 2 લાખ કુલ
દેશો સવારે 6 : 29 13 દેશોને અસર
સુનામીની તવારીખો : પૅસિફિક મહાસાગરનો, વિશેષે કરીને હવાઈ ટાપુઓનો ઇતિહાસ સુનામીની હોનારતોથી ભરપૂર છે, જ્યારે હિન્દી મહાસાગર હજી હમણાં સુધી તો આવી હોનારતોના ઇતિહાસથી અલિપ્ત રહેલો; પરંતુ 2004ના ડિસેમ્બરની 26મીએ ઘટેલી ભૂકંપજન્ય સુનામીની હોનારત એક અસાધારણ તેમજ અભૂતપૂર્વ ઘટના ગણાય.
1. ઍલેક્ઝાન્ડ્રિયા : ઈ. સ. 365, જુલાઈ 21. ભૂમધ્ય સમુદ્રના પૂર્વ ભાગમાં દક્ષિણ તરફ આવેલા ઇજિપ્તના બંદર ઍલેક્ઝાન્ડ્રિયા ખાતે ઉદભવેલો ભૂકંપ સુનામીમાં પરિણમેલો. તેનાથી હજારો લોકો માર્યા ગયેલા હોવાની નોંધ મળે છે.
2. બંગાળની ખાડીનો શિખાગ્ર ભાગ : 1737. અહીંના કાંઠા પર આવેલા સુનામીથી કાંઠા-વિસ્તારના 3 લાખથી વધુ લોકોને અસર થયાની નોંધ મળે છે, પરંતુ આ સંખ્યા વધુ પડતી જણાય છે; કારણ કે ત્યારે આટલી વસ્તી ત્યાં ન હતી.
3. લિસ્બન–પોર્ટુગલ : 1755, નવેમ્બર 1. લિસ્બન બંદરે ઉદ્ભવેલા 15થી 20 મીટર ઊંચાં ભૂકંપજન્ય સુનામી(મોજાં)થી પાટનગર લિસ્બનની 20 % વસ્તી નાશ પામેલી અને 6 કરોડનું નુકસાન થયેલું.
4. આંદામાન–નિકોબાર : 1881, ડિસેમ્બર 31. સમુદ્રતલીય ભૂકંપથી અહીં ભારત અને આંદામાનની ભૂતકતીમાં ભંગાણ થયેલું. 80 સેમી. ઊંચાઈનાં મોજાં ઊછળેલાં. ભૂસંચલનને કારણે ભારત-આંદામાન ભૂતકતી તૂટી ગઈ હતી. બંગાળના ઉપસાગરનાં પાણી હચમચી ઊઠેલાં.
5. જાવા–સુમાત્રા (ઇન્ડોનેશિયા) : 1883, ઑગસ્ટ 27. ક્રાકાટોઆ જ્વાળામુખી-પ્રસ્ફુટનને કારણે સુનામી ઉદ્ભવેલું. કાંઠા-વિસ્તારના અંદાજે 36,000 લોકો માર્યા ગયેલા. મોજાંની અસર કોલકાતા સુધી પહોંચેલી; તેમાં આશરે 300 હોડીઓ નાશ પામેલી.
6. જાપાન : 1896, જૂન 15. સાનીરિકુ સુનામી જાપાનના પૂર્વ કાંઠા પર ત્રાટકેલું. 23 મીટર ઊંચાં ઊછળેલાં મોજાંની પ્રચંડ થપાટો કિનારાની ભૂમિ પર અથડાઈ ત્યારે ત્યાં ધાર્મિક ઉત્સવ માટે ભેગા થયેલા 27,000 લોકો મૃત્યુ પામેલા અને 11,000 મકાનો ધરાશાયી થઈ ગયેલાં.
7. કૅલિફૉર્નિયા : 1896, ડિસેમ્બર 17. સાન્ટા બાર્બરા ખાતે ઉદ્ભવેલા સુનામીથી ભારે તબાહી સર્જાયેલી. કાંઠા પરની સમતળ ભૂમિ વેરવિખેર ભૂપૃષ્ઠમાં ફેરવાઈ ગયેલી.
8. કોલંબિયા : 1906, જાન્યુઆરી 31. ટુમાકો ખાતે ઉદ્ભવેલા સુનામીથી કાંઠાનાં ગામો તથા અન્ય કેટલાક ભાગો પાણીમાં ડૂબી ગયેલાં. 500થી 1500 (ચોક્કસ આંકડો ઉપલબ્ધ થયેલ નથી.) જેટલી જાનહાનિ થયેલી.
9. જાપાન : 1923. કૅન્ટો સ્થળ પર સુનામી અથડાયેલું.
10. કૅનેડા–ગ્રાન્ડ બૅંક્સ : 1929. ઉત્તર આટલાન્ટિક મહાસાગરમાં ઉદ્ભવેલા સુનામીએ કાંઠાના વિસ્તાર પર નુકસાન કરેલું.
11. અલાસ્કા : ઍલ્યુશિયન ટાપુઓ : 1946, એપ્રિલ 1. ઉત્તર પૅસિફિક મહાસાગરમાં ઍલ્યુશિયન ટાપુઓ નજીક સમુદ્રતળ પર થયેલા 7.8 તીવ્રતાના ભૂકંપથી સુનામી ઉદ્ભવેલું. તેનાથી યુનિમૅક ટાપુ પરની, 1940માં બાંધેલી 12 મીટર ઊંચી પાંચ મજલાવાળી દીવાદાંડી પર 35 મીટર ઊંચાં મોજાંની થપાટો લાગવાથી તે કડડભૂસ તૂટી પડેલી અને તણાઈ ગયેલી. ભૂકંપનું સ્થાન 52° 8´ ઉ. અ. અને 163° 5´ પ. રે. પર હતું. ભૂકંપકેન્દ્ર 25 કિમી.ની ઊંડાઈએ સ્થિત હતું. સુનામીનાં મોજાં થોડાક કલાકોમાં હવાઈ ટાપુના હિલો ખાતે પહોંચેલાં. હિલો ખાતે મોજાંની ઊંચાઈ 12 મીટર જેટલી હતી. 165 લોકોની જાનહાનિ સહિત લાખો ડૉલરનું નુકસાન થયું હોવાનો અંદાજ મુકાયેલો.
12. રશિયા–કામચાટકા દ્વીપકલ્પ : 1952, નવેમ્બર 4. કામચાટકા દ્વીપકલ્પથી થોડે અંતરે પૅસિફિક મહાસાગરમાં 8.2ની તીવ્રતાનો ભૂકંપ થવાથી સુનામી ઉદભવેલું. ભૂકંપનિર્ગમનકેન્દ્ર 52° 8´ ઉ. અ. અને 159° 5´ પૂ. રે. પર હતું, જ્યારે ભૂકંપકેન્દ્ર 30 કિમી.ની ઊંડાઈએ સ્થિત હતું. સુનામીથી હવાઈ ટાપુ પર 8થી 10 લાખ ડૉલરનું નુકસાન થયેલું. ઉદ્ભવસ્થાનથી 3,000 કિમી. દૂર આવેલા મિડવે ટાપુને પણ અસર પહોંચેલી. સુનામીને કારણે 1 મીટર પાણીનો થર થવાથી મકાનો અને શેરીઓ જળબંબાકાર થઈ ગયેલાં. હોનોલુલુ બંદરનો ધક્કો તૂટીને ફેંકાઈ ગયેલો. હિલો બે અને કોકોનટ ટાપુને સાંકળતો પુલ પણ પાયામાંથી તૂટી પડેલો. અહીં ઊછળેલાં મોજાંની ઊંચાઈ 3.5 મીટર જેટલી હતી. હિલો નજીકના રીડના ઉપસાગર ખાતે થોડા સમય માટે સમુદ્ર-સપાટી આશરે 3 મીટર જેટલી વધી ગયેલી.
13. અલાસ્કા–ઍલ્યુશિયન ટાપુઓ : 1957, માર્ચ 9. પૅસિફિક મહાસાગર તળ પર 8.3 તીવ્રતાના ભૂકંપથી સુનામી ઉદ્ભવેલું. ભૂકંપનિર્ગમનકેન્દ્ર 51° 5´ ઉ. અ. અને 175° 7´ પ. રે. પર, જ્યારે ભૂકંપકેન્દ્ર 33 કિમી.ની ઊંડાઈએ હતું. આ ભૂકંપથી ઉદ્ભવેલી ઊર્જા અહીંના 1946ના ભૂકંપની ઊર્જા કરતાં વધુ હતી. અહીંથી 3,600 કિમી. આવેલા હવાઈ ટાપુઓને પણ અસર પહોંચેલી. મોજાં સાથે લોકો સમુદ્રમાં ખેંચાઈ ગયેલા, તે ઉપરાંત આશરે 50 લાખ ડૉલરનું નુકસાન થયેલું. 16 મીટર ઊંચાં ઊછળેલાં મોજાંના આઘાતથી પુલો તૂટી ગયેલા. રસ્તા જળબંબાકાર બનેલા. કોકોનટ ટાપુ પર 1 મીટર પાણીનો થર થયેલો.
14. અલાસ્કા–લિટુયા બે : 1958, જુલાઈ 9. અધોજળ ભૂપાતજન્ય ભૂકંપથી ઉદ્ભવેલા સુનામીથી અંદાજે 200 માણસોનાં મોત થયેલાં. સુનામીની ઊર્જા જળમાં શોષાઈ જવાથી મોજાંનું જોર મંદ પડી ગયેલું, તેમ છતાં લા ચૉસી રેતાળ આડને અસર થયેલી. અલાસ્કામાં થયેલા આ ભૂકંપ પછી તરત જ માલાસ્પિના હિમનદીના અગ્નિ ભાગમાં અલાસ્કાના અખાતની ખાડીમાં કલાકના 200 કિમી.ની ગતિથી ધસમસતાં રાક્ષસી કદનાં મોજાં 30 મીટરની ઊંચાઈ સુધી ઊછળેલાં. કિનારા પરનું જંગલ ઘણા કિમી.ના વિસ્તાર સુધી નાશ પામેલું; એટલું જ નહિ, તેનો કેટલોક ભાગ તો 525 મીટરના અંતર સુધી ખેંચાઈ ગયેલો. વૃક્ષો મૂળ અને જમીનના આવરણ સહિત એટલા તો વેગથી ઊછળેલાં કે તેમની જાડી છાલ સુધ્ધાં ઉતરડાઈ ગયેલી.
15. ચિલી : 1960, મે 22. પૅસિફિક મહાસાગરમાં ઉદભવેલા ભૂકંપજન્ય (8.6 તીવ્રતા) સુનામીથી પ્રસરેલાં મોજાં 11 મીટર ઊંચાં ઊછળેલાં. તેમાં મૃતકોનો અંક 1,000નો મુકાયેલો. અહીંથી હજારો કિમી. દૂર આવેલા જાપાન સુધી આ મોજાંની અસર થયેલી અને ત્યાં આશરે 200 માણસો મૃત્યુ પામેલા.
આ ભૂકંપનું નિર્ગમનકેન્દ્ર 39° 5´ દ. અ. અને 74° 5´ પ. રે. પર હતું, જ્યારે ભૂકંપકેન્દ્ર 33 કિમી. ઊંડાઈ પર હતું. ભૂકંપથી 400 અને સુનામીથી અંદાજે 2,300 મોત થયેલાં, 50 કરોડ ડૉલરનું નુકસાન થયાનો અંદાજ મુકાયેલો. ભૂકંપથી બીકના માર્યા લોકો હોડીઓ લઈને ભાગવા માંડેલા. ભૂકંપ થયા પછી માત્ર 10થી 15 મિનિટમાં જ મોજાં આવી પહોંચેલાં અને 500 મીટર લાંબા કાંઠાના ભાગ પર ત્રાટકેલાં. બધી હોડીઓ તણાઈ ગયેલી. સુનામીના ઉદ્ભવસ્રોતથી આશરે 10,000 કિમી. દૂરના હિલો(હવાઈ ટાપુ)ને મોજાંની અસર થયેલી. તેનાથી 2.40 કરોડ ડૉલરનું નુકસાન તથા 61 લોકોનાં મોત થયેલાં. દક્ષિણ મધ્ય ચિલીમાં ઉદ્ભવ્યા બાદ 14.8 કલાકે સુનામી હવાઈ ટાપુના હિલો પર પહોંચેલું અને હિલોને ખૂબ નુકસાન કરેલું. મોજાંની ઊંચાઈ 10.7 મીટર જેટલી હતી. રસ્તા જળબંબાકાર થયેલા. સુનામીથી અસરગ્રસ્ત થયા પછી હિલો શહેરની તારાજીનો ખ્યાલ આવેલો. આ જ સુનામીથી દક્ષિણ અમેરિકાનો ચિલી-પેરુનો પશ્ચિમ કાંઠો પણ બાકાત રહ્યો ન હતો, ત્યાં 25 મીટર ઊંચાં મોજાં ઊછળેલાં. ચિલીમાં 2,000 અને પેરુમાં 330 જેટલાં મોત થયેલાં. યુ.એસ.ના પશ્ચિમ કાંઠા પરનું કૅલિફૉર્નિયાનું ક્રેસંટ સિટી પણ અસર પામેલું, ત્યાં 1.7 મીટર ઊંચું મોજું અથડાયેલું. સુનામી ઉદ્ભવ્યા બાદ તેનું સર્વપ્રથમ મોજું ત્યાં 15.5 કલાકે પહોંચેલું.
16. અલાસ્કાપ્રિન્સ વિલિયમ સાઉન્ડ : 1964, માર્ચ 28. ઉત્તર પૅસિફિક મહાસાગરમાં નિમ્ન સમુદ્રીય ભૂપાતથી 8.4નો ભૂકંપ થયેલો. તેનું ભૂકંપનિર્ગમનકેન્દ્ર 23 કિમી.ની ઊંડાઈએ હતું. અહીંની નિમ્ન ભરતીસપાટીથી સુનામી 31.7 મીટર ઊંચાં ઊછળેલાં. 122 સ્થાનિક મોત અને 10.60 કરોડ ડૉલરનું નુકસાન થયેલું. અલાસ્કાના વિટિયર ખાતે અંદાજે 1 કરોડ ડૉલરનું નુકસાન અને 13 માનવમોત થયેલાં. અલાસ્કામાં સ્થાનભેદે 6.1, 9.1, 24.2 અને 27.4 મીટર ઊંચાઈનાં મોજાં ઊછળેલાં.
આ મોજાં હવાઈના હિલો ખાતે પહોંચતાં 5+ કલાક લાગેલા અને 3 મીટરની ઊંચાઈનાં મોજાં ઊછળેલાં, જ્યારે કૅલિફૉર્નિયાના ક્રેસંટ સિટી ખાતે 4+ કલાકે મોજાં પહોંચેલાં અને મોજાંની ઊંચાઈ 4.3 મીટર જેટલી હતી. અલાસ્કાના આખાય પશ્ચિમ કાંઠાને નુકસાન થયેલું, ત્રણ ગામો સંપૂર્ણપણે નાશ પામેલાં. અલાસ્કામાં થયેલાં મૃત્યુ ઉપરાંત કૅલિફૉર્નિયામાં 11 અને ઓરેગૉનમાં 4 મોત થયેલાં.
17. હવાઈ ટાપુઓમાં 1975માં અને ફિલિપાઇન્સમાં 1976માં સુનામી આવેલાં.
18. જાપાન : 1986માં ઉદ્ભવેલા સુનામીથી દરિયાકાંઠાનો ભાગ અસ્તવ્યસ્ત થઈ ગયો. દરિયાકાંઠો મૃતદેહો અને કચરાથી ભરાઈ ગયેલો. 1993માં થયેલા ભૂકંપથી હોકાઈડો નજીકના ઓકુશીરી ટાપુનું પશ્ચિમી સમુદ્રતળ ઉત્થાન પામેલું, તેના સંતુલન અર્થે નૈર્ઋત્ય તરફનું તળ અવતલન પામેલું.
19. પાપુઆ ન્યૂ ગિની : 1998, જુલાઈ 17. ભૂકંપથી ઉદ્ભવેલા સુનામીથી 2,000 જેટલાં મોત થયેલાં અને હજારો બેઘર બનેલા.
20. ઇન્ડોનેશિયા–સુમાત્રા : 2004, ડિસેમ્બર 26. સુમાત્રાથી થોડે જ દૂર વાયવ્યમાં 8.9 તીવ્રતાનો ભૂકંપ થવાથી સુનામી ઉદ્ભવેલું. સુનામીએ હિન્દી મહાસાગરના 13 દેશોને વધુ અસર પહોંચાડેલી. જૂન, 2005 સુધીમાં અસરગ્રસ્ત બધા જ વિસ્તારોમાં મળીને અંદાજે 2,30,000 જેટલા લોકોને મોત ભરખી ગયું. મુખ્ય ભૂકંપ પછી દિવસો, મહિનાઓ સુધી પશ્ચાત્-કંપ આવ્યા કરેલા. નિકોબારના ટાપુઓનું ભૂપૃષ્ઠ બદલાઈ ગયું, ક્યાંક ટાપુ તૂટ્યા, ખસ્યા અને ડૂબી પણ ગયા. ગોવા સુધી મોજાંની અસર ભરતી સ્વરૂપે થયેલી. આફ્રિકાનાં પૂર્વ કાંઠાનાં સોમાલિયા અને ઇથિયોપિયા પણ બાકાત રહ્યાં ન હતાં. ટૂંકમાં, હિન્દી મહાસાગર પૂરા એક અઠવાડિયા સુધી વલોવાતો રહ્યો. ત્રણ માસ બાદ 28-3-2005ના રોજ નિયાસ ટાપુ પર 8.7નો ભૂકંપ થયેલો. તેમાં આશરે 2,000 માણસો દબાઈ મર્યા. મકાનો ધરાશાયી થયેલાં.
આગાહી-ચેતવણી વ્યવસ્થા–તંત્ર : ભૂકંપની જેમ સુનામીની આગાહી સામાન્ય રીતે તો થઈ શકતી નથી. તવારીખોનું તારણ કહે છે કે સૈકાદીઠ સરેરાશ દસ સુનામી થતાં હોય છે. આ કારણથી 1946થી આંતરરાષ્ટ્રીય સુનામી ચેતવણીતંત્ર (International Tsunami Warning System) ઊભું કરીને તેને કાર્યરત રાખવામાં આવેલું છે, પરંતુ તે અમુક સભ્ય દેશો પૂરતું સીમિત છે.
સમુદ્રતળમાં ભૂકંપ થાય એટલે સુનામી ઉદ્ભવે જ એવું નથી હોતું; પરંતુ જો ઉદ્ભવે તો તેને કાંઠા પર પહોંચતાં સુધીમાં અમુક સમય વીતતો હોય છે. એટલે જ્યાં જ્યાં શક્ય હોય અને સમયગાળો મળી રહે તેમ હોય ત્યાં આવા તંત્ર દ્વારા ચેતવણીનું જાહેર પ્રસારણ કરીને માનવમૃત્યુનું પ્રમાણ ઘટાડી શકાય છે. ભૂરચનાશાસ્ત્ર, ભૂકંપશાસ્ત્ર અને જળગતિવિદ્યા(Geomorphology, Seismology and Hydrodynamics)નાં ક્ષેત્રોમાં સારો એવો વિકાસ સાધી શકાયેલો છે. તેના વ્યવસ્થિત અભ્યાસથી સુનામીસ્રોતની કાર્યપદ્ધતિનો તાગ મેળવી શકાય છે.
ભૂકંપશાસ્ત્રીઓ ભૂકંપમાપકનો ઉપયોગ કરીને (જો તે સમુદ્રતળ પર થયો હોય તો), તેની જાણકારી મેળવીને, એ સુનામી કયા સમુદ્રકાંઠે ક્યારે ત્રાટકશે, તેની ચોકસાઈભરી આગાહી કરી શકે; જેમ કે, ઉત્તર પૅસિફિક મહાસાગરમાંના ઍલ્યુશિયન ટાપુઓ નજીક થતા સમુદ્રીય ભૂકંપથી ઉદ્ભવતું સુનામી હવાઈ ટાપુઓના કાંઠે જઈને ત્રાટકી શકે. હવે જો હવાઈ ટાપુઓ પરનાં ભૂકંપમાપકો નોંધે કે ઍલ્યુશિયન ટાપુઓ નજીકના સમુદ્રતળ પર અમુક સમયે અમુક તીવ્રતાનો ભૂકંપ થયો છે, તો તેના ભૂકંપતરંગો કેટલા સમયમાં હવાઈકાંઠે પહોંચશે તેની જાણ ગણતરી કરીને જરૂર કરી શકાય; સુનામી પણ એટલા સમયે ત્યાં અથડાઈ શકે. ગણતરીનો આધાર તરંગલંબાઈ, જળઅંતર, ઊર્જાક્ષમતા જેવાં પરિબળો પર રહેલો હોય છે. આવી બાબતોને સૈદ્ધાંતિક દૃષ્ટિએ જોઈએ તો સુનામીની ગુણાત્મક આગાહી કરી શકાય ખરી. વળી કમ્પ્યૂટરની મદદથી જળસપાટીના વિક્ષેપોની તથા તેનાં લક્ષણોની આંકડાકીય માહિતી પણ ઉપલબ્ધ થઈ શકે અને તેના પરથી મોજાંની ગતિની જાણકારી પણ આપી શકાય.
પૅસિફિક મહાસાગરના હવાઈ ટાપુઓ પર સુનામીની ઘટનાઓ અવારનવાર થતી રહેતી હોવાથી યુ. એસ. તરફથી પૅસિફિક સુનામી ચેતવણી કેન્દ્ર (મથક) કાર્યરત કરવામાં આવ્યું છે, તેમાં 26 દેશોને સામેલ કરેલા છે. આ પ્રકારની હોનારતો વિશે જરૂરી સંદેશાઓની આપલે કરીને ચેતવણી પાઠવવામાં આવે છે. હિન્દી મહાસાગરમાં હમણાં સુધી કોઈ સુનામી આવેલાં ન હોવાથી વિકસિત દેશોની જેમ કોઈ સાધન-સજ્જ સુનામી ચેતવણી-તંત્ર અસ્તિત્વ ધરાવતું નથી.
સુનામીની ત્વરિત આગાહી કરવામાં જાપાન દુનિયાભરના બધા જ દેશોમાં સૌથી આગળ પડતું સ્થાન ધરાવે છે. જાપાનના પૂર્વ કાંઠે તા. 19-1-2005ના રોજ 6.5 તીવ્રતાનો ભૂકંપ ઉદ્ભવેલો, તેની પશ્ચાત્ અસર રૂપે સુનામી કદાચ ત્રાટકશે એવી ચેતવણીની આગાહી તે વિસ્તારના રહીશોને ભૂકંપ થયા પછીની માત્ર બે જ મિનિટમાં આપી દીધેલી; પરંતુ ઉદ્ભવેલાં મોજાંની અસર વિનાશક ન જણાતાં ચેતવણીને રદ જાહેર કરેલી.
જાપાનના ત્સુકુબા ખાતે આવેલા AFRC ‘Active Fault Research Centre’ના કેનજી સતાકી છેલ્લાં 50 વર્ષોના સંશોધનાત્મક અભ્યાસ પરથી આટલી ત્વરિત ચેતવણી આપવામાં સફળ થયા છે. છેક 1952થી જાપાન સુનામી સંશોધનક્ષેત્રે સતત કાર્યરત છે. અગાઉ આવી ચેતવણી પ્રસારિત કરવામાં તેને 20 મિનિટ થતી હતી; 1983માં જાપાની સમુદ્રમાં સુનામી ઉદ્ભવેલું, તે વખતે 7 મિનિટ થયેલી, પરંતુ સુનામી 5 મિનિટમાં પહોંચી ગયેલું; તે પછીથી તો તંત્રે વધુ વિકાસ સાધ્યો છે અને હવે માત્ર 2 જ મિનિટ લાગે છે.
જાપાન પાસે આજે ચોવીસે કલાક કાર્યરત રહેતાં છ પ્રાદેશિક કેન્દ્રો પરથી દેશનાં 300 ભૂકંપ સંવેદકોને તાત્કાલિક માહિતી પહોંચતી કરી દેવાય છે; એલાર્મ વગાડાય છે, રેડિયો-ટી.વી. મારફતે જાહેરાત કરી ચેતવણી આપી સાબદાં કરાય છે, લોકોને દસ મિનિટમાં પોતાના આવાસો છોડી દેવા તાકીદ કરવામાં આવે છે.
જાપાન આવું જ વ્યવસ્થાતંત્ર ભારતમાં ગોઠવી આપવામાં સહાયભૂત થવા ઉત્સુક છે; પરંતુ વર્તમાન સંજોગોમાં તેમ કરવામાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે તેમ હોઈ, તેમજ કેટલાક તજ્જ્ઞો, 2004 અગાઉ અહીં એવી કોઈ હોનારત સર્જાઈ ન હોવાથી, દેશમાં આવું તંત્ર હોવું જરૂરી છે કે કેમ, તે માટે એકમત નથી. કેટલાક તજ્જ્ઞોને આ જરૂરિયાત જણાય છે. ભારતને હિન્દી મહાસાગરમાં આજુબાજુના દેશોનો સહકાર સાધીને આવું ચેતવણીતંત્ર સ્થાપવાની હવે તાતી જરૂર જણાય છે. કૅનેડાને આ પ્રકારનું તંત્ર સ્થાપવામાં બે વર્ષ લાગેલાં. પૅસિફિક મહાસાગરના સુનામી ચેતવણી વ્યવસ્થાતંત્રમાં જે આંતરરાષ્ટ્રીય સહકાર લેવાઈ રહ્યો છે તેમાં જાપાન પણ મુખ્ય પ્રણેતાઓ પૈકીનું એક છે.
ભૂવૈજ્ઞાનિકોએ એક આગાહી એવી કરી રાખેલી છે કે હિન્દી મહાસાગર પર હજી એક વાર ગમે ત્યારે ભયંકર સુનામી ત્રાટકી શકે તેમ છે; પરંતુ તે આગામી 20થી 50 વર્ષમાં અથવા તો 200 વર્ષે પણ આવે ! આ આગાહી ઑસ્ટ્રેલિયાની સંસ્થા ‘જિયોસાયન્સ ઑસ્ટ્રેલિયા’ના ભૂકંપ વિશ્લેષક ફિલ કમિન્સે કરી છે. આવી ગયેલા ભૂકંપજન્ય સુનામી પછીના પશ્ચાત્કંપો તેમજ ભૂસંચલનો પર કરેલા સતત અભ્યાસનું આ તારણ છે. તેઓ જણાવે છે કે ઇન્ડોનેશિયામાં 1833માં સુનામી આવેલું, તેના જેવું પુનરાવર્તન, 170 વર્ષ બાદ 2004માં થયું છે. આ વિસ્તાર ભૂકંપને પાત્ર તો છે જ, તે જાવા-સુંદા ખાડીથી પશ્ચિમ અને દક્ષિણ ઇન્ડોનેશિયા સુધી વિસ્તરે છે, ત્યાંથી વળાંક લઈ ન્યૂગિની ટાપુ હેઠળ પૂરો થાય છે. દુનિયાના ક્ષેત્રફળની તુલનામાં ભલે તે નજીવો વિસ્તાર હોય, પરંતુ ભૂકંપને પાત્ર ગણાતા પ્રદેશો પૈકીનો તો તે માત્ર ત્રીજો ભાગ જ આવરી લે છે. ફિલ્મ કમિન્સ કહે છે કે અહીં થતા ભૂકંપનું કારણ ભૂતકતીનું સંચલન છે. ઇન્ડો-ઑસ્ટ્રેલિયન ભૂતકતી વાર્ષિક 5થી 6 સેમી.ની ગતિથી નીચે તરફ દબે છે અને આગળ ધપતી રહે છે. આ સંચલન વાર્ષિક દૃષ્ટિએ ભલે નજીવું ગણાતું હોય, પરંતુ એકાદ-બે સૈકામાં તે એટલું વધી જાય કે જબરદસ્ત ભૂકંપ સર્જી શકે, પરિણામે લાંબે ગાળે જ્યારે પણ ભૂકંપ થાય ત્યારે ત્યાંની ધરતી અચાનક જ 12 મીટર કે તેથી વધુ ખસી જાય. 26-12-2004ના રોજ આવી જ સ્થિતિ સર્જાયેલી, તેમાં 1,200 કિમી. જેટલી લંબાઈનો ભૂતકતીપટ્ટો અંદાજે 15થી 20 મીટર જેટલો સરકી ગયેલો. આ બાબતમાં મૅલબૉર્ન યુનિવર્સિટીના પ્રોફેસર રે કાસનું કહેવું છે કે નાના નાના પશ્ચાત્કંપો જો વધુ પ્રમાણમાં આવતા રહે તો, દર વખતે થોડી થોડી ઊર્જાનો નિકાલ થતો જાય; તેથી મોટો ભૂકંપ આવવાની શક્યતા ઘટી જાય છે.
મદ્રાસ યુનિવર્સિટીના એન. રાજેશ્વર રાવ, એન. વેંકટનાથન્ તેમજ અન્ય વૈજ્ઞાનિકોની ટુકડીએ છેલ્લાં એકસો વર્ષમાં થયેલા ભૂકંપોનો તેમજ ખગોલીય સ્થિતિનો અભ્યાસ કર્યા બાદ 6થી 7 તીવ્રતાના ભૂકંપ થવા માટેનાં 15થી 16 સ્થળબિંદુઓનો એક સેટ, 25 ડિસેમ્બર, 2004ના રોજ તૈયાર કરી રાખેલો, તે પૈકી 12 બિંદુઓ પર ભૂકંપ થયેલા; એ રીતે તેઓ તેમની ગણતરીમાં 77 % સફળ થયા કહેવાય. આ અગાઉ, 22 ડિસેમ્બર, 2004ના રોજ, યુ. એસ. જિયૉલૉજિકલ સર્વેને તેમજ નાસાને, 26 ડિસેમ્બર, 2004ના રોજ ભૂકંપ આવવાની શક્યતાની આગાહી મોકલી આપેલી; પરંતુ પૅસિફિક ખાતેનું સુનામી ચેતવણી-તંત્ર 26 સભ્ય દેશો પૂરતું સીમિત હોવાથી (ભારત તે પૈકીનું સભ્ય ન હોવાથી) ભારતને જરૂરી ચેતવણી મોકલી શકાયેલી નહિ.
ભારતના પૂર્વ કાંઠે સુનામીથી થયેલી હોનારત નજરે નિહાળીને કેન્દ્ર સરકારે સુનામીની આગોતરી ચેતવણી મળી રહે તે હેતુને લક્ષમાં રાખીને અંદાજે 1,000 કરોડ રૂપિયાને ખર્ચે ‘DART’ સિસ્ટમ (Deep Ocean Assessment and Reporting of Tsunami) આયાત કરી, આગામી બે વર્ષમાં તેને હિન્દી મહાસાગર-તળ પર, યોગ્ય સ્થળ નિર્ધારિત કરી, સ્થાપવાનું નક્કી કર્યું છે. આ તંત્રમાં સમુદ્રતળ પર આશરે 6,000 મીટરની ઊંડાઈએ તળદાબનોંધકો (‘બૉટમ પ્રેશર રેકૉર્ડર્સ’) મુકાશે. ત્યાંની ઉપલી જળસપાટી પર અન્યોન્ય સંકળાયેલા ફાઇબરના તોતિંગ ગોળા તરતા રખાશે, તેમાં જળદાબ માપવાનાં તેમજ મોજાંની અસાધારણ ઊંચાઈ માપવાનાં ફણાં (wedges) હશે. આ ઉપકરણો સુનામી-પરખ-સંસૂચકો (Tsunami detectors) તરીકે ઓળખાશે. સમુદ્રતળ પર 7.5 રિક્ટર માપની તીવ્રતાનો ભૂકંપ ઉદ્ભવે તો તળ-સંસૂચકો (bottom detectors) જળસપાટી પરના ગોળાઓને અને ગોળાઓ અંતરીક્ષમાંના સૅટેલાઇટને સીધેસીધો સંદેશો પાઠવશે, જેથી ચેતવણી પ્રસારિત થઈ શકશે. આ કાર્યમાં નૌસેના, અંતરીક્ષ-વિભાગ અને મોસમ-વિભાગ સહભાગી હશે તથા જરૂરી આંતરરાષ્ટ્રીય સહકાર પણ લેવાશે. ભારતનું ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજીનું ‘હબ’ વિશ્વમાં મોટું ગણાતું હોવાથી આ ‘ડાર્ટ’ વ્યવસ્થાતંત્ર દેશભરમાં દશબાર મથકો ખાતે સ્થાપવાની યોજના વિચારાઈ છે. સુમાત્રા, જાવા, ભુજ, પૉર્ટ બ્લૅર વગેરે જેવાં મથકોનો તેમાં સમાવેશ કરવાની નેમ છે.
આ ક્રિયાપદ્ધતિ હૈદરાબાદ ખાતે દિવસ-રાત કાર્યરત રહેશે અને 100 કિમી.ના વિસ્તારમાં હોનારત સંબંધી માહિતી માત્ર પાંચ જ મિનિટમાં આપી શકશે એવી ધારણા મુકાઈ છે.
સુનામી હોનારત સામે રક્ષણાત્મક પગલાં :
1. તમે સુનામી વિશે જાણતા હો અને તે આવી રહ્યું છે એવી ચેતવણી મળતાં જ પગ નીચેની ધરતી સરકતી હોય એમ લાગવા માંડે છે. જાણ થતાં જ સ્વજનો, મિત્રો, પડોશીઓને ઝડપથી ચેતવી દો. શક્ય હોય એટલી ત્વરાથી ઊંચાઈવાળા સ્થળે પહોંચી જવા પ્રયાણ કરી દો.
2. સુનામીથી બચવા હિંમત કેળવો અને શું શું કરી શકાય તે વિચારો. અન્યને પણ હિંમત આપો.
3. ભૂકંપને પાત્ર સમુદ્રતળ નજીકના વિસ્તારમાં ઉદ્ભવતું સુનામી ભૂકંપજન્ય હોઈ શકે છે.
4. સુનામી નાના-મોટા, ગમે તે પરિમાણનાં હોઈ શકે છે. કાંઠાના સ્થળો પર તે 10થી 30 મીટર ઊંચાઈવાળાં બની ત્રાટકી શકે છે. કાંઠાને વટાવી ભૂમિભાગોમાં ફેલાઈ તેને જળબંબાકાર કરી શકે છે. કાંઠાના નીચાણવાળા ભાગોમાં તે ઝડપથી પ્રસરી જાય છે.
5. સુનામી (મોજાં) એક પછી એક શ્રેણીબંધ આવી શકે છે, કલાકો સુધી તે આવર્તિત થતાં રહે છે. મનુષ્ય દોડી શકે તેના કરતાં વધુ ઝડપે આવે છે.
6. તે કાંઠાની ભૂમિ પર ત્રાટકીને પાછું ફરે છે ત્યારે કાંઠાનું સમુદ્રતળ થોડાક વખત માટે ખુલ્લું બની જાય છે, તે વખતે તેમાં ખેંચાઈ જવાની વધુ શક્યતા રહે છે. 1755નું લિસ્બનનું સુનામી તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાય.
7. કેટલાંક સુનામી ખૂબ જ પ્રબળ અને વેગવાન હોય છે. મોજાંની થપાટ ક્યારેક એટલી તો જોશવાળી હોય છે કે કાંઠા પરની ભેખડો, કંઠાર રેતપટ તેમજ બંદર પરનાં વહાણો, વગેરે અંદરના ભૂમિભાગમાં ફંગોળાઈ જાય છે. આવાસો, ઇમારતો કડડભૂસ કરતી ભાંગીને ભુક્કો થઈ જાય છે. સુનામીનો જળવેગ જબરદસ્ત જાનહાનિ-માલહાનિ કરી દે છે. સમુદ્રને મળતી નદીઓમાં – નદી-નાળામાં જળભરાવો થઈને પૂરતી સ્થિતિ સર્જી શકે છે. સુનામી દિવસે, રાત્રે, ગમે ત્યારે આવી શકે છે : તેથી જો આગોતરી ચેતવણી મળી જાય તો, શક્ય હોય તે તે જરૂરી રક્ષણાત્મક પગલાં લેવાં.
તમે જો ભૂમિ પર હો તો :
1. સુનામીનાં વિનાશક લક્ષણોની તમે પોતે જાણકારી રાખો, મેળવો અને અન્યને જણાવો, જે જીવન બચાવવામાં મદદરૂપ નીવડશે.
2. તમે જો શાળામાં કે કાર્યાલયમાં હો તો તમારા શિક્ષકો કે ઉપરી અધિકારીના માર્ગદર્શનને અનુસરો. ઘરમાં હો તો કુટુંબના પ્રત્યેક જણને જાણ કરી, શક્ય હોય એટલી ઝડપે ઘર છોડી દો. રઘવાયા બન્યા સિવાય શાંતિથી પણ ઝડપથી ઊંચાઈવાળા સલામત સ્થળે પહોંચવા પ્રયાસ કરો. આ બધી વેળા સ્થાનિક સત્તાવાળાઓની સલાહને અનુસરો.
3. તમે જો દરિયાકાંઠે હો અને ભૂકંપ થતો અનુભવો, તો સુનામીની ચેતવણીની રાહ જોયા વિના નજીકના કોઈક ઊંચાણવાળા સ્થળે જવા પ્રયાસ કરો. સુનામીના સમયની ચેતવણી મળી ગઈ હોય તેની અગાઉ પણ તે આવી શકે છે.
4. સુનામી દૂરના સ્થળે ઉદ્ભવ્યું હોય તો તે તમારા સ્થળે આવી પહોંચતાં સમય લાગતો હોય છે. વચ્ચેના મળેલા સમયનો લાભ લઈ ઊંચેની જગાએ જતા રહો.
5. ક્યાંક ઘણા મજલાવાળી ઊંચી, કૉંક્રીટથી બનેલી હોટેલો, નીચાણવાળા કંઠારપ્રદેશમાં પણ હોઈ શકે છે. તો નીચે ઊતરી કિનારાથી દૂરના અંદરના ભૂમિભાગમાં ઝડપથી જવાનું શક્ય ન હોય તો, તેમાં જ ઉપરના મજલાઓમાં ચઢી જાઓ. નાના આવાસો કે નાની ઇમારતોમાં હો તો તેને છોડીને અન્યત્ર પહોંચી જાઓ.
6. દરિયાઈ ટાપુ કે છીછરા જળવિસ્તારમાં હો તો ત્યાં સુનામીનું જોશ ભાંગી જઈ મંદ પડી જતું હોય છે, તેમ છતાં પ્રબળ મોજાં તેને પણ છોડતાં હોતાં નથી. જો ચેતવણી મળી જાય અને સમયગાળો રહેતો હોય તો આવા વિસ્તારોને છોડી દેવાનું યોગ્ય ગણાય.
તમે જો વહાણમાં હો તો –
1. ખુલ્લા સમુદ્ર કે મહાસાગરમાં તો સુનામી(મોજાં)ની ક્રિયા અસરકર્તા હોતી નથી, માટે તમારા જહાજને બંદર તરફ, ચેતવણી મળી હોય તોપણ, પાછું ન લાવવું સલાહભર્યું ગણાય. ત્રાટકતાં મોજાં બંદર/બારાના ભાગને વિનાશક નીવડી શકે છે. જહાજ ઊપડવાની તૈયારી હોય તો અને સુનામીની ચેતવણી મળી ગઈ હોય તોપણ, જો સમયગાળો રહેતો હોય તો, દરિયા તરફ હંકારી જવાનું ઉચિત ગણાય. તેમ છતાં નૌકાઅધિકારીની સલાહને અવગણવી નહિ. નાની હોડીઓ હોય તો, બંદર પર તે છોડી દઈ, નજીકના ઊંચાઈવાળા સ્થળે જવું સારું.
સુનામી સંશોધન : દુનિયાભરની ઘણી સંસ્થાઓમાં સુનામીનાં સંશોધનો ચાલે છે, તેની જાણકારી મેળવી તેમના સંપર્કમાં રહેવામાં શાણપણ છે : (1) PMEL સુનામી પ્રકલ્પ : પૅસિફિક મરીન એન્વાયરન્મેન્ટલ લૅબોરેટરી ખાતે સંશોધન ચાલે છે. (2) મિશિગન યુનિવર્સિટી (યુ.એસ.) ખાતે સંશોધન ચાલે છે. (3) દક્ષિણ કૅલિફૉર્નિયા યુનિવર્સિટી ખાતે USC સુનામી સંશોધનજૂથ કામ કરે છે. (4) કોસ્ટલ ઍન્ડ હાઇડ્રૉલિક્સ લૅબોરેટરી (CHL) ખાતે સંશોધન ચાલે છે. (5) NOAA-Coastal Ocean Program Service NOAA COP ખાતે સુનામી સંશોધન-પ્રોજેક્ટ ચાલે છે. અન્ય સંસ્થાઓ સાથે તેનું સંકલન પણ છે.
ગિરીશભાઈ પંડ્યા