સમાસ : વ્યાકરણશાસ્ત્રનો એક ખ્યાલ. એકથી વધુ જુદાં જુદાં પદો ભેગાં થઈ એક પદરૂપ બની જાય અને પ્રત્યેક પદના વિભક્તિ પ્રત્યયોનો લોપ થવા છતાં તેમની વિભક્તિનો અર્થ જણાય તેનું નામ સમાસ. અલબત્ત, અંતિમ પદને સમાસના અર્થ મુજબ વિભક્તિ પ્રત્યય લાગે છે. લોપ પામેલી વિભક્તિનો પ્રત્યય મૂકી સમાસનો અર્થ સ્પષ્ટ કરવામાં આવે તેને સમાસનો લૌકિક વિગ્રહ કહે છે તથા વ્યાકરણશાસ્ત્રની પરિભાષામાં તે પ્રત્યયો બતાવવામાં આવે તેને અલૌકિક વિગ્રહ કહે છે. સમાસના આગળના પદને પૂર્વપદ અને પાછલા પદને ઉત્તરપદ કહેવામાં આવે છે.
‘મહાભાષ્ય’માં પતંજલિએ સમાસના ચાર મુખ્ય પ્રકારો લક્ષણ સાથે આપ્યા છે. પાછળના વૈયાકરણો સમાસના ઘણા ગૌણ પ્રકારો આપે છે. સમાસના પ્રકારોમાં : (1) અવ્યયીભાવ સમાસ – જે સમાસમાં પૂર્વપદ મુખ્ય હોય તે અવ્યયીભાવ કહેવાય; જેમ કે, ‘उपक्रृष्णम् ’ – ‘क्रृष्णस्य समीपम’ (કૃષ્ણની પાસે). અહીં ‘उप’ (પાસે) એ અવ્યય પદ અગત્યનું છે. (2) તત્પુરુષ સમાસ – જે સમાસમાં ઉત્તરપદનો અર્થ મુખ્ય હોય તે તત્પુરુષ સમાસ છે; જેમ કે, कूपजलम् – ‘कूपस्यजलम्’ (કૂવાનું પાણી), અહીં ‘जल’ (પાણી) એ પદનો અર્થ મુખ્ય છે અને ‘कूपस्य’ એ ષષ્ઠી વિભક્તિમાં છે, તેથી ષષ્ઠી તત્પુરુષ સમાસ છે. પ્રથમા વિભક્તિ સિવાય તમામ વિભક્તિઓનો તત્પુરુષ સમાસ થાય છે. જે સમાસમાં પૂર્વપદ વિશેષણ હોય અને ઉત્તરપદ વિશેષ્ય હોય તે તત્પુરુષનો એક પેટાપ્રકાર કર્મધારય સમાસ છે; જેમ કે, ‘क्रृष्णसर्प: ।’ ‘क्रृष्णश्चासौ सर्पश्च’ (કાળો સાપ). એ જ રીતે જે કર્મધારયમાં પૂર્વપદ સંખ્યાનો અર્થ બતાવે તો તેને દ્વિગુ સમાસ કહે છે; જેમ કે, ‘त्रिभुवनम् ।’ ‘त्रयाणां भुवनानां समाहार:’ (ત્રણ ભુવનોનો સમૂહ). જે તત્પુરુષ સમાસમાં પૂર્વપદ नञ् (अ) નિષેધનો અર્થ બતાવે તેને नञ् तत्पुरुष સમાસ કહે છે; જેમ કે, ‘अधर्म: ।’ ‘ न धर्म:’ (ધર્મ નહિ તે). આ સિવાય ઉપપદ તત્પુરુષ (कुंभकार:), ગતિ તત્પુરુષ (वषद्कृत्य), અલુક્ તત્પુરુષ (युधिष्ठिर:) વગેરે પ્રસ્તુત સમાસના પ્રકારો છે. (3) બહુવ્રીહિ સમાસ જે સમાસમાં અન્ય પદનો અર્થ મુખ્ય હોય તે બહુવ્રીહિ સમાસ છે; જેમ કે, ‘पीतांबरो हरि: ।’ ‘पीतम् अंबरं यस्य स:’ (જેમનું વસ્ત્ર પીળા રંગનું છે તેવા વિષ્ણુ). અહીં અન્ય પદ ‘हरि’નો અર્થ મુખ્ય છે. सह બહુવ્રીહિ, नञ् બહુવ્રીહિ, કર્મવ્યતિહાર બહુવ્રીહિ વગેરે તેના પેટાપ્રકારો છે. (4) દ્વંદ્વ સમાસ -9 જે સમાસમાં બધાં પદોના અર્થ મુખ્ય હોય તે દ્વંદ્વ સમાસ કહેવાય છે; જેમ કે, ‘रामकृष्णौ ।’ ‘रामश्च कृष्णश्च’ (રામ અને કૃષ્ણ). અહીં રામ અને કૃષ્ણ બંને મુખ્ય છે તેથી દ્વિવચનમાં છે. ત્રણ કે વધુ મુખ્ય હોય તો તે બહુવચનમાં આવે છે. તેના ઇતરેતર દ્વંદ્વ, સમાહાર દ્વંદ્વ, એકશેષ દ્વંદ્વ વગેરે પ્રકારો છે. દીર્ઘ સમાસો સંસ્કૃતમાં જ છે અને અલંકારશાસ્ત્રમાં રીતિના પ્રકારો સમાસોને આધારે પાડવામાં આવ્યા છે.
ભગવતીપ્રસાદ પંડ્યા