સમાન ખડકપ્રદેશ (petrographic province)

January, 2007

સમાન ખડકપ્રદેશ (petrographic province) : સમાન રાસાયણિક, સમાન ખનિજીય લક્ષણો ધરાવતો સીમિત કાળગાળાને આવરી લેતો ખડકપ્રદેશ. સીમિત ભૂસ્તરીય કાળગાળા દરમિયાન તૈયાર થયેલા અગ્નિકૃત ખડકોથી બનેલો પ્રદેશ, જેમાં ખડકો એકસરખાં રાસાયણિક-ખનિજીય અને ખડકવિદ્યાત્મક લક્ષણો ધરાવતા હોય છે, જેથી તેમને તે જ વિસ્તારમાં મળતા અન્ય ખડકોથી અલગ તારવી શકાય છે. સૈદ્ધાંતિક રીતે વિચારતાં આવા સમલક્ષણી ખડકો એક માતૃમૅગ્મામાંથી બનેલા હોવાનું ગણાય છે. રોમ અને નેપલ્સ સમાન ખડકપ્રદેશ માટેનાં સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે.

ઉત્પત્તિના સંદર્ભમાં સંબંધિત શ્રેણી રજૂ કરતા ખડકોનું જો રાસાયણિક પૃથક્કરણ કરી તેમની ભિન્નતા-પ્રમાણની રેખાકૃતિ (variation diagram) તૈયાર કરવામાં આવે તો તે ખડકશ્રેણીનાં ઘણાં લક્ષણો તારવી શકાય. ઉદાહરણરૂપ આવી એક રેખાકૃતિ નીચે રજૂ કરી છે, તેમાં ઑક્સાઇડ-સિલિકાની ટકાવારી સહિત ખડક-પ્રકારો સામાન્ય સમજ માટે દર્શાવવામાં આવેલા છે :

સાનફ્રાન્સ્કિો પર્વતોના જ્વાળામુખી ખડકોની કૅલ્ક-આલ્કલી શ્રેણીનું અગ્નિકૃત ખડકભિન્નતા-પ્રમાણ દર્શાવતી આકૃતિ

સમાન ખડકપ્રદેશ રચતી અમુક ખડકશ્રેણી અમુક પ્રકારની ભૂસ્તરીય પરિસ્થિતિ હેઠળ બનતી હોય છે. સામાન્ય રીતે એમ કહેવાય છે કે વધુ અલ્કલ પ્રકારો સ્તરભંગ અને અવતલન દર્શાવતા તણાવ અને ઊર્ધ્વ સંચલનની અસરવાળા પ્રદેશોમાં તૈયાર થતા હોય છે; જ્યારે વધુ કૅલ્શિક પ્રકારો દાબની અસરવાળા ગેડ પર્વતપટ્ટાના પ્રદેશોમાં બનતા હોય છે. આ સંદર્ભમાં જુદાં જુદાં ખડકજૂથ સમાન ખડકપ્રદેશના ઉદાહરણરૂપ નીચે મુજબ આપેલાં છે :

1. ઑલિવિન બેસાલ્ટટ્રેકાઇટ જૂથ : ખડકજૂથનો આ પ્રકાર અત્યંત બહોળા પ્રમાણમાં વિસ્તરેલો જોવા મળે છે. તે મધ્ય પૅસિફિક ટાપુઓ(હવાઈ, તાહિતી, સમોઆ)માં, મધ્ય આટલાંટિક ડુંગરધારની કિનારી પર આવેલા ટાપુઓ(ઍસ્કેન્શન, સેન્ટ હેલેના)માં અને હિન્દી મહાસાગરના ટાપુઓ(કર્ગ્વેલન)માં સ્પષ્ટ રીતે જોવા મળે છે. ખનિજીય અને ખડકવિદ્યાત્મક બંને રીતે આ જૂથ સરળ બંધારણવાળું છે, તેમાં પ્રાથમિક ઑલિવિન બેસાલ્ટ પ્રકારના મૅગ્માએ નીચે પ્રમાણેની શ્રેણી બનાવેલી છે :

ઑલિવિન બેસાલ્ટ ડ્ડ બેસાલ્ટ ડ્ડ ઍન્ડેસાઇટ ડ્ડ ટ્રેકાઇટ : તે મોટેભાગે સ્ફટિકીકરણ અને ગુરુત્વ-સ્વભેદન સંકેન્દ્રણથી અસ્તિત્વમાં આવી છે. આ પૈકી છેલ્લા બે પ્રકારોનું પ્રમાણ વિપુલ નથી. સ્થાનિક સંજોગો મુજબ, ક્યાંક (સમોઆમાં) ટ્રેકાઇટ ડ્ડ ક્વાટર્ઝ ટ્રેકાઇટમાં અને (ઍસ્કેન્શનમાં) ટ્રેકાઇટ ડ્ડ સોડા હ્રાયોલાઇટમાં ફેરવાયેલો છે. ફોનોલાઇટનું પ્રસ્ફુટન સિલિકાની ત્રુટિવાળા અતિઅસંતૃપ્ત માતૃમૅગ્માને કારણે હોઈ શકે; એ જ રીતે, ક્વાટર્ઝધારક અંતિમ પેદાશો જે ક્યાંક ક્યાંક જોવા મળે છે તે માતૃમૅગ્માની સંતૃપ્તિને કારણે હોઈ શકે, તો વળી અન્યત્ર (ઍસ્કેન્શનમાં) ફેરફારવાળા પ્રકારભેદ જોવા મળે છે તે જૂના ગ્રૅનાઇટના થોડા પ્રમાણમાં થયેલા આત્મસાતીભવનને કારણે હોઈ શકે.

ઓશિએનાઇટ, ઍન્કેરેમાઇટ અને લિમ્બરગાઇટના લાક્ષણિક વિકાસ માટે જ્વાળામુખી સંચયસ્થાનના અધોસ્તરમાં ઑલિવિન અને પાયરૉક્સીનના ગુરુત્વ-સ્વભેદનથી થયેલું એકત્રીકરણ કારણભૂત હોઈ શકે. આ પ્રકારની ઘનતાસ્તરબદ્ધતા માટે નજીક નજીકમાં રહેલાં જ્વાળામુખી-નળીઓમાંથી ભિન્ન ભિન્ન લાવાનાં એકસાથે થયેલાં સમકાલીન પ્રસ્ફુટનોને જવાબદાર લેખી શકાય.

આ જ પ્રકારનાં ઑલિવિન બેસાલ્ટ-ટ્રેકાઇટ જૂથ અન્યત્ર (ન્યૂઝીલૅન્ડ-ઓટાગો; નૉર્વે-ઓસ્લો; પૂર્વ આફ્રિકી ફાટખીણ વિભાગ; સ્કૉટલૅન્ડની મિડલૅન્ડ વેલી) પણ મળે છે. અહીં ટ્રેકાઇટ, સોડા હ્રાયોલાઇટ અને ફોનોલાઇટ વધુ પ્રમાણમાં મળે છે, જ્યારે લ્યુસાઇટ પ્રકાર સ્થાનિક ઉપલબ્ધિની દૃષ્ટિએ અગત્યનો ગણાય છે, જેનું પ્રમાણ સમુદ્રીય વિસ્તારોમાં તદ્દન જૂજ છે.

ટૂંકમાં, આ જૂથ સ્તરભંગ-વિસ્તારોની લાક્ષણિકતા બની રહેલ છે અને સાથે સાથે ઊર્ધ્વ સંચલન થયાની સાક્ષી પણ પૂરે છે.

2. ફાટ પ્રસ્ફુટિત બેસાલ્ટ (flood basalt) : બેસાલ્ટ ખડકોથી બનેલું આ જૂથ ઉચ્ચપ્રદેશીય બેસાલ્ટ તરીકે પણ જાણીતું છે, જેણે સેંકડો-હજારો-લાખો વર્ગ કિમી.ના વિશાળ વિસ્તારો પર પથરાયેલા ક્ષૈતિજ લાવાપ્રવાહોના ઘણી જાડાઈના થર પર થર બનાવેલા છે. જગપ્રસિદ્ધ ઉદાહરણો આ પ્રમાણે છે : પશ્ચિમ ભારતનો દખ્ખણનો લાવાનો ઉચ્ચપ્રદેશ (ડેક્કન ટ્રૅપ રચના), ઓરેગૉન-વૉશિંગ્ટનનો કોલંબિયા-સ્નેક રીવર બેસાલ્ટ અને લેક સુપીરિયરનો કીવીનાવાન લાવાપ્રદેશ. આ લાવાપ્રવાહો ઘણી ઊંડાઈએ તૈયાર થયેલા મૅગ્મામાંથી ફાટો દ્વારા ક્રમે ક્રમે પ્રસ્ફુટિત થતા જઈને રચાયા છે.

આ જૂથના ખડકપ્રકારોમાં મુખ્યત્વે તો બેસાલ્ટ જ છે, તેમ છતાં હ્રાયૉલાઇટ, ટ્રેકાઇટ અને ઍન્ડેસાઇટ પણ ઓછાવત્તા પ્રમાણમાં મળી રહે છે. કેટલાક ભૂસ્તરશાસ્ત્રીઓ આ જૂથને બે પ્રકારોમાં વહેંચી નાખે છે – ઑલિવિન બેસાલ્ટ અને થોલિયાઇટિક બેસાલ્ટ. બીજા પ્રકાર કરતાં પ્રથમ પ્રકારમાં સિલિકાનું પ્રમાણ ઓછું અને સોડા, પોટાશ, મૅગ્નેશિયાનું પ્રમાણ વધુ હોય છે. એક જ પ્રદેશમાં બંને પ્રકાર મળી શકે છે. બંને પ્રકારોનો પ્રાપ્તિસ્રોત પોપડાની જુદી જુદી ઊંડાઈના વિભાગો હોઈ શકે અથવા થોલિયાઇટિક પ્રકાર સ્ફટિકીય વિભાગીકરણ દ્વારા ઑલિવિન બેસાલ્ટમાંથી બન્યો હોય. કેટલાક નિષ્ણાતો એમ પણ કહે છે કે એક જ પ્રાથમિક બેસાલ્ટિક મૅગ્મામાંથી તૈયાર થયેલાં આ બે ભિન્ન સ્વરૂપો છે.

આ ઉપરાંત દુનિયાના ઘણા ભાગોમાં સેંકડોથી હજારો વર્ગ કિમી.માં પ્રસરેલાં સીલ અને ડાઇક સ્વરૂપનાં અંતર્ભેદકોનાં સંકુલ પણ ડાયાબેઝ પ્રકારના બેસાલ્ટ દ્રવ્યની પેદાશ છે. દક્ષિણ આફ્રિકાના કારુ વિસ્તારના નિક્ષેપોમાં અને ન્યૂ જર્સીમાં અંતર્ભેદકોના સપાટ પટ મળે છે. મૅગ્માનાં આ જાડાઈવાળાં મેજ-આકાર-સ્વરૂપો જેમ જેમ ઠરતાં ગયાં તેમ તેમ સ્વભેદન પામતાં ગયેલાં, તેમાં ઑલિવિન તળભાગોમાં સંકેન્દ્રિત થયેલો છે. પાયરૉક્સીનનું પ્રમાણ નીચે ઓછું છે, પરંતુ ઉપર તરફ તે વધુ લોહ-સમૃદ્ધ છે. ઉપરના સ્તરોમાં સોડા સહિતના પ્લેજિયૉક્લેઝનું પ્રમાણ વધતું જાય છે. આ બાબત સ્પષ્ટપણે નિર્દેશ કરી જાય છે કે સ્ફટિકીય વિભાગીકરણ દ્વારા સ્વભેદન થયેલું છે.

3. બેસાલ્ટ-ઍન્ડે-સાઇટહ્રાયૉલાઇટ જૂથ : ઍન્ડેસાઇટ-હ્રાયૉલાઇટ પ્રકાર ખંડોમાં જોવા મળે છે અને ગિરિનિર્માણના વિસ્તારો(ગેડ પર્વત પટ્ટાઓ)નો લાક્ષણિક પ્રકાર ગણાતો હોવા છતાં તેના પૂરતો મર્યાદિત રહેતો નથી. ઉત્તર અને દક્ષિણ અમેરિકાના પશ્ચિમ કિનારા પર વિસ્તૃતપણે વિકાસ પામેલા (ઘણા હજી પણ સક્રિય) પૅસિફિકને ફરતા જ્વાળામુખી-પટ્ટામાં તે જોવા મળે છે. આ જૂથના ખડકોમાં મુખ્યત્વે ઍન્ડેસાઇટ અને હ્રાયૉલાઇટ છે, ગૌણ પ્રમાણમાં બેસાલ્ટ, ડેસાઇટ, લેટાઇટ અને ક્વાર્ટ્ઝ લેટાઇટ પણ મળે છે. અહીં લાવા અને ટફ બંને પ્રકાર રજૂ થાય છે. ખડકપ્રકારોનો પ્રસ્ફુટન-ક્રમ ખૂબ જ જટિલ છે; એટલું જ નહિ, સ્થાનભેદે અને કાળભેદે થયેલાં પ્રસ્ફુટનો પ્રમાણે ભિન્નતા પણ દર્શાવે છે. મોટાભાગના વિસ્તારોના ખડકપ્રકારોનો માતૃદ્રાવણ સ્રોત બેસાલ્ટિક મૅગ્મા હોવાનું જણાય છે. બેઝિક દ્રવનું વિભાગીય સ્ફટિકીકરણ દ્વારા સ્વભેદન થયેલું છે, પરંતુ તેમાં જૂના પ્રાદેશિક પોપડાના ખડકો આત્મસાતીભવન પામેલા છે. વળી જુદી જુદી કક્ષાએ થયેલા મૅગ્માના સ્ફટિકીકરણની પેદાશો તેમાં મિશ્ર થયેલી છે. કદાચ પોપડાના ખડકોનું સ્થાનિક ગલન થવાથી હ્રાયૉલાઇટ અને ઍન્ડેસાઇટ મૅગ્મા બન્યો હશે એમ પણ લાગે છે.

4. બેઝિક-અલ્ટ્રાબેઝિક ખડકજૂથ : આ જૂથ બેઝિક અથવા અલ્ટ્રાબેઝિક બંધારણવાળા ખડકોથી બનેલું છે, જે મોટાં પટસ્વરૂપોમાં (સિલ), રકાબી આકારોમાં (લોપોલિથ) કે શંકુ આકારનાં સ્વરૂપોમાં છીછરી ઊંડાઈએ અંતર્ભેદન પામેલું છે. ઉદાહરણો તરીકે મિનેસોટાનું ડલથ લોપોલિથ, સડબરી-ઑન્ટેરિયોનું સડબરી લોપોલિથ, મોન્ટાનાનું સ્ટિલવૉટર સંકુલ, પૂર્વ ગ્રીનલૅન્ડનું સ્કરગાર્ડનું અંતર્ભેદક અને દક્ષિણ આફ્રિકાનું બુશવેલ્ડ સંકુલ લઈ શકાય.

આ ખડકપ્રકારો હજારો મીટરની જાડાઈવાળી શ્રેણી-સ્વરૂપે સપાટ કે થાળા આકારોમાં વિતરણ પામેલા છે. તળભાગ સામાન્ય રીતે તો વધુ ઘનતાવાળો છે, પરંતુ જુદા જુદા પ્રકારનાં વારાફરતી ગોઠવાયેલાં પાતળાં પડ પટ્ટાદાર દેખાવ રચે છે. તળભાગ પેરિડોટાઇટ અને પાયરૉક્સીનાઇટની વિપુલતાવાળો છે. ઉપર તરફનો ભાગ થોડા ઍનૉર્થોસાઇટ સહિત મુખ્યત્વે નોરાઇટ અને ગેબ્બ્રોથી બનેલો છે. ખનિજીય દૃષ્ટિએ જોતાં ઑલિવિન અને પાયરૉક્સીન લોહસમૃદ્ધ છે, જ્યારે તળથી ઉપર તરફ આવતાં પ્લેજિયૉક્લેઝ વધુ સોડિક બનતો જાય છે.

આ પ્રકારે ગોઠવાયેલું ખડક-વિતરણ સૂચવે છે કે મૂળભૂત રીતે પ્રવેશેલો બેસાલ્ટિક કે બેઝિક મૅગ્મા તળભાગથી ઉપર તરફ ઠરતો ગયો હશે, સ્ફટિકીકરણ ઉપરના ભાગમાં શરૂ થઈને, નીચે તરફ જામતું ગયું હશે, જેનાથી તળભાગ બંધાયો હશે; અર્થાત્, ઘનતા અને કદ મુજબ ખનિજ-વિતરણ થયું હોવું જોઈએ. અંતર્ભેદકોના છત ભાગોમાં વિપુલ પ્રમાણમાં ગ્રૅનાઇટ બંધારણ જેવું દ્રવ્ય જોવા મળે છે, જે બેસાલ્ટિક મૅગ્માના સ્વભેદનની અંતિમ કક્ષા સૂચવે છે, પરંતુ આ દ્રવ્ય મૅગ્મા દ્વારા ત્યાંના જળકૃત નિક્ષેપો અને ફેલ્સાઇટનું આત્મસાતીભવન થઈને જે પેદાશ તૈયાર થઈ તે ગ્રૅનાઇટ બંધારણવાળી બની હશે, અથવા ગરમ બેઝિક અંતર્ભેદકે પરિણામી દ્રવ બનાવ્યું હશે, જે આ સ્વરૂપે સ્ફટિકીકરણ પામ્યું હશે.

5. ગ્રૅનોડાયૉરાઇટ-ગ્રૅનાઇટ જૂથ : સ્થૂળ દાણાદાર, અંત:કૃત પ્રકારના ખડકોથી બનેલું આ જૂથ ખંડો પૂરતું મર્યાદિત રહીને, છૂટા છૂટા ભૂમિભાગોમાં વિસ્તૃત રીતે વિતરણ પામેલું જોવા મળે છે. તેને બે કક્ષાકીય પ્રકારોમાં વહેંચી શકાય છે : એક પ્રકારમાં સ્ટૉક, વલય ડાઇક વગેરે જેવાં નાનાં સ્વરૂપો છીછરી ઊંડાઈએ તૈયાર થઈને છૂટક છૂટક વિતરણ પામેલાં છે. પ્રાદેશિક ખડકોમાં વિસંવાદી અંતર્ભેદન પ્રકાર રચે છે, તેમ છતાં કેટલાંકે સંવાદી સ્વરૂપે ઘુમ્મટ-આકારો પણ બનાવેલા છે. આ બધાંએ તેમની કિનારીઓ પર વિકૃતિમંડળ (metamorphic halo) કે સ્ફટિકીકરણ વિભાગો વિકસાવ્યા છે, જે એક વિશિષ્ટ લક્ષણ બની રહ્યું છે. આ પ્રકારમાં ગ્રૅનાઇટ અને ગ્રૅનોડાયૉરાઇટ મુખ્ય ખડકપ્રકારો છે, ગૌણ પ્રમાણમાં ડાયૉરાઇટ, ગેબ્બ્રો અને સાયનાઇટ છે. આ પ્રકારો મૂળ ગ્રૅનાઇટ કે ગ્રૅનોડાયૉરાઇટ બંધારણવાળા મૅગ્માની પેદાશો છે, તેમ છતાં ક્યાંક ક્યાંક બેસાલ્ટિક મૅગ્માદ્રવ કાર્યશીલ રહ્યું હોય ત્યાં વિભાગીય સ્ફટિકીકરણ અને પ્રાદેશિક ખડકોનું આત્મસાતીભવન પણ થયું છે અને અંશત: આ પ્રકારો તૈયાર કરેલા છે.

બીજા કક્ષાકીય પ્રકારમાં બેથોલિથનો સમાવેશ થાય છે. તે વિકૃત ખડકોથી ઘેરાયેલો છે અને પર્વત-વિભાગો પૂરતો સીમિત છે. કૅલિફૉર્નિયાનો સીએરા નેવાડા બેથોલિથ અને બ્રિટિશ કોલંબિયાનો કોસ્ટ રેઇન્જ બેથોલિથ વિશિષ્ટ ઉદાહરણો છે. માઉન્ટ આબુ બેથોલિથને પણ આ પ્રકારમાં મૂકી શકાય. મુખ્ય ખડકપ્રકાર ગ્રૅનાઇટ છે, પ્રી-કૅમ્બ્રિયન વયનો છે; ગ્રૅનોડાયૉરાઇટ નવા વયના ખડકોમાં મળે છે. ક્વાર્ટ્ઝ ડાયૉરાઇટનું પ્રમાણ આ બે પ્રકારોથી ઓછું છે, જ્યારે ડાયૉરાઇટ, ગેબ્બ્રો અને સાયનાઇટ અમુક અમુક સ્થાનો પૂરતા મર્યાદિત છે. બેથોલિથ સામાન્યપણે તો પર્વતીય પટ્ટાને સમાંતર લંબાયેલા હોય છે, પરંતુ પોતાના સ્થાનમાં આડાઅવળા ફંટાયેલા હોય છે. ગ્રૅનાઇટ મોટેભાગે તો દળદાર હોય છે, પરંતુ કિનારી નજીકના ભાગો પર પત્રબંધ-રચનાવાળા જોવા મળે છે. ઘણાખરા ગ્રૅનાઇટ સાથે પૅગ્મેટાઇટ અને મિગ્મૅટાઇટ સંકળાયેલા હોઈ શકે છે.

ગ્રૅનાઇટના વિશાળ જથ્થા પૈકી કેટલાક સિયલ સ્તરના નીચેના ભાગોનું ગલન થઈ જવાથી ઉદ્ભવેલા ગ્રૅનાઇટ મૅગ્માની પેદાશ ગણાય છે; જ્યારે કેટલાક ભૂસંનતિમય થાળાના તળભાગના નિક્ષેપો વિરૂપતા અને દબાણની અસર હેઠળ મૅગ્મામાં ફેરવાઈ જવાથી તૈયાર થતા હોય છે, તો વળી બીજા કેટલાક ગ્રૅનાઇટીભવનની પેદાશ પણ હોય છે.

6. લ્યુસાઇટ બેસાલ્ટ-પોટાશ ટ્રેકીબેસાલ્ટ જૂથ : આ જૂથ જ્વાળામુખીજન્ય તેમજ તદ્દન છીછરી ઊંડાઈની ઉત્પત્તિસ્થિતિવાળા સિલિકાની ત્રુટિવાળા, પોટાશ-સમૃદ્ધ ખડકોના ઘણા પ્રકારોનો સમાવેશ કરે છે અને ખંડો પૂરતું મર્યાદિત છે. લ્યુસાઇટ સહિતના બેઝિક (Siનું ઓછું અને Ca, Fe અને Mgનું વધુ પ્રમાણ) અને અલ્ટ્રાબેઝિક ખડક-પ્રકારો મર્યાદિત પ્રાપ્તિવાળા પણ ઘણા વિસ્તારોમાં મળે છે : રોમ-નેપલ્સ; ઇટાલી; યુગાન્ડા, પૂર્વ આફ્રિકા; પશ્ચિમ ઑસ્ટ્રેલિયાનો વેસ્ટ કિમ્બરલી વિસ્તાર; વાયોમિંગની લ્યુસાઇટ હિલ્સ આ ખડકજૂથનાં વિશિષ્ટ સ્થાનો ગણાય છે અને ત્યાં લ્યુસાઇટ બેસાલ્ટ, લ્યુસાઇટ બેસેનાઇટ, પોટાશ ટ્રૅકીબેસાલ્ટ અને મેલિલાઇટ બેસાલ્ટ ખડકો તરીકે જોવા મળે છે. આ જૂથ સ્તરભંગવાળા પ્રદેશો અને ઊર્ધ્વ સંચલનની લાક્ષણિકતા બની રહેલા છે.

7. નેફેલીન સાયનાઇટ જૂથ : આ જૂથમાં મળતા નેફેલીન સાયનાઇટ અને તેની સાથે સંકળાયેલા આલ્કલિ-સમૃદ્ધ ખડકપ્રકારો જુદી જુદી જગાએ રહેલા હોવા છતાં પ્રમાણમાં જૂજ છે. તે ખંડોમાં જ મળે છે અને સ્તરભંગ તેમજ અવતલન પામેલા વિસ્તારોની લાક્ષણિકતા બની રહ્યા છે.

8. સ્પિલાઇટ-કીરેટોફાયર જૂથ : આ જૂથ ગૌણ અંતર્ભેદકો સહિત જ્વાળામુખીજન્ય લાવાપ્રવાહો અને ટફનો સમાવેશ કરે છે અને તે ભૂસંનતિમય વિસ્તારોની નિક્ષેપ-જમાવટ સાથે ઘનિષ્ઠપણે સંકળાયેલું છે. ખડકો સોડા-સમૃદ્ધ અને પોટાશ-ત્રુટિવાળા હોય છે; થોડા સોડા ટ્રેકાઇટ (કીરેટોફાયર) સહિત મુખ્યત્વે બેસાલ્ટિક (સ્પિલાઇટ) ખડકપ્રકારો આ જૂથમાં આવે છે. આ પૈકીના કેટલાક વિકૃતિજન્ય પરિવર્તિત પેદાશો બની રહેલા છે, જ્યારે કેટલાક બેસાલ્ટ-ઍન્ડેસાઇટ-હ્રાયૉલાઇટ જૂથના ખડકો સાથે સંકળાયેલા છે.

9. અલ્ટ્રાબેઝિક ખડકો : મુખ્યત્વે પેરિડોટાઇટ અને સર્પેન્ટાઇન જેવા અંતર્ભેદક ખડકપ્રકારોનો આ જૂથમાં સમાવેશ કરેલો છે અને સ્પિલાઇટ જૂથ સાથે ઘનિષ્ઠપણે સંકળાયેલા છે. આ બંને જૂથ ભેગાં મળીને કહેવાતો ઑફિયોલાઇટ સમૂહ રચે છે, જે પર્વત વિસ્તારોમાં જોવા મળતી પ્રારંભિક મૅગ્માજન્ય ઘટનાની રજૂઆત કરતાં હોવાનું ગણાય છે.

10. ઍનૉર્થોસાઇટ : આ ખડકપ્રકારે પ્રી-કૅમ્બ્રિયન વિસ્તારોમાં વિશાળ જથ્થાઓ રચેલા છે અને હાઇપરસ્થીન ગ્રૅનાઇટ તેમજ નોરાઇટ સાથે સંકળાયેલા મળે છે. ખનિજીય દૃષ્ટિએ તે ઍન્ડેસાઇન કે લેબ્રેડોરાઇટથી બનેલા હોય છે અને તેથી ગેબ્બ્રો સાથે સંકળાયેલા કૅલ્શિયમ-સમૃદ્ધ ઍનૉર્થોસાઇટથી જુદા પડે છે. આ પ્રકારના ખડકો દક્ષિણ ભારતમાં જોવા મળે છે.

ગિરીશભાઈ પંડ્યા