સમાજ (society) : સામાજિક સંબંધોનું ગુંફન. સામાજિક સંબંધોની અટપટી વ્યવસ્થા કે જેમાં માનવ સમાજ-જીવન જીવે છે, તે સમાજ છે; પરંતુ એક વાત સ્પષ્ટ છે કે કેટલાક માનવેતર જીવો પણ સમાજ-જીવન જીવે છે. આમ તો જીવસૃદૃષ્ટિના ઉદ્ભવની સાથે સમાજ અને સમાજ-જીવન ઉત્ક્રાન્ત થયાં છે. માનવનું સમાજ-જીવન એ જીવસૃદૃષ્ટિના વિકાસનો એક તબક્કો છે.

સમાજ માનવનો હોય કે પ્રાણીઓનો; પરંતુ બંને સ્વરૂપોમાં કેટલીક સર્વસામાન્ય લાક્ષણિકતાઓ હોય છે; જેમ કે સમૂહજીવનની અમુક કક્ષા; અર્થાત્, પ્રાણીઓ કે મનુષ્યોનાં ભેગાં થવા માત્રથી સમાજ ન બને. તેઓ નિશ્ચિત સ્વરૂપનું સમૂહજીવન જીવતાં હોય તો જ તેને સમાજ કહી શકાય. સમાજના એકમો તરીકે વ્યક્તિગત જીવો હોય છે; જેમ કે, માનવ-સમાજમાં વ્યક્તિગત એકમ માનવ છે તો મધમાખીના સમાજમાં વ્યક્તિગત એકમ મધમાખી છે.

સામાજિક સંબંધો : જ્યારે આ વ્યક્તિગત જીવો કે વ્યક્તિઓ વચ્ચે અન્યોન્યની જરૂરિયાત સંતોષવાના સંબંધો હોય ત્યારે જ સમાજ રચાય છે. એ રીતે વ્યક્તિઓ વચ્ચે સંબંધો વિકસે તો જ સમાજ બને. આ રીતે સામાજિક સંબંધ પણ તેનું એક લક્ષણ બને છે.

ટૂંકમાં, સમાજ એ ચોક્કસ સ્વરૂપનું સમૂહજીવન છે અને તે પારસ્પરિક પ્રવૃત્તિઓનું સૂચન કરે છે; પરંતુ કોઈ પણ પ્રકારના સમાજોએ કેટલીક સર્વસામાન્ય જરૂરિયાતોની પૂર્તિ કરવી પડે છે. તો જ તેનું અસ્તિત્વ અને સાતત્ય ટકે છે; જેમ કે, વસ્તીની જાળવણી કરવી; એ માટે પ્રજોત્પાદન, પોષણ અને રક્ષણની જરૂરિયાત અનિવાર્ય રીતે પૂરી પાડવી પડે છે.

શ્રમવિભાજન : સમૂહજીવનની જરૂરિયાતો પૂરી પાડવા શ્રમવિભાજન જરૂરી બને છે; પછી ભલે તેની માત્રા જુદી જુદી હોય.

સંગઠન : અસ્તિત્વ અને સાતત્ય ટકાવવા અને બાહ્ય ભયની સ્થિતિમાં પ્રતિકાર કરવા સંગઠન સાધવું એ પ્રાથમિક જરૂરિયાત બને છે. સામાજિક-વ્યવસ્થાની જાળવણી કરવી એ પણ મહત્ત્વની આવશ્યકતા છે. તેના માટે જરૂરી કાર્યતંત્રો વિકસાવવાં પડે છે.

સાદામાં સાદાં જીવો-પ્રાણીઓ પણ સમાજ-જીવન જીવે છે. તેઓ વચ્ચે પણ આંતરક્રિયાનાં જુદાં જુદાં સ્વરૂપો (સહકાર, સંઘર્ષ, સ્પર્ધા વગેરે) વ્યક્ત થતાં હોય છે. કીડી, મધમાખી, ઊધઈ વગેરેની સમાજ-વ્યવસ્થા જાણીતી છે. એ રીતે જોતાં જીવન એટલે આનુવંશિકતા અને આનુવંશિકતા અન્ય જીવની હાજરી અને સંપર્ક વગર શક્ય ન બને. આથી માનવ અને કેટલાંક પ્રાણીઓ ચોક્કસ પ્રકારનો સમાજ ધરાવે છે.

સમાજને મુખ્યત્વે બે સ્વરૂપો કે પ્રકારોમાં વહેંચી શકાય : (1) જૈવિક સામાજિક સમાજ અને પ્રાણીસમાજ (Bio-social society) તથા (2) સામાજિક-સાંસ્કૃતિક સમાજ (Socio-cultural society).

આ બંને પ્રકારના સમાજો જરૂરિયાત સંતોષવાની પદ્ધતિને અનુલક્ષીને જુદા પડે છે. પ્રાણીસમાજની જરૂરિયાત સંતોષવાની પદ્ધતિ આનુવંશિકતા કે જૈવિકતા પર આધારિત હોય છે; જ્યારે માનવસમાજ સામાજિક-સાંસ્કૃતિક સમાજ છે. તેની જરૂરિયાત સંતોષવાની પદ્ધતિ સંસ્કૃતિનિર્મિત હોય છે. અલબત્ત, માનવસમાજમાં આનુવંશિકતા પણ મહત્ત્વની બાબત છે; કેમ કે, માનવ સામાજિક-સાંસ્કૃતિક પ્રાણીની સાથે જૈવિક પ્રાણી પણ છે; પરંતુ તેની જૈવિક/દૈહિક જરૂરિયાતો સંતોષવાની ઢબ સમાજ દ્વારા, સંસ્કૃતિ દ્વારા નક્કી થાય છે. આથી માનવસમાજ જૈવિક, સામાજિક-સાંસ્કૃતિક સમાજ (Bio, socio-cultural society) ગણાય છે; માનવસમાજ પ્રાણીસમાજના મૂળ પ્રકારમાંથી વિકસ્યો છે; અર્થાત્, જૈવિક સમાજમાંથી ઉત્ક્રાન્ત થઈને માનવસમાજ (સામાજિક-સાંસ્કૃતિક સમાજ) ઉદ્ભવ્યો છે; છતાં બન્ને વચ્ચેનો ભેદ સ્પષ્ટ છે.

માનવસમાજ : સામાન્ય રીતે ‘સમાજ’ (society) શબ્દનો ઉપયોગ વ્યક્તિ પોતપોતાના સંદર્ભમાં કરતી હોય છે અને તેના આધાર પર રોજ-બરોજના વ્યવહારો ચાલે છે (જેમ કે, સમાજનો ડર લાગવો, કે સમાજના રિવાજો વગેરે); પરંતુ આ શબ્દને સમાજશાસ્ત્રની એક વિભાવના તરીકે લઈએ ત્યારે તેમાંથી એક જ અને સ્પષ્ટ અર્થ તારવી શકાય એ જરૂરી બને છે.

માનવસમાજ એક માનવ-સમૂહ તરીકે નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર અને આત્મનિર્ભરતા ધરાવતું માનવ-જૂથ છે; જ્યારે એક સામાજિક વ્યવસ્થા તરીકે માનવસમાજ એ સામાજિક સંબંધોનું જટિલ ગુંફન છે. જેના દ્વારા દરેક માનવી અન્ય માનવી સાથે પરસ્પર સંકળાયેલો રહે છે. એટલે કે તે માત્ર પ્રાદેશિક જૂથ નથી, માનવીઓનો સમુચ્ચય કે માત્ર એકઠા થવું એ પણ નથી; પરંતુ માનવી-માનવી વચ્ચેના પારસ્પરિક સંબંધોની જટિલ અને પરિવર્તન પામતી વ્યવસ્થા છે. આમ સમાજ એ ઔપચારિક અને અનૌપચારિક ધોરણો અને પ્રણાલિકાઓ, સત્તા અને પારસ્પરિક મદદ, અનેક જૂથો અને વિભાગો, સ્વાતંત્ર્ય અને નિયંત્રણની વ્યવસ્થા છે અને એ સાર્વત્રિક અને સર્વવ્યાપક છે.

આમ, સામાજિક સંબંધો એ સમાજની મુખ્ય વિશેષતા છે. આ સંબંધો તેમાં સમાવિષ્ટ માનવીઓ પરસ્પરની હાજરીની સભાનતાવાળા હોય એ જરૂરી છે. વળી સંબંધમાં આવતી વ્યક્તિઓ વચ્ચે અમેપણાની ભાવના હોવી પણ આવશ્યક બને છે. આ સંબંધો વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે, વ્યક્તિ અને જૂથ વચ્ચે કે જૂથ અને જૂથ વચ્ચે આંતરક્રિયાના કોઈ પણ સહકાર, સંઘર્ષ કે સ્પર્ધાના સ્વરૂપે, અને કૌટુંબિક, આર્થિક, ધાર્મિક, રાજકીય કે અન્ય કોઈ પણ પ્રકારના હોઈ શકે છે. આવા તમામ સ્વરૂપના સંબંધો પરસ્પર સંકળાયેલા હોય છે અને સંબંધોની તરેહો જરૂર પડ્યે પરિવર્તન પણ સર્જે છે.

સામ્ય અને વૈષમ્ય પણ સમાજની ખાસ લાક્ષણિકતા જણાય છે. માનવસમાજમાં તેના એકમો એવા માનવોમાં મૂળભૂત સામ્ય છે, પરંતુ એ સાથે જુદાપણું કે ભિન્નતાઓને પણ અવગણી ન શકાય; જેમ કે, સ્ત્રી-પુરુષની જાતીય ભિન્નતાઓ ઉપરાંત હિતો, વલણો, ધ્યેયો અને મૂલ્યો જેવી સાંસ્કૃતિક બાબતોમાં પણ સામ્યો અને વૈષમ્યો વ્યક્ત થાય છે. વાસ્તવમાં આવાં સામ્યો અને વૈષમ્યો એકબીજાંનાં પૂરક બને છે; આથી જ સમાજ માટે બન્ને અનિવાર્ય છે.

વળી સમાજમાં કૌટુંબિક, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને રાજકીય – એમ કુલ છ પ્રકારનાં જુદાં જુદાં જૂથો અને તેના વિભાગો અનિવાર્ય રીતે જોવા મળે છે. તેમની વચ્ચે વિવિધ જરૂરિયાતોના સંતોષ માટે શ્રમવિભાજન વિકસે છે; જ્યારે વ્યક્તિઓ વચ્ચે થતી કાર્ય-વહેંચણીને આધારે દરજ્જા અને પ્રતિષ્ઠાની ભિન્નતા અને કોટિક્રમો વિકસે છે. આવા કોટિક્રમો સામાજિક અસમાનતા અને ઊંચનીચના ભેદો સૂચવે છે.

માનવસમાજમાં સાતત્ય અને પરિવર્તન પણ અનિવાર્ય રીતે જોવા મળે છે. સમાજની સ્થિરતા ટકાવવા સારુ સમાજમાં સંરક્ષણાત્મક સંસ્થાઓ અસ્તિત્વ ધરાવે છે; જેમ કે, કુટુંબ જેવી સંસ્થા સાતત્ય ટકાવવા સંતાનોત્પત્તિની મહત્ત્વની કામગીરી સંભાળે છે, તો નિયંત્રણની વ્યવસ્થા વ્યક્તિના વર્તન-વ્યવહારમાં સ્થિરતા અને સાતત્ય ટકાવે છે. કેળવણીની સંસ્થાઓ તેમજ સામાજિકીકરણની પ્રક્રિયા દ્વારા પેઢી દર પેઢી સાંસ્કૃતિક વારસાનું સંક્રમણ કરીને સમાજના સાતત્યને જાળવવામાં મદદરૂપ બને છે, પરંતુ નર્યા સાતત્યથી એકધારાપણું ન સર્જાય એ માટે પરિવર્તનને પણ અવકાશ છે; કેમ કે, માનવસમાજ ગત્યાત્મક છે. અલબત્ત, તેની ગતિમાં ફરક જોવા મળે છે. આથી જ ભૂતકાળ કરતાં આજે અને વિકસતા દેશો કરતાં વિકસિત સમાજોમાં પરિવર્તનની માત્રા વધારે જોવા મળે છે. આ રીતે સાતત્ય અને પરિવર્તન એકબીજાથી ભિન્ન અને કેટલાક સંજોગોમાં વિરોધાભાસી લક્ષણો ધરાવતાં હોવા છતાં સમાજ-વ્યવસ્થામાં આ બંને સાથે હોય છે અને સમાજને જીવંત વ્યવસ્થાનું સ્વરૂપ આપે છે; આથી સાતત્ય અને પરિવર્તન માનવસમાજનું અનિવાર્ય લક્ષણ બને છે.

વિશ્વભરમાં સર્વત્ર સમાજનાં બંને સ્વરૂપો : પ્રાણીસમાજ અને માનવસમાજ જોવા મળે છે. વાસ્તવમાં માનવસમાજ પ્રાણીસમાજનું ઉત્ક્રાન્ત સ્વરૂપ છે. એ બાબતને વૈજ્ઞાનિક સંશોધન દ્વારા સમર્થન મળ્યું છે. છતાં માનવસમાજને સંસ્કૃતિ છે અને માનવનું સમાજ-જીવન સંસ્કૃતિ-નિર્મિત છે. પ્રાણીસમાજમાં તેનો અભાવ છે. માનવસમાજ તો જૈવિક, સામાજિક-સાંસ્કૃતિક સમાજ છે.

નલિની કિશોર ત્રિવેદી