સમાજ (તટજલજીવી સમાજ) : સમુદ્રની વિશાળ જળરાશી પૈકીના છીછરા ખંડીય છાજલીના કિનારાના જળમાં વસતો વનસ્પતિ અને પ્રાણીજીવોનો સમાજ, જેના ઘટકો નીચે મુજબ છે :

ઉત્પાદકો (producers) : ડાયટૉમ્સ, ડિનોફ્લેજિલેટ્સ અને સૂક્ષ્મકશીય (microflagellates) ઉત્પાદક પોષણ સ્તરના પ્રભાવી સજીવો તરીકે જોવા મળે છે. આ ત્રણેય જૂથ આકૃતિ 1માં દર્શાવેલ છે. ડાયટૉમ્સ ઉત્તર તરફના સમુદ્રોમાં પ્રભાવી હોય છે; જ્યારે ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણકટિબંધનાં પાણીમાં ડિનોફ્લેજિલેટ્સ મુખ્ય છે. તે માત્ર સ્વાવલંબી ઘટક તરીકે જ નહિ, પરંતુ કેટલીક જાતિઓ વૈકલ્પિક મૃતોપજીવી (facultative saprophytes) અથવા જીવભક્ષી (phagotroph) પણ હોય છે. કેટલીક જાતિઓ માછલીઓના વિનાશ માટે જવાબદાર હોય છે. Gonyaulax અને Gymnodinium જેવાં લાલ રંજકદ્રવ્ય ધરાવતાં ડિનોફ્લેજિલેટ્સનો વિસ્તાર ‘લાલ ભરતી’ (red tides) બનાવે છે અને તેમના દ્વારા સ્રવતા ‘ન્યૂરોટૉક્સિન’ જેવાં વિષ દ્વારા માછલીઓ સમૂહમાં મૃત્યુ પામે છે. સમશીતોષ્ણ પાણીમાં ઋતુનિષ્ઠ અનુક્રમણ (seasonal succession) દરમિયાન ઘણી વાર ડિનોફ્લેજિલેટ્સ ડાયટૉમ્સને અનુસરે છે.

આકૃતિ 1 : (A) ડાયટૉમ્સ : (અ) કોરેથ્રૉન, (આ) નિટ્ઝસ્કિયા ક્લોસ્ટેરિયમ, (ઇ) પ્લૅંક્ટોનિયેલા, (ઈ) નિટ્ઝસ્ક્રિયા સિરિયારા, (ઉ) કોસ્ક્ધિાોડિસ્કસ, (ઊ) ફ્રેજિલારિયા, (ઋ) કીટોસિરોસ, (એ) થેલાઝિયોસિરા, (ઐ) ઍસ્ટરિયોનેલા, (ઓ) બીડ્ડુલ્ફિયા, (ઔ) ડિટાઇલમ, (અં) થેલાઝિયોથ્રિક્સ (અ:) નેવિક્યુલા, (ક, ખ) ર્હાઇઝોસોલેનિયા સેમિસ્પાઇનાં ઉનાળુ અને શિયાળુ સ્વરૂપો.

દરિયાકિનારે મોટી બહુકોષીય સ્થાપિત લીલ અથવા ‘દરિયાઈ અપતૃણ’ પણ જોવા મળે છે. તે છીછરાં પાણીમાં સખત તળ સાથે અથવા ઘણે ભાગે ખડક સાથે સ્થાપનાંગ (hold fast) વડે ચોંટેલી હોય છે અને નિમ્ન ભરતીની સીમાની નીચે આવેલા પ્રદેશમાં મોટાં વન કે કૅલ્પ સંસ્તર (kelp beds) બનાવે છે. આ પ્રદેશમાં હરિતલીલ (chlorophyta) ઉપરાંત બદામી હરિતલીલ (phaeophyta) અને લાલ હરિતલીલ (rhodophyta) જોવા મળે છે. લીલનો બદામી કે લાલ રંગ ક્લૉરોફિલના લીલા રંગને છુપાવતાં વિશિષ્ટ રંજકદ્રવ્યોને લીધે હોય છે. આ રંજકદ્રવ્યો સૌથી વધુ ઊંડાઈ સુધી પ્રવેશી શકતાં લીલાશ પડતાં પીળાં કિરણોનું શોષણ કરે છે. કેટલીક સ્થાપિત લીલ અગર અને બીજી નીપજો માટેના સ્રોત તરીકે આર્થિક રીતે ઉપયોગી છે. ઉત્તરના ખડકાળ કિનારાઓ પર ‘દરિયાઈ અપતૃણ’ની લણણીનો નિયમિત ઉદ્યોગ ચાલે છે. ખોરાક માટે તેની કેટલીક જાતિઓનું જાપાનમાં સંવર્ધન કરવામાં આવે છે.

આકૃતિ 1 : (B) ડિનોફ્લેજિલેટ્સ : (અ) સિરાશિયમ, (આ) ડિનોફાયસિસ, (ઇ) ઑર્નિથોસર્કસ, (ઈ, ઉ) ટ્રીપોસોલેનિયા  સમ્મુખ અને પાર્શ્ર્વદેખાવ, (ઊ) પેરિડિનિયમ, (ઋ) એમ્ફિસોલેનિયા, (એ) ગોનિયોલેક્સ, (ઐ) સિરાશિયમ.

આકૃતિ 1 : (C) સૂક્ષ્મકશીય : (અ) ડુનેલિયેલા (ફાઇટોમોનાડ), (આ) ક્લોરેમિબા (ઝેન્થોમોનાડ), (ઇ) આઇસોક્રાયસિસ (ક્રાઇસોમોનાડ), (ઈ) પ્રોટોક્રાયસિસ (ક્રિપ્ટોમોનાડ), (ઉ) ડિક્ટિયોકા (સિલિકોફ્લેજિલેટ), (ઊ) પૉન્ટોસ્ફિરા (કોક્સોલીથોફોર).

ઉપભોક્તાઓ : પ્રાણી-પ્લવકો : સમગ્ર જીવનચક્ર દરમિયાન પ્લવક-અવસ્થામાં રહેતાં સજીવોને પૂર્ણ પ્લવક (holoplankton) કહે છે. અરિત્રપાદ (copepods) અને ‘ક્રિલ’ કે યુકોસીડ્સ જેવા મોટા સ્તરકવચી પ્લવક અને નેક્ટૉન્સની વચ્ચેની મહત્ત્વની કડી છે. પ્રજીવ પ્લવકોમાં છિદ્રધર (foraminiferans), રેડિયોલેરિયેન્સ અને ટિન્ટિનીડ-પક્ષ્મધારી(ciliates)નો સમાવેશ થાય છે. છિદ્રધર અને રેડિયોલેરિયેન્સનાં કવચો દરિયાઈ નિક્ષેપોમાં ભૂસ્તરીય અભિલેખ(geological record)નો એક મહત્ત્વનો ભાગ બને છે.

આકૃતિ 2 : દરિયામાં અંશપ્લવકો તરીકે જોવા મળતા ડિમ્ભ : (અ) નૂપુરક પ્લેટિનેરિસનો વજ્રકેશીય ડિમ્ભ, (આ) રેતીના કરચલા(emerita)નો ઝુઈઆ ડિમ્ભ, (ઇ) બ્રાયોઝુનનો ડિમ્ભ, (ઈ) અદંડી કંચુકીનો ટેડપોલ ડિમ્ભ, (ઉ) નેમેર્શિયન કીડાનો પિલિડિયમ ડિમ્ભ, (ઊ) સમુદ્રગોટાનો ડિમ્ભ, (ઋ) માછલીનું ગર્ભવાળું ઈંડું, (એ) શલ્ક કીડાનો ડિમ્ભ, (ઐ) ગોકળગાયનો વેલિજર ડિમ્ભ, (ઓ) બરડતારાનો ડિમ્ભ, (ઔ) બાર્નેકલનો નૉપ્લિયસ ડિમ્ભ, (અં) બાર્નેકલનો સાઇપ્રીસ ડિમ્ભ, (અ:) કોષ્ઠાંત્રિનો પ્લેનુલા ડિમ્ભ, (ક) અદંડી જલજીવકની છત્રિક અવસ્થા.

બીજાં પ્રાણી-પ્લવકોમાં પાંખ જેવા પગવાળા મૃદુકાય [પક્ષપાદ (pteropods) અને વિષમપાદ (heteropods)], નાની જેલીફિશ (છત્રિક – medusae), કંકતધર (cterophores), કંચુકી (tunicate), મુક્તપણે તરતા બહુલોમી (polychaete) કીડા અને તીર આકારના પરભક્ષી કીડા (arrow worms) અથવા શૂકહન્વી-(chaetognaths)નો સમાવેશ થાય છે. તટજલજીવી પ્લવકોનો ઘણોખરો ભાગ અંશ-પ્લવકો (meroplanktons) વડે બને છે. આ બાબત મીઠાં પાણીમાં જોવા મળતી પ્લવકોની સ્થિતિથી વિરોધાભાસ દર્શાવે છે. જલતલસ્થ જીવો (benthos), નેક્ટૉન્સ અને ડિમ્ભનાં નાનાં સ્વરૂપો તલભાગે ન જાય અથવા મુક્તપણે તરતાં પ્રાણીમાં ન પરિણમે ત્યાં સુધી પ્લવક-સમૂહ સાથે જોડાય છે. પ્લેટિનેરિસનો વજ્રકેશીય ડિમ્ભ, રેતીનાં કરચલાં(emerita)નો ઝુઈઆ (zoea) ડિમ્ભ, બ્રાયોઝુન ડિમ્ભ, અદંડી કંચુકીનો ટેડપોલ ડિમ્ભ, સી અર્ચિન સમુદ્રગોટા(sea urchin)ના ડિમ્ભ, માછલીઓનાં ગર્ભવાળાં ઈંડાં, શલ્કકૃમિ(scale worms)નો ડિમ્ભ, ગોકળગાયનો વેલિજર ડિમ્ભ, બરડતારાનો ડિમ્ભ, બાર્નેકલ ડિમ્ભ, કોષ્ઠાંત્રિ(coelenterate)નો પ્લેતુલા ડિમ્ભ અને અદંડી જલજીવક(hydrozoa)ના છત્રિકો અંશ-પ્લવકો છે.

બળદેવભાઈ પટેલ