સમાજકલ્યાણ : સમાજના કોઈ સમુદાયની વ્યાધિકીય સ્થિતિમાં સુધારો લાવવાની દિશામાં વ્યક્તિગત અથવા સાર્વજનિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા વ્યવસ્થિત પ્રયાસો. ‘એનસાઇક્લોપીડિયા બ્રિટાનિકા’ અનુસાર સમાજકલ્યાણ એ કાયદાની એવી પદ્ધતિ છે જેના દ્વારા સરકાર સંરક્ષણ – સુરક્ષા આપીને પોતાના નાગરિકોને સામાજિક-આર્થિક કલ્યાણ બક્ષે છે. યુનાઇટેડ નૅશન્સે આધુનિક રાજ્યની કલ્યાણપ્રવૃત્તિઓને માનવ-અધિકારો સાથે જોડીને ઘોષણા કરી છે કે પ્રત્યેક વ્યક્તિને યોગ્ય જીવન જીવવાનો અધિકાર છે, જે વ્યક્તિ તથા તેના કુટુંબના કલ્યાણની ખાતરી આપે છે. આમાં ખાસ સહાયની જરૂર છે તેવી તમામ બાબતોનો સમાવેશ થાય છે; જેમ કે, અન્ન, વસ્ત્ર, આવાસ, આરોગ્ય, તબીબી સહાય, વૃદ્ધાવસ્થામાં રક્ષણ, સ્ત્રી અને બાળકલ્યાણ, મનોરંજન વગેરે.

‘સમાજકલ્યાણ’ શબ્દનો ઉપયોગ સમાજની નીતિ અને વિશિષ્ટ ક્રિયાઓ માટે થાય છે. સામાજિક વિઘટનને સમાપ્ત કરવા માટેના ઉપાયોનાં સાધનો અને સૂચનોનો સમન્વય સમાજકલ્યાણમાં થાય છે. આયોજનના હેતુથી સમાજકલ્યાણને સંગઠિત પ્રવૃત્તિઓ સાથે જોડી દેવામાં આવે છે. તેમાં ખાસ કરીને વ્યક્તિ, જૂથ અથવા સમુદાયની પરિસ્થિતિમાં સુધારો લાવીને તેમને વિકાસનાં કાર્યોમાં ભાગીદાર બનાવાય છે.

સમાજકલ્યાણની પ્રવૃત્તિઓનો મુખ્ય આશય સમાજના નબળા અને પછાત વર્ગના લોકોને મદદરૂપ બનવાનો છે, જેથી તેઓ ન્યૂનતમ જીવનધોરણ પ્રાપ્ત કરી શકે.

ભારતમાં ‘સમાજકલ્યાણ’નો અર્થ મર્યાદિત છે. તેમાં મુખ્યત્વે સમાજના નબળા વર્ગો માટેના સરકારી કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ સમુદાયોમાં મુખ્યત્વે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો, વિચરતી અને વિમુક્ત જાતિઓ વગેરેનો સમાવેશ થાય છે.

સમાજકલ્યાણની સાથે વિવિધ વિચારધારાઓ, સાંસ્કૃતિક પરંપરાઓ, માનવીય મૂલ્યો, સામાજિક-આર્થિક વિકાસ, સામાજિક ન્યાય અંગેની વિચારસરણી જેવી, નાણાકીય સંસાધનો આદિ અનેક બાબતો સંકળાયેલી છે. અતિવિકસિત અને વિકસિત દેશોમાં લોકોને ન્યૂનતમ જીવનસ્તર પ્રાપ્ત થાય તેની ખાતરીના સંદર્ભમાં વિકાસશીલ દેશોમાં લોકોની ભૌતિક જરૂરિયાતો પરિપૂર્ણ કરવાના અર્થમાં તથા અન્ય દેશોમાં સમાજની નીતિવિષયક બાબતો અને જવાબદારી સાથે સમાજકલ્યાણને જોડવામાં આવે છે. વહીવટી વ્યવસ્થા તથા સંચાલન, સંરચના-વિકાસ અને કલ્યાણના હેતુ અર્થે કાર્યાન્વિત કાર્યક્રમો, પરિયોજનાઓ, સરકાર અને સંગઠનની જવાબદારીઓ, સામાજિક-સાંસ્કૃતિક બાબતોને સમાજ-કલ્યાણ સાથે સાંકળીને પ્રદર્શિત કરવામાં આવે છે. સમાજકલ્યાણને બહુધા સમાજસેવા, સમાજસુરક્ષા, સમાજકાર્ય, સમાજસુધારણાની સાથે જોડી દેવાય છે અને સમાનાર્થક સમજીને એકબીજાના સ્થાને તેમનો એકબીજાના પર્યાય તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

સમાજકલ્યાણને એક વિદ્યાશાખા તથા સંસ્થા તરીકે જોવાય છે. વિદ્યાશાખા તરીકે સંસ્થાઓ, કાર્યક્રમો, નીતિવિષયક બાબતો; વ્યક્તિ, જૂથ અને સમુદાય માટેની સમાજસેવાઓ પર કેન્દ્રિત કરાય છે; જેનું મહત્ત્વપૂર્ણ કાર્ય સામાજિક કાર્ય કરીને શિક્ષણ અને તાલીમ આપવાનું છે. કેટલીક યુનિવર્સિટીઓમાં સમાજકલ્યાણને સમાજકાર્ય તથા સમાજશાસ્ત્રના અભ્યાસક્રમના ભાગ રૂપે એક પાઠ્યક્રમ તરીકે ભણાવવામાં આવે છે. સંસ્થા તરીકે સમાજકલ્યાણને વિવિધ કાર્યની જટિલતા અને સંસ્થાકીય કાર્યક્રમો સાથે જોડી દેવાય છે. સમાજકલ્યાણના કાર્યક્રમો યોજનાઓ અને વિવિધ સેવાઓનો લાભ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ થાય છે; જેથી લોકો પોતાની મૂળભૂત જરૂરિયાતો, સામાજિક-આર્થિક જરૂરિયાતની સેવાઓ, શૈક્ષણિક જરૂરિયાતો અને આરોગ્યવિષયક સેવાની જરૂરિયાતો સાથે સમાયોજન સાધી શકે.

સમાજકલ્યાણ વિવિધ વિષયો સાથે સંબંધ ધરાવે છે; જેવા કે, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, સાંસ્કૃતિક-સામાજિક માનવશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, મનોચિકિત્સા તેમજ તબીબી વિજ્ઞાન. સમાજકલ્યાણના ક્ષેત્રે કાર્ય કરતા કાર્યકરો-કર્મચારીઓ, માનસચિકિત્સકો, માનસિક આરોગ્યના કર્મચારીઓ, નગર-આયોજકો, તબીબો, શિક્ષકો, પરિચારિકાઓ, મનોવૈજ્ઞાનિકો, કાયદાશાસ્ત્રીઓ અને ઉપચારકો સાથે સંબંધ ધરાવે છે. આવા કાર્યકરોની મદદ લઈને સમાજકલ્યાણનાં કાર્યો થાય છે; જેમ કે, કાયદાશાસ્ત્રીઓ દ્વારા ગરીબો, નબળા અને પછાત વર્ગના લોકોને મફત કાનૂની સેવા પૂરી પાડવામાં આવે છે. તેવી જ રીતે નગર-આયોજકો સામાજિક આયોજનનું કાર્ય કરતી સંસ્થાઓને; તબીબો જાહેર આરોગ્ય-ક્ષેત્રે કાર્યાન્વિત સંસ્થાઓને; શિક્ષકો લાગણીથી વિચ્છિન્ન થયેલા લોકોને તેમના નિવાસસ્થાને જઈને; પરિચારિકાઓ વિવિધ પ્રકારની ઉપચારવિષયક સેવાઓ દ્વારા; માનસ-સામાજિક કાર્યકરો-માનસચિકિત્સકો માનસિક આરોગ્યને લગતી સેવાઓ પૂરી પાડે છે.

સમાજકલ્યાણની વિવિધ સેવાઓનું વર્ગીકરણ નીચે મુજબ થાય છે :

(1) વ્યક્તિગત સેવાઓ : આમાં કેસવર્ક, માર્ગદર્શન, સલાહ, મનોરંજન, પુનર્વસન વગેરેનો સમાવેશ થાય છે. આવી સેવાઓ સામાજિક કાર્યકરો પૂરી પાડે છે.

(2) સંરક્ષણાત્મક સેવાઓ : તેમાં ગ્રાહક-સુરક્ષા, ન્યાયાલયોની તથા અગ્નિશામક સેવાઓ; રહેઠાણ અંગેની સંહિતા લાગુ પાડવા, વિવિધ કાયદાઓ લાદીને તેમનો ચુસ્ત અમલ કરાવવો; સામાજિક વીમો અને જાહેર આરોગ્યવિષયક સેવાઓનો સમાવેશ થાય છે. આવી સેવાઓ વિવિધ સંસ્થાઓ પૂરી પાડે છે.

(3) માર્ગદર્શન અને માહિતીસેવાકેન્દ્રોની સેવાઓ : આમાં પરામર્શન-સેવા, ગ્રાહકોને ઉપયોગી માર્ગદર્શન, શિક્ષણ અને નાણાકીય બાબતોને લગતી સેવાઓ, હૉટલાઇન અને ગ્રંથાલયની સેવાઓનો સમાવેશ થાય છે.

(4) અનુરક્ષણસેવાઓ : બાળસંભાળ, બેરોજગારોને માર્ગદર્શન, સંસ્થાગત સેવાઓ, જાહેર લોકકલ્યાણના કાર્યક્રમો, નિવૃત્તિ માટેનાં આયોજનો, સમાજસુરક્ષાના કાર્યક્રમોનો સમાવેશ થાય છે.

સમાજકલ્યાણની સેવાઓનો આરંભ 20મી સદીમાં યુરોપ અને અમેરિકાના દેશોમાં થયો. સ્કેન્ડિનેવિયન દેશો વિશ્વની સર્વોત્તમ વિકસિત અને કાર્યદક્ષ સમાજકલ્યાણ-પ્રણાલી માટે પ્રસિદ્ધ છે.

ભારત એક કલ્યાણરાજ્ય છે, જે સૌને માટે ખાસ કરીને સમાજના નબળા અને પછાત વર્ગોના કલ્યાણ અને વિકાસ માટે વચનબદ્ધ છે. ભારતના બંધારણની પ્રસ્તાવના, રાજ્યના અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોથી નાગરિકોના અધિકારો તથા અનુચ્છેદ 38, 39 અને 46થી નાગરિકો પ્રત્યે રાજ્યની વચનબદ્ધતાની પુદૃષ્ટિ થાય છે. લોકકલ્યાણના હેતુલક્ષી બંધારણે તેના રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને જોગવાઈઓમાં નાતજાત, ધર્મ અને ભાષાના ભેદભાવ વગર સૌને સમાન તક આપવાની તેમજ રાષ્ટ્રના નબળા વર્ગોના વિકાસ માટે ખાસ માવજતની ગોઠવણ કરી છે. સમાજના નબળા અને સામાજિક-આર્થિક દૃષ્ટિએ ઉપેક્ષિત વર્ગોને અધિકાર-સંપન્ન બનાવવા માટે ખાસ કલમો રાખી છે. તેના અમલ માટે ખાસ અમલદાર તરીકે કમિશનરની નિમણૂક થાય છે. બંધારણના હેતુને ધ્યાનમાં લઈને સમાજના પછાત અને નબળા વર્ગો તેમજ વિચરતી વિમુક્ત જાતિઓ માટે કલ્યાણકારી કાર્યક્રમો અને વિકાસલક્ષી યોજનાઓ કાર્યરત કરાય છે. આના માટે 1964માં સમાજકલ્યાણનું વહીવટી માળખું બનાવાયું. ત્યારપછી 1983માં તેને સમાજ અને મહિલાકલ્યાણનું સ્વરૂપ આપીને તેની સ્થાપના 1985માં કરી. 1991માં માનવ-સંસાધન વિકાસ મંત્રાલય અસ્તિત્વમાં આવ્યું, જેની અંદર મહિલા અને બાળકલ્યાણ વિભાગ કાર્યરત થયો. 1998માં એનું નામ બદલીને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય કર્યું, જે આજે પણ કાર્યરત છે. આમાં અનુસૂચિત જનજાતિનાં વિકાસલક્ષી કાર્યોની દેખરેખ આદિવાસી બાબતોના મંત્રાલય દ્વારા થાય છે.

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયની જવાબદારીમાં આવતી બાબતોમાં રાજ્યસરકારોની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે. સમાજકલ્યાણની વિવિધ યોજનાઓ અને કાર્યક્રમોને લાગુ પાડવાની જવાબદારી કેન્દ્ર અને રાજ્યસરકાર મળીને નિભાવે છે. કેન્દ્રસરકાર આની સાથે સંબંધિત નીતિઓ અને કાર્યક્રમો સાથે રાજ્યોની સેવાઓને કાર્યાન્વિત કરવામાં અને તેમનો વ્યાપ વધારવા માટે જવાબદાર હોય છે.

અનુસૂચિત જાતિના કલ્યાણ માટે બંધારણના અનુચ્છેદ 341માં નિર્દેશ કર્યા મુજબ, આ વર્ગોના માટે કેટલાક સંરક્ષણાત્મક ઉપાયો અને સુરક્ષાનું નિર્ધારણ થયું છે. વિવિધ પંચવર્ષીય યોજનાઓમાં આ વર્ગો માટે કેટલીક યોજનાઓ અને કાર્યક્રમો અમલી બનાવાયાં છે. આવા વર્ગોની પ્રગતિને રાષ્ટ્રીય નીતિનું મુખ્ય લક્ષ્ય માન્યું છે. બંધારણમાં 1990માં કરવામાં આવેલ સંશોધન અનુસાર અનુચ્છેદ 338ની અંતર્ગત વિશેષ અધિકારીના પદના સ્થાને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગની રચના થઈ છે.

રાષ્ટ્રીય સફાઈ-કર્મચારી આયોગ અધિનિયમ 1993માં કરેલ જોગવાઈઓ અનુસાર 12 ઑગસ્ટ, 1994માં સૌપ્રથમ વાર રાષ્ટ્રીય સફાઈ-કર્મચારી આયોગની રચના થઈ. એનો કાર્યકાળ 2007 સુધીનો છે. આ આયોગનો હેતુ સફાઈ-કર્મચારીઓનાં હિત અને અધિકારોની રક્ષા કરવાનો છે. આયોગે સફાઈ-કામદારોના કલ્યાણની યોજનાઓ અને કાર્યક્રમોને લાગુ પાડવા સાથે સંબંધિત બાબતો અને ફરિયાદ સહિતની વિભિન્ન વિષયોની તપાસનો અધિકાર આપ્યો છે. સફાઈ-કર્મચારીઓ સાથે સંબંધિત તમામ મુખ્ય નીતિવિષયક બાબતો માટે આયોગ સાથે પરામર્શ કરવો જરૂરી છે.

અસ્પૃશ્યતાનિવારણ ધારો 1955માં બનાવીને આભડછેટની કુપ્રથા રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સમયાંતરે એમાં સુધારા કરીને એની જોગવાઈઓને ચુસ્ત બનાવવામાં આવી છે. આ હેતુથી કાયદામાં વ્યાપક સંશોધનો થયાં છે અને એને નાગરિક અધિકાર સંરક્ષણ અધિનિયમ 1955 એવું નામ આપવામાં આવ્યું છે. નવો કાનૂન નવેમ્બર, 1976થી લાગુ પાડવામાં આવ્યો છે. અસ્પૃશ્યતા અટકાવવાના હેતુથી વ્યક્તિને અસ્પૃશ્ય ગણીને તેની સાથે વ્યવહાર કરનારને આ કાનૂન હેઠળ સજા આપવાની જોગવાઈ છે. આ રીતનો અપરાધ વારંવાર કરનારને માટે સખત સજા અને દંડની જોગવાઈ રાખવામાં આવી છે. નાગરિક અધિકાર સંરક્ષણ અધિનિયમને 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ અસ્પૃશ્યતા સંબંધી બાબતોમાં અનુસૂચિત જાતિના લોકોને સહાયતા માટે કાનૂની મદદની જોગવાઈ કરી છે.

અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ (અત્યાચારનિવારણ) અધિનિયમ 1989નો અમલ 1990થી થયો છે. આમાં અત્યાચારની શ્રેણીમાં આવતા ગુનાઓનો ઉલ્લેખ કરવાની સાથે એના ઉલ્લંઘન માટે સખત દંડની વ્યવસ્થા કરવામાં આવી છે. 1995માં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર-નિવારણ) અધિનિયમની અંતર્ગત વ્યાપક નિયમો બનાવવામાં આવ્યા છે; જેમાં અન્ય વાતો ઉપરાંત પ્રભાવિત લોકોને માટે રાહત અને પુનર્વાસની પણ વ્યવસ્થા છે. રાજ્યોને કહેવામાં આવ્યું છે કે આ પ્રકારના અત્યાચારોને અટકાવવાના ઉપાયો કરે અને પીડિતોને માટે સામાજિક-આર્થિક પુનર્વાસની વ્યવસ્થા કરે. એકાદ-બે રાજ્યોને બાદ કરતાં બાકીનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ પ્રકારના મામલામાં અન્ય કાનૂનની જેમ દાવાઓ ચલાવવા માટે ખાસ અદાલતો બનાવાઈ છે. અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ પર થતા અત્યાચારને અટકાવવા માટેના કાયદા અન્વયે આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક, તમિલનાડુ અને ઉત્તરપ્રદેશમાં ખાસ અદાલતોની રચના થઈ છે.

અનુસૂચિત જાતિ અને જનજાતિના શૈક્ષણિક વિકાસ માટે વિવિધ યોજનાઓ લાગુ પાડવામાં આવી છે; જેમ કે, (1) મૅટ્રિક પૂર્વેની શિષ્યવૃત્તિ, (2) અનુસૂચિત જાતિ અને જનજાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મૅટ્રિક શિષ્યવૃત્તિ, (3) તાલીમ અને અન્ય કાર્યક્રમો, (4) વિદેશોમાં ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ તથા યાત્રા-અનુદાન, (5) અનુસૂચિત જાતિનાં કુમાર-કન્યાઓ માટે છાત્રાલય, (6) ડૉ. બાબાસાહેબ આંબેડકર ફાઉન્ડેશન હેઠળ સમાવેશ થતો હોય તેવા કાર્યક્રમો વગેરે.

સામાજિક સુરક્ષા અને બાળકલ્યાણ-યોજનાઓમાં નિરાધાર બાળકો માટે સંકલિત યોજના; બાળ-અપરાધીઓમાં કિશોરોને ન્યાય અપાવવાનો કાર્યક્રમ; વૃદ્ધ-કલ્યાણ કાર્યક્રમ, વૃદ્ધો માટે રાષ્ટ્રીય નીતિ, વૃદ્ધો માટે સંકલિત કાર્યક્રમ વગેરે સામાજિક કલ્યાણના અન્ય કાર્યક્રમો છે.

ગુજરાતમાં સમાજકલ્યાણ અને આદિજાતિવિકાસ વિભાગ સમાજના કચડાયેલા, દબાયેલા પછાત વર્ગો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, વિકસતી જાતિ, વિમુક્ત અને વિચરતી જાતિઓ, સમાજના નિરાધાર અને નિ:સહાય વર્ગો, સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધો અને અપંગોની સુરક્ષા માટે ઘડાયેલા કાયદાઓનો અમલ કરે છે.

રાજ્ય સરકારે બંધારણીય જોગવાઈઓને અનુલક્ષીને રાજ્યના નબળા અને પછાત વર્ગોનાં હિતોની વૃદ્ધિ માટે વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો કાર્યાન્વિત કર્યા છે; જેમનું વર્ગીકરણ આ પ્રમાણે છે :

(1) શૈક્ષણિક યોજનાઓ : તેમાં શિક્ષણને લગતી 26 જેટલી યોજનાઓનો સમાવેશ થાય છે.

(2) આર્થિક ઉત્કર્ષની યોજનાઓ : તેમાં આર્થિક વિકાસ સાથે સંબંધિત 19 યોજનાઓનો સમાવેશ થાય છે.

(3) આરોગ્ય અને ગૃહનિર્માણની યોજનાઓ : તેમાં 18 જેટલી આરોગ્ય અને ગૃહનિર્માણની યોજનાઓનો સમાવેશ કર્યો છે.

(4) નિર્દેશ અને વહીવટ હેઠળ અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓ માટેની યોજનાઓના અમલ અને મૂલ્યાંકન, આયોજન અને મૉનિટરિંગ માટે કર્મચારીની મંજૂરી, વાહનોની ખરીદી, નિભાવ માટેની યોજનાઓનો સમાવેશ થાય છે.

(5) ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ વિવિધ યોજનાઓ(જેવી કે, શૈક્ષણિક યોજનાઓ, આર્થિક વિકાસની યોજનાઓ)નો સમાવેશ થાય છે.

શહેરી વિસ્તારો, નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓમાં સમાજકલ્યાણની કામગીરી થાય છે. તદુપરાંત રજિસ્ટર્ડ થયેલી ઐચ્છિક સંસ્થાઓ તથા બિનસરકારી સંસ્થાઓને અનુદાન આપીને સમાજના નબળા અને પછાત વર્ગના ઉત્કર્ષ માટેની કામગીરી થાય છે. આ સિવાય ખાસ લાભની જરૂરિયાતવાળાઓ માટે પણ સમાજકલ્યાણનો વિભાગ કામ કરે છે.

હર્ષિદા દવે