સમાચાર : સાંપ્રત ઘટના વિશેની માહિતી. ઘણુંખરું સામાજિક મહત્ત્વની તથા વ્યક્તિગત સંવેદનોને સ્પર્શતી ઘટનાનું વર્ણન તથા વિવરણ. સમાચારનું મૂળ ઘટના છે; પરંતુ પ્રત્યેક ઘટના સમાચાર નથી. જે ઘટનાનો અહેવાલ છાપામાં પ્રસિદ્ધ થાય તેને સમાચાર કહેવાય. સમાચારનો અંગ્રેજી શબ્દ ‘ન્યૂઝ’ (NEWS) ચારેય દિશાઓ માટેના અંગ્રેજી શબ્દોના પ્રથમ અક્ષરથી બનેલો છે, એટલે કે સમાચાર ચારેય દિશાઓમાંથી મળે છે. હવે તો ઊંચે અવકાશમાંથી અને નીચે સમુદ્રમાંથી પણ સમાચાર ઉપલબ્ધ થાય છે. આ ક્ષેત્રના સંખ્યાબંધ તજ્જ્ઞોએ ‘સમાચાર’ની વ્યાખ્યા કરવાનો પ્રયાસ કર્યો છે; પરંતુ એની કોઈ ચોક્કસ વ્યાખ્યા થઈ શકી નથી. ‘ન્યૂયૉર્ક હેરલ્ડ ટ્રિબ્યૂન’ના તંત્રી સ્ટેનલી વૉકરે જણાવ્યું છે કે ‘પવન કરતાંય સમાચારની આગાહી કરવી મુશ્કેલ છે.’ ‘ન્યૂયૉર્ક સન’ના તંત્રી ચાર્લ્સ એ દાના(Dana)ના જણાવ્યા મુજબ ‘લોકો જે બાબતે વાતો કરે તે સમાચાર બને છે.’ એન.બી.સી. ન્યૂઝના વરિષ્ઠ પત્રકાર જ્હૉન ચાન્સેલરના જણાવ્યા મુજબ ‘સમાચાર એ સંઘર્ષ અને પરિવર્તનની ઘટનાઓ છે.’
અત્યારે અખબારોની તીવ્ર સ્પર્ધાને કારણે તંત્રીઓ એમ માનતા થયા છે કે વાચકોને જાણવું હોય તે સમાચાર તરીકે આપો. બીજા શબ્દોમાં કહીએ તો વાચકોને જેમાં રસ પડે તે સમાચાર તરીકે રજૂ કરો. જે ઘટના સામાન્ય ન હોય તે વિશે જાણવા વાચકો છાપાં વાંચે છે, અગર ટી.વી. જુએ છે. અખબાર જે સ્થળેથી પ્રસિદ્ધ થતું હોય તે સ્થળ અને સમય સાથે સમાચારનો સંદર્ભ બદલાય છે. અમદાવાદ માટે જે સમાચાર મહત્ત્વના હોય તેને કોલકાતાના અખબારમાં સ્થાન ન પણ મળે. આમ ‘સમાચાર’ શબ્દ અનેક રંગ ધારણ કરી ચૂક્યો છે. તેનો સંદર્ભ દેશ, કાળ, જાતિ, સમૂહ પ્રમાણે અલગ અલગ થતો રહ્યો છે.
પ્રકૃતિ-કોપ, અકસ્માતો, આતંકવાદી હુમલા, દુકાળ, યુદ્ધ વગેરે અંગેના સમાચારો ગંભીર (hard) સમાચાર કહી શકાય. જ્યારે માનવ-રસના સમાચારો હળવા (soft) સમાચારો કહી શકાય. અત્યારના અખબારો માત્ર સમાચારપત્રો જ નથી રહ્યાં, તે મૅગેઝિન પણ બનતાં જાય છે. વાચકોના વિવિધ પ્રકારના રસને સંતોષવા તે અંગે લેખો અને પૂર્તિઓ પણ આપવામાં આવે છે.
લગભગ સત્તરમી સદીના અંત સુધી સમાચારનો આધાર મૌખિક પ્રસાર રહ્યો. પ્રાચીન કાળમાં ગ્રામક્ષેત્રો બહુધા સ્વયંસંપૂર્ણ હતાં. ક્યાંક નગરરાજ્યો હતાં. એટલે, મોટાભાગની વસ્તીને સ્થાનિક નવાજૂની પૂરતો રસ હોવાથી ટહેલ નાખનારની સેવા પૂરતી થતી.
મધ્યકાળમાં રાજાઓ તામ્રપત્ર અથવા કાપડ ઉપર સંદેશાની આપ-લે કરતા તે પણ સમાચારનો જ પ્રકાર હતો. 16મી સદીની મધ્યમાં, અર્થાત્, 1536માં ગુટેનબર્ગે મુદ્રણની શોધ કરી ત્યારબાદ મુખ્યત્વે પુસ્તકો છપાતાં. યુરોપમાં ઈ. સ. 1700ની આસપાસના સમયગાળામાં મોટા સમૂહ સુધી સમાચાર પહોંચાડવા માટે સામયિકનો પ્રારંભ થયો હતો. આ સામયિકો મુખ્યત્વે સંસ્થા અથવા ચોક્કસ સમુદાય પૂરતાં મર્યાદિત હતાં. બેન્જામિન હેરિસ દ્વારા 1690માં પરદેશમાં કે દેશમાં બનતી જાણવાલાયક જાહેર ઘટનાઓ કે બનાવો (public occurrences both foreign and domestic) તથા 23 એપ્રિલ, 1704ના રોજ જ્હૉન કૅમ્પબેલ દ્વારા ‘બૉસ્ટન ન્યૂઝલેટર’ એ પ્રારંભિક સમાચારપત્રો હોવાના ઉલ્લેખ મળે છે. આમ આ ગાળામાં ‘સમાચાર’નો પ્રારંભ થયો ગણાય.
બળવંતરાય શાહ
અલકેશ પટેલ