સમાકલન (rationalisation) : સમગ્ર ઉદ્યોગ અથવા ઔદ્યોગિક/ધંધાદારી પેઢી અથવા ઔદ્યોગિક/ધંધાદારી એકમની કાર્યક્ષમતા અને નફાકારકતા વધારવા માટે તેમનું પુનર્ગઠન.

એક જ પ્રકારની ઔદ્યોગિક પ્રવૃત્તિ કરતા અનેક ધંધાકીય એકમોનો સરવાળો એટલે તે પ્રવૃત્તિનો ઉદ્યોગ; દા.ત., કાપડના ઉત્પાદનની ઔદ્યોગિક પ્રવૃત્તિ કરતા બધા એકમો મળીને કાપડ-ઉદ્યોગ બને છે. સમગ્ર ઉદ્યોગની કાર્યક્ષમતા વધારવા માટે એના થતા પુનર્ગઠનને સમાકલનથી ઓળખવામાં આવે છે. માનો કે કોઈ એક ઉદ્યોગ માંગ કરતાં વધારે પુરવઠો આપતો હોય તો માંગ જેટલો પુરવઠો કરવા માટે સમગ્ર ઉદ્યોગની ઉત્પાદનશક્તિમાં કરવામાં આવતો ઘટાડો અથવા પુરવઠા કરતાં માંગ વધારે હોય તો માંગ જેટલો પુરવઠો વધારવા સમગ્ર ઉદ્યોગની ઉત્પાદન-શક્તિમાં કરવામાં આવતો વધારો સમાકલન છે. આવું કોઈ પણ પ્રકારનું પુનર્ગઠન ઉદ્યોગનું સમાકલન છે. કોઈ ઔદ્યોગિક/ધંધાદારી પેઢી અનેક પેદાશોનું ઉત્પાદન અને/અથવા વિતરણ કરતી હોય તો તે દરેક પેદાશમાંથી મળતા નફાને સતત તપાસતી હોય છે. પેઢી જ્યારે એવા નિષ્કર્ષ પર આવે કે કોઈ એક પેદાશ ખૂબ ઓછો નફો કરે છે અથવા તો ખોટ કરે છે અને એને માટે કરવામાં આવતા વ્યવહારોને કારણે વધારે નફો આપતી પેદાશો માટે અપેક્ષિત પ્રમાણમાં સંસાધનો ફાળવવાનું શક્ય બનતું નથી ત્યારે આ પરિસ્થિતિમાં ઓછો નફો આપતી પેદાશોનો ધંધો તે બંધ કરે છે અને એમાંથી છૂટાં થતાં સંસાધનો વધારે નફો આપતી પેદાશો માટે ફાળવે છે. આ પ્રકારનું પુનર્ગઠન પેદાશોના સંદર્ભમાં પેઢીનું સમાકલન કરેલું કહેવાય છે. આ ઉપરાંત ઔદ્યોગિક પેઢીના કારખાનાની એકંદર કાર્યક્ષમતા વધારવા અને તેની ઉત્પાદિત વસ્તુની આખરી પડતર ઓછી કરવા માટે થતી પ્રક્રિયાઓનો સરવાળો પણ પેઢીનું સમાકલન છે. આ પ્રકારે કારખાનાના સમાકલનમાં નવીનીકરણ, આધુનિકીકરણ, યંત્રો અને સાધનોને બદલવાં, ઓછી પડતર આવે તેવાં યંત્રો અને સાધનોને ઉપયોગમાં લેવાં, કાર્યક્ષમતા વધારવી  વગેરે માટે લેવાતાં પગલાં તેમજ કારખાનાના સંચાલનને વૈજ્ઞાનિક બનાવવાનાં પગલાં જેવાં અનેક તત્ત્વોનો સમાકલનમાં સમાવેશ થાય છે. સંશોધનોનો પ્રવેગ વધે તેવા સમયગાળામાં તો કારખાનાનું સમાકલન એક નિરંતર પ્રવૃત્તિ બને છે. ગ્રાહકોના બદલાતા મિજાજ, સરકારની બદલાતી નીતિઓ, કાચા માલના પુરવઠામાં આવતા બદલાવ, કામદાર અને કર્મચારી દળમાં થતા ગુણવત્તાકીય અને જથ્થાકીય ફેરફારો જેવાં અનેક પરિબળો કારખાનાનું સમાકલન કરવા માટે સતત ફરજ પાડતાં હોય છે. કારખાનાના હેતુઓ જેવા જ હેતુઓ અને તેનાં અભિપ્રેત કારણો જેવાં કારણો કાર્યાલય અને ખેતરોને પણ સ્પર્શે છે. આથી, કાર્યાલય અને ખેતરોના સંદર્ભે પણ સમાકલન થતું હોય છે.

કોઈ ઔદ્યોગિક/ધંધાકીય એકમ એકાધિક ખાતાં, શાખા અને/અથવા ગૌણ કંપનીઓ નિભાવતો હોય અને જો એકમના સંચાલકો એવા નિષ્કર્ષ પર આવે કે કોઈ એક અથવા વધારે ખાતાં, શાખા અને/અથવા ગૌણ કંપની દ્વારા ખૂબ ઓછો નફો અથવા તો ખોટ થાય છે; એટલું જ નહિ, પરંતુ તેને કારણે વધારે નફો કરતાં ખાતાં, શાખા અને/કે ગૌણ કંપનીને ઓછાં સંસાધન ફાળવવામાં આવે છે, તો પ્રથમ પ્રકારનાં ખાતાં, શાખા અને/અથવા ગૌણ કંપનીને બંધ કરી તેમાંથી મુક્ત થતાં સંસાધનને વધારે નફો આપતાં ખાતાં, શાખા અને/અથવા ગૌણ કંપનીને ફાળવવામાં આવે તો તે ઔદ્યોગિક ધંધાકીય એકમનું સમાકલન છે. બંધ કરવામાં આવતાં ખાતાં, શાખા અને/અથવા ગૌણ કંપની દ્વારા મળતી સેવા બહારથી ઓછી પડતરે મળતી હોય તો તેનું થતું આઉટસોર્સિંગ પણ સમાકલન છે.

સમગ્ર ઉદ્યોગ અથવા પેઢી અથવા એકમની સમાન પડતરે ગુણવત્તા જાળવવા અથવા તો તે વધારવાના બધા પ્રયત્નો એક બાજુ ગુણવત્તાનું તો બીજી બાજુ પડતરનું સમાકલન સૂચવે છે. આ માટે પેદાશો, એના કાચા માલ તેમજ પ્રક્રિયાનું કરવામાં આવતા પ્રમાણીકરણનો સમાકલનમાં સમાવેશ થાય છે. પ્રક્રિયાઓના સરળીકરણ તેમજ તેના પર મુકાતા અંકુશનો પણ સમાકલનમાં સમાવેશ થાય છે.

સમાકલનની વિવિધ પ્રકારની ગુંજાશમાં સમાકલનનો સંદર્ભ બદલાય છે. ખૂબ સંકીર્ણ અર્થમાં જો સમાકલનનો સંદર્ભ લેવાતો હોય તો તે જૂની કાર્યપદ્ધતિઓને બદલે આધુનિક કાર્યપદ્ધતિઓને ઉપયોગમાં લેવાના પ્રયત્નો સૂચવે છે. જૂની કાર્યપદ્ધતિઓની ખૂબી-ખામીઓનો વ્યવસ્થિત અભ્યાસ કરતાં જો ખામીઓથી થતું નુકસાન ખૂબીઓથી થતા લાભ કરતાં વધી જાય તો અને આધુનિક કાર્યપદ્ધતિઓ એકંદરે વધારે પ્રમાણમાં લાભદાયી બનવાના અંદાજ હોય તો આવું સમાકલન થાય છે. જરા વિશાળ અર્થમાં જો સમાકલનનો સંદર્ભ લેવાતો હોય તો તે ખેતી, ઉદ્યોગ, સેવા જેવા એકાદ ક્ષેત્રમાં ગળાકાપ હરીફાઈથી થતા બગાડ, એકંદરે નીચી ઉત્પાદકતાવાળી કાર્યપદ્ધતિઓ, નવાં લાભદાયી સંશોધનોને અપનાવવામાં આવતા અવરોધો અને થતી આનાકાની જેવાં તત્ત્વોને દૂર કરી એકંદરે વધારે લાભદાયી પરિસ્થિતિ માટે થતા પ્રયત્નો સૂચવે છે. વિશાળતમ અર્થના સમાકલનનો સંદર્ભ લેવાતો હોય તો સમગ્ર અર્થકારણમાં વધારે લાભદાયી પરિસ્થિતિ પેદા કરવાના પ્રયત્નોનો સરવાળો આવે છે.

સૂર્યકાંત શાહ