સમાંતર ફારસો : પ્રહસન, કૉમેડી, ફાર્સ વગેરે નામે ઓળખાતા હાસ્યપ્રધાન અથવા હળવાશ પ્રેરતા નાટ્યપ્રકારોમાં તો વિનોદતત્ત્વ જ પ્રધાન રૂપે પ્રવર્તે છે; પરંતુ અન્ય વીર-શૃંગારાદિ રસોના પ્રાધાન્યવાળાં ગંભીર નાટકોમાં પણ વિનોદપ્રેરક અંશોનું નિરૂપણ થતું હોય છે. તેવો પ્રયોગ ભાવકની નાટ્યગતનિરૂપણના પરિણામે અતિગંભીર, તીવ્ર વિષાદમય અથવા તંગ થઈ જતી મન:સ્થિતિને હળવી કરવા અથવા ક્યારેક કરુણાદિ ભાવોને વિરોધી ભાવના પડછાયાથી વધુ ઉત્કટ કરવા થતો હોય છે. આવા નિરૂપણમાં હાસ્યનિષ્પત્તિ કરનાર પાત્રો, પ્રસંગો કે ઉચ્ચારણો નાટકના મુખ્ય ઘટનાપ્રવાહમાં અસંબદ્ધ કે આગંતુક જ ન રહેતાં તેનો અંતર્ગત અંશ બની રહેતાં હોય છે.
પરંતુ, જૂની વ્યવસાયી રંગભૂમિનાં નાટકોમાં જોવા મળે છે તેમ, નાટ્યઘટનાના મુખ્ય દોર સાથે વસ્તુદૃષ્ટિએ તેની સાથે સંબદ્ધ નહિ એવો હાસ્યપ્રધાન ઘટનાદોર પણ વણાયેલો હોય છે. નાટકની પ્રસ્તુતિમાં આ બે ઘટનાદોર પરસ્પર સ્વતંત્ર રીતે રજૂ થતા રહે છે. ગુજરાતી નાટકોમાંના આવા હાસ્યકથાનકદોરને ફારસો કહેવામાં આવતાં અને તે સળંગ સૂત્ર રૂપે નહિ પણ મુખ્ય નાટકના પ્રવેશોની વચ્ચે વચ્ચે છૂટક પ્રવેશો રૂપે ભજવાતાં.
‘ફારસ’ શબ્દ સૂચવે છે તેમ, આ રીતે રજૂઆત થતાં કથાનક વ્યંગ્ય અને વિડંબનાપ્રધાન હતાં, આથી પાત્રવ્યક્તિત્વ, તેમનાં વર્તન, વાણી તથા અભિનયનમાં વરતાતી અતિશયતા અને અસ્વાભાવિકતા પણ માત્ર હાસ્યપ્રધાન નહિ પણ હાસ્યાસ્પદ બની જતાં, પણ જે તે સંદર્ભમાં તે નિર્વાહ્ય જ નહિ, રંજક પણ નીવડતાં. આવાં ફારસો તે નાટ્યપરંપરામાં નાટ્યપ્રસ્તુતિનો અનિવાર્ય રિવાજ બની ગયેલાં; કારણ કે તેનાથી બંધાયેલી પ્રેક્ષકગણની અપેક્ષા તો તેને આવશ્યક બનાવતી જ, પરંતુ તે રંગભૂમિનું તથા નાટકોનું સ્વરૂપ પણ આવા સમયગાળાપૂરકોને જરૂરી બનાવતું. બદલાતાં શ્યો માટેની તખ્તાસજાવટ માટે મુખ્ય નાટકનાં બે શ્યો વચ્ચે ગાળો રાખવો પડતો, અને તે આ સમાંતર વિનોદનાટ્યથી પુરાતો.
જો આવાં ‘ફારસો’નાં શ્યોને સળંગ રૂપે યોજવામાં આવે તો તે સ્વતંત્ર હાસ્યપ્રયોગ જ બની રહે; પરંતુ, આવા ફારસરૂપ નિરૂપણની ઍરિસ્ટોફેનિસથી ચેખૉવ અને મૉલિયેર પર્યંતની કે ‘ભગવદજ્જુકીયમ્’ અને ‘લટકમેલકમ્’થી, દલપતરામથી માંડીને અદ્યતન પ્રહસનકારોની પ્રશસ્ય પરંપરા છતાં તેમજ ગુજરાતીમાં પણ પારસીઓનાં આગવાં પ્રદાન છતાં આ ‘સમાંતર ફારસો’ તેવાં હાસ્યનાટકો કે ફારસોની કક્ષામાં મૂકી શકાય તેવાં ન હતાં. જોકે, વિશાળ અને વિવિધ પ્રેક્ષક સમુદાયના એક વર્ગ માટે તે ખૂબ મનોરંજક આકર્ષણ હતાં.
પરંતુ શિક્ષણ, વાચન અને અભ્યાસથી પરિમાર્જિત નાટ્યરુચિવાળો સમજદાર પ્રેક્ષકવર્ગ આવાં ફારસોને અરુચિકર અને વિક્ષેપકારક લેખવા માંડતાં, જૂની રંગભૂમિની પરંપરાના અંત સાથે જ આવાં સમાંતર વિનોદનાટકોની પ્રથા પણ અંત પામી.
તે સાથે, એ નોંધપાત્ર લેખાય કે આવાં ફારસોમાં અપેક્ષિત વિશિષ્ટ અભિનયરીતિને ઉત્તમ રૂપે પ્રગટ કરનાર કેટલાક ઉત્તમ હાસ્યનટો ગુજરાતને સાંપડ્યા હતા. તો ક. મા. મુનશીના ‘બે ખરાબ જણ’ કે ચંદ્રવદન મહેતાના ‘મેના પોપટ’ની જેમ કેટલાંક પ્રહસનોમાં લોકનાટ્ય, કૉમેડી કે ફારસના અંશો સાથે આવાં સમાંતર વિનોદનાટ્યના જેવા અંશો જોઈ શકાય છે. આ ‘ફારસો’નું મુખ્ય નાટક અંતર્ગત સમાંતર વિનોદનાટ્ય તરીકેનું પ્રવર્તન લુપ્ત થયું છે. પણ એ વ્યંગ્ય-વિડંબના પ્રધાન ‘ફારસો’ જેમ પહેલાં હતાં તેમ પછી પણ સમાંતર ધારા રૂપે પ્રવર્તમાન રહ્યાં છે અને રહેવાનાં.
વિનોદ અધ્વર્યુ