સમસ્થિતિ (homeostasis) : શરીરનાં વિવિધ પ્રવાહીઓ અને પેશીઓની વિવિધ ક્રિયાઓમાં પરસ્પર વિરોધી દબાણો તથા રસાયણો વચ્ચે સંતુલન જાળવવાની સ્થિતિ તથા તે માટેની પ્રક્રિયાઓ. ડબ્લ્યૂ. બી. કેનન શરીરના દરેક સમયે સમાન રહેતા અંદરના વાતાવરણની જાળવણીને સમસ્થિતિ કહે છે. કોષોની આસપાસ પ્રવાહી હોય છે. તેને બહિર્કોષી જલ (extracellular fluid) પણ કહે છે. તે નસોમાં લોહીના રૂપે તથા પેશીમાં પેશી-અંતરાલીય જલ (interstitial fluid) રૂપે – એમ 2 ભાગમાં વહેંચાયેલું હોય છે. નસોમાંના પ્રવાહીને અંતર્વાહિની જલ (intravascular fluid) અને નસોની બહારના તથા પેશીઓમાં કોષોની બહારના પ્રવાહીને બહિર્વાહિની જલ (extravascular fluid) કહે છે. આમ પેશી-અંતરાલીય જલનું બીજું નામ બહિર્વાહિની જલ છે. આ બંને પ્રકારના પ્રવાહીઓ(અંતર્વાહિની જલ તથા બહિર્વાહિની અથવા પેશી-અંતરાલીય જલ)ને સંયુક્ત રૂપે બહિર્કોષીય જલ કહે છે. તે સતત ફરતું રહે છે. તેમાં પોષક દ્રવ્યો, આયનો તથા અન્ય દ્રવ્યો હોય છે અને તેને જ શરીરનું અંદરનું વાતાવરણ (અંત:સ્થિતિ, millieu interieur) કહે છે. તેમાં થતાં દબાણો તથા તેના રાસાયણિક ઘટકોના સંતુલનને સમસ્થિતિ કહે છે.

સમસ્થિતિની જાળવણી એટલે નીચે જણાવેલી 6 પ્રક્રિયાઓ – (1) pH મૂલ્યની જાળવણી, (2) તાપમાનની જાળવણી, (3) શરીરના જલસંતુલનની જાળવણી, (4) વીજવિભાજ્યો(electrolytes)ના સંતુલનનું નિયંત્રણ, (5) પોષકદ્રવ્યો, ઑક્સિજન, ઉત્સેચકો (enzymes) અને અંત:સ્રાવોની પુરવણી તથા (6) ચયાપચયી (metabolic) અને અન્ય પ્રકારનો કચરો અથવા ઉચ્છિષ્ટ દ્રવ્ય(waste products)નો નિકાલ.

શરીરના લગભગ બધાં જ અવયવી તંત્રો સમસ્થિતિ જાળવવામાં કામ કરે છે; જેમ કે, બહિર્કોષીય જલનું pH મૂલ્ય 7.4 હોય છે. તે જાળવવા શ્વસનતંત્ર, ઉત્સર્ગતંત્ર તથા રુધિરાભિસરણતંત્ર કાર્યરત હોય છે. શરીરનું સામાન્ય તાપમાન 37.5° સેલ્સિયસ હોય છે. તે જાળવવા માટે રુધિરાભિસરણતંત્ર, ચામડી, શ્વસનતંત્ર, પાચનતંત્ર, ઉત્સર્ગતંત્ર, સ્નાયુતંત્ર તથા ચેતાતંત્ર કાર્યરત હોય છે. પોષક દ્રવ્યોની પુરવણી માટે પાચનતંત્ર અને રુધિરાભિસરણતંત્ર, ઑક્સિજનની પુરવણી માટે શ્વસનતંત્ર અને રુધિરાભિસરણતંત્ર, અંત:સ્રાવોની પુરવણી માટે અંત:સ્રાવી તંત્ર અને રુધિરાભિસરણતંત્ર સક્રિય હોય છે. પાણી અને વીજવિભાજ્યોના સંતુલનમાં પાચનતંત્ર, ચામડી, ઉત્સર્ગતંત્ર, શ્વસનતંત્ર તથા રુધિરાભિસરણતંત્ર કાર્યરત હોય છે.

આમ સમસ્થિતિની જાળવણીમાં રુધિરાભિસરણ કેન્દ્રસ્થાને છે અને તેને શ્વસનતંત્ર, પાચનતંત્ર અને ઉત્સર્ગતંત્રની ઘણી મદદ રહે છે. સ્નાયુતંત્ર ખોરાક મેળવવા માટે તથા રક્ષણ માટે ઉપયોગી છે, પણ તે સાથે સાથે રુધિરાભિસરણતંત્રને મદદ કરે છે. દરેકની પ્રત્યેક ક્રિયાઓ વધતે-ઓછે અંશે ચેતાતંત્રથી નિયંત્રિત છે; તેથી તેનો સમસ્થિતિની જાળવણીમાં મોટો હિસ્સો ગણાય છે. ચેતાતંત્રમાં મગજ, કરોડરજ્જુ તથા સ્વૈચ્છિક ચેતાતંત્રનો સમાવેશ થાય છે.

સમસ્થિતિની જાળવણીમાં પ્રતિપોષી પ્રવિધિઓ (feedback mechanism) કાર્યશીલ હોય છે. તેઓ વર્ધક (positive) કે નિગ્રહક (inhibitory અથવા negative) – એમ 2 પ્રકારની હોય છે, જેથી કરીને કોઈ એક પ્રકારના પરિબળનું કાર્ય વધુ પડતું ન થઈ જાય તથા કોઈ પ્રકારના પરિબળના કાર્યની ખોટ ન પડે.

શિવાની જ. ભટ્ટ

શિલીન નં. શુક્લ