સમસ્થાનિકો (isotopes) : સમાન ન્યૂક્લિયર વિદ્યુતભાર (એટલે કે સમાન પરમાણુક્રમાંક) પણ જુદું જુદું દળ ધરાવતી ન્યૂક્લિયસ. તત્ત્વના સમસ્થાનિકો તેમના પરમાણુઓમાં ન્યૂટ્રૉનની સંખ્યા બાબતે જુદા પડે છે.
આવા પદાર્થોના રાસાયણિક ગુણધર્મો મોટેભાગે એકસરખા હોય છે; પણ તેમના ભૌતિક ગુણધર્મો એકસરખા હોતા નથી. તત્ત્વને બે કે તેથી વધુ સમસ્થાનિકો હોઈ શકે છે. દરેક આ તત્ત્વનો સમસ્થાનિક ગણાય છે. ન્યૂક્લિયસની અંદર ન્યૂટ્રૉનની સંખ્યા સમસ્થાનિકના દળ માટે જવાબદાર છે. સમસ્થાનિકો ન્યૂટ્રૉનની સંખ્યા બાબતે જુદા પડતા હોય છે. ઘણાંખરાં કુદરતી તત્ત્વોના કેટલાક સમસ્થાનિકો શોધાયા છે. યોગ્ય દ્રવ્ય ઉપર ઉચ્ચ ઊર્જા ધરાવતા કણોનો મારો કરવાથી અથવા ધીમા ન્યૂટ્રૉનના મારાથી કૃત્રિમ રેડિયો-ઍક્ટિવ સમસ્થાનિકો મેળવી શકાય છે.
હાઇડ્રોજનના ત્રણ સમસ્થાનિકો જાણીતા છે. સામાન્ય હાઇડ્રોજન(11H)માં માત્ર એક પ્રોટૉન હોય છે અને તેમાં ન્યૂટ્રૉન હોતો નથી. લગભગ 99.98 ટકા હાઇડ્રોજન આ પ્રકારનો છે.
ડ્યૂટેરિયમ (21H) જેને ભારે હાઇડ્રોજન તરીકે ઓળખવામાં આવે છે તે એક પ્રોટૉન અને એક ન્યૂટ્રૉન ધરાવે છે. તેનું પ્રમાણ લગભગ 0.01 ટકા જેટલું છે.
ટ્રિટિયમ (31H) એક પ્રૉટોન અને બે ન્યૂટ્રૉન ધરાવે છે. આ કૃત્રિમ સમસ્થાનિક છે. તેનો અર્ધ-જીવનકાળ 12.26 વર્ષ જેટલો છે. તેનો બીટા ઉત્સર્જન સાથે ક્ષય (decay) થાય છે.
અણુ-પરમાણુના દળ ઉપર આધારિત ભૌતિક અથવા રાસાયણિક પ્રક્રિયાઓને આધારે સમસ્થાનિકોને છૂટા પાડી શકાય છે.
AZXN અને A+1ZXN + 1 એ સમસ્થાનિકો છે. જ્યાં A પરમાણુભારાંક, Z પરમાણુક્રમાંક અને N ન્યૂટ્રૉનની સંખ્યા છે; જેમ કે, 1212C, 1312C અને 1412C એ કાર્બનના સમસ્થાનિકો છે. 12C એ 6 પ્રોટૉન અને 6 ન્યૂટ્રૉન, 13C એ 6 પ્રોટૉન અને 7 ન્યૂટ્રૉન, 14C એ 6 પ્રોટ્રૉન અને 8 ન્યૂટ્રૉન ધરાવે છે. પારમાણ્વિક વર્ણપટમાં સમસ્થાનિક વિસ્થાપન (shift) અણુઓમાં અનુનાદ-આવૃત્તિઓ, અતિવાહકનું ક્રાંતિક તાપમાન વગેરે ઘટનાઓને સમસ્થાનિક અસરો કહે છે.
આનંદ પ્ર. પટેલ