સમદૃષ્ટિલક્ષી અર્થશાસ્ત્ર : અર્થશાસ્ત્રની એક શાખા. અર્થશાસ્ત્રનો અભ્યાસ મુખ્યત્વે બે શાખાઓના સંદર્ભમાં કરવામાં આવે છે; જેમાંથી એકને ‘એકમલક્ષી અર્થશાસ્ત્ર’ (Micro economics), તો બીજાને ‘સમદૃષ્ટિલક્ષી અર્થશાસ્ત્ર’ (Macro economics) કહેવામાં આવે છે. ગ્રીક ભાષાના ‘Macro’ શબ્દનો અર્થ થાય છે વિસ્તીર્ણ અથવા મોટું અને તેથી જ્યારે અર્થશાસ્ત્રના અભ્યાસનો ફલક વિસ્તીર્ણ કે વિશાલ હોય ત્યારે તે સમદૃષ્ટિલક્ષી અર્થશાસ્ત્રનું પ્રતિનિધિત્વ કરે છે. એકમલક્ષી એટલે કે ‘Micro’ અને સમદૃષ્ટિલક્ષી એટલે કે ‘Macro’ – આ બે સંજ્ઞાઓનો અર્થશાસ્ત્રના સંદર્ભમાં સૌપ્રથમ ઉપયોગ અર્થશાસ્ત્ર માટેના સર્વપ્રથમ નોબેલ પારિતોષિક વિજેતા (1979) રૅગ્નર ફ્રિશ (Frisch) દ્વારા વીસમી સદીના ત્રીજા દાયકામાં થયો હતો. એકમલક્ષી અર્થશાસ્ત્રમાં કોઈ એક આર્થિક ઘટકને અન્ય ઘટકોથી જુદો પાડીને માત્ર તેના જ આર્થિક વર્તનનું વિશ્લેષણ કરવામાં આવે છે જ્યારે સમદૃષ્ટિલક્ષી અર્થશાસ્ત્રમાં અર્થતંત્રના બધા જ ઘટકોનો એકસાથે વિચાર કરી તેમના કુલ અથવા એકંદર અથવા એકત્રિત (aggregate) વલણોનું વિશ્લેષણ કરવામાં આવે છે. આમ, એકમલક્ષી અર્થશાસ્ત્રનું ફલક ખૂબ નાનું જ્યારે સમદૃષ્ટિલક્ષી અર્થશાસ્ત્રનું ફલક વિશાળ અને સર્વવ્યાપી હોય છે; દા.ત., એકમલક્ષી અર્થશાસ્ત્રમાં કોઈ એક ગ્રાહક અથવા પરિવાર, એક પેઢી, એક વસ્તુ કે સેવા, બજારનું એક ઘટક, કોઈ એક વસ્તુ કે સેવાના ભાવનિર્ધારણની પ્રક્રિયા જેવા અલગ અલગ ઘટકોનાં વલણોનું વિશ્લેષણ કરવામાં આવે છે; તો સમદૃષ્ટિલક્ષી અર્થશાસ્ત્રમાં રાષ્ટ્રીય આવક, દેશનું કુલ ઉત્પાદન, દેશમાં પ્રવર્તતી કુલ રોજગારી (અથવા બેકારી), સામાન્ય ભાવસપાટી (ફુગાવો અથવા સંકોચન), ટૂંકા ગાળામાં અર્થતંત્રમાં આવતી ઊથલપાથલના પરિણામે સર્જાતાં વ્યાપારચક્રો, દેશની વ્યાપારતુલા અને લેણદેણની તુલા, વિનિમયદર-નિર્ધારણ, આર્થિક નિકાસનો દર વગેરેનાં વલણોનો એકસાથે વિચાર કરી સમગ્ર અર્થતંત્રની મજબૂતાઈ કે નબળાઈનું વિશ્લેષણ કરવામાં આવે છે.
સમદૃષ્ટિલક્ષી અર્થશાસ્ત્રના અધ્યયનના ચાર મુખ્ય હેતુઓ હોય છે : (1) પૂર્ણ રોજગારી હાંસલ કરવી (બેકારીની નાબૂદી), (2) ઊંચો અને ઝડપી વિકાસદર હાંસલ કરવો, (3) ભાવસપાટીની સ્થિરતા દ્વારા સમગ્ર અર્થતંત્રની સ્થિરતા જાળવવી અને (4) લેણદેણની તુલામાં સમતુલાની સ્થિતિ હાંસલ કરવી અને તે માટે દેશના અર્થતંત્રના સંદર્ભમાં વિનિમયદર સંતોષકારક સપાટીએ જાળવી રાખવો. આમ, દેશના ઉત્પાદનનાં સાધનોનો ઇષ્ટ અને કાર્યક્ષમ ઉપયોગ તથા રાષ્ટ્રીય આવકની ન્યાયપુર:સર વહેંચણી આ બે સમદૃષ્ટિલક્ષી અર્થશાસ્ત્રના પાયાના ઉદ્દેશો ગણાય.
સમદૃષ્ટિલક્ષી અર્થશાસ્ત્રના હેતુઓ અને ઉદ્દેશો હાંસલ કરવા માટે નાણાકીય અને રાજકોષીય નીતિનાં સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. નાણાકીય નીતિ હેઠળ અર્થતંત્રમાં નાણાંની માંગ તથા તેના પુરવઠા વચ્ચે સમતુલા જાળવવામાં તથા અર્થતંત્રમાં ઉપલબ્ધ નાણાંના જથ્થાનો ઉત્પાદકીય હેતુઓ માટે જ ઉપયોગ થાય તેની તકેદારી રાખવામાં આવતી હોય છે. આ જવાબદારી દેશની મધ્યસ્થ બૅંકે અદા કરવાની હોય છે, જેના માટે તેને પરિમાણાત્મક અને ગુણાત્મક સાધનોનો ઉપયોગ કરવાની સત્તા આપેલી હોય છે અને બદલાતી પરિસ્થિતિ મુજબ તેમાંથી કયા સાધનનો, ક્યારે અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો તે મધ્યસ્થ બૅંકની વિવેકબુદ્ધિ પર છોડી દેવામાં આવે છે. અલબત્ત, જે દેશોમાં મધ્યસ્થ બૅંકનું રાષ્ટ્રીયકરણ થયેલું હોય છે, તે દેશોની મધ્યસ્થ બૅંક તેને આપેલ સત્તાનો ઉપયોગ કરતી વેળાએ દેશની સરકારની સર્વસામાન્ય આર્થિક નીતિના ઉદ્દેશોનો ખ્યાલ રાખતી હોય છે અને તે ઉદ્દેશો સાથે સુસંગત હોય એવી રીતે જ પોતાની સત્તાનો ઉપયોગ કરતી હોય છે.
એકમલક્ષી અને સમદૃષ્ટિલક્ષી અર્થશાસ્ત્ર જેવી વિશ્લેષણની અલાયદી શાખાઓ વાજબી ગણાય કે કેમ તેની સમજૂતી આપવા માટે અર્થશાસ્ત્રીઓ દલીલો કરવાની ‘ઍરિસ્ટૉટલની તર્કપદ્ધતિ’-(Aristotalian logic)નો ઉપયોગ કરે છે, જેને આધારે એમ કહેવાય કે અર્થતંત્રના કોઈ એક ઘટક માટે અમુક સમયે જે વાજબી ગણાય તે સમગ્ર અર્થતંત્ર માટે વાજબી ન પણ ગણાય; દા.ત., કોઈ એક વ્યક્તિ કે કુટુંબ માટે જરૂરી છે કે તે પોતાના ખર્ચનું આયોજન આવકની મર્યાદામાં રહીને જ કરે, અન્યથા તે દેવાના ખપ્પરમાં ફસાઈ જશે; પરંતુ જ્યાં સુધી રાજ્ય કે સરકારનો સવાલ છે, તેના માટે આવકની મર્યાદામાં રહીને જ ખર્ચ કરવો (જેને સમતોલ અંદાજપત્રકની નીતિ કહેવામાં આવે છે.) એ જરૂરી નથી. ઘણી વાર રાષ્ટ્રના બહોળા હિતમાં દેશની સરકાર આવકની મર્યાદા વટાવીને વધારાનો ખર્ચ કરતી હોય છે અને તે માટે જાહેર દેવું ઊભું કરે છે અથવા ખાધપૂરક નાણા-નીતિનો અમલ કરે છે. ભારતમાં આયોજનનો ગાળો એ તેનો ઉત્તમ દાખલો છે.
એકવીસમી સદીના પ્રારંભમાં સમદૃષ્ટિલક્ષી અર્થશાસ્ત્ર સામે ત્રણ પ્રકારના મોટા પડકારો છે : (1) વિશ્વમાં અને લગભગ દરેક દેશમાં એક યા બીજા કારણસર વધી રહેલી વિસ્ફોટક બેકારીનો શો ઇલાજ કરવો ? (2) વિશ્વસ્તર પર વધી રહેલી ભાવસપાટી પર કેવી રીતે અંકુશ રાખવો ? (3) આર્થિક વિકાસનો ઊંચો અને ઝડપથી વધતો દર કેવી રીતે હાંસલ કરવો ? હકીકતમાં આ ત્રણ પડકારોમાંથી શરૂઆતના બે પડકારોનો ઇલાજ ત્રીજા પડકારનો અસરકારક અમલ કરવા પર અવલંબે છે અને તે માટે અર્થશાસ્ત્રનું 1987 વર્ષ માટેનું નોબેલ પારિતોષિક મેળવનાર અર્થશાસ્ત્રી રૉબર્ટ સોલોએ જે અભિગમ સૂચવ્યો છે તે આ તબક્કે નોંધપાત્ર ગણાય : ટેક્નૉલૉજીના ક્ષેત્રમાં ઝડપી વધારો અને શ્રમકૌશલ્યમાં સુધારો.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે