સમસ્તીપુર : બિહાર રાજ્યના મધ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 25° 30´થી 26° 10´ ઉ. અ. અને 85° 30´થી 86° 30´ પૂ. રે. વચ્ચેનો 2,905 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બાગમતી નદીથી અલગ પડતો દરભંગા જિલ્લો; પૂર્વમાં દરભંગા, બેગુસરાઈ અને ખગારિયા જિલ્લાનો ભાગ; દક્ષિણમાં ગંગા નદી અને નૈર્ઋત્યે પટણા જિલ્લો તથા પશ્ચિમે વૈશાલી અને મુઝફ્ફરપુર જિલ્લા આવેલા છે. જિલ્લામથક જિલ્લાની લગભગ મધ્યમાં આવેલું છે.

સમસ્તીપુર જિલ્લો

ભૂપૃષ્ઠ-જળપરિવાહ : આ જિલ્લો સમસ્તીપુર સદર ઉપવિભાગ અને રોઝેરા ઉપવિભાગથી બનેલો છે. જિલ્લાનો સમગ્ર પ્રદેશ ભરપૂર કાંપથી છવાયેલો છે. જમીનો ફળદ્રૂપ છે. બાગમતી અને બડી ગંડક નદીઓ વચ્ચેના દોઆબ પ્રદેશને બાદ કરતાં અન્યત્ર ઊંચાણવાળા અને પંકભૂમિના પ્રદેશો આવેલા છે. જિલ્લાની જમીનો વધુ પડતી ચૂના-દ્રવ્યયુક્ત છે, તો બીજી જમીનો માટી અને રેતીના મિશ્રણવાળી છે. દક્ષિણ તરફ જતાં જમીનો રેતાળ બનતી જાય છે. નદીકાંઠાના પ્રદેશો વર્ષોવર્ષ નવા કાંપથી સમૃદ્ધ બનતા જાય છે. જિલ્લામાંથી બડી ગંડક, બાયા (બાગા), કોશી, કમલા, કારેહ, ઝામવાડી અને બાલાન જેવી નદીઓ પસાર થાય છે. તે પૈકી કેટલીક ગંગા નદીને તો કેટલીક બડી ગંડકને મળે છે.

ખેતી-પશુપાલન : જિલ્લાનું મોટાભાગનું અર્થતંત્ર ખેતી અને ખેતીપેદાશો પર આધારિત છે. જિલ્લાના અંદાજે 80 %થી વધુ લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અહીં મુખ્યત્વે ઘઉં, કઠોળ, તેલીબિયાં, કેરી, લીચી અને કેળાંનું વાવેતર થાય છે. તેલીબિયાં અને તમાકુનું પ્રક્રમણ કરવામાં આવે છે. અહીંનાં ફળોની રાજ્ય બહાર નિકાસ કરવામાં આવે છે.

જિલ્લામાં ખેતીનું વિશેષ મહત્ત્વ હોવાથી અહીં પુસા ખાતે રાજેન્દ્ર કૃષિ યુનિવર્સિટી, સેન્ટ્રલ ટૉબેકો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તેમજ ખેડૂત અને ખેતીલક્ષી વિસ્તરણ એજન્સીઓ જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે. મકાઈના ઉત્પાદનમાં વેગ લાવવાના હેતુથી પાયોનિયર મેઇઝ સીડ રિસર્ચ સ્ટેશન 1980-81માં સ્થાપવામાં આવેલું છે. તેનું મુખ્ય કાર્ય પીળા રંગની સંકર મકાઈનું બિયારણ તૈયાર કરવાનું છે. આ અંગેનું વડું મથક હૈદરાબાદ ખાતે આવેલું છે.

જિલ્લાનું કૃષિ-અર્થતંત્ર વિકસે તે માટે અહીં કૃત્રિમ સિંચાઈની યોજના ઊભી કરવામાં આવી છે. મોટાભાગના કૃષિ-ઉત્પાદન માટે વરસાદ પર આધાર રાખવો પડે છે. વળી વરસાદનું પ્રમાણ પણ દર વર્ષે એકસરખું રહેતું નથી. આથી તળાવો અને જળાશયો તૈયાર કરી સિંચાઈની વ્યવસ્થા કરવી પડે છે.

જિલ્લામાં દુધાળાં ઢોરનું પ્રમાણ વિશેષ હોવાથી 60 કિમી. અંતરે આવેલા બરૌની (બેગુસરાઈ) ખાતે બરૌની ડેરી એકમ શરૂ કરવામાં આવેલો છે. ત્યાં દૂધનો પાઉડર, ઘી વગેરે પેદાશોનું ઉત્પાદન થાય છે. પટોરી અને મોહિઉદ્દીનનગર-વિસ્તારો પૂરથી અસરગ્રસ્ત રહે છે; તેમ છતાં ત્યાં દુધાળાં ઢોરનો ઉછેર થાય છે. ખેડૂતો ખેતી ઉપરાંત આવકવૃદ્ધિ માટે પશુપાલનની પ્રવૃત્તિ પણ કરે છે. અહીંની નદીઓ અને જળાશયો-તળાવોમાંથી માછલીઓનું ઉત્પાદન પણ લેવાય છે. માછીમારોની સહકારી મંડળીઓ પણ કાર્યરત છે.

ઉદ્યોગ-વેપાર : જિલ્લાના સમસ્તીપુર અને હસનપુર ખાતે ખાંડની બે મિલો આવેલી છે. સમસ્તીપુર તેમજ તેની આજુબાજુના ભાગોમાં શણની મિલ, કાગળનું કારખાનું તેમજ અન્ય કારખાનાં આવેલાં છે. પુસા ખાતે ખાદી ગ્રામોદ્યોગ બોર્ડનું મુખ્ય મથક આવેલું છે. તેમાં તથા તેની શાખાઓમાં જિલ્લાના ઘણા લોકો રોકાયેલા છે. જિલ્લા ઔદ્યોગિક વિકાસ નિગમ ઉદ્યોગોના વિકાસમાં ધ્યાન આપે છે. તેના તરફથી તાલીમ-કેન્દ્રો પણ ઊભાં કરાયાં છે.

જિલ્લાનાં નગરોમાં બીડીઓ, ગાડાનાં પૈડાં અને ખાંડનું ઉત્પાદન લેવાય છે. મરચાં, લસણ, આદું અને પૈડાંની નિકાસ થાય છે; જ્યારે ચોખા, અન્ય અનાજ અને લોખંડની આયાત કરવામાં આવે છે. અહીં તમાકુ અને ફળોનો વેપાર મોટા પાયા પર ચાલે છે.

પરિવહન : જિલ્લામથક સમસ્તીપુર ઈશાન રેલવિભાગનું વિભાગીય મુખ્યમથક છે. જિલ્લો પટણા, કોલકાતા, દિલ્હી, ધનબાદ, જમશેદપુર તેમજ અન્ય ઘણાં સ્થળો સાથે રેલમાર્ગોથી સંકળાયેલો છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ-28 આ જિલ્લામાંથી પસાર થાય છે. જિલ્લામથક જિલ્લાનાં બધાં જ સમાજવિકાસ-ઘટકો સાથે સડકમાર્ગોથી જોડાયેલું છે. ગંગા, બડી ગંડક, કારેહ નદીઓ જળમાર્ગ તરીકે ઉપયોગમાં લેવાય છે. જિલ્લામાં પૂરતા પ્રમાણમાં તાર-ટપાલ-ટેલિફોન સેવાઓ મળી રહે છે.

પ્રવાસન : (i) સમસ્તીપુર : નવા રચાયેલા આ જિલ્લાનું વડું વહીવટી મથક સમસ્તીપુર ગંડક નદીને કાંઠે વસેલું છે. તે નદી પરના પુલ મારફતે મુઝફ્ફરપુર, દરભંગા, જયનગર, નિરમાલી અને રક્સૌલ સાથે સંકળાયેલું છે. જિલ્લા માટે તે વેપાર-વાણિજ્યનું મુખ્ય મથક બની રહેલું છે. અહીં વસંતપંચમી, શિવરાત્રિ અને દુર્ગાપૂજા ટાણે મોટા મેળા ભરાય છે.

(ii) માલીનગર : આ સ્થળ અહીંના કલ્યાણપુર ઘટકમાં લાહેરિયાસરાઈથી નૈર્ઋત્યમાં આશરે 35 કિમી. અંતરે આવેલું છે. અહીંના કોઈક સ્થાનિક વેપારીએ 1844માં મહાદેવનું મંદિર બંધાવેલું, ત્યાં દર વર્ષે રામનવમીએ પાંચ-દિવસીય મેળો ભરાય છે.

(iii) મંગલગઢ : આ સ્થળ જિલ્લાના હસનપુર ઘટકથી 14 કિમી. દૂર દૂધપુરા નજીક આવેલું છે. દૂધપુરા એ પ્રાચીન બુદ્ધપુરાનું અપભ્રંશ થયેલું નામ છે. ભગવાન બુદ્ધ ભારતની ધર્મયાત્રાએ નીકળેલા ત્યારે રાજા મંગલદેવની આગ્રહભરી વિનંતિથી અહીં થોડો વખત પ્રચાર અર્થે રહેલા. આ રાજવીના કિલ્લાના અવશેષો શોધી કાઢવામાં આવેલા છે.

(iv) મોહિઉદ્દીનનગર : આ સ્થળ જિલ્લાનું એક સમાજવિકાસ ઘટક છે. મોહિઉદ્દીનનગર નામના રેલમથકથી તે 6 કિમી. દક્ષિણે આવેલું છે. મોહિઉદ્દીન સાહેબ નામના જાણીતા મુસ્લિમ સંત પરથી આ નામ પડેલું છે.

(v) નરવાનચક વૈદ્ય ઓલિયા : ઈશાન રેલવિભાગ પરના નરહાન રેલમથકથી આશરે 15 કિમી. અંતરે વિધુતિપુર ઘટકમાં આવેલું આ એક નાનું ગામ છે. મુઘલકાળની નરહાન એસ્ટેટની એક ઇમારત અહીં આવેલી છે. નરવાનચકમાં એક શિવાલય આવેલું છે. તે નરહાન એસ્ટેટના વૈદ્ય ભાવમિશ્રની પુત્રી શ્રીમતી જાગેશ્વરીદેવીએ બંધાવેલું. તે આજે જાગેશ્વર સ્થાનક તરીકે ઓળખાય છે. આ મંદિરના પ્રાંગણમાં જોવા મળતું પીપળાનું ઘણું મોટું વૃક્ષ આ સ્થાનક ઘણું જૂનું હોવાનો ખ્યાલ આપે છે.

(vi) પુસા : પુસા ગામ પુસા રોડ રેલમથકથી દક્ષિણે 14 કિમી. અંતરે આવેલું છે. તે સેન્ટ્રલ સુગરકેન રિસર્ચ સ્ટેશન માટે જાણીતું છે. આ સંસ્થાને કારણે શેરડી ઉગાડનારાઓને લાભ મળે છે. અહીં ગાયનાં વાછરડાંનું ઉછેરકેન્દ્ર, સેન્ટ્રલ ટૉબેકો ઉપમથક તેમજ બીજાં કેટલાંક સંસ્થાકીય મથકો પણ છે.

(vii) વિદ્યાપતિનગર : આ સ્થળનું નામ પ્રખ્યાત મૈથિલી કવિ વિદ્યાપતિના નામ પરથી અપાયેલું છે. તે ગંગાના કાંઠા નજીક દાલસિંઘસરાઈ ઘટકમાં આવેલું છે. કવિ વિદ્યાપતિએ અહીં છેલ્લો શ્વાસ લીધેલો. લોકવાયકાઓ કહે છે કે ભગવાન શિવ તેમના પર પ્રસન્ન હતા અને સ્વયં શિવ તેમના સેવકના વેશમાં ઘણો વખત સાથે રહેલા. વળી અહીં વિદ્યાપતિધામ નામનું પ્રાચીન શિવાલય પણ છે. નજીકના વિસ્તારના લોકો વિશેષે કરીને શ્રાવણ માસમાં ત્યાં પૂજા-અર્ચના અર્થે આવે છે. વસંતપંચમીએ અહીં ઘણો મોટો મેળો ભરાય છે.

આ ઉપરાંત જિલ્લાનાં ઘણાં સ્થળોમાં દશેરા, જયમંગલા, રામનવમી, નાગપંચમી, કાર્તિકી અને માઘી પૂર્ણિમા, વિવાહપંચમી વગેરે તહેવારોએ મેળા ભરાય છે.

વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 34,13,413 જેટલી છે. સ્ત્રીપુરુષોનું પ્રમાણ એકસરખું છે. હિન્દુ-મુસ્લિમની વસ્તી વિશેષ છે; જ્યારે ખ્રિસ્તી, શીખ, જૈન અને બૌદ્ધોની વસ્તી ઓછી છે. જિલ્લામાં હિન્દી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. જિલ્લામાં સાક્ષરતાનું પ્રમાણ 30 % જેટલું છે. 75 % ગામડાંઓમાં એક કે બીજા પ્રકારની શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ છે. જિલ્લામાં 17 જેટલી કૉલેજો છે. તબીબી સેવાની વ્યવસ્થા નગરોમાં વધુ અને ગામડાંઓમાં ઓછા પ્રમાણમાં છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 4 ઉપવિભાગોમાં, 14 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. અહીં 5 નગરો અને 1,237 (133 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : આ જિલ્લો મૂળ દરભંગા જિલ્લામાંથી પશ્ચિમ તરફનો ભાગ છૂટો પાડીને રચવામાં આવેલો છે. પ્રાચીન સમયમાં તે મિથિલાનો પ્રદેશ ગણાતો હતો. અહીં રામાયણ અને મહાભારત-કાળની લોકવાયકાઓ પ્રવર્તે છે. વૈદિક સાહિત્યના અહેવાલો મુજબ, પંજાબમાં સરસ્વતી નદીકાંઠે વસતી આર્ય (વિદેહી) પ્રજા સ્થળાંતર કરી અહીં આવેલી. એક લોકવાયકા એવી પણ છે કે પાંડવો તેમના વનવાસકાળ દરમિયાન મધુબનીના પાંડોલ ગામે કેટલોક વખત રહ્યા હતા.

આ જિલ્લાનો વિસ્તાર તેના માતૃજિલ્લા દરભંગાનો ઉપવિભાગ હતો. 1972માં તેને અલગ જિલ્લાનો દરજ્જો મળ્યો. 1975માં કુશેશ્વર આસ્થાન ઘટક સમસ્તીપુરમાંથી લઈ લેવામાં આવ્યો અને રાજ્ય સરકાર દ્વારા તેને દરભંગા જિલ્લામાં મુકાયો. આજે આ જિલ્લાના ચાર ઉપવિભાગો અને ચૌદ સમાજવિકાસ-ઘટકો છે.

ગિરીશભાઈ પંડ્યા