સમર્થ, શોભના (જ. 17 નવેમ્બર 1916, મુંબઈ; અ. 9 ફેબ્રુઆરી 2000) : હિંદી ચલચિત્રની જાણીતી અભિનેત્રી. મૂળ નામ સરોજ શિલોત્રી. પિતા પી. એસ. શિલોત્રી, માતા રતનબાઈ. પિતાનું અવસાન થતાં મામા જયંતે તેમના પરિવારને ટેકો આપ્યો. મામાની એક પુત્રીએ પણ સમય જતાં નલિની જયવંત નામે અભિનયક્ષેત્રે ખ્યાતિ મેળવી. સરોજે ‘શોભના સમર્થ’ નામ સાથે 1934માં ‘વિલાસી ઈશ્વર’ ચિત્રથી અભિનયક્ષેત્રે પ્રવેશ કર્યો. એ સમયે સારા ઘરની શિક્ષિત યુવતીઓ માટે અભિનયક્ષેત્રે આવવું સરળ નહોતું. પણ દુર્ગા ખોટેએ આ ક્ષેત્રે આવીને બીજાના માટે માર્ગ મોકળો કરી આપ્યો હતો. ગુજરાતી તથા હિંદી બે ભાષામાં બનેલા ‘દો દીવાને’ ચિત્રમાં શોભનાએ મોતીલાલ સાથે કામ કર્યું અને એ વખતે બંને વચ્ચે બંધાયેલી ગાઢ મિત્રતા અંત સુધી રહી. લગ્ન પછી પ્રથમ પુત્રી નૂતનના જન્મ સમયે શોભનાએ બે વર્ષ ચિત્રોમાં કોઈ કામ ન કર્યું, પણ પછી જે ચિત્ર આવ્યું તે ‘કોકિલા’ સફળ રહ્યું. એ દિવસોમાં વાડિયા બ્રધર્સ માત્ર મારધાડનાં ચિત્રો બનાવતાં હતાં. પણ શોભનાને લઈને તેમણે સામાજિક ચિત્ર ‘શોભા’ બનાવ્યું હતું. 1941માં દિગ્દર્શક વિજય ભટ્ટ ‘ભરત-મિલાપ’નું સર્જન કરી રહ્યા હતા. સીતાની ભૂમિકા તેમણે શોભનાને સોંપી. આ ભૂમિકા ટૂંકી હતી, પણ શોભનાએ તેમાં એવો પ્રભાવ પેદા કર્યો કે 1943માં વિજય ભટ્ટે ‘રામરાજ્ય’માં સીતાની ભૂમિકા તેમને જ સોંપી. આ ચિત્ર એ સમયનું અત્યંત સફળ ચિત્ર બની રહ્યું.
એ પછી તો સીતાની તેમની છબિ એવી મજબૂત બની ગઈ કે અભિનેતા પ્રેમ અદીબને રામ તરીકે અને શોભનાને સીતા તરીકે રજૂ કરતાં કૅલેન્ડરો પણ લોકપ્રિય થયાં. શોભનાએ ઘણાં ધાર્મિક ચિત્રોમાં કામ કર્યું. 1949માં ‘રામબાણ’ અને 1950માં ‘રામવિવાહ’માં પણ તેમણે સીતાની ભૂમિકા ભજવી. આ ઉપરાંત પૃથ્વીરાજ કપૂર સાથે તેમનું ચિત્ર ‘નલ-દમયંતી’ પણ સફળ રહ્યું. અભિનયની દૃષ્ટિએ શોભનાનું સૌથી નોંધપાત્ર ચિત્ર હતું કિશોર સાહુ નિર્મિત ‘વીર કુણાલ’. તેમાં શોભનાએ સમ્રાટ અશોકની પત્ની તિષ્પરક્ષિતાની ભૂમિકા ભજવી હતી, જે પોતાના સાવકા પુત્ર કુણાલના પ્રેમમાં પડે છે. આ જટિલ ભૂમિકાને તેમણે સારો ન્યાય આપ્યો હતો, પણ સીતા તરીકેની તેમની મજબૂત છબિને કારણે પ્રેક્ષકો તેમને આ ભૂમિકામાં સ્વીકારી શક્યા નહોતા.
1950 પછી ધાર્મિક ચિત્રોનું નિર્માણ ઓછું થતું ગયું અને શોભના પણ તેમની બંને દીકરીઓ નૂતન તથા તનુજાના ઉછેરમાં વ્યસ્ત થતાં ગયાં. એ પછી તેઓ છૂટાંછવાયાં ચિત્રોમાં ચરિત્ર-ભૂમિકાઓ ભજવતાં રહ્યાં. નૂતનને અભિનયક્ષેત્રે લાવવા તેમણે ‘હમારી બેટી’ અને તનુજા માટે ‘છબીલી’ ચિત્રનું નિર્માણ કર્યું હતું. નૂતને સમય જતા એક અભિનેત્રી તરીકે ભારે નામના મેળવી. તનુજા પણ સફળ અભિનેત્રી બની શક્યાં. નૂતનનો પુત્ર મોહનિશ તથા તનુજાની પુત્રીઓ કાજોલ તથા તનીષા પણ અભિનયક્ષેત્રે સક્રિય થયાં, જેમાં કાજોલે તો ઘણાં સફળ ચિત્રોમાં કામ કર્યું છે.
નોંધપાત્ર ચિત્રો : ‘વિલાસી ઈશ્વર’ (1935), ‘દો દીવાને’ (હિંદી), ‘બે ખરાબ જણ’ (ગુજરાતી) (1936), ‘પતિ-પત્ની’ (1939), ‘પની નગરિયા’ (1940), ‘સવેરા’ (1942), ‘રામરાજ્ય’, ‘નૌકર’, ‘મહાસતી અનસૂયા’ (1943), ‘વીર કુણાલ’, ‘તારામતી’ (1945), ‘સતી તોરલ’, ‘મલિકા’ (1947), ‘હમારી બેટી’ (1950), ‘રામજન્મ’ (1951), ‘ઇન્સાનિયત’ (1955), ‘લવ ઇન સિમલા’ (1960), ‘છલિયા’ (1960), ‘ચિત્રલેખા’ (1964).
હરસુખ થાનકી