સમન્યાય (Equity) : ઇંગ્લૅન્ડમાં ક્રમશ: વિકાસ પામેલા ન્યાયના સિદ્ધાંતો. પુરાણા ઇંગ્લિશ કાયદા (કૉમન લૉ) પ્રમાણે એની ત્રણ અપૂર્ણતાઓ હતી :
1. ઇંગ્લિશ કૉમન લૉ (common law) :
(1) કૉમન લૉમાં રિટનો નમૂનો ન મળે તો વાદીનું કારણ સાચું હોવા છતાં તે અદાલતમાં જઈ કામ ચલાવી શકતો નહિ.
(2) કૉમન લૉ અદાલતો કરારભંગના પ્રસંગે વળતર સિવાય અન્ય કોઈ ઉપાય (દા.ત., તેનું નિર્દિષ્ટ પાલન કરાવવાનો) આપી શકતી નહિ.
(3) કૉમન લૉ અદાલતોની કાર્યપ્રણાલી અપૂર્ણ, ખામીયુક્ત અને અસંતોષજનક હતી. સામંતો(જાગીરદારો landlords)ની પ્રબળ લાગવગ આગળ કૉમન લૉ લાચાર બની જતો.
આને કારણે સમન્યાયનો ઉદભવ થયો.
2. સમન્યાયનો અર્થ, ઉદભવ : અંગ્રેજી ભાષામાં સમન્યાયને ‘એક્વિટી’ કહે છે. ‘સમન્યાય’ શબ્દની રચના જ બતાવી આપે છે કે સમ એટલે સમાન અને ન્યાય એટલે ઇન્સાફ. સમન્યાય એટલે સમાન ઇન્સાફ. ન્યાયી અને વાજબી કરવું એટલે સમન્યાય.
‘સમન્યાય’ શબ્દ લૅટિન ભાષાના ‘એક્વિટાસ’ (Aequitas) શબ્દમાંથી ઊતરી આવેલો છે. ‘એક્વસ’ Aequus એટલે સમાન. અપેક્ષિત કુદરતી ન્યાય અથવા આદર્શ ન્યાયની વધુમાં વધુ સમીપ પહોંચવાનું સાધન છે સમન્યાય અને તેના સિદ્ધાંતો; પરંતુ સમન્યાય એટલે કુદરતી (natural) ન્યાય નહિ. બીજાઓ પાસેથી આપણે જેવા વર્તનની આશા રાખીએ તેવું વર્તન કરવું એટલે સમન્યાય.
સમન્યાય શબ્દનો ઉપયોગ બે અર્થમાં થાય છે : (અ) તેના વિશાળ અને લોકભોગ્ય અર્થમાં અને (બ) તેના તાંત્રિક (technical) અથવા સંકુચિત અર્થમાં.
ઘડેલા કાયદાઓ સંપૂર્ણ હોતા નથી. તેમાં છટકબારીઓ રહી ગઈ હોય છે. એ બધી છટકબારીઓને બંધ કરી શકાય તેમ હોતું નથી, તેથી ઘણીબધી બાબતોમાં કેમ કરવું તે વ્યક્તિના અંતરાત્માના અવાજ પર અથવા તો જાહેર જનમત ઉપર છોડી દેવું પડે છે; દા.ત., કોઈ કંપનીનો સંચાલક ગેરકાયદે ન હોય તેવી પણ અયોગ્ય રીત-રસમોથી કંપનીમાં ગેરવહીવટ કરે તો કાયદેસર રીતે તેની સામે કામ ચલાવી શકાય નહિ. વર્તમાન સમયમાં તો આવાં છીંડાં પૂરવાનો પ્રયત્ન કાયદા બનાવીને કે સુધારીને થઈ શકે છે; પરંતુ ભૂતકાળમાં આમ કરવું શક્ય ન હતું. તેથી તેઓએ એક એવી પદ્ધતિની શોધ કરવાની હતી, જેથી કરીને આદર્શ ન્યાય અને કાનૂની ન્યાય એ બે વચ્ચેનું અંતર બને તેટલું ઘટે. આ પ્રયોગોને અંતે જે સિદ્ધાંતો ઇંગ્લિશ સમાજને પ્રાપ્ત થયા તેને સમન્યાયના સિદ્ધાંતો કહે છે. સર હેન્રી મેઇને સમન્યાયની ઓળખ આપતાં કહ્યું છે કે સમન્યાય એ મૂળભૂત દીવાની કાયદાની સમાંતર ઉત્પન્ન થયેલી સંસ્થા છે. તેના સિદ્ધાંતો અલગ અને સ્પષ્ટ છે. એ સિદ્ધાંતોની અંતર્ગત એક ખૂબ જ મજબૂત પીઠબળ (sanction) રહેલું છે, જે તેને વધુ ધારદાર બનાવે છે.
ઘણાય અન્યાયી પ્રસંગો ઉપસ્થિત થતાં સમન્યાયે ન્યાય કરી આપ્યો છે, પરંતુ તેથી દરેક અન્યાયના પ્રસંગે સમન્યાય ન્યાય કરી આપશે એવું માનવાનું નથી (સ્નેલની એક્વિટી). સમન્યાયનો ઉદ્ભવ એ એક ઐતિહાસિક અકસ્માત છે.
એના શબ્દાર્થમાં ‘સમન્યાય’ એટલે કુદરતી કાનૂન પર રચાયેલો ન્યાય; એના સામાન્ય અર્થમાં ‘સમન્યાય’ એટલે વ્યવહારમાં જે સાચું અને પ્રામાણિક છે તે. રોમન અર્થમાં ‘સમન્યાય’ એટલે પ્રેટર (Praetor) દ્વારા દીવાની કાયદામાં દાખલ કરેલી નીતિના સિદ્ધાંતો. ઇંગ્લિશ અર્થમાં ‘સમન્યાય’ એટલે કૉમન લૉ(Common law)ની ક્ષતિઓ અને તેની કાર્ય-પ્રણાલીને સુધારવા માટે ચાન્સરી (Chancery) અદાલતોએ બનાવેલા અને અમલમાં મૂકેલા એવા નિયમોનો સમૂહ. કોઈ પણ કાયદા-પદ્ધતિમાં સમન્યાયના સિદ્ધાંતોની ગણના ન થાય તેવું બની શકે નહિ. ઍરિસ્ટોટલ, બ્લૅકસ્ટોન, પ્લેટો, સ્નેલ, સ્ટોરી, સર હેન્રી મેઇન વગેરે ન્યાયવિદોએ આપેલી વ્યાખ્યાઓનું સારતત્ત્વ આ છે કે : સમન્યાય એ કુદરતી ન્યાય પર આધારિત છે. એ એક એવી ન્યાયપદ્ધતિ હતી જે ઇંગ્લિશ કૉમન લૉની સમાંતર અસ્તિત્વ ધરાવતી હતી. એ ચાલુ કાયદાના નાશ માટે નહિ, પરંતુ તેના પૂરક તરીકે અસ્તિત્વમાં હતી. (લૉર્ડ કાઉપર ઇન ડડલી વિ. ડડલી 1705 Prec. Ch. 241.)
3. ભારતમાં : ભારતની પ્રાચીન કાયદાપદ્ધતિમાં પણ સમન્યાયનાં મૂળ મળી આવે છે. કૌટિલ્યના કહેવા અનુસાર ધર્મનો આદેશ જો ન્યાયિક વિચારની વિરુદ્ધ જણાય તો તેવો આદેશ નિરર્થક ગણાશે અને તે વેળાએ તર્કનું સામર્થ્ય સ્વીકારવું પડશે. स्म्रृत्योर्विरोधे न्यायस्तु बलवान् व्यवहारत: । ‘યાજ્ઞવલ્ક્ય’.
केवलं शास्त्रमाश्रित्य न कर्तव्यो विनिर्णय: ।
युक्तिहीनविचारेषु धर्महानि: प्रजायते ॥
ઍંગ્લો ઇન્ડિયન કાયદા પહેલાં એટલે કે ઈ. સ. 1600 પહેલાં ભારતમાં હિંદુ અને મુસ્લિમ કાયદામાં સમન્યાયને સ્થાન હતું. વેદો, પુરાણો અને સ્મૃતિઓમાં પણ આ વિચાર અગ્રસ્થાને હતો.
એના સહજ કે સામાન્ય અર્થઘટનને લઈને જ્યાં કાયદો અન્યાય પેદા કરે ત્યાં સમન્યાયી અર્થઘટન(equitable interpretation)થી પરિસ્થિતિને ન્યાયપુર:સરની બનાવાશે.
ઇંગ્લિશ કાયદામાં કાયદો (statute) અને સમન્યાય વચ્ચેનો તફાવત સ્વીકારી અલગ દર્શાવ્યો છે અને ત્યાં આ બે અદાલતો અલગ અલગ છે; ભારતમાં આવો ભેદ સ્વીકાર્યો નથી અને એ જ અદાલત પરિસ્થિતિ પ્રમાણે બંનેનો અમલ કરી શકે છે. ભારતમાં નીચે દર્શાવેલ કાયદાઓમાં સમન્યાયને કાયદાકીય માન્યતા પ્રાપ્ત થયેલી જોઈ શકાય છે :
(1) ધ સ્પેસિફિક રીલિફ ઍક્ટ, 1877; (2) ધી ઇન્ડિયન ટ્રસ્ટ્સ ઍક્ટ, 1882; (3) ધી ઇન્ડિયન સક્સેસન ઍક્ટ, 1925; (4) ધ ગાર્ડિયન્સ ઍન્ડ વૉર્ડ્ઝ ઍક્ટ, 1890; (5) ધી ઇન્ડિયન કૉન્ટ્રૅક્ટ ઍક્ટ, 1872; (6) ધ ટ્રાન્સફર ઑવ્ પ્રૉપર્ટી ઍક્ટ, 1882; (7) ધી ઇન્ડિયન ડિવૉર્સ ઍક્ટ, 1869.
ભારતની સુપ્રીમ કોર્ટે વિવિધ ચુકાદાઓમાં એ મતલબનું જણાવ્યું છે કે to be pragmatic is not to be unconstitutional. વ્યવહારુ બનીને ન્યાય કરવો એથી બિનબંધારણીય બની જવાતું નથી. સમન્યાયનો હેતુ અને તેનું લક્ષ્ય પ્રામાણિકતાને પીઠબળ આપવાનો અને કાયદેસરના હકોને સમર્થન આપવાનો રહ્યો છે. કાયદાને દૂર રાખવાની નવી નવી તરકીબો અને કાયદાને નિષ્ફળ બનાવવાની યુક્તિ-પ્રયુક્તિઓથી સમન્યાયે હંમેશાં કાયદાને રક્ષ્યો છે. સમન્યાયનો વ્યાપ કાયદાના હરેક ક્ષેત્રમાં છે.
4. સમન્યાયની અદાલતો : સમન્યાયે યોજેલા નવા ઉપાયો, શોધેલા નવા અધિકારો અને પ્રયોજેલી નવી કાર્યવહીને કારણે તે લોકપ્રિય બન્યો. કૉમન લૉ અને સમન્યાય બંને જે પરિણામો લાવવા ઇચ્છતા હતા તે એક જ હતાં, પરંતુ બંનેના માર્ગો અલગ અલગ હતા. સને 1349થી તે 1873 સુધી સમન્યાય-વિતરણની આ વ્યવસ્થા ટકી રહી. 1873 અને 1875ના જ્યુડિકેચર ઍક્ટથી સમન્યાય અને કાયદાનું જોડાણ (amalgamation or fusion) થયું.
સમન્યાયે અનેક ચાન્સેલરો જોયા, જેમાં કાર્ડિનલ વુલ્ઝી, સર ક્રિસ્ટોફર હટન, લૉર્ડ એલીસ્મિયર, લૉર્ડ નોટિંગહામ, લૉર્ડ જેસલ, લૉર્ડ એલ્ડન અને લૉર્ડ હાર્ડવીક વગેરે ચાન્સેલરો મુખ્ય હતા. ચાન્સેલરની ઑફિસનો 1875થી અંત આવ્યો, પરંતુ ચાન્સેલર અને તેની અદાલતમાં ઉત્પન્ન થયેલા સિદ્ધાંતો કાયદાના ક્ષેત્રમાં દુનિયાને અપાયેલી એક અમૂલ્ય ભેટ છે.
5. સમન્યાયની હકૂમત : સમન્યાયની અદાલતોની હકૂમત ત્રણ પ્રકારની હતી :
(1) પૂર્ણાધિકારી અથવા આગવી (exclusive) હકૂમત,
(2) સમાંતર (concurrent) હકૂમત, અને
(3) સહાયક (auxiliary) હકૂમત.
6. સમન્યાયની સિદ્ધિઓ : સમન્યાયની સિદ્ધિઓ સંક્ષિપ્તમાં ત્રણ પ્રકારની છે :
(1) તેણે નવીન પ્રકારના અધિકારો શોધી તેનો અમલ કર્યો.
(2) કૉમન લૉની અદાલતો જે ઉપાયો (remedies) શોધી કે અજમાવી શકી નહિ તેવા ભિન્ન પ્રકારના ઉપાયો સમન્યાયે પ્રયોજ્યા.
(3) સમન્યાયે નિર્માણ કરેલી નવી કાર્યવિધિઓથી તકરારોનો ઝડપી અને સંતોષકારક નિકાલ આવતો અને મુકદ્દમો લડનારને સારી સગવડ મળતી.
7. એકીકરણ : 1875માં બંને અદાલતોના થયેલા એકીકરણને કારણે આ બંને પ્રવાહોનાં પાણી એકસાથે થયાં અને એક જ માર્ગે વહેવા લાગ્યાં; પરંતુ એ બંને એકાકાર થયાં નથી.
આમ આ જોડાણ કોઈ સિદ્ધાંતોનું ન હતું, તે માત્ર વહીવટનું જ હતું.
સમન્યાયે જે વિવિધ સૂત્રો શોધ્યાં તેમાં નીચેનાં 12 સૂત્રો વિખ્યાત છે :
(1) કોઈ પણ અન્યાય ઉપાય વિનાનો હોય તેવું સમન્યાય ચલાવી લેશે નહિ. (Equity will not suffer a wrong to be without a remedy.)
(2) સમન્યાય કાનૂનને અનુસરે છે. (Equity follows the law.)
(3) સમન્યાય માગનારે સમન્યાય આચરવો જોઈએ. (He who seeks equity must do equity.)
(4) સમન્યાય માગનારે નિષ્કલંક હાથે આવવું જોઈએ. (He who comes into equity must come with clean hands.)
(5) વિલંબથી સમન્યાય નિષ્ફળ જાય છે. (Delay defeats equities.)
(6) સમાનતા એટલે સમન્યાય. (Equality is equity.)
(7) સમન્યાય ઇરાદાને જોશે, સ્વરૂપને નહિ. (Equity looks to the intent rather than to the form.)
(8) કરવું જોઈએ તે થયું છે એમ સમન્યાય માને છે. (Equity looks on that as done which ought to have been done.)
(9) સમન્યાય ફરજ અદા કરવાના ઇરાદાનું આરોપણ કરે છે. (Equity imputes an intention to fulfil an obligation.)
(10) સમન્યાય વૈયક્તિક રીતે કાર્ય કરે છે. (Equity acts in personal.)
(11) જ્યાં સમાન સમન્યાય છે ત્યાં કાયદો વિજયી થશે. (Where there is equal equity, the law shall prevail).
(12) જ્યાં સમન્યાયો સમાન છે, ત્યાં સમયમાં જે પ્રથમ તે વિજયી થશે. (where the equities are equal, the first in time shall prevail).
સૂત્રો નં. 11 અને 12 અગ્રિમતા(priority)ની વિભાવના (concept) સાથે જોડાયેલાં છે.
ભાનુપ્રસાદ મ. ગાંધી