સબનીસ, વસંત દામોદર (જ. 6 ડિસેમ્બર 1923, સોલાપુર, મહારાષ્ટ્ર) : મરાઠી વ્યંગ્યકાર, નાટકકાર અને વાર્તાકાર. તેમનું મૂળ નામ રઘુનાથ હતું. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી મેળવી. ‘લોકશક્તિ’ દૈનિકના પત્રકાર તરીકે કારકિર્દી શરૂ કર્યા પછી મહારાષ્ટ્ર સરકારના પ્રચારવિભાગમાં નાયબ નિયામક તરીકે જોડાયા અને સમયાંતરે સેવાનિવૃત્ત થયા. તેઓ 1976થી 1983 સુધી બાળકો માટેના સામયિક ‘કિશોર’ના સંપાદક રહ્યા.
તેમણે અત્યાર સુધીમાં વ્યંગ્યાત્મક લેખોના 7 સંગ્રહો, 6 વાર્તાસંગ્રહો, 12 નાટ્યસંગ્રહો, 2 એકાંકીસંગ્રહો અને 25 ચિત્રપટ-કથાઓ આપ્યાં છે. તેમાં ‘ભારુડ’ (1961), ‘ચિલ્લર ખુર્દા’ (1962), ‘મિરવણુક’ (1963), ‘મ્હૈસ યેતા માઝ્યા ઘરા’ (1968), ‘પનઘટ’ (1975) તેમનાં વ્યંગ્યાત્મક નિબંધસંગ્રહો છે. ‘માઝે ઘરટે, માઝી પિલે’ (1968), ‘વિચ્છા માઝી પૂરી કરા’ (મૂળ નામ : છપરી પલંગાચા બગ) (1973) લોકનાટ્ય જેણે મરાઠી રંગભૂમિ પર પ્રયોગોની સંખ્યાની દૃષ્ટિએ વિક્રમ પ્રસ્થાપિત કર્યો હતો ‘સૌજન્યાચી ઐસી તૈસી’ (1975), ‘ઘરોઘરી હીચ બાબ’ (1977), ‘આપ્પાજિન્ચી સેક્રેટરી’ (1982), ‘મેજર ચંદ્રકાંત’ (1977); ‘મામલા ચોરીચા’; ‘હૃદયસ્વામિની’ તથા ભારતભરમાં વધુ ખ્યાતિ પામેલું નાટક ‘ગેલા માધવ કુણીકડે’ (1992) એ બધાં તેમનાં લોકપ્રિય નાટકો છે. ‘સોબતી’ (1992) તેમનું રેખાચિત્ર છે, જ્યારે ‘થાપેડ્યા’ (1985) અને ‘વિનોદ દ્વાદશી’ (1988) વ્યંગ્યાત્મક વાર્તાસંગ્રહો છે.
તેમનાં એકાંકીઓ ‘પ્રેક્ષકાંની ક્ષમા કરાવી’ (1962) અને ‘ચિલખત રાજ જગન્નાથ’ (1971) માટે 1963 અને 1972ના વર્ષના મહારાષ્ટ્ર રાજ્ય પુરસ્કાર તથા 1985માં મરાઠી નાટ્યપરિષદ તરફથી ‘દેવલ ઍવૉર્ડ’ પ્રાપ્ત થયા છે. તેમનાં કેટલાંક નાટકો દિલ્હી દૂરદર્શન તથા મુંબઈ દૂરદર્શન પરથી પ્રસારિત કરાયાં છે.
બળદેવભાઈ કનીજિયા