સફેદો (વ્હાઇટ લેડ) : રંગકાર્યમાં સફેદ વર્ણક (pigment) તરીકે વપરાતો બેઝિક (basic) લેડ કાર્બોનેટ. સૂત્ર : 2PbCO3્રPb(OH)2. બેઝિક લેડ સલ્ફેટ તેમજ બેઝિક લેડ સિલિકેટ માટે પણ આ નામ વપરાય છે. સફેદ વર્ણકો પૈકી આ જૂનામાં જૂનો વર્ણક છે. આંતરિક અને બાહ્ય પેઇન્ટ અને ઇનૅમલને ઉત્તમ પ્રચ્છાદન-શક્તિ (hiding power), નમ્યતા (flexibility), અને ટકાઉપણું (durability) આપવા માટે તે વપરાતો હતો; પણ તેની વિષાળુતાને કારણે તેનો ઉપયોગ ઘટી ગયો છે. લેડના ક્ષારના દ્રાવણમાં સોડિયમ કાર્બોનેટનું દ્રાવણ ઉમેરવાથી બેઝિક લેડ કાર્બોનેટનું અવક્ષેપન થઈ શકે છે; પણ ઔદ્યોગિક ઉત્પાદન માટે નીચેની પદ્ધતિઓ વપરાય છે :
(i) ફ્રેન્ચ પદ્ધતિ : લેડ એસિટેટના ઊકળતા દ્રાવણમાં લેડ ઑક્સાઇડ ઉમેરી, દ્રાવણમાં કાર્બન ડાયૉક્સાઇડ વાયુ પસાર કરવાથી સફેદો અવક્ષિપ્ત થાય છે; પરંતુ આ પદ્ધતિથી પ્રાપ્ત થયેલ સફેદો ઊંચી ગુણવત્તા ધરાવતો નથી.
(ii) વીજરાસાયણિક પદ્ધતિ : સોડિયમ ક્લોરાઇડ અને સોડિયમ કાર્બોનેટના મિશ્ર દ્રાવણમાં લેડનું પતરું ડુબાડી વિદ્યુતપ્રવાહ પસાર કરવાથી લેડના પતરામાંથી લેડના ધનભારવાહી કણો દ્રાવણમાં જાય છે. વિદ્યુતવિભાજન દરમિયાન કાર્બન ડાયૉક્સાઇડનો પ્રવાહ સતત પસાર કરવાથી ઍનોડ આગળ સફેદો અવક્ષિપ્ત થાય છે.
(iii) ડચ પદ્ધતિ : ઘણી લાંબી હોવા છતાં ઉત્તમ કક્ષાનો સફેદો પ્રાપ્ત કરવા માટેની આ અગત્યની પદ્ધતિ છે. તેમાં ઈંટના ચણતરવાળા એક ઓરડામાં તળિયાના ભાગે રાખ(ashes)નું એકાદ મીટર જેવું પડ બનાવી તેના ઉપર ચર્મશોધન બાદ વપરાયેલ છાલ પાથરવામાં આવે છે. તેના ઉપર આંશિક રીતે સરકો (vinegar) અથવા મંદ એસેટિક ઍસિડ વડે ભરેલા ગ્લેઝ્ડ માટીના ઘડા ગોઠવવામાં આવે છે. આ ઘડા ઉપર 10થી 15 સેમી. જાડું સ્તર બને તે રીતે કાણાં પાડેલા લેડના પતરાના વીંટા મૂકવામાં આવે છે. આની ઉપર પાટિયાં ગોઠવવામાં આવે છે; જે છાલ, ઘડા અને લેડનાં પતરાંની બીજી થપ્પી માટે આધાર તરીકે કામ આપે છે. છાલના કિણ્વન અથવા આથવણ(fermentation)ને કારણે કાર્બન ડાયૉક્સાઇડ ઉત્પન્ન થાય છે અને પાત્રો ગરમ થાય છે. લેડ પર હવા, ભેજ, એસેટિક ઍસિડની બાષ્પ અને કાર્બન ડાયૉક્સાઇડની પ્રક્રિયા થઈ પ્રથમ બેઝિક લેડ એસિટેટ બને છે, જે કાર્બન ડાયૉક્સાઇડ વડે વિઘટન પામી બેઝિક લેડ કાર્બોનેટ બનાવે છે.

સફેદા માટેની થપ્પી
આમ પ્રક્રિયા આગળ ને આગળ ચાલ્યા કરે છે. 5થી 10 અઠવાડિયાં બાદ પ્લેટો પર સફેદાની પોપડી (પર્પટી incrustation) બાઝે છે, જે ઉખેડી લેવામાં આવે છે અને પાણી વડે ધોવામાં આવે છે. ભીની લૂગદીને શૂન્યાવકાશવાળી ભઠ્ઠીમાં સૂકવવામાં આવે છે. જો લેડમાં બિસ્મથ હાજર હોય તો તે નીપજને વાંધાજનક રંગ આપે છે.
(iv) જર્મન પદ્ધતિ : એક ચેમ્બરમાં લેડનાં પતરાં પાણીમાં લટકાવવામાં આવે છે. કોકને બાળીને ઉત્પન્ન કરેલો કાર્બન ડાયૉક્સાઇડ વાયુ એસેટિક ઍસિડની વરાળ સાથે ચેમ્બરમાં પસાર કરવામાં આવે છે. લેડ ધાતુ ઑક્સિજન અને પાણી સાથે પ્રક્રિયા કરી લેડ હાઇડ્રૉક્સાઇડ બનાવે છે; જે એસેટિક ઍસિડ સાથે પ્રક્રિયા કરી લેડ એસિટેટ બનાવે છે. ઉત્પન્ન થયેલો લેડ એસિટેટ વધેલા લેડ હાઇડ્રૉક્સાઇડ સાથે પ્રક્રિયા કરી બેઝિક લેડ એસિટેટ બનાવે છે, જે કાર્બન ડાયૉક્સાઇડ સાથે પ્રક્રિયા કરી બેઝિક લેડ કાર્બોનેટ ઉત્પન્ન કરે છે. પ્રક્રિયાનાં સમીકરણો ડચ પદ્ધતિ પ્રમાણે છે.
ગુણધર્મો : (1) સફેદ, અસ્ફટિકમય ભારે પદાર્થ; (2) અળસીનાં બીના તેલ સાથેનું તેનું મિશ્રણ સફેદ રંગના પેઇન્ટ તરીકે વપરાય છે. આ વર્ણક વધારે સપાટીને આવરી શકે છે, પરંતુ તે ઝેરી છે તથા હવામાંના પ્રદૂષણને કારણે તેની સફેદી ઝાંખી પડે છે; (3) માટીના વાસણને ચમક આપવા (glare) માટે સફેદામાંથી બનેલ વર્ણક વપરાય છે; (4) મોં વાટે શરીરમાં જાય અથવા ચામડી દ્વારા અવશોષાય તો તે વિષાળુ છે. પેઇન્ટમાં તેનું પ્રમાણ 0.05 % સુધી સીમિત રહે એ જરૂરી છે.
ચિત્રા સુરેન્દ્ર દેસાઈ