સફાઈ વિદ્યાલય

January, 2007

સફાઈ વિદ્યાલય : તમામ પ્રકારનાં સફાઈકાર્યોને લગતા શિક્ષણ, પ્રશિક્ષણ અને તેના પ્રચાર-પ્રસારણ અંગેનું વિદ્યાલય. 1958માં ગાંધી સ્મારક નિધિ દ્વારા અપ્પાસાહેબ પટવર્ધનના અધ્યક્ષસ્થાને અને મુંબઈ રાજ્યના ગ્રામસફાઈના માનાર્હ સલાહકાર અને ગાંધીવાદી કૃષ્ણદાસ શાહના સંચાલન હેઠળ વ્યારા (જિ. સૂરત) મુકામે પ્રથમ સફાઈ વિદ્યાલય શરૂ કરવામાં આવ્યું હતું. તે સમયે તત્કાલીન ગાંધી સ્મારક નિધિના પ્રમુખ આર. આર. દિવાકર અને મંત્રી જી. રામચંદ્રન્ હતા. મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન મોરારજીભાઈ દેસાઈને હસ્તે 1958માં સફાઈ વિદ્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ સફાઈ વિદ્યાલયમાં સમગ્ર દેશમાંથી રચનાત્મક સંસ્થાઓના કાર્યકર્તાઓને નિમંત્રી સફાઈવિજ્ઞાન, ગૅસ-પ્લાન્ટ ટેક્નૉલૉજી, નિર્ધૂમ ચૂલાનું નિર્માણ, ગ્રામીણ સ્વચ્છતાનાં જુદાં જુદાં પાસાંઓ, ભંગીમુક્તિ અને ભંગીકષ્ટમુક્તિ વિષયક 11 જેટલા નિષ્ણાત અધ્યાપકોના માર્ગદર્શન હેઠળ એક માસ, ત્રણ માસ અને બાર માસના અભ્યાસક્રમો બનાવી તાલીમ આપવામાં આવતી. તાલીમ લીધા પછી પોતપોતાના કાર્યવિસ્તારમાં કામગીરી શરૂ કર્યા પછી છ મહિને તે કામગીરીનું મૂલ્યાંકન કરી પ્રમાણપત્ર આપવામાં આવતું. આ વિદ્યાલય અનુક્રમે નાસિક, સેવાગ્રામ અને પટ્ટીકલ્યાણ (હરિયાણા) ખાતે ખસેડવામાં આવેલું, પરંતુ વ્યારા ખાતેના અધ્યાપકો ત્યાં ન જવાને કારણે વિદ્યાલય બંધ કરવામાં આવ્યું.

ત્યારબાદ અખિલ ભારત હરિજન સેવક સંઘની કાર્યકારિણીએ નિર્ણય કર્યો કે આ સફાઈ વિદ્યાલય, સાબરમતી આશ્રમમાં શરૂ કરવામાં આવે; જેમાં સ્વ. શ્રી રામેશ્વરી નહેરુ, સ્વ. વિયોગી હરિજી, સ્વ. પ્રો. એન. આર. મલકાની અને મંત્રી જીવણલાલ જયરામદાસનો મહત્ત્વનો ફાળો રહ્યો હતો.

સફાઈ વિદ્યાલયમાં રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલકલામ

ભારત સરકારના ગૃહમંત્રાલયે માથે મેલું ઉપાડવાની અમાનવીય પદ્ધતિમાં સુધારો થાય, સુધારેલાં નવાં સાધનો દ્વારા સફાઈકાર્ય થાય અને તે દ્વારા સફાઈ-કામદારના જીવનધોરણમાં સુધારો આવે તે હેતુથી અભ્યાસક્રમો બનાવવા વિચાર્યું. ડબ્બા-જાજરૂથી માંડીને ખાતર આપે તેવાં શૌચાલયો બનાવવા સુધીના સુધારા કરવાનુંયે વિચારાયું. વાળવાના સંડાસને ફ્લશ પ્રકારના સંડાસમાં પરિવર્તિત કેવી રીતે કરાય તેમજ સફાઈ-કામદારોમાં આર્થિક, સામાજિક અને શૈક્ષણિક સુધારા કેમ થાય તેનો અભ્યાસ કરવા માટે પ્રો. એન. આર. મલકાનીના અધ્યક્ષસ્થાને તત્કાલીન ગૃહમંત્રી ગોવિંદ વલ્લભ પંતે એક સમિતિ નિયુક્ત કરેલી. આ સમિતિએ દેશમાં ફરી સમગ્ર પરિસ્થિતિનો અભ્યાસ કરી પોતાનો અહેવાલ 1958માં ગૃહમંત્રાલય દ્વારા લોકસભામાં રજૂ કર્યો; જેને આધારે સમગ્ર દેશમાં હરિજન સેવક સંઘ દ્વારા જે પ્રવૃત્તિ થઈ રહી હતી તેને ધ્યાનમાં લઈ તે સંઘના માર્ગદર્શન નીચે સમગ્ર દેશમાં ભંગીકષ્ટમુક્તિ કાર્યકરો નિયુક્ત કરવામાં આવ્યા.

આ કાર્યકરો, રચનાત્મક સંસ્થાના કાર્યકરો, નગરપાલિકા – નગરપંચાયતના સેનેટરી ઇન્સ્પેક્ટરો તેમજ સફાઈ-કામદારોના આગેવાનોને તાલીમ આપવા 1963માં સાબરમતી હરિજન આશ્રમ ખાતે સફાઈ વિદ્યાલય શરૂ કરવામાં આવ્યું.

આ સફાઈ વિદ્યાલય સાબરમતી આશ્રમના સંચાલક અને ગુજરાત હરિજન સેવક સંઘના તત્કાલીન પ્રમુખ ‘પદ્મશ્રી’ પરીક્ષિતભાઈના સાન્નિધ્યમાં આશ્રમમાં આવેલા મગન નિવાસમાં ચાલુ થયું. મુંબઈ રાજ્યના ગ્રામસફાઈ અને ભંગીકષ્ટમુક્તિના ટેક્નિશિયન અને ગુજરાત રાજ્ય સફાઈ સમિતિ તેમજ હરિજન સેવક સંઘના કાર્યકર શ્રી ઈશ્વરભાઈ પટેલની આ વિદ્યાલયના આચાર્ય તરીકે નિયુક્તિ કરવામાં આવી.

સમગ્ર દેશમાંથી હરિજન સેવક સંઘ, ગાંધી સ્મારક નિધિ અને રચનાત્મક સંસ્થાઓના કાર્યકરોને પ્રત્યક્ષ અને સૈદ્ધાંતિક તાલીમ આપવાનું શરૂ થયું. સફાઈ વિદ્યાલયની પ્રવૃત્તિથી પ્રભાવિત થઈ રાજ્ય સરકારે સમાજકલ્યાણ ખાતા દ્વારા કામદારોના આગેવાનો તેમજ નગરપાલિકાના અધિકારીને સફાઈ વિદ્યાલય ખાતે તાલીમમાં મોકલવાનું શરૂ કર્યું.

ગાંધી શતાબ્દીના પાંચ વર્ષ પહેલાં ગુજરાતમાંથી માથે મેલું ઉપાડવાની અમાનુષી પ્રથા નાબૂદ કરવાનું રાજ્ય સરકારે અને રચનાત્મક સંસ્થાઓએ નક્કી કર્યું. ડબ્બા-જાજરૂનું ફ્લશ પ્રકારના શૌચાલયમાં પરિવર્તન કરવાનો કાર્યક્રમ શરૂ થયો. તે અંગે ઓછા પાણીથી ફ્લશ થઈ શકે તેવા ટબ અને ટ્રૅપની ડિઝાઇન વિદ્યાલયમાં વિકસાવાઈ. દોઢ લિટર પાણીથી ફ્લશ થઈ શકે તેવા ટબ-ટ્રૅપ પરશુરામ પૉટરી વર્ક્સ દ્વારા ઉત્પાદન કરાવ્યાં. આ ડિઝાઇન માટે પચીસ દેશોએ ભેગા થઈ એન.આઇ.ડી. ખાતે વિદ્યાલયના આચાર્યશ્રી ઈશ્વરભાઈ પટેલને ફિલિપ્સ ઍવૉર્ડ અર્પણ કર્યો.

આ બાબતે રાજ્ય સરકારને મોડલ બાયલોઝ બનાવી આપવાનો યશ સફાઈ વિદ્યાલયને જાય છે. જુદા જુદા પ્રકારનાં શૌચાલયોમાં ખાડાવાળું પાણીબંધ શૌચાલય ઓછા ખર્ચે તૈયાર થાય છે અને ડબ્બા-જાજરૂનું પાણીબંધ શૌચાલયમાં સરળતાથી પરિવર્તન કરી શકાય છે. તેથી આ પ્રકારના શૌચાલય-નિર્માણની તાલીમ અને તેનું નિદર્શન જુદી જુદી નગરપાલિકાઓમાં અને નગરપંચાયતોમાં કરવામાં આવ્યું. ગુજરાતી નગરપાલિકાઓ અને નગરપંચાયતોમાં 1,86,000 વાળવાના ડબ્બા-જાજરૂનું પાણીબંધ શૌચાલયમાં પરિવર્તન કરવામાં આવ્યું. આ કામગીરીમાં સફાઈ વિદ્યાલયનો ફાળો મહત્ત્વનો રહ્યો.

ત્યારપછી સમગ્ર રાજ્યમાં આ પ્રકારના કાર્યક્રમનું અમલીકરણ કરવાની જવાબદારી સફાઈ વિદ્યાલયને સોંપાઈ.

સંસ્થાએ તૈયાર કરેલા નમૂનાઓ

આ કાર્યક્રમ માટે સમાજકલ્યાણ ખાતા દ્વારા દરેક જિલ્લામાં ભંગીકષ્ટમુક્તિના કાર્યકર્તાઓ હરિજન સેવક સંઘ મારફતે નિયુક્ત કરાયા અને તેમણે સમગ્ર રાજ્યમાં સફાઈ કામગીરી ઉપાડી લીધી.

નગરપાલિકાઓના અધિકારીઓ તેમજ પદાધિકારીઓને પ્રશિક્ષણ આપવાની કામગીરી પણ સફાઈ વિદ્યાલયે કરી છે. સફાઈ વિદ્યાલયના સહયોગ અને માર્ગદર્શનથી હિન્દી ભાષામાં ‘અભિશાપ’ શીર્ષક હેઠળ એક દસ્તાવેજી ચલચિત્ર તૈયાર થયું છે, જે સમગ્ર દેશના સિનેમાગૃહમાં બતાવવામાં આવે છે. સફાઈ વિદ્યાલય ખાતે જુદાં જુદાં શૌચાલયોનું યુનિસેફની મદદથી કાયમી પ્રદર્શન ઊભું કરવામાં આવ્યું છે. યુનિસેફના સહયોગથી સેનિટેશન માટે મોબાઇલ વાન પણ તૈયાર કરવામાં આવી છે, જેનો અનેક કાર્યક્રમોમાં ઉપયોગ થાય છે.

ગ્રામવિસ્તારમાં નહિવત્ શૌચાલય હોવાને કારણે લોકો કુદરતી હાજતે ખુલ્લામાં જવાની ટેવ ધરાવે છે. પરિણામે માખીનો ઉપદ્રવ થાય છે અને રોગોનું પ્રમાણ વધતું જોવા મળે છે. ગ્રામસફાઈના ટૅક્નિશિયનોને જિલ્લાવાર નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમના દ્વારા શિબિરો અને નિદર્શન કરવામાં આવે છે. વિશ્વવિદ્યાલયની રાષ્ટ્રીય સેવા યોજનામાં પણ ગ્રામસફાઈના કાર્યક્રમને મહત્ત્વ આપી તેમના અધ્યાપકો અને વિદ્યાર્થી-નેતાઓને તાલીમ આપી કાર્યક્રમનું વિસ્તરણ કરવામાં આવ્યું છે.

સંસ્થાના પ્રાંગણમાં આવેલ ટૉઇલેટ પાર્ક

5થી 7 ધોરણની બાળાઓના શાળા છોડી દેવાનાં કારણો પૈકીનું એક મુખ્ય કારણ તે ગામડાંની શાળામાં પેશાબઘર/શૌચાલયનો અભાવ છે તે છે. આ માટે 60 જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓના કાર્યકરો, શાળાના મુખ્ય શિક્ષકો તેમજ જુદા જુદા કાર્યકરોને તાલીમ આપી 14,000 જેટલાં શાળા-સ્વચ્છતા-સંકુલો બનાવવામાં આવ્યાં છે. 58 આંગણવાડીઓનો પાયલોટ પ્રૉજેક્ટ દહેગામ તાલુકામાં દેશમાં સૌપ્રથમ વાર કરવામાં આવ્યો. હાલમાં સરકારશ્રીને (1) અભિનવ ગ્રામનિર્માણ યોજના, (2) ભંગીકષ્ટમુક્તિ યોજના, (3) ગ્રામસુધારણા યોજના, અને (4) ગ્રામસફાઈ શિબિર યોજના જેવી જુદી જુદી યોજનાઓ બનાવી આપવામાં સફાઈ વિદ્યાલયનો મહત્ત્વનો ફાળો રહ્યો છે.

દેશભરના સ્કાઉટ ઍન્ડ ગાઇડના કમિશનરોને યુનિસેફની સહાય દ્વારા સફાઈ વિદ્યાલય ખાતે તાલીમ આપવામાં આવી છે. પાણી અંગે જાગૃતિ માટેનો વિશ્વબૅંકનો પ્રૉજેક્ટ પણ સફાઈ વિદ્યાલયે હાથ પર લીધો હતો.

જુદી જુદી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ અને ભારત તથા રાજ્ય સરકારે જુદા જુદા ઍવૉર્ડ આપી સફાઈના કાર્યક્રમને મહત્ત્વ આપ્યું છે. 1993માં પાર્લમેન્ટે કાયદો કરી માથે મેલું ઉપાડવાની અમાનુષી પ્રથા બંધ કરાવવાના ભાગરૂપે રચેલ પ્રથમ રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના સભ્ય તરીકે આ વિદ્યાલયના આચાર્ય શ્રી ઈશ્વરભાઈ પટેલની નિયુક્તિ થઈ હતી.

આ વિદ્યાલયના કાર્યને અનેક રાષ્ટ્રીય નેતાઓએ બિરદાવેલ છે. આ સંસ્થાએ અન્ય દેશમાંથી આવેલ આશરે 20 જેટલા વિદેશીઓને તાલીમ આપી છે. વળી સફાઈને લગતા સાહિત્યનું પ્રકાશન પણ કરેલ છે. આ સંસ્થાના વિકાસમાં તેના આચાર્ય શ્રી ઈશ્વરભાઈનો ઘણો મોટો ફાળો રહ્યો છે.

ગાયત્રીપ્રસાદ હી. ભટ્ટ