સપ્તમ ઋતુ (1977)

January, 2007

સપ્તમ ઋતુ (1977) : નામાંકિત ઊડિયા કવિ રમાકાંત રથ (જ. 1934) રચિત કાવ્યસંગ્રહ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1978ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. રથનો આ ચોથો કાવ્યસંગ્રહ છે. તેઓ ઓરિસાના નવ્ય કવિતાના આંદોલનના અગ્રણી કવિ છે. તેમની સર્વાંગીણ કાવ્યસિદ્ધિથી આ નવ્ય કાવ્યપ્રવાહને દિશા અને નક્કરતા સાંપડે છે; બીજા કોઈ ઊડિયા કવિમાં ભાગ્યે જ તે સિદ્ધ થઈ શક્યું છે.

આ કાવ્યસંગ્રહમાં 39 કાવ્યો તથા કવિતા અને કાવ્યકલા વિશે ચર્ચાવિચારણા છે; આ માટે સંગ્રહના અંતે ‘એપિલૉગ’ જોડવામાં આવ્યો છે. પોતાના કાવ્યસંગ્રહમાં વિવેચનલક્ષી લખાણ ઉમેરવાની આ લાક્ષણિકતા કદાચ અન્ય કોઈ ઊડિયા કવિમાં ભાગ્યે જ જોવા મળે છે.

આ કાવ્યસંગ્રહની જેમ જ તેમના તમામ કાવ્યસંગ્રહોમાં આ ‘એપિલૉગ’ની પ્રથા જળવાઈ રહી છે. આ વિવેચનાત્મક લખાણ કવિનાં મનોવલણ તથા કાવ્યવિભાવના વિશે સુંદર પ્રકાશ પાડે છે.

સંગ્રહની ‘દ્વિતીય વિચાર’ નામની પ્રથમ કવિતામાં અવારનવાર જોવા મળતા દર્શનનો ઉલ્લેખ છે; એમાં એક એવો અવાજ છે જે સાંભળ્યા છતાં વણસંભળાયેલો રહે છે. એમાં એક એવી ઝંખના છે જે સતત વણસંતોષાયેલી રહે છે.

એ જ રીતે ‘છુટ્ટીર સ્મૃતિ’માં પણ દેખીતી રીતે જ અપ્રાપ્ય એવા કશાકની તીવ્ર ઝંખના છે, તે કેવળ ‘સ્વપ્નની જાગરૂકતા’માં જ ડોકાઈ જાય છે; પણ મન તો તેના માટે સતત ચિંતિત રહે છે.

તેમની રચનાઓનો કાવ્યબંધ સુદૃઢ છે; તેમાં વ્યંગ્યાત્મક રમૂજ તથા નિયંત્રિત ઊર્મિશીલતા જેવી વિશેષતાઓ જોવા મળે છે.

પરિપક્વ સંવેદનશીલતા, સુશ્લિષ્ટ કાવ્યબંધ, સૌમ્ય કરુણાસભર ભાવસૃદૃષ્ટિ તથા ભાષા અને પ્રતીકોનો ખૂબ અર્થસાધક ઉપયોગ જેવી વિશેષતાઓને કારણે આ સંગ્રહનું ઊડિયા સાહિત્યમાં મહત્ત્વનું પ્રદાન છે.

મહેશ ચોકસી