સન્ડે ઑબ્ઝર્વર : લંડનથી પ્રકાશિત અંગ્રેજી અખબાર. પ્રારંભ 4-12-1791. આ અખબારની શરૂઆત અને તેનાં પ્રારંભનાં વર્ષો રસપ્રદ છે. ડબ્લ્યૂ. એસ. બોર્ન નામના એક ઉત્સાહીને અખબાર શરૂ કરવાનો ચસકો લાગ્યો અને તેમણે 100 પાઉન્ડ ઉછીના લીધા. 4 ડિસેમ્બર, 1791ના રોજ ‘સન્ડે ઑબ્ઝર્વર’નું પ્રકાશન શરૂ થયું. તે દિવસે રવિવાર હતો. બોર્ને તેમના મિત્રોને કહ્યું કે, અખબારનો પ્રારંભ રવિવારે થયો છે તેથી તે ખૂબ નસીબદાર નીવડશે અને ખૂબ પ્રગતિ કરશે; પરંતુ ત્રણ વર્ષના ગાળામાં બોર્ન ખોટા પડ્યા અને તેમને 1600 પાઉન્ડની ખોટ ગઈ. આજથી બે સદી કરતાં વધુ સમય પહેલાં 100 પાઉન્ડ ઉછીના લઈને અખબાર શરૂ કરનાર બોર્ન માટે 1600 પાઉન્ડની ખોટ કેવી મોટી રકમ હશે તે સમજી શકાય તેમ છે. તેમણે લંડનમાં સરકારવિરોધી જૂથને આ અખબાર વેચવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમાં કોઈ સફળતા ન મળી. છેવટે બોર્નના ભાઈ એક સમૃદ્ધ વેપારી હતા. તેમણે 1600 પાઉન્ડનું રોકાણ કર્યું. તેમણે સરકારી તંત્ર સાથે સાંઠગાંઠ કરીને સરકાર-તરફી અહેવાલો પ્રકાશિત કરવાની તજવીજ કરી લીધી. આ માટે તેમને નાણાકીય સહાય બ્રિટિશ ગૃહખાતા તરફથી મળવા લાગી.

1814માં ‘ઑબ્ઝર્વર’નું સંચાલન વિલિયમ ઈમેલ ક્લેમેન્ટના હાથમાં આવ્યું. ક્લેમેન્ટ તે સમયે અન્ય ત્રણ અખબાર-સામયિક ‘મૉર્નિંગ ક્રૉનિકલ’, ‘બેલ્સ લાઇફ ઇન લંડન’ અને ‘ઇંગ્લિશમૅન’નું સંચાલન પણ કરતા હતા. ક્લેમેન્ટે પણ સરકારી સબસિડીના બદલામાં સરકારતરફી નીતિ ચાલુ રાખી.

હાલ (2006) ‘ગાર્ડિયન’ જૂથનું આ અખબાર લોકપ્રિયતા, વિશ્વસનીયતા અને ફેલાવાની દૃષ્ટિએ ઘણું પ્રભાવક છે.

અલકેશ પટેલ