સન્ડરલૅન્ડ (Sunderland) : ઈશાન ઇંગ્લૅન્ડના ટાઇન અને વિયરમાં આવેલો મહાનગરીય પ્રાંત. આ પ્રાંતમાં સન્ડરલૅન્ડ બંદર, રોકર અને સીબર્નનાં દરિયાઈ કંઠાર પરનાં વિશ્રામસ્થાનો તથા વૉશિંગ્ટન નામનું નવું નગર આવેલાં છે. બંદર ખાતે બધી જાતનો માલસામાન ભરી રાખવા માટેનાં વિશાળ ગોદામોની સુવિધા છે. દૂરતટીય (offshore) ખનિજતેલ-ઉદ્યોગના એક મથક તરીકે પણ તે ઉપયોગમાં લેવાય છે. પ્રાંતના ઉદ્યોગોમાં ઇજનેરી કામકાજના, ખાણકાર્યના તેમજ કપડાં અને કાચ બનાવવાના એકમોનો સમાવેશ થાય છે. તાજેતરનાં વર્ષોમાં અહીં મોટરવાહનના ઉત્પાદનનો એકમ પણ વિકસ્યો છે.
સન્ડરલૅન્ડ નગરનો વાણિજ્યિક હાર્દભાગ
રોકર અને સીબર્ન ખાતે 5 કિમી. લંબાઈના દરિયાઈ કંઠારપટ પર વર્ષમાં એક વાર રોશનીની ઝાકઝમાળ કરવામાં આવે છે, તેથી પ્રવાસીઓ માટે તે આકર્ષણનું સ્થળ બની રહ્યું છે. આ પ્રાંત-વિસ્તારની વસ્તી અંદાજે 3 લાખ જેટલી છે.
ગિરીશભાઈ પડ્યા