સનેડો : સાખીયુક્ત રમૂજી નાટ્યાત્મક કથાગીતનો, પૂર્વ પરંપરામાં નવું પોષણ પામીને વિકસેલો અને લોકપ્રિય બનેલો એક પ્રકાર. વિશેષત: ઉત્તર ગુજરાતમાં અસ્તિત્વ ધરાવતા, લોકરંજક તત્ત્વો, વિશિષ્ટ કથાવસ્તુ અને લોકઢાળ ધરાવતા આ આધુનિક પ્રકારનાં મૂળ પ્રાચીન-મધ્યકાલીન રમૂજી નાટ્યાત્મક ગીતોની પરંપરામાં છે. ‘સનેડો’ની વ્યુત્પત્તિ સંસ્કૃત શબ્દ ‘સ્નેહ’ને ‘ડો’ પ્રત્યય લગાડીને થઈ છે. ‘સ્નેહ’નું ‘સનેહ’ થયું, તેને વાત્સલ્ય ‘ડો’ પ્રત્યય લાગતાં સનેહડો > સનેડો થયું.
આ પ્રકારનાં મૂળ સત્તરમી સદી જેટલાં તો ઊંડાં છે જ અને તેનો પ્રસાર-પ્રસ્તાર ઉત્તર ગુજરાતથી માંડીને છેક મારવાડ-રાજસ્થાન સુધી થયો છે. આ ઉપહાસાત્મક ને નાટ્યાત્મક કથાગીત-પ્રકારનું નામ, તે સમયે, નેહડો > નેડો હતું. એ પણ ‘સ્નેહ’માંથી ‘સ’નો લોપ થતાં ‘નેહ’ અને તેને ‘ડો’ પ્રત્યય લાગતાં નેહડો > નેડો એમ થયું છે.
ભવાઈ, કઠપૂતળી અને એવી લોકમનોરંજક કલાઓનો એક હેતુ લોકોને સદ્બોધ, શિક્ષણ આપવાનો હતો. આથી જ્યારે કોઈ આડસંબંધના અવૈધ પ્રેમસંબંધની ઘટના બનતી ત્યારે આવી ઘટનાનાં પાત્રોની ઠઠ્ઠા-મશ્કરી કરતાં ઉપહાસાત્મક કટાક્ષપૂર્ણ કથાકાવ્યો લખાતાં અને તે વિશિષ્ટ ઢાળમાં નૃત્યાત્મક રજૂઆત પામતાં. આવાં ગીતોમાં બનતી ઘટનાઓને દોહરાની સાખીઓમાં વર્ણવવામાં આવતી હતી. આવું એક કટાક્ષ-સભર ગીત બાવા અને વાણિયણના અનૈતિક પ્રેમનું હતું. એનો ઢાળ પણ આજે સાંભળવા મળતાં સનેડો જેવો જ હતો અને એમાં પણ વચ્ચે વચ્ચે સાખીઓ આવે છે. એમાં એક સાખી આવી હતી, જે અન્યનો પણ પરિચય આપે છે :
વાણિયો લાવે ટોપરાં, બાવો લાવે ગોળ !
ટોપરાંના તો ગળે કૂચા વળે, ગળ્યો લાગ્યે છે ગોળ
રે બાવાજી ! હું તો તમારી ચેલી.
આ ગીત અને એનો ઢાળ એટલાં તો લોકપ્રિય અને પરિચિત હતાં કે જૈનસ્રોતના એક રાસના ગેય ઢાળમાં ‘હું તો થારી ચેલી ગુરુજી !’ એવો ગાન-નિર્દેશ થયો છે. ખૂબ જ પ્રચલિત ગીત બને તેનું જ ઢાળનિર્દેશમાં ઉદાહરણ આપવામાં આવતું હતું. આને આધારે કહી શકાય કે આ ગીત ગુજરાત-રાજસ્થાનમાં પણ પ્રખ્યાત હતું અને તેનો ઢાળ સુપરિચિત બની ગયો હતો.
આ પછીની ભવાઈમાં તથા દેશી નાટકોની ઇન્ટરલ્યૂડ જેવી રચનાઓમાં લંગડો જમાદાર અને મોચણનો નેડો ગવાતો જેમાં ‘મને મોચણને વટલાવી જમાદાર, નેડો લાગ્યો રે તારા નામનો રે !’ એમ ગવાતું ને એની પાછળ લંગડાતો જમાદાર ગાતો ગાતો પ્રવેશતો : ‘ખમ્મા મોચણ ખમ્મા, તને ઘણી ખમ્મા !’
આ ગીતપ્રકારમાં – ગાનઢાળમાં ઉત્તર ગુજરાતના લોકગીતગાયક મણિરાજ બારોટે સનેડો ગાયો અને તે એટલો લોકપ્રિય અને રંજક બન્યો કે આબાલ-યુવાનો વિવિધ નિમિત્તે આ ગીત ગાવા લાગ્યા અને કૅસેટની માગ એટલી વધી કે પદ્યકારો પાસે નવા નવા સનેડા લખાવાયાં અને તે આ મૂળ ઢાળમાં સાખી સાથે ગવાતાં થયાં. આવી 200-250થી વિશેષ રચનાઓ અસ્તિત્વમાં છે. આજે બાજરી, ઘાયલ, પરનાર, વાંઢા, પંચાતિયા, ચાંપલા, ગાડી, કાઠિયાવાડી, મેળો, પ્રેમીપંખીડાં, દુ:ખિયાં, ભણતર, નોકરી, ધોતિયું, ફટફટિયું, રોમિયો, ચટપટિયો, મોળાઈ, હોરર, રંગલી, કજોડું – એમ અનેક વિષયો પર સનેડા રચાયાં છે. સનેડા પર પણ સનેડો લખાયો છે ! આ બધાંમાં આછકલાઈ પર હાસ્ય-કટાક્ષ છે. બધાંમાં મુખ્ય ઢાળ એક જ છે અને વચ્ચે વચ્ચે આવતી સાખી જ ગાનમાં રંગત લાવે છે !
આ પ્રકાર લોકસાહિત્યનો નહિ, પરંતુ લોકપ્રિય સાહિત્યનો છે. એ ‘ફોક’ નહિ ‘ફેઇક’ (કૃતક) પ્રકાર છે; પરંતુ એમાં જે ઉપહાસાત્મક, નાટ્યાત્મક ગેય કથાગીતનું જે માળખું છે તેમજ જે ગાનઢાળ છે તે પરંપરાગત છે. આમ, આવા પ્રકારો આધુનિક કાળે પણ લોકસાહિત્યની પરંપરામાંથી પોષણ પામી નવું નવું રજૂ કરે છે, જેમાં folklore in the making-ની પ્રક્રિયા જોઈ શકાય છે. લોકપ્રવાહમાં આમ કાળક્રમે જૂનું બદલાય છે ને નવું આવે છે, આધુનિક માધ્યમને કારણે ઝડપી પ્રસાર-પ્રસ્તાર પામે છે ને એમાંથી જે કંઈ સત્ત્વશીલ ને સક્ષમ હોય એ ટકે છે ને બાકીનું બુદ્બુદની જેમ નાશ પામે છે. આમ ‘સનેડો’ અને તેના જેવા લોકરંજક નવા પ્રકારો લોકવિદ્યાની આધુનિક કે સામ્પ્રત ગતિવિધિના અભ્યાસમાં ઉપયોગી સામગ્રી પૂરી પાડે છે.
હસુ યાજ્ઞિક