સદાનંદ, કાલુવાકોલાનુ (જ. 22 ફેબ્રુઆરી 1939, પકાલા, જિ. ચિત્તૂર, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખક. તેઓ પ્રાથમિક શાળાના આચાર્યપદેથી સેવાનિવૃત્ત થયા. તેઓ એકૅડેમિક કમિટીના ઉપાધ્યક્ષ, જિલ્લા પોસ્ટ-લિટરસી પ્રોગ્રામ, ચિત્તૂરના ઉપાધ્યક્ષ રહ્યા હતા.
તેમણે અત્યાર સુધીમાં 14 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘સામ્બય્યા ગુર્રમ્’ (1964); ‘ચલ્લાની ટલ્લી’ (1966) તેમના બાળકથાસંગ્રહો છે. ‘બંગારુ નાડચિન બાટા’ (1965) બાળકો માટેની નવલકથા છે. ‘રક્ત યજ્ઞમ્’ (1965); ‘પેતૃગાલી’ (1968); ‘નવ્વે પદવુલુ એડ્ચેકલ્લુ’ (1975); ‘રંગુલા ચીકતી’ (1995) તેમના લોકપ્રિય વાર્તાસંગ્રહો છે. ‘વેલ્લુવલુ મનમ્’ (1995) કાવ્યસંગ્રહ છે. ‘ગાડિડા વ્રતુકુલુ’ (1972); ‘ગંડારા ગોલમ્’ (1976) બંને તેમની જાણીતી નવલકથાઓ છે.
તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1966ના વર્ષનો ચિલ્ડ્રન લિટરરી ઍવૉર્ડ; 1976ના વર્ષનો આંધ્રપ્રદેશ સાહિત્ય અકાદમી ઍવૉર્ડ અને 1992ના વર્ષનો બેસ્ટ ટીચર નૅશનલ ઍવૉર્ડ આપવામાં આવ્યા છે.
બળદેવભાઈ કનીજિયા