સદાનંદન, એસ. એલ. પુરમ્

January, 2007

સદાનંદન, એસ. એલ. પુરમ્ (. 1926, સેતુલક્ષ્મીપુરમ્, જિ. એલ્લેપ્પી; કેરળ) : મલયાળમના નાટ્યકાર, નવલકથાકાર અને વાર્તાકાર. તેમણે મલયાળમ હાયર એક્ઝામિનેશન પાસ કરી. પછી રાજકીય પ્રવૃત્તિઓમાં જોડાવાને કારણે તેમને થોડો વખત જેલવાસ થયો. તેઓ ખૂબ જાણીતા પુન્નાપ્રા-વયલાર બળવામાં સક્રિયપણે જોડાયેલા. તેમને રાષ્ટ્રીય સ્વાતંત્ર્યસેનાની તરીકે તામ્રપત્ર એનાયત કરાયું છે.

તેમનું પ્રથમ પ્રદાન ક્રાંતિકારી ગીતોનું હતું. 1957થી સક્રિયપણે રાજકીય પ્રવૃત્તિ છોડી દઈને સંપૂર્ણપણે લેખનકાર્યમાં જોડાયા. તેમણે કુલ 32 ગ્રંથો આપ્યા છે. તેમાં એક નવલકથા, કેટલાક વાર્તાસંગ્રહો સિવાયની ઉલ્લેખનીય કૃતિઓ નાટકની છે.

નાટકો દ્વારા તેમણે વિવિધ સામાજિક સમસ્યાઓનું નિરૂપણ કર્યું છે, જે તેમની સમાજ સાથેની વચનબદ્ધતાની પ્રતીતિ કરાવે છે. તે નાટકો બદલ તેમને રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાના અનેક ઍવૉર્ડ પ્રાપ્ત થયા. ‘ઓરલ કૂડી કલ્લનાયી’(વન મોર હૅઝ બીકમ અ થીફ)ને 1955માં સમસ્ત કેરળ સાહિત્ય પરિષદ દ્વારા યોજાયેલ નાટ્યલેખન-સ્પર્ધામાં પ્રથમ ઇનામ પ્રાપ્ત થયું. બીજું નાટક ‘કક્કાપ્પોન્નુ’(ઇમિટેશન ગોલ્ડ)ને કેરળ સાહિત્ય અકાદમી ઍવૉર્ડ તથા ‘ઇતિરી મન્નમ ઓતિરી મનુષ્યરમ્’(‘અ લિટલ સૉઇલ ઍન્ડ અ લૉટ ઑવ્ પીપલ’)ને કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય તરફથી ઍવૉર્ડ આપવામાં આવ્યા. ‘અગ્નિપુત્રી’(1968)થી તેઓ ઉત્તમ ભારતીય ચિત્રપટ-નાટકકાર તરીકે ખ્યાતિ પામ્યા. થાકળી શિવશંકર પિલ્લાઈ લિખિત પ્રસિદ્ધ મલયાળમ નવલકથા ‘ચેમ્મીન’ના ચિત્રપટ-નાટક માટે તેમને કેન્દ્ર સરકાર તરફથી સુવર્ણચંદ્રક; જ્યારે ‘કટ્ટુકુટિરા’ (‘ધ વાઇલ્ડ હોર્સ’) માટે રાજ્ય સરકારનો ઍવૉર્ડ પ્રાપ્ત થયા. તેમનાં સંખ્યાબંધ નાટકો પરથી ફિલ્મનિર્માણ કરવામાં આવ્યું છે.

બળદેવભાઈ કનીજિયા