સદગુરુ જગ્ગી વાસુદેવ

November, 2023

સદગુરુ જગ્ગી વાસુદેવ (જ. 3 સપ્ટેમ્બર 1957 મહિસુર, કર્ણાટક) : ઈશા ફાઉન્ડેશનના સંસ્થાપક અને પ્રમુખ. પિતાનું નામ ડૉ. વાસુદેવ અને માતાનું નામ સુશીલા વાસુદેવ.

બાળપણથી જ જગ્ગી અત્યંત સાહસિક હતા. ઘરની નજીક આવેલા જંગલમાં બાળક જગ્ગી વારંવાર જતા. બાળક તરીકે જગ્ગીને પ્રકૃતિ સાથે અનોખો લગાવ હતો. અવારનવાર એવું થતું કે બાળક જગ્ગી કેટલાક દિવસો માટે જંગલમાં ગાયબ થઈ જતા. ધુમક્કડની જેમ જંગલમાં વિચરણ કરતા. ઝેરીલા અને  ફૂંફાડા મારતા સાપો સાથે રહેવામાં અને એમની વચ્ચે જ સૂઈ જવામાં જગ્ગીને જરાય ભય ન લાગતો. જંગલમાં વૃક્ષની ઊંચી ડાળી પર બેસીને પવનની લહેરખીનો આનંદ લેતા. અનાયાસ જ ઊંડા ધ્યાનમાં ગરકાવ થઈ જતા. જગ્ગીને સાપ પકડવામાં મહારથ હાંસલ હતું. એ ઘેર પાછા ફરતા તો એમની ઝોળી સાપોથી ભરેલી રહેતી.

જગ્ગી વાસુદેવે 11 વર્ષની ઉંમરે યોગનો અભ્યાસ કરવાનું શરૂ કરી દીધેલું. એમના યોગશિક્ષક રાઘવેન્દ્ર રાવ મલ્લાડિહલ્લિ સ્વામી નામે જાણીતા હતા. એમનું જીવન ખળખળ વહેતી નદીની માફક સરળતાથી વહી રહેલું. સદગુરુના શબ્દોમાં કહીએ તો, ‘એવી સહજતા અને સરળતાથી આ વ્યવસાયોમાં સફળતા મળી, જાણે સૂરજ મારી જ ચારેકોર ઘૂમી રહ્યો હોય !’

બધું બરાબર ગોઠવાઈ ગયેલું, પણ વિધિએ કાંઈક જુદું જ નિર્માણ કરેલું. ૨૫ વર્ષની ઉંમરમાં એક દિવસ અચાનક જ ચામુંડાની પહાડી પર ‘સબ કુછ મૈં હૂં’નો બોધ એમને થયો. જગ્ગી વાસુદેવ મહિસુર ખાતે ચામુંડા પહાડી  પર ચડ્યા અને એક પથ્થર પર બેઠા. ત્યાં સુધી તેમની આંખો સંપૂર્ણપણે ખુલ્લી હતી. અચાનક, એમને શરીરમાંથી બહાર નીકળ્યાનો અનુભવ થયો. તેમને લાગ્યું કે તેઓ પોતાના શરીરમાં નથી, પણ બધે ફેલાઈ ગયા છે, ખડકોમાં, વૃક્ષોમાં, પૃથ્વીમાં. આગામી થોડા દિવસોમાં તેમને આ અનુભવ ઘણી વખત થયો અને દરેક સમયે તે પરમ આનંદની સ્થિતિમાં જતા રહેતા. જેમ શ્રીકૃષ્ણ શ્રીમદ્ ભગવદગીતામાં કહે છે કે, ‘યેન સર્વમિદં તતમ્… સંપૂર્ણ સચરાચરમાં હું જ વ્યાપ્ત છું !’ આ ઘટનાથી તેમની જીવનશૈલી સંપૂર્ણપણે બદલાઈ ગઈ. પોતાની સર્વવ્યાપકતાનો આ બોધ જગ્ગી વાસુદેવને 23 સપ્ટેમ્બર, 1982ની બપોરે પૂરા પાંચ કલાક સુધી થયો. પરિણામે અચાનક સાધના સિદ્ધિનો માર્ગ જગ્ગી વાસુદેવ માટે ખૂલી ગયો. રહસ્યમયી અનુભવો અંગે અધિક જાણવા તેમણે વિભિન્ન સ્થળોનો પ્રવાસ કર્યો. પોતાના એક વર્ષના ધ્યાનના અનુભવોને લોકો સાથે વહેંચવા માટે પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરવાનો નિર્ણય લીધો.

જગ્ગી વાસુદેવે વ્યાવસાયિક પ્રવૃત્તિઓ છોડી દીધી અને સદગુરુ યોગ વર્ગ લેવા લાગ્યા. ઈશા ફાઉન્ડેશનની સ્થાપના અને ઈશા યોગ કાર્યક્રમોની શરૂઆત આ હેતુથી કરવામાં આવી. આ જ અરસામાં સદગુરુની મુલાકાત વિજયકુમારી સાથે થઈ. 1984માં બંને વિવાહ બંધનમાં બંધાયાં.

જગ્ગી વાસુદેવે 1992માં ઈશા ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. ઈશા યોગ કેન્દ્ર, ઈશા ફાઉન્ડેશનના રક્ષણ હેઠળ સ્થાપિત છે. કોઇમ્બતુરથી 30 કિલોમીટર દૂર વેલિંગિરિ પર્વતોના ખીણપ્રદેશમાં 150 એકર લીલીછમ જમીન પર આ કેન્દ્રનું નિર્માણ થયું છે. ઈશા ફાઉન્ડેશનમાં 20 હજાર લોખંડની પ્લૅટો-500 ટન લોખંડની બનેલી ભગવાન શિવની 112 ફૂટ ઊંચી અને 25 ફૂટ પહોળી પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. આ પ્રતિમા ‘આદિયોગી’ નામે પણ પ્રચલિત છે. 24 ફેબ્રુઆરી, 2017ના આ મૂર્તિ ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડમાં સૌથી મોટી મૂર્તિ તરીકે નોંધાઈ છે. પ્રત્યેક મહાશિવરાત્રિના અવસરે ઈશા ફાઉન્ડેશનમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ એમાં ભાગ લે છે.

ગાઢ જંગલો દ્વારા ઘેરાયેલું ઈશા યોગ કેન્દ્ર નીલગિરિ જૈવિક મંડળનો એક ભાગ છે, જ્યાં સમૃદ્ધ વન્યજીવન જોવા મળે છે. આંતરિક વિકાસ માટે રચાયેલ આ શક્તિશાળી સ્થાન યોગના ચાર મુખ્ય માર્ગ – જ્ઞાન, કર્મ, ક્રિયા અને ભક્તિને લોકો સુધી પહોંચાડવા સમર્પિત છે. ઈશા ફાઉન્ડેશન ભારત સહિત સંયુક્ત રાજ્ય અમેરિકા, ઇંગ્લૅન્ડ, લેબેનાન, સિંગાપુર અને ઑસ્ટ્રેલિયામાં યોગ-કાર્યક્રમ આપે છે તેમજ અનેક સામાજિક અને સામુદાયિક વિકાસયોજનાઓ પર પણ કામ કરે છે. સદગુરુ દ્વારા સ્થાપિત ઈશા ફાઉન્ડેશન, બિન-નફાકારક માનવસેવા સંસ્થા છે, જે લોકોની શારીરિક, માનસિક અને આંતરિક કુશળતા માટે સમર્પિત છે. તે બે લાખ પચાસ હજાર કરતાં વધુ સ્વયંસેવકો દ્વારા ચલાવવામાં આવે છે. તેનું મુખ્ય મથક ઈશા યોગ કેન્દ્ર, કોઇમ્બતુર ખાતે આવેલું છે.

ઈશા યોગ કેન્દ્રના પરિસરમાંકાળા રંગના ગ્રૅનાઈટ પથ્થરના  બનેલા  ધ્યાનલિંગની  પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવી છે. 23 જૂન, 1999ના રોજ સદગુરુ દ્વારા પ્રતિષ્ઠિત ધ્યાનલિંગ એના પ્રકારનું પ્રથમ લિંગ છે. યોગ વિજ્ઞાનનો સાર ધ્યાનલિંગ ઊર્જાનો એક શાશ્વત અને અનન્ય આકાર છે. 13 ફૂટ 9 ઇંચ ઊંચાઈ ધરાવતું આ ધ્યાનલિંગ વિશ્વનું સૌથી મોટું પારા-આધારિત જીવિત લિંગ કહેવાય છે. તે કોઈ ચોક્કસ સંપ્રદાય અથવા મત સાથે સંબધિત નથી. અહીં કોઈ વિધિ-વિધાન, પ્રાર્થના અથવા પૂજાની જરૂર પણ નથી. જે લોકો ધ્યાનના અનુભવથી વંચિત રહે છે, તેઓ પણ આ ધ્યાનલિંગ મંદિરમાં માત્ર થોડી મિનિટ સુધી મૌન બેસી ધ્યાનની ઊંડી અવસ્થાનો અનુભવ કરી શકે છે. તેના પ્રવેશદ્વાર પર સર્વ-ધર્મ સ્તંભ છે, જેમાં હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ, શીખ, તાઓ, પારસી, યહૂદી અને શિન્તો ધર્મનાં પ્રતીકો અંકિત કરાયાંછે. તે ધાર્મિક મતભેદોથી વધુ ઉપર જઈ સમગ્ર માનવતાને આમંત્રિત કરે છે.

ઈશા યોગ કેન્દ્રમાં આદિયોગ અલાયમ એક વિશાળ કાર્યક્રમ કક્ષ છે. 82 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલા આ કક્ષમાં હજારો લોકોના બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કક્ષમાં હઠ યોગ પ્રશિક્ષણ આપવામાં આવે છે. આ કાર્યક્રમ 21 સપ્તાહનો છે. જગ્ગી વાસુદેવે યોગ કાર્યક્રમને ‘ઇનર એન્જિનિયરિંગ’ નામ આપ્યું છે.  સાથે જ નિવાસી શાળા ઈશા હોમ સ્કૂલમાં પ્રતિભાશાળી શિક્ષકો દ્વારા ભારતીય પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવે છે. શાળામાં સવારે વિદ્યાર્થીઓને યોગ શીખવવામાં આવે છે.

ગ્રીન હેન્ડ્સ પ્રોજેક્ટ ઈશા ફાઉન્ડેશનનો પર્યાવરણ સંબધિત પ્રસ્તાવ છે. સમગ્ર તમિળનાડુમાં 16 કરોડ વૃક્ષોનું વાવેતર કરવાનું આ પ્રોજેક્ટનું ઘોષિત ધ્યેય છે. અત્યાર સુધીમાં ગ્રીન હેન્ડ્સ પ્રોજેક્ટ હેઠળ તમિળનાડુ અને તિરુપતિ ખાતે 1800થી વધુ સમુદાયોમાં, 20 લાખથી વધુ લોકો દ્વારા 82 લાખ છોડ રોપવા માટે આયોજન કરાયું છે. આ સંસ્થા દ્વારા 17 ઑક્ટોબર, 2006ના દિવસે તમિળનાડુના 27 જિલ્લાઓમાં 6284 સ્થળોએ એકસાથે 8.052,587  લાખ છોડ રોપીને ગિનિસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો. પર્યાવરણ સુરક્ષા માટે કરવામાં આવેલ એમનાં મહત્વપૂર્ણ કાર્યો માટે સદગુરુને વર્ષ 2008માં ઇન્દિરા ગાંધી પર્યાવરણ પુરસ્કાર આપવામાં આવ્યો.દરમિયાન નદીઓના સંરક્ષણ માટે ‘જગ્ગી વાસુદેવ રેલી ફોર રિવર અભિયાન’ પણ શરૂ કર્યું. વૈજ્ઞાનિકો અને કાનૂની નિષ્ણાતો સાથે પરામર્શન કરવામાં આવ્યું. નદીઓ, ઘાટીઓ, કૃષિ અને અર્થવ્યવસ્થાને ફરીથી જીવંત કરવાના ઉદ્દેશથી એક નીતિ બનાવી. 2 ઑક્ટોબર 2017ના નવી દિલ્હી ખાતે રેલીના સમાપન પછી નીતિનો ડ્રાફ્ટ પ્રધાન નરેન્દ્ર મોદીને સોંપવામાં આવ્યો.

જગ્ગી વાસુદેવ સામાજિક ક્ષેત્રે પણ કાર્યરત છે.  2000માં સંયુક્ત રાષ્ટ્ર મિલેનિયમ વર્લ્ડ પીસ શિખર સંમેલનમાં તેમણે સંબોધન કર્યું હતું. પછાત ક્ષેત્રોમાં વસતા ગરીબોના સ્વસ્થ જીવન અને જીવન- ધોરણમાં સુધારો આણવા માટે 2003માં ‘ગ્રામીણ પુનર્જીવન કાર્યક્રમ’ શરૂ કર્યો. તેમાં 4200 ગામોના 70 લાખથી વધુ લોકોને લાભ મળ્યો છે. ભારતનાં ગ્રામીણ ક્ષેત્રોમાં સાક્ષરતાનું ધોરણ ઉપર લાવવા માટે એમણે ઈશા વિદ્યા ફાઉન્ડેશન શરૂ કર્યું. તેનો ઉદ્દેશ 3000થી વધુ શાળાઓને અપનાવવાનો છે. પછાત ક્ષેત્રોમાં આર્થિક રીતે નબળા કહેવાય તેવા વિદ્યાર્થીઓની સહાય માટે એમણે 512 સરકારી શાળાઓને દત્તક લીધેલી. 2006, 2007, 2008 અને 2009માં વિશ્વ આર્થિક મંચમાં ભાગ લીધો હતો. 2012માં એમણે નાના અને મધ્યમ કક્ષાના વ્યવસાયોના ઉત્થાન માટે ‘ઈશા ઇનસાઇટ’ કાર્યક્રમનો આરંભ કરેલો. જગ્ગી વાસુદેવ કૈલાસ પર્વત અને હિમાલય પર્વત એ પવિત્ર યાત્રાઓનું આયોજન પણ કરે છે.

જગ્ગી વાસુદેવ બહુમુખી પ્રતિભા ધરાવે છે.  તેઓ સારા વાસ્તુકાર છે. પોતાના દરેક આશ્રમની ડિઝાઇન તેમણે ખુદ બનાવી છે. ગોલ્ફ, ક્રિકેટ,વૉલીબૉલ અને બિલિયર્ડ્સ જેવી રમતોમાં એમની રુચિ છે. મોટરસાઇકલ પર ભારતનાં વિભિન્ન સ્થળોએ ફરવું તેમને પસંદ છે. સદગુરુ જગ્ગી વાસુદેવ ‘ફૉરેસ્ટ ફ્લાવર’ નામની પત્રિકાનું પ્રકાશન પણ કરે છે. આ પત્રિકામાં સદગુરુની કવિતાઓ સુંદર તસવીરો સાથે પ્રકાશિત કરવામાં આવે છે. ‘ઈશા કટ્ટૂ પૂ’ અને ‘ઈશા લહર’ જેવી  દર મહિને પ્રકટ થતી પત્રિકાઓનું વિવિધ ભાષાઓમાં પ્રકાશન થાય છે.

સદગુરુ જગ્ગી વાસુદેવ  પ્રતિભાશાળી કવિ અને લેખક પણ  છે. તેમણે વિવિધ ભાષાઓમાં પુસ્તકો લખ્યાં છે. અંગ્રેજીમાં ‘એન્કાઉન્ટર ધ એનલાઇટન્ડ: કૉન્વર્સેશન્સ વિથ ધ માસ્ટર’ (2001), ‘ઈટર્નલ ઇકોઝ : ધ સેક્રેડ સાઉન્ડસથ્રૂ ધ મિસ્ટિક’ (2002), ‘મિસ્ટિક મ્યુઝિંગ્સ’(2003), ‘ફ્લાવર્સ ઓન ધ પાથ’(2007), ‘જોય 24 X 7’ (2008),‘સેક્રેડસ્પેસ ફોર સેલ્ફ-ટ્રાન્સફૉર્મેશન’(2008), એસેન્શિયલ વિઝ્ડમ ફ્રોમ એ સ્પિરિચ્યુઅલ માસ્ટર’(2008), ‘મિડનાઇટ્સ વિથ ધ મિસ્ટિક : એ લિટલ ગાઇડ ટૂ ફ્રીડમ ઍન્ડ બ્લિસ’(2008), ‘હિમાલયન લસ્ટ’ (2009), ‘પેબલ્સ ઓફ વિઝ્ડમ’ (2009), ડોન્ટ પોલિશ યોર ઇગ્નોરન્સ…ઇટ મે શાઇન’(2011), ‘ઇનર મૅનેજમેન્ટ’ (2012), ‘બૉડી ધ ગ્રેટેસ્ટ ગેજેટ’ (2015), ‘ઇનર એન્જિનિયરિંગ : એ યોગી ગાઇડ ટૂ જોય’ (2016), ‘આદિયોગી : ધ સોર્સ ઑફ યોગ’(2017), ‘ઇમોશન ઍન્ડ રિલેશનશિપ્સ’(2018),‘રિલેશનશિપ્સ : બૉન્ડ ઓર બોન્ડેજ’ (2018),‘મહાભારત : થ્રૂ ધ મિસ્ટિક આય’(2019),’ ‘અનલિશિંગ ધ માઇન્ડ’ (2019), ‘સ્પિરિટ ઑફ ધ ઈસ્ટર્ન વિઝ્ડમ’ (2020), ‘ડેથ : એન ઇનસાઇડ સ્ટોરી: એ બુક ફોર ઑલ ધોઝ હૂ ડાઈ’(2020)અને ‘કર્મ : એ યોગીસ ગાઇડ ટુક્રાફ્ટિંગ યોર ડેસ્ટીની’ (2021)જેવાં પુસ્તકો લખ્યાં છે.

તમિળમાં સદગુરુએ  લખેલાં પુસ્તકોમાં ‘અથાનાઈકમ અસિપુડૂ’, ‘આનંદ અલીઈ’, ‘અયરામ જન્નલ’, ‘મોન્ડ્રાવથુ કોનામ’, ‘અનકકેવ ઓરુ રગાસિયામ’, ‘ગુરુ થંથા ગુરુ’ અને ‘કોન્જમ અમુધમ કોન્જમ વિશ્વમ’નો સમાવેશ થાય છે. હિન્દી ભાષામાં સદગુરુએ ‘યોગી : સાધુરુ કી મહાયાત્રા’, ‘ઋષિ સે શ્રુતા તક’, ‘એક આધ્યાત્મિક ગુરુ કા અલૌકિક જ્ઞાન’, ‘આત્મજ્ઞાન: આખિર હૈ ક્યા’ અને ‘રાહ કે ફૂલ’ શીર્ષક સાથે પુસ્તકો લખ્યાં છે. કન્નડ ભાષામાં સદગુરુએ લખેલાં પુસ્તકોમાં ‘જ્ઞાનોદય’ અને ‘કરુણગે ભેદવિલ્લા’ તથા તેલુગુ ભાષામાં લખેલાં પુસ્તકોમાં ‘ગની સનિધિહિલો’નો સમાવેશ થાય છે.

સદગુરુ તરીકે દુનિયાભરમાં જાણીતા જગદીશ- જગ્ગી વાસુદેવએક યોગી, યોગશિક્ષક અને આધ્યાત્મિક વક્તા છે. તેઓ ધ્યાન-યોગના પ્રચારક, આધ્યાત્મિક ગુરુ અને મોટિવેશનલ સ્પીકર છે. તેઓ ઈશા ફાઉન્ડેશનના સ્થાપક છે. આ ગુરુ મોંઘીદાટ બાઇક પર ફરે છે. માયસોરની ચામુંડા પહાડી પરથી સડકનો રસ્તો છોડીને જોખમી ઢાળ પરથી,ઊબડખાબડ પહાડી રસ્તાઓમાં તેજ ગતિથી મોટરસાઇકલ ચલાવતાં નીચે ઊતરવું એ એમના માટે શ્વાસ લેવા જેટલું સહજ છે. ભક્તોની સાથે એ મન મૂકીને નાચે છે. લેટેસ્ટ ગેજેટ્સ વાપરે છે. માથા પર પાઘડી બાંધે છે અને ડિઝાઇનર ધોતી-કુર્તા પહેરે છે. લેટેસ્ટ ગૉગલ્સ પહેરે છે. તો જીન્સ ટીશર્ટમાં પણ જોવા મળે છે. ધરતી બચાવવા માટે આખું ભારત ભ્રમણ કરે છે. ભારતની સુકાયેલી અથવા તો સુકાતી જતી નદીઓને પુન:જીવિત કરવા માટે તથા નદીઓનાં સંરક્ષણ માટે સદગુરુ 2017થી ‘રેલી ફોર રિવર’ અભિયાન ચલાવી રહ્યા છે. અધ્યાત્મક્ષેત્રે સદગુરુએ કરેલા પ્રદાનને બિરદાવવા ભારત સરકારે 2017માં દેશના બીજા સર્વોચ્ચ સન્માન પદ્મવિભૂષણથી એમને પુરસ્કૃત કર્યા હતા.

સદગુરુ જગ્ગી વાસુદેવના કહેવા પ્રમાણે તેમણે પૂર્વજન્મમાં આરંભેલી   સાધના આ જન્મમાં પણ જારી રહી છે. એમના દાવા મુજબ પાછલા ચાર જન્મની વાતો અને ઘટનાઓ એમને સ્પષ્ટપણે યાદ છે. સદગુરુના કહેવા મુજબ ચાર જન્મ પહેલાં એમના આધ્યાત્મિક માર્ગની શરૂઆત  થયેલી. સોળમી સદીના આરંભે પોતાનું નામ ‘બિલવા’ હતું, ત્યાર બાદ બે જન્મમાં ‘શિવ યોગી’ નામ હતું અને એ પછીના જન્મમાં ‘સદગુરુ શ્રી બ્રહ્મા’ નામ હતું. એ જન્મમાં ખૂબ સાધના કરી અને આ જન્મમાં યોજનાબદ્ધ રીતે ‘જગ્ગી વાસુદેવ’ તરીકે જન્મ લીધો. સદગુરુના કહેવા અનુસાર આ જન્મનો ઉદ્દેશ ધ્યાનલિંગની સ્થાપના કરવાનો હતો. એ ઉદ્દેશ પૂરો થઈ ચૂક્યો છે. જગ્ગી વાસુદેવનો દાવો છે કે આ પોતાનો અંતિમ જન્મ છે અને હવે એ નવો જન્મ લેવાના નથી.

                                                                                          ટીના દોશી