સથ્યુ, એમ. એસ. (જ. 6 જુલાઈ 1930, મૈસૂર, કર્ણાટક) : નાટકો અને ચલચિત્રોના દિગ્દર્શક, રંગમંચના સેટ-ડિઝાઇનર. ડાબેરી વિચારસરણી ધરાવતા એમ. એસ. સથ્યુએ દેશના ભાગલા વખતે પાકિસ્તાન જતા રહેવા ઇચ્છતા એક મુસ્લિમ પરિવારના વડાની મન:સ્થિતિ આલેખતું ચિત્ર ‘ગરમ હવા’ (1974) બનાવ્યું હતું, જે આ પ્રકારના વિષય પર બનેલાં ચિત્રોમાં સીમાચિહ્નરૂપ બની રહ્યું છે. સથ્યુએ માધ્યમિક શાળાનું અને ઉચ્ચ શિક્ષણ મૈસૂર અને બૅંગાલુરુમાં મેળવ્યું હતું; જોકે તેમને ભણવા કરતાં નાટકો સહિતની પ્રવૃત્તિમાં વધુ રસ પડતો. તેને કારણે જ 1952માં તેમણે બી.એસસી.નો અભ્યાસ અધૂરો છોડી દીધો હતો અને મુંબઈ આવી ગયા. લગભગ ચાર વર્ષના સંઘર્ષ બાદ તેઓ ચલચિત્રસર્જક ચેતન આનંદના સહાયક બન્યા. તેમને કલાનિર્દેશક તરીકે સ્વતંત્રપણે ‘હકીકત’ (1964) ચિત્ર માટે કામ કરવાની તક મળી હતી. એ માટે તેમને ફિલ્મફેર ઍવૉર્ડ મળ્યો હતો. મુંબઈ આવ્યા ત્યારથી તેઓ ‘ઇપ્ટા’ સાથે પણ જોડાયેલા રહ્યા હતા. હિંદી અને કન્નડથી માંડીને બીજી ભાષાનાં નાટકો સાથે પણ તેઓ સંકળાયેલા રહ્યા છે. તેમણે પોતે પણ નાટકોનું નિર્માણ કર્યું છે. તેમણે વિજ્ઞાપન-ચિત્રો, ‘ગાલિબ’, ‘ઇસ્લામ ઇન ઇન્ડિયા’ જેવાં દસ્તાવેજી ચિત્રો; લઘુ ચિત્રો; ‘એક થા છોટુ એક થા મોટુ’ અને ‘કાલા પરવત’ જેવાં બાળચિત્રો અને ટેલિવિઝન માટે ‘પ્રતિધ્વનિ’, ‘ચોલી-દામન’, ‘કયીર’, ‘અંતિમ રાજા’ જેવાં ધારાવાહિકો પણ બનાવ્યાં છે. ‘ગરમ હવા’ ચિત્રને કાન ચલચિત્ર મહોત્સવના સ્પર્ધાત્મક વર્ગમાં સામેલ કરાયું હતું અને આ ચિત્ર માટે સથ્યુને શ્રેષ્ઠ પટકથાનો ફિલ્મફેર ઍવૉર્ડ તથા રાષ્ટ્રીય એકતા પારિતોષિક મળ્યાં હતાં. સથ્યુનાં પત્ની શમા ઝૈદી જાણીતાં પત્રકાર અને લેખિકા છે. તેમણે ઘણાં નોંધપાત્ર ચિત્રોની કથા-પટકથા તથા સંવાદો લખ્યાં છે; જેમાં ‘ગરમ હવા’, ‘શતરંજ કે ખિલાડી’, ‘મંડી’ વગેરેનો સમાવેશ થાય છે. તેમણે ઘણાં પારિતોષિકો પણ મેળવ્યાં છે.
નોંધપાત્ર ચિત્રો : ‘ગરમ હવા’ (1974), ‘કન્નેશ્વર રામા’ (1976), ‘સૂખા’ (1983), ‘કહાં કહાં સે ગુઝર ગયે’ (1986).
હરસુખ થાનકી