સદયવત્સવીર પ્રબંધ (૧૪૧૦)

January, 2007

સદયવત્સવીર પ્રબંધ (1410) : મધ્યકાલીન ગુજરાતી કવિ ભીમરચિત ચોપાઈનો સળંગ બંધ ધરાવતી પદ્યકથા. આ કૃતિને ‘પ્રબંધ’ તરીકે ઓળખાવાઈ છે. અહીં ઉજ્જયિનીના રાજા પ્રભુવત્સના પુત્ર સદયવત્સની વીરતાની કથા છે. સંસ્કૃત ‘કથાસરિત્સાગર’ના કથાનક-માળખાનો આધાર લઈને, એમાં જેમ નરવાહન વિવિધ સાહસ-શૌર્ય કરીને ઉત્તમ સુંદરીઓને પત્ની અને પ્રેયસીના રૂપમાં પામે છે તેમ અહીં પણ સદયવત્સ નગરત્યાગ કરી સાહસ, શૌર્ય અને ચાતુર્યથી વિવિધ સુંદરીઓની સાથે લગ્ન કરે છે. ‘કથાસરિત્સાગર’ના પ્રત્યેક લંબકમાં નરવાહનદત્તના સાહસશૌર્ય સાથે ચોર, ધૂર્ત, વારાંગના, ડાકણ, ભૂતપ્રેત અને ભયંકર ચિત્રવિચિત્ર પ્રાણીઓના ચાતુર્યની અને જાદુના અદ્ભુત રસથી આંજે એવી કથાઓ સાંકળી લેવામાં આવી છે તેમ આ પ્રબંધમાં પણ નગરત્યાગ કરી જતા સદયવત્સની યાત્રા સાથે આ પ્રકારનાં કથાનકો સાંકળી લેવામાં આવ્યાં છે. આથી આ પ્રબંધની રચના કથાસરિત્સાગરના કોઈ એક લંબકના સ્વતંત્ર કથાકૃતિરૂપ અવતાર જેવી છે. પોતાની રચનાનો હેતુ નવરસ નિષ્પન્ન કરવાનો હોવાનું ભીમ જણાવે છે.

દુહા, સોરઠા, ચોપાઈ, વસ્તુ, છપ્પા જેવા માત્રામેળ અને ક્વચિત્ વચ્ચે ગીત અને અક્ષરમેળ છંદોવાળી કુલ 672/730 કડીઓ ધરાવતી પ્રસ્તુત કૃતિનું કથાવસ્તુ આ પ્રમાણે છે :

ઉજ્જૈનના રાજા પ્રભુવત્સના પરાક્રમી, દાની, માની અને જુગારી પુત્ર સદયવત્સનાં લગ્ન પ્રતિષ્ઠાન નગરીની રાજકુમારી સાવલિંગા સાથે થયાં હતાં. સગર્ભા બ્રાહ્મણીને બચાવવા સદયવત્સે ગાંડા બનેલા હાથી જયમંગળનો વધ કર્યો. પ્રધાનની ભંભેરણીથી રાજા ગુસ્સે થયો, માની સદયવત્સે નગરત્યાગ કર્યો. પતિવ્રતા સાવલિંગા પણ પતિની સાથે નીકળી. બંને પહાડ ઓળંગી માર્ગ પર આવ્યાં ત્યારે સાવલિંગાને તરસ લાગી. વાટમાં પરબ આવી. સદયવત્સે પાણી માંગ્યું ત્યારે પરબવાળી ડોશીએ શરત કરી : જેટલાં પાવળાં પાણી આપું એટલાં પાવળાં લોહી આપવું પડશે. સદયવત્સ કબૂલ થયો અને પાણી લઈ સાવલિંગાને પાયું. શરત પૂરી કરવા સદયવત્સે નસ કાપી પણ પૂરતું લોહી ન નીકળતાં માથું વાઢવા ગયો કે ડોશીના સ્થાને હરસિદ્ધ માતા પ્રગટ થયાં અને વચનપાલનથી પ્રસન્ન થઈ યુદ્ધમાં સદાય વિજયી બને તેવી કટારી અને દ્યૂતમાં કાયમ જીત અપાવે તેવી કોડી આપ્યાં. પોતાના કારણે પતિ પર સંકટ આવે છે તેની પ્રતીતિ થતાં સાવલિંગા પોતાને પિયર જવા તૈયાર થઈ. બંને પ્રતિષ્ઠાન તરફ ચાલ્યાં.

વાટમાં બારે માસ વસંતઋતુ હોય એવું વન આવ્યું, વનમાં શિવનું મંદિર આવ્યું. એમાં બાજુના નગરના ધરવીર રાજાની પુત્રી લીલાવતી, સદયવત્સને પતિ રૂપે પામવા છ માસનું તપ કરતી હતી. અવધ પૂરી થઈ છતાં મનોકામના પૂર્ણ ન થતાં લીલાવતી અગ્નિપ્રવેશ કરવા તૈયાર થઈ ત્યારે સાવલિંગાએ પોતાની ઓળખાણ આપી સદેવંત સાથે લીલાવતીનાં લગ્ન કરાવ્યાં. ધરવીરે સદયવત્સને અર્ધું રાજ્ય આપ્યું. સાળાઓ સાથે દ્યૂત રમી, ચમત્કારી કોડીના પ્રભાવે તે જીત્યો ને લીલાવતીને એના પિયરમાં રાખી સાવલિંગાને લઈ આગળ ચાલ્યો.

વનની ગુફામાં ચાર જુગારીઓ રમતા હતા. ‘હારે તે માથું આપે’ એવી શરતે સદયવત્સ રમ્યો, જીત્યો અને ચારેયને જીવતદાન આપ્યાં. એ ચારેય રાજકુંવરો હતા. રાજ્ય મળ્યું ન હોવાથી ચારે લૂંટફાટ કરી વનની ગુફામાં ચાલ્યા જતા હતા. ઉપકારવશ લૂંટારુ રાજકુમારોએ સદયવત્સને ખૂબ ધન આપવા ઇચ્છ્યું પણ સદયવત્સે ન સ્વીકારતાં એકે રત્નજડિત કાંચળી સદયવત્સની તલવારના મ્યાનમાં મૂકી દીધી. આ વાતથી અજાણ્યો સદયવત્સ પોતાની તલવાર લઈ આગળ ચાલ્યો.

વચ્ચે ઉજ્જડ થયેલી નગરી આવી. મધરાતે એક સ્ત્રીને રડતી સાંભળી સદયવત્સ ગયો તો એ બોલી : ‘હું આ રાજ્યની લક્ષ્મી છું ને નિર્જનતા વચ્ચે ભંડારાયેલી હોવાથી મૂંઝાઈને રહું છું. તું મને લઈ જા !’ સદયવત્સ બોલ્યો : ‘પછી પૂજન કરીને તમને લઈ જઈશ અને નવી નગરી વસાવીશ.’ સાવલિંગાને લઈ સદયવત્સ પ્રતિષ્ઠાન પહોંચ્યો, પરંતુ વનવાસી વેશે પત્નીને સીધી પિયરમાં મૂકવા જવાનું અનુચિત લાગતાં પોતાના મિત્ર જેવા ભાટના ઘરે ગયો અને વસ્ત્રાભૂષણ ખરીદી શકાય એ માટે ધન મેળવવા, પાંચ દિવસનો વાયદો આપી નીકળી ગયો. રસ્તામાં જુગારમાં હારી જવાથી એક એક હાથ, પગ અને કાન જેના કપાયેલા હતા એવો પાંગળો રાજકુમાર મળ્યો ને મિત્ર બન્યો.

બંને નગરમાં પહોંચ્યા ત્યારે લોકોનું ટોળું ભેગું થયેલું. પૂછતાં જાણ થઈ કે કામસેના નામની વારાંગના નગરશેઠના પુત્રે સ્વપ્નમાં પોતાને ભોગવી છે એના માટે સોનામહોર માગતી હતી. સદયવત્સે શેઠની પાસે ધન મગાવી તેનો અરીસા સામે ઢગલો કર્યો ને વારાંગના કામસેનાની માતા એકદંતીને કહ્યું : ‘સોમદત્તે તો સ્વપ્નમાં ભોગવી છે એથી એ માટેની પાંચસો સોનામહોર અરીસામાંથી લઈ લે !’ ઠગારી એકદંતી ચૂપ થઈ ગઈ. સૂર્યમંદિરમાં નૃત્ય કરવા આવેલી કામસેના સદયવત્સ પર મોહ પામી ને પોતાના મહેલમાં લઈ ગઈ. સદયવત્સ પાસે ધન તો ન હતું પરંતુ તલવાર કાઢવા જતાં રત્ન જડેલી કાંચળી નીકળી તે કામસેનાને આપી અને પોતે જુગારખાનામાં ગયો.

કામસેના રત્નજડિત કાંચળી પહેરીને નગરમાં નીકળી કે નગરશેઠે જોઈ અને રાજાને ફરિયાદ કરી : ‘આ કાંચળી મારા ઘરમાંથી ચોરાયેલી છે !’ કામસેનાએ કાંચળી પહેરાવનારનું નામ ન આપ્યું એથી રાજાએ શૂળીની સજા કરી. વારાંગનાની માતા એકદંતીએ જુગારખાનામાં જઈ આ વાત સદયવત્સને કરતાં તે કોટવાળ પાસે ગયો ને કામસેનાને મુક્ત કરાવીને પોતે પકડાયો. પાંચ દિવસની અવધિ પૂરી થતાં સદયવત્સ ન જાય તો સાવલિંગા અગ્નિપ્રવેશ કરે તેવી સ્થિતિ હતી, એથી સોમદત્ત જામીન થઈ પોતે બંધાયો અને સદયવત્સને મુક્ત કરાવ્યો. સદયવત્સે સાવલિંગાને અગ્નિપ્રવેશ કરતી અટકાવી, રાતવાસો રહ્યો અને હથિયાર હાટમાં રહી ગયાં તે પાછાં લાવવાનું કહી શૂળીસ્થાને હાજર થયો. રાજા આવ્યા ને બધી વાત સાંભળી, તલવાર પર સદયવત્સનું નામ વાંચી ચમકી ગયો ને આ તલવાર ચોર પાસેથી મળ્યાનું જાણી પ્રધાનને ચોરને પકડવા મોકલ્યા, પણ ચોર ન પકડાયા. સદયવત્સે રાજાની સેનાને હરાવી એથી એની સામે બાવન વીરને મોકલ્યા. નારદ દ્વારા જાણ થતાં ચારેય લૂંટારા રાજકુમારો આવ્યા ને બાવન વીરને હરાવ્યા. બધી વાત જાણીને રાજાએ સદેવંતનું જમાઈ તરીકે સ્વાગત કર્યું અને સાવલિંગાને બોલાવી.

પ્રતિષ્ઠાનમાં સદયવત્સને જુગારખાનામાં બ્રાહ્મણ, વણિક અને ક્ષત્રિય સાથે મૈત્રી થઈ. તુંબપુરના શેઠના બાપનું મડદું બાળવા જતાં ઝાડ પર ચઢી જતું હતું. ચારેય મિત્રોએ આ મડદું બાળવાનું આહ્વાન ઉઠાવ્યું અને ચારેએ વારાફરતી ચાર પ્રહર મડદાની ચોકી કરી. ચાર પરાક્રમો કરી મડદામાં પ્રવેશેલા વેતાળને અંતે વશ કર્યો. તુંબપુરના પુરોહિતની પુત્રીને વળગેલી શાકણને વશ કરી ધન અને કન્યા પ્રાપ્ત કર્યાં. આ કન્યાને બ્રાહ્મણ મિત્ર સાથે પરણાવી. રાતે મડદાની પહેલા પ્રહરે બ્રાહ્મણે ચોકી કરી. રાતે સ્ત્રીને રડતી સાંભળી બ્રાહ્મણ ગયો તો જાણવા મળ્યું કે એ એના શૂળીએ ચડેલા પતિને પાણી પિવડાવવા મથતી હતી. બ્રાહ્મણે એને પોતાના ખભા પર ચડાવી, પરંતુ માંસના લોચા અને લોહી નીચે પડતાં જાણ થઈ કે આ તો ડાકણ છે ! ખડગથી એણે ડાકણનો ચૂડાવાળો હાથ કાપ્યો. બીજા પ્રહરની ચોકીમાં વણિકે ભૂતને ભગાડ્યાં. ત્રીજા પ્રહરની ચોકીમાં ક્ષત્રિયે રાક્ષસનો વધ કરી તુંબપુરની રાજકુંવરીને બચાવી. ચોથા પ્રહરે સદયવત્સે મડદામાં વસી ગયેલા વેતાળને જુગાર રમવાની લાલચે બહાર કઢાવ્યો ને હરાવીને મડદાંને અગ્નિદાહ દીધો. ચારેએ પોતપોતાની વીરતા સાબિત કરી. ક્ષત્રિય સાથે તુંબપુરની રાજકુંવરીનાં અને શેઠની પુત્રી સાથે વણિકનાં લગ્ન થયાં.

મિત્રો અને સૈન્ય લઈ સદયવત્સ ઉજ્જડ નગરીમાં આવ્યો અને વિધિસર પૂજન કરી રાજલક્ષ્મી લઈને વીરકોટ નામની નગરી વસાવી. સાવલિંગા અને લીલાવતી સાથે સદયવત્સ પોતાની નગરીમાં રહેવા લાગ્યો અને તેને વીર, પ્રતાપી પુત્રો થયા. ભાટ દ્વારા સદયવત્સે જાણ્યું કે ઉજેણી પર શત્રુઓ ચડી આવ્યા છે. પુત્રો અને સેના લઈ સદયવત્સ પિતાની સહાયે ગયો અને શત્રુઓને મારી હઠાવ્યા. રાજા પ્રભુવત્સે પુત્ર અને પૌત્રોનું સ્વાગત કર્યું.

ભીમની પ્રસ્તુત કૃતિના રાજસ્થાની રૂપાંતરમાં સદેવંત-સાવલિંગાના પૂર્વ આઠ ભવની કથા પણ સંકળાયેલી છે. નાયક-નાયિકાના પૂર્વભવની કથાઓ વિશેષ લોકપ્રિય બનતાં, પછીના તબક્કે આ અંગ ઉમેરા્યું હોવાનો સંભવ છે.

ભીમની પ્રસ્તુત કૃતિની કથાનું રૂપ સાહસ-શૌર્યની કથાનું છે. સદેવંત-સાવલિંગાની કથાનું બીજું રૂપ છે, તે પ્રેમકથાનું છે. બચપણમાં સાથે રમ્યાં હોય, રહ્યાં હોય, પ્રેમ કરતાં હોય, પરંતુ જ્ઞાતિસ્થિતિભેદને કારણે પરણી ન શકે અને નાયક-નાયિકા બંનેનાં અન્ય વ્યક્તિ સાથે થતાં લગ્નથી જે વેદનામય પરિસ્થિતિ જન્મે તેનું નિરૂપણ આ બીજા પ્રવાહની કથાની કૃતિઓમાં જોવા મળે છે.

એની કથા પ્રમાણે સદયવત્સ જે ગુરુને ત્યાં અભ્યાસ કરતો હતો એ ગુરુ એક બીજા ખંડમાં પ્રધાનપુત્રી સાવલિંગાને પણ ભણાવતા હતા. બંનેને મળતાં અટકાવવા ગુરુએ સાવલિંગાને કહ્યું : સદેવંત કોઢિયો છે ને સદયવત્સને કહ્યું : સાવલિંગા આંધળી છે. રહસ્યસ્ફોટ થતાં બંને પ્રેમમાં પડ્યાં, પરંતુ સાવલિંગાનાં લગ્ન એની જ્ઞાતિમાં અન્ય સાથે થઈ ગયાં. સાવલિંગાએ વચન આપ્યું હતું : ‘લગ્નની પહેલી રાત તારી સાથે !’ લગ્ન પછી દર્શનના બહાને વચન-વાયદો પૂરો કરવા મંદિરે આવી, પરંતુ સદેવંત અફીણના નશામાં ઊંઘતો રહ્યો. સાવલિંગાએ ઢંઢોળ્યા છતાં ન જાગેલા પ્રેમીના હાથમાં સંદેશો લખ્યો અને પતિને કહ્યું : ‘બાધા પ્રમાણે માતાનું મંદિર બંધાવ્યા પછી જ તમારી સાથે સંસાર માંડીશ.’

વિરહી સદેવંત શોધતો સાવલિંગાની પાછળ ગયો ને જોગીવેશે મળ્યો. અંતે બંનેનાં લગ્ન થયાં. આ બીજા પ્રવાહની સદેવંત-સાવલિંગાની કથા પણ વિશેષ રોચક હોવાથી લોકપ્રિય બની, એના પર વિવિધ કથાઓની રચના પણ થઈ. હંસાઉલીની કથામાં તેમજ ભરથરી-પિંગલાની કથામાં જેમ વિવિધ ભવની કથાઓ છે તેમ સદેવંત-સાવલિંગામાં પણ છે.

ભીમકૃત ‘સદયવત્સવીર પ્રબંધ’ ઉપરાંત હર્ષવર્ધનગણિએ ઈ. સ. 1527માં તથા તે પછી રત્નશેખરગણિએ સંસ્કૃતમાં પણ આ કથા આપી છે. ઈ. સ. 1652માં લખાયેલી હસ્તપ્રતવાળી અજ્ઞાતની કૃતિ ઉપરાંત કીર્તિવર્ધન (1782), નિત્યલાભ (1782) તથા 300 કડીની અજ્ઞાન જૈન કવિની રચના અને 560 દોહા-સોહલા-ચોપાઈમાં ઈ. 1910માં લખાયેલી – એમ આઠ રચનાઓ મળે છે. આ ઉપરાંત ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના હ. પ્ર. સં. 442-બમાં ઈ. સ. 1844માં રાજસ્થાનીમાં લખાયેલી હસ્તપ્રત મળે છે. પશ્ચિમ ભારતની આ અત્યંત લોકપ્રિય બનેલી પ્રેમકથા છે.

હસુ યાજ્ઞિક