સજાશાસ્ત્ર (penology) : ગુનાઓને અટકાવવા માટે અને/અથવા ઘટાડવા માટેના સજા અને ઉપચાર સ્વરૂપના ઉપાયો સંબંધી અભ્યાસ કરતું શાસ્ત્ર.
આધુનિક સજાશાસ્ત્ર ગુનાશાસ્ત્રની એક એવી શાખા છે, જે ગુનાઓની શક્ય રોકથામ અને નિયંત્રણના હેતુથી ન્યાયિક કાર્યવહી દ્વારા ગુનેગાર ઠરેલી વ્યક્તિઓ સાથે સજા, ઉપચાર કે તાલીમ (નવઘડતર) સ્વરૂપે વહેવાર કરવા અંગેની નીતિઓ તથા તેમના કરવામાં આવતા પ્રત્યક્ષ અમલ સંબંધી અભ્યાસ, વિચારણા અને વિશ્લેષણ કરે છે. આધુનિક સમયમાં, ખાસ કરીને, વિકસિત ગણાતા દેશોમાં યોગ્ય ઉપચાર અને તાલીમ દ્વારા ગુનેગારની સુધારણાના ધ્યેય પર વિશેષ ભાર મુકાતો થયો છે. તેથી ઘણાખરા વિકાસશીલ દેશોમાં આ શાખાને ‘સુધારણાશાસ્ત્ર’ (corrections /correction-science) તરીકે ઓળખવામાં આવે છે. આ શાખા હળવો/સખત ઠપકો, ઓછોવત્તો આર્થિક દંડ, ઓછોવત્તો જેલવાસ, દેશનિકાલ, શારીરિક-માનસિક ત્રાસ આપતી કોઈક સજા, મૃત્યુદંડ વગેરે જેવી સજાઓ વિશે અભ્યાસ કરી ગુનાનાં રોકથામ/નિયંત્રણમાં તેમની ક્ષમતા તપાસી તે અંગે જ્ઞાન વિકસાવે છે. તેવી જ રીતે તેમાં કેદીઓનાં સુધારણા, સામાજિક પુન:સ્થાપન અને સુસંકલનનાં આધુનિક ધ્યેયોને અનુલક્ષીને સુધાર-સંસ્થાઓ, પૅરોલ અને પ્રોબેશન-વ્યવસ્થાઓ, મનોચિકિત્સા, સમાજશાસ્ત્રીય ઉપાયો જેવી આધુનિક રીતોના પ્રયોગો અને પરીક્ષણ કરવામાં આવે છે અને તે અંગે શાસ્ત્રીય જ્ઞાન વિકસાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. વળી, પ્રસ્તુત હેતુ માટે પોલીસ, કોર્ટ, શિક્ષણ-સંસ્થાઓ તેમજ અન્ય સ્વરૂપનાં સાધનો અને વ્યવસ્થાઓની કાર્યાત્મકતા-વિકાર્યાત્મકતા પણ તે તપાસે છે. આમ, આ જ્ઞાનશાખા વિવિધ સંજોગો અને સંદર્ભોમાં ગુનાઓનાં રોકથામ અને નિયંત્રણ માટે શક્ય એટલા વધુ અસરકારક અને કાર્યક્ષમ ઉપાયો અંગે સૈદ્ધાંતિક અને વ્યાવહારિક જ્ઞાન વિકસાવવાનો પ્રયત્ન કરે છે.
હસમુખભાઈ હરજીવનદાસ પટેલ