સચદેવ, તાનિયા (જ. 20 ઑગસ્ટ 1986, દિલ્હી, ભારત) : ભારતની પ્રસિદ્ધ ચેસ મહિલાખેલાડી.

તાનિયાએ શાળાકીય શિક્ષણ દિલ્હીના વસંત વિહારમાં આવેલી મૉડર્ન શાળામાં લીધું અને શ્રી વેન્કટેશ્વરા કૉલેજમાંથી સ્નાતક થયાં.

માતાનું નામ અંજુ સચદેવ હતું. તેઓ જ્યારે 6 વર્ષનાં હતા ત્યારે માતા અંજુએ તેમને ચેસની રમતનો પરિચય કરાવ્યો. ત્યારપછી માતાપિતાએ જ તેમને વ્યાવસાયિક તાલીમ આપવી શરૂ કરી.

તેઓ ફક્ત આઠ વર્ષના હતા ત્યારે તેમને પહેલું આંતરરાષ્ટ્રીય બિરુદ મળ્યું. તેમનાં પ્રારંભિક વર્ષોમાં તેમને કે. સી. જોષી દ્વારા કોચિંગ મળ્યું. તેની કારકિર્દીની સફળતાઓમાં 12 વર્ષની નીચેની ભારતીય વિજેતા, એશિયન , 14 વર્ષની વયથી નીચેની કિશોરી સ્પર્ધામાં વિજેતા, 2020, વિશ્વ 12 વર્ષની વયથી નીચેની સ્પર્ધામાં વિજેતા 1998 તથા એશિયન જુનિયર કિશોરી સ્પર્ધા 2002નો સમાવેશ થાય છે.

તાનિયા સચદેવને FIDE દ્વારા ઇન્ટરનેશનલ માસ્ટર  અને વુમન ગ્રાન્ડમાસ્ટરનું બિરુદ આપવામાં આવેલું છે. 2005માં વુમન ગ્રાન્ડમાસ્ટર બિરુદ મેળવનારાં તેઓ આઠમા ભારતીય ચેસ ખેલાડી બન્યાં હતા. 2006 અને 2007માં તેઓ ભારતમાં રમાનારી પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય મહિલા પ્રીમિયર ચેસ સ્પર્ધાના વિજેતા બન્યાં. 2007માં જ તેહરાનમાં રમાયેલ મહિલા એશિયાઈ સ્પર્ધા તેમણે 61/2 પૉઇન્ટ સાથે જીતી લીધી. 2016માં રેકજાવિક ઓપનમાં તેમણે શ્રેષ્ઠ મહિલાખેલાડીનું ઇનામ મેળવ્યું. કાલુતારામાં યોજાયેલ હરીફાઈમાં (રાષ્ટ્રસમૂહ મહિલા સ્પર્ધાનું) બિરુદ મેળવ્યું.

2008થી ચેસ ઑલમ્પિયાડમાં તેઓ ભારતની રાષ્ટ્રીય ટીમનાં સભ્ય તરીકે ભાગ લે છે. 2009 તથા 2011માં તેમણે ભારત વતી વિશ્વ ટીમ ચેસ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તે ઉપરાંત 2003માં એશિયન ટીમ ચેસ સ્પર્ધા, 2006માં એશિયન રમતોત્સવ તથા 2009માં એશિયન  ઇન્ડોર રમતોત્સવમાં પણ ભાગ લઈ ચૂક્યાં છે. 2012માં ઇસ્તંબુલમાં રમાયેલ મહિલા ચેસ ઑલમ્પિયાડમાં તેઓ વ્યક્તિગત રીતે કાંસ્ય ચંદ્રક જીતી ચૂક્યાં છે. મહિલા એશિયન ટીમ ચૅમ્પિયનશિપમાં તેઓ 2008, 2009, 2012 અને 2014માં ચાર ટીમ રજત ચંદ્રક અને ચાર વ્યક્તિગત ચંદ્રક (3 રજત, એક કાંસ્ય) જીતી ચૂક્યાં છે. 2015માં એશિયન કોન્ટિનેન્ટલ મહિલા રેપિડ ચેસ સ્પર્ધામાં તેમણે રજત ચંદ્રક મેળવ્યો હતો. તેઓ 2016, 2018 અને 2019માં રાષ્ટ્રસમૂહ મહિલા ચેસ વિજેતા પણ બન્યાં છે. સપ્ટેમ્બર, 2024માં બુડાપેસ્ટમાં ચેસ ઑલિમ્પિયાડમાં સુવર્ણચંદ્રક જીતનારી ભારતીય મહિલા ટીમના તેઓ સભ્ય હતાં. ભારતે પ્રથમ વખત આ ખિતાબ મેળવ્યો હતો.

તાનિયા ચેસ પ્રસ્તુતકર્તા અને કૉમેન્ટ્રેટર પણ છે. 2014માં તેઓ દિલ્હી સ્થિત સ્થપતિ વિરાજ કટારિયા સાથે લગ્નગ્રંથિથી જોડાયાં છે. તેઓ તાલીમબદ્ધ શાસ્ત્રીય નૃત્યાંગના પણ છે.

2009માં તેમને અર્જુન ઍવૉર્ડથી પુરસ્કૃત કરવામાં આવ્યાં છે.

2022 મહિલા ચેસ ઑલિમ્પિયાડમાં પણ તેઓ કાંસ્ય ચંદ્રક જીતવામાં સફળ રહ્યાં છે.

2024માં ચેન્જમેકર ઑફ ધ યરનો ઍવૉર્ડ બીબીસી દ્વારા એનાયત થયો હતો.

અમલા પરીખ