સક્સેના, સર્વેશ્વર દયાલ (જ. 15 સપ્ટેમ્બર 1927, બસ્તી, ઉત્તર-પ્રદેશ; અ. 24 સપ્ટેમ્બર 1983) : હિંદીના કવિ, નાટ્યકાર અને પત્રકાર. તેમના કાવ્યસંગ્રહ ‘ખૂંટિયા પર ટાંગે લોગ’ને 1983ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ.ની ડિગ્રી મેળવી હતી. તેમણે શિક્ષક, કારકુન તથા આકાશવાણીના કાર્યક્રમ-નિર્માતા તરીકે વિવિધ કામગીરી બજાવ્યા પછી 1964માં તેઓ હિંદી સાપ્તાહિક ‘દિનમાન’માં જોડાયા. તેમના અવસાનસમયે તેઓ લોકપ્રિય બાળ-સાપ્તાહિક ‘પરાગ’ના તંત્રી હતા. તેમનાં પ્રકાશનોમાં 7 કાવ્યસંગ્રહો, ટૂંકી વાર્તાના 2 સંગ્રહો, 3 નાટકો, 3 નવલકથાઓ અને બાળસાહિત્યનાં 2 પુસ્તકોનો સમાવેશ થાય છે. ‘બકરી’ નામનું તેમનું નાટક હિંદી તેમજ અન્ય ભારતીય ભાષાઓમાં 500થીય વધુ વાર ભજવાયું છે. તેમણે હિંદીમાં 2 નૃત્યનાટિકાઓ પણ લખી. તેમને સાહિત્યિક ક્ષેત્રનાં અનેક સન્માન અને પુરસ્કાર મળ્યાં હતાં. 1972માં રશિયા ખાતે યોજાયેલ પુશ્કિન પોએટ્રી ફેસ્ટિવલમાં તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમનાં કાવ્યો અનેક ભારતીય તથા વિદેશી ભાષામાં અનુવાદ પામ્યાં છે.
પીડાતા માનવસમુદાય પ્રત્યેનો ઊંડો સમભાવ, શોષણ તથા અન્યાય તરફ ઉગ્ર પ્રકોપ તથા ઉષ્માપૂર્ણ અંગત ઊર્મિશીલતા તથા સ્મૃતિ-સંવેદનની ભાષા જેવી વિશેષતાઓને કારણે તેમનો કાવ્યસંગ્રહ પુરસ્કારપાત્ર ઠર્યો હતો.
મહેશ ચોકસી