સક્યુલન્ટ્સ [માંસલ (રસાળ) વનસ્પતિઓ] : બાહ્ય પર્યાવરણીય શુષ્કતા અનુભવતી અને માંસલ અંગો (પ્રકાંડ, પર્ણ કે મૂળ) ધરાવતી મરુદ્ભિદ (xerophyte) વનસ્પતિઓ. ટૂંકા ચોમાસા દરમિયાન આ વનસ્પતિઓ આ અંગ કે અંગોમાં વિપુલ જથ્થામાં પાણીનો સંગ્રહ કરે છે. તેઓ સામાન્યત: ઉષ્ણ કટિબંધના શુષ્ક વિસ્તારોમાં થાય છે. તેમની દેહરચના ઓછા પાણીમાં જીવી શકાય તે રીતે અનુકૂલન પામેલી હોય છે. કૅક્ટસ જેવી માંસલ વનસ્પતિઓમાં મૂળ છીછરાં બને છે. તેઓ ઝાકળ-ભીનાશમાંથી પણ પાણી ખેંચે છે. તેમનાં પ્રકાંડ ફૂલેલાં, ચપટાં અને લીલાં હોય છે. પર્ણો જાડાં, ચર્મિલ અને માંસલ હોેય છે. હાથલો થોર (opuntia dillenii), વાડ થોર (euphorbia nerifolia), ખરસાણી થોર (E. tiruacalli), કાંટાળો મુગટ (E. splendens), કુંવારપાઠું (Aloe vera), કૅક્ટસની વિવિધ જાતિઓ, કેતકી (agave americana) વગેરે વનસ્પતિઓનો માંસલ વનસ્પતિઓમાં સમાવેશ થાય છે.
માંસલ વનસ્પતિઓ શુષ્કતા ટાળતી હોવાથી કેટલાક વૈજ્ઞાનિકો તેમને ‘વાસ્તવિક મરુદ્ભિદ’(true xerophyte)માં મૂકતા નથી. ખરેખર તેઓ અનુકૂલનના એક વિશિષ્ટ સ્વરૂપનો નિર્દેશ કરે છે.
હાથલા થોર જેવી માંસલ વનસ્પતિઓમાં પ્રકાંડ માંસલ બને છે. આવી મરુદ્ભિદ વનસ્પતિઓમાં રક્ષકત્વચા (cuticle) જાડી અને સુવિકસિત હોય છે. રંધ્ર (stomata) નિમગ્ન (sunken) હોય છે.
અધ:સ્તર (hypodermis) બેથી ત્રણ સ્તરોનું બનેલું હોય છે અને સ્થૂલકોણક (collenchyma) પેશી ધરાવે છે. બાહ્યક (cortex) જાડી દીવાલવાળી હરિતકણોતક (chlorenchyma) પેશીનું બનેલું હોય છે. તેની નીચે મોટો જલસંચયી પ્રદેશ (water-storage region) આવેલો હોય છે. પ્રકાંડ લીલું હોવાથી તે પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરી શકે છે. આવા પ્રકાંડને બાહ્યાકારવિદ્યાની દૃષ્ટિએ પર્ણકાર્યસ્તંભ (phylloclade) કહે છે. પર્ણો અને તેના વિવિધ ભાગો કંટ(spines)માં રૂપાંતર પામે છે. તેથી ઉત્સ્વેદન(transpiration)ની પ્રક્રિયા દ્વારા થતો પાણીનો વ્યય ઘટે છે. હાથલા થોરના મૂલાગ્ર ઉપર પણ મૂળરોમો વિકાસ પામેલા હોય છે; જેથી પાણીના શોષણ માટેનો વિસ્તાર વધે છે.
જે માંસલ મરુદ્ભિદ વનસ્પતિઓમાં પર્ણો માંસલ બને છે, તેમને શ્લેષ્મપર્ણી (malacophyllous) મરુદ્ભિદ વનસ્પતિઓ કહે છે. કુંવારપાઠું, પાનફૂટી (Bryophyllum pinnutum), કેતકી, આદમની સોય (yucea), ટ્રેડેસ્કેન્શિયા વગેરેનો સમાવેશ થાય છે. આવી વનસ્પતિનાં પર્ણો રસસ્ફીત (turgescent), પાતળી દીવાલવાળા મૃદુતકીય કોષો ધરાવે છે. શતાવરી(asparagus racemosus)નાં મૂળ પાણીનો સંગ્રહ કરે છે.
કૅક્ટસ, યુફોરબિયા, એગેવ અને અન્ય પ્રજાતિઓની માંસલ મરુદ્ભિદ જાતિઓ શૈલોદ્યાન (rockery) બનાવવામાં શોભન-વનસ્પતિઓ તરીકે ઉગાડાય છે. તેઓને પાણી અને ખાતર ઓછાં આપવાં પડે છે. તેમનું પ્રસર્જન કટકારોપણ (cutting) દ્વારા થઈ શકે છે.
મ. ઝ. શાહ, બળદેવભાઈ પટેલ