સકમારિયન કક્ષા : રશિયાની નિમ્ન પર્મિયન શ્રેણીના પશ્ચાત્ ઍસ્સેલિયન નિક્ષેપોની જમાવટનો કાળ તથા તે અવધિ દરમિયાન થયેલી દરિયાઈ જમાવટની કક્ષા. પર્મિયન કાળ વ. પૂ. 28 કરોડ વર્ષ અગાઉ શરૂ થઈને વ. પૂ. 22.5 કરોડ વર્ષ સુધી ચાલેલો. આ કક્ષાને દુનિયાભરની સમકક્ષ જમાવટો માટે પ્રમાણભૂત દરિયાઈ કક્ષા તરીકે ઘટાવાય છે.
સકમારિયન (અને તે પછીની આર્ટિન્સ્કિયન) કક્ષા જટિલ છે તેમજ ભિન્ન ભિન્ન નિક્ષેપરચના-પ્રકારોના સંબંધો રજૂ કરે છે. આ અવધિ દરમિયાન જમાવટ પામેલા કાગ્લોમરેટ અને રેતીખડકો યુરલ પર્વતોની પૂર્વ ધાર પર જોવા મળે છે. તેમની જાડાઈ 1,000 મીટરથી વધુ છે. તેમની પશ્ચિમે આથી પણ વધુ જાડાઈવાળા લીલારાખોડી, સ્થૂળ આર્કોઝયુક્ત રેતીખડકો અને માર્લ મળે છે. તેનાથી વધુ પશ્ચિમે, રેતીખડકોને સ્થાને પ્રવાળ-ખરાબાથી બનેલા સ્તરબદ્ધ ચૂનાખડકો સહિતના ઓછી જાડાઈના શેલ અને કાર્બોનેટ ખડકો જોવા મળે છે.
ગિરીશભાઈ પંડ્યા