સંસ્કૃતિ : માનવીને જંગલી અવસ્થામાંથી સભ્ય અવસ્થાએ લઈ જનાર પ્રક્રિયાઓ ને પરિબળો. સંસ્કૃતિ માનવસમાજની પેદાશ છે. મનુષ્યની બધા પ્રકારની ક્રિયાઓનો તેમાં સમાવેશ થાય છે. સમાજના એકમ તરીકે પોતાના જીવનને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે મનુષ્ય જે કાંઈ બૌદ્ધિક કે ભૌતિક ખેડાણ કરે છે તેનો સમાવેશ સંસ્કૃતિમાં થાય છે. વિખ્યાત સમાજશાસ્ત્રી બી. મૅલિનૉવ્સ્કીના મત પ્રમાણે જગતની ચૈતન્ય સૃદૃષ્ટિમાં મનુષ્ય બે બાબતમાં જુદો પડે છે (1) શારીરિક આકાર (physical form) અને (2) સમાજગત વારસો (social heritage). મનુષ્યનો શારીરિક આકાર ઊભો (vertical) હોય છે જ્યારે અન્ય પ્રાણીઓનો આકાર આડો (horizontal) હોય છે. તેમના માથાની પાછળનો ભાગ વિસ્તીર્ણ હોય છે, તેથી ઊંચાઈ તેટલા પ્રમાણમાં હોતી નથી. જ્યારે માનવીના આકારમાં માથાની પાછળ વિસ્તીર્ણ શરીર હોતું નથી. તેથી તેની ઊંચાઈ અન્ય પ્રાણી કરતાં વધુ હોવાથી અન્ય પ્રાણીઓ પર તે પ્રભુત્વ મેળવી શક્યો. સંસ્કૃતિના ઘડતરમાં આ પરિબળ મહત્ત્વનું હતું. સમાજગત વારસો એ સંસ્કૃતિની ગુરુકિલ્લી (master-key) છે. સમાજગત વારસાના વિતરણમાં ભાષા મહત્ત્વનું સાધન છે. ભાષાની મદદ વિના સમાજનો કોઈ પણ માનવી પોતાના વિચારોને અભિવ્યક્ત કરી શકતો નથી. વિચારની અભિવ્યક્તિ માટે જેમ ભાષા આવશ્યક છે તેમ સંસ્કૃતિના ખેડાણ માટે વિચાર આવશ્યક છે. સંસ્કૃતિ અને ભાષાનો ગાઢ સંબંધ વિચાર વડે બંધાયેલો છે. સંસ્કૃતિના મૂળમાં વિચાર અને વિવેક એ બે બાબતો રહેલી છે. વિચારવાની શક્તિ માત્ર મનુષ્યમાં જ છે. તેથી વિચારની મદદથી તેણે પોતાના જીવનમાં નોંધપાત્ર પરિવર્તનો કર્યાં છે. આ પરિવર્તનોનો સંસ્કૃતિમાં સમાવેશ થાય છે. વિચારને કારણે સંસ્કૃતિની પાત્રતા મનુષ્યમાં જ છે. આથી સંસ્કૃતિનો છોડ માનવસમાજમાં જ પાંગરી શકે. સંસ્કૃતિનો ઉદ્ભવ જાતિના જીવનના કોઈ સશક્તસબળ વિચારથી થાય છે. જે સમાજની પાસે તેના જીવનને વિકસિત કરનારો સશક્ત કેન્દ્રીય વિચાર નથી હોતો એ સમાજની સંસ્કૃતિ શૂન્યવત્ બની જાય છે. સંસ્કૃતિનો પ્રવાહ જીવનના કોઈ કેન્દ્રીય વિચારથી જ પ્રસ્ફુરિત થાય છે. વિચાર જેટલો પ્રબળ થશે, સંસ્કૃતિ પણ એટલી જ પ્રબળ થશે.
માનવ પર સંસ્કૃતિનું સવિશેષ વર્ચસ્ છે. સંસ્કૃતિ વ્યક્તિની વ્યક્તિમત્તાને પોતાના રંગે રંગી દે છે. સંસ્કૃતિ ફક્ત માનવસમાજોમાં જ જોવા મળે છે. પશુઓમાં સમાજ તો હોય છે; પરંતુ સંસ્કૃતિ હોતી નથી. સંસ્કૃતિ વૈયક્તિક (individual) નહિ પરંતુ સામૂહિક છે. સંસ્કૃતિ શીખવાથી પ્રાપ્ત થાય છે. દરેક વ્યક્તિ સંસ્કૃતિની અંદર રહીને તેમાં ઊછરીને શીખતી જાય છે.
‘સંસ્કૃતિ’ શબ્દ सम् + कृ ધાતુ પરથી ઊતરી આવ્યો છે. એક માન્યતા પ્રમાણે તે ‘સંસ્કાર’ પરથી ઊતરી આવ્યો છે. સંસ્કૃતિ માટે અંગ્રેજી ભાષામાં વપરાતો શબ્દ ‘Culture’ જર્મન ભાષાના ‘Kultur’ પરથી બન્યો છે. 19મી સદીના અંત ભાગમાં ‘સંસ્કૃતિ’ શબ્દ અને તેની વિભાવનાનો વ્યાપક વિકાસ થયો. આ અગાઉ સંસ્કૃતિ કે સંસ્કૃતિઓ તો હતી જ; પણ ‘સંસ્કૃતિ’ શબ્દને સમજવાની અને તેને વ્યાખ્યા આપીને સમજાવવાની શરૂઆત 19મી સદીના અંત ભાગથી થઈ. સૌપ્રથમ ઈ. બી. ટાયલરે ઈ.સ. 1874માં ‘સંસ્કૃતિ’ શબ્દનો અર્થ અને તેની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે. ટાયલરના મતે ‘સંસ્કૃતિ’ એ જટિલ સમગ્રતા (complex whole) છે; જેમાં જ્ઞાન, માન્યતા, કલા, નીતિ, કાનૂન, રિવાજ અને એવી ક્ષમતાઓ તેમજ ટેવોનો સમાવેશ થાય છે; જે મનુષ્યે સમાજના સભ્ય તરીકે પ્રાપ્ત કરી હોય. સંસ્કૃતિ એક સામાજિક વારસો છે. સંસ્કૃતિમાં જ્ઞાન, ધાર્મિક બાબતો, માન્યતાઓ, કલા, કાયદો, નૈતિક નિયમો, રીતરિવાજો, રહેણીકરણી, સાહિત્ય, સંગીત, ભાષા વગેરે બાબતોનો સમાવેશ થાય છે, જે સમાજમાં એક પેઢીથી બીજી પેઢીને આપવામાં આવે છે. મૅલિનોવ્સ્કીના મત પ્રમાણે સંસ્કૃતિ જીવનની સંપૂર્ણ પ્રણાલી છે. એ માનવની પ્રાણીશાસ્ત્રીય આવશ્યકતાઓ દ્વારા ઉદ્ભવેલી શોધ છે. સંસ્કૃતિ એટલે, વ્યવહારમાં ઉપયોગી વસ્તુઓ, ઓજારો તેમજ રૂઢિઓ અને શારીરિક અથવા માનસિક ટેવોનો સમૂહ. માનવનું શારીરિક-માનસિક અસ્તિત્વ જે સાધનો દ્વારા ટકી શકે છે, એ સાધનોની સમગ્રતાને સંસ્કૃતિ કહે છે. ઇતિહાસવિદોની દૃષ્ટિએ સંસ્કૃતિ એટલે દેશનો બૌદ્ધિક અને કલાત્મક વિકાસ. લિન્ટન, ફૉર્ડ વગેરે માનવ-શાસ્ત્રીઓની દૃષ્ટિએ સંસ્કૃતિ એક ગતિશીલ (dynamic) ધારણા છે. ઐતિહાસિક વિકાસ અને સમયપરિવર્તનની સાથે સાથે સંસ્કૃતિમાં પણ પરિવર્તન અને પરિવર્ધન સંભવ્યા જ કરે છે. જેના ફલ સ્વરૂપે એક સંસ્કૃતિમાં નવાં તત્ત્વો જોડાય છે, અનેક જૂનાં તત્ત્વો પરિવર્તન પામે છે અને કેટલાંક તત્ત્વો અંત પણ પામે છે. આથી સંસ્કૃતિ એ સદાયે વિકસતી પ્રક્રિયા છે. દરેક સંસ્કૃતિ ઓછી-વધતી ગતિએ હંમેશાં આગળ વધે છે. સંસ્કૃતિ એ બંધિયાર સરોવર નથી, પણ વહેતી નદી છે. સંસ્કૃતિના વિકાસના ત્રણ તબક્કા હોય છે : (1) પ્રાથમિક અથવા વન્ય અવસ્થા (savage condition), (2) અસભ્યાવસ્થા (barbarous condition) અને (3) સભ્ય અવસ્થા (civilized condition). પહેલી અવસ્થામાં લોકો નગ્ન અવસ્થામાં ફરતા તથા વન્ય કંદમૂળ અને ફળો તથા શિકારથી જીવતા. બીજી અવસ્થામાં તેઓ અગ્નિ અને હથિયારોનો ઉપયોગ કરવા લાગ્યા તથા પશુપાલન અને ખેતી કરવા લાગ્યા. ત્રીજી અવસ્થામાં તેઓ શહેરોમાં રહેવા લાગ્યા. આમ સંસ્કૃતિનો ક્રમશ: વિકાસ થતો ગયો.
‘સંસ્કૃતિ’ સાથે ‘સભ્યતા’ શબ્દને પણ સમજવો જરૂરી છે. ક્યારેક આ બંને શબ્દનો પ્રયોગ એક અર્થમાં કરવામાં આવે છે; પરંતુ બંને વચ્ચે ભેદ છે. સભ્યતા માટે હાલ અંગ્રેજીમાં વપરાતો શબ્દ Civilization છે. આ શબ્દનું આદિ સ્વરૂપ Civility છે. સભ્યતા સાંસ્કૃતિક સર્જનની વૃદ્ધિ કરનાર સામાજિક વ્યવસ્થા છે. સંસ્કૃતિને કૃષિ સાથે સંબંધ છે તો સભ્યતાને નાગરિકતા કે નગર (civitas) સાથે સીધો સંબંધ છે. બીજી રીતે કહીએ તો સભ્યતા નાગરિકતાનું જ રૂપ છે અને નાગરિકતાનું પરિમાર્જન નાગરિકો દ્વારા થાય છે. ‘નાગરિક’ એટલે નગરમાં રહેનાર એટલું જ નહિ પણ સભ્ય-સુધરેલો માનવી એવો અર્થ પણ થાય છે. નગરમાં રહેતો માનવી વિવિધ પ્રજાના સંપર્કમાં આવે છે અને સામૂહિક જીવન ટકાવી રાખવા માટે તેણે રહેણીકરણી અને શિષ્ટાચારના નિયમો ઘડવા પડ્યા. આથી સામાજિક એકતાને તંદુરસ્ત અને સમૃદ્ધ બનાવવા માટેના નિયમો સભ્યતાને નામે ઓળખાય છે. આમ સભ્યતા એટલે બાહ્યાચાર કે રીતભાત અને સંસ્કૃતિ એટલે આંતરિક ગુણોની અભિવ્યક્તિ. વિલડુરાં કહે છે તેમ, સભ્યતા ખેડૂતની ઝૂંપડીએથી પ્રગટે છે પણ તેનો વિકાસ તો માત્ર નગરોમાં જ થાય છે. સભ્યતાનો વિકાસ જાતિગત પરિબળો(racial condition)ને આધીન નથી. સભ્યતા કોઈ પણ સ્થળે કોઈ પણ માનવસમૂહમાં ખીલી શકે છે. મહાન જાતિ મહાન સભ્યતાનું નિર્માણ કરતી નથી; પરંતુ મહાન સભ્યતા મહાન જાતિનું નિર્માણ કરે છે. અંગ્રેજોએ બ્રિટિશ સભ્યતાનું નિર્માણ નથી કર્યું; પરંતુ વાસ્તવમાં બ્રિટિશ સભ્યતાએ અંગ્રેજોને વિશિષ્ટ જાતિ તરીકે જગતમાં ચમકાવી છે.
સભ્યતાને ઘડનારાં મુખ્ય ચાર પરિબળો છે : (1) આર્થિક સાધનો (economic provisions), (2) રાજકીય સંગઠન (political organization), (3) નૈતિક પરંપરાઓ (moral traditions) અને (4) જ્ઞાન અને કલા પ્રત્યેની અભિરુચિ (the persuit of knowledge and arts). કેટલીક પ્રાકૃતિક બાબતો સભ્યતાને ઘડે છે, સંવર્ધિત કરે છે અને ક્યારેક અવરોધે પણ છે. આમાં ભૌગોલિક કે હવામાનિક પરિસ્થિતિઓ મહત્ત્વની છે. પ્રાચીનતમ હિમયુગ અને પથ્થરયુગની વચ્ચેના સમય દરમિયાન માનવીય સભ્યતાનો જન્મ થયો હતો; પરંતુ હિમવર્ષા, જળપ્રલય કે ધરતીકંપ જેવા કુદરતી પ્રકોપો ગમે ત્યારે સભ્યતાનો નાશ કરી શકે છે. ગરમ આબોહવા સભ્યતાને અવરોધક બને છે. તેનાથી માનવસમાજમાં પ્રમાદ, રોગ, અકાલ વયવિકાસ, શારીરિક ભૂખ અને પ્રજનન માટેની આતુરતાનો વધારો થાય છે અને તેનાથી સભ્યતાનો વિકાસ અવરોધાય છે. આવી પરિસ્થિતિ મન અને કલાના વિકાસને પણ અવરોધે છે. સભ્યતાના વિકાસ માટે જળસ્રોતો જરૂરી છે. જગતની પ્રાચીન સંસ્કૃતિઓનો વિકાસ મોટેભાગે નદીકાંઠે જ થયો હતો; પરંતુ અતિવૃદૃષ્ટિ કે અનાવૃદૃષ્ટિ દ્વારા નિનેવેહ અને બૅબિલોન જેવી વિકસિત સભ્યતાનો વિનાશ સર્જી શકે છે. ખોરાક અને ખનીજની સંપત્તિની બાબતમાં દેશ જો સમૃદ્ધ હોય, દેશની નદીઓ અન્ય દેશો સાથે વ્યાપારી વિનિમય માટે વહનને યોગ્ય હોય, દેશ દરિયાઈ કિનારાથી આવૃત્ત હોય તથા તેના કાંઠે કુદરતી બંદરો હોય અને દેશમાંથી મુખ્ય વ્યાપારી માર્ગો પસાર થતા હોય તો તેવા સ્થળે સભ્યતાનો વિકાસ થાય છે. કોઈ પણ જનસમુદાય પાસે જો સુયોજિત આર્થિક વ્યવસ્થાઓ, નૈતિક આચાર વિશેના ઉચ્ચ આદર્શો અને કલા પ્રત્યેની અભિરુચિ હોય તેમ છતાં તે બધાંનો જીવનમાં વિનિમય કરવાની સૂઝ ન હોય અને જંગલી અવસ્થામાં જ રહેવાની વૃત્તિ હોય તો તે સમાજ સભ્યતા તરફ પ્રગતિ કરી શકતો નથી. અનિયંત્રિત રોગચાળો, ખોરાકનું પરાવલંબન, પ્રાકૃતિક સાધનોનો નાશ, માનસિક યાતના, નૈતિક અધ:પતન, પરંપરાઓનો વિનાશ, અવ્યવસ્થિત યૌન-જીવન, નેતૃત્વનો અભાવ, વર્ગયુદ્ધો, વિદ્રોહો, આર્થિક પતન વગેરે પરિબળો દ્વારા સભ્યતાનો હ્રાસ થાય છે.
થૉમસ પરમાર