સંસાર : તત્ત્વજ્ઞાનનો એક ખ્યાલ. તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં ‘સંસાર’નો મુખ્ય અર્થ છે ભવભ્રમણ, સંસરણ, ભવોભવના ફેરા, ભવાન્તરગમન. એટલે જ ‘પુન: પુન: જનન, પુન: પુન: મરણ, પુન: પુન: જનનીજઠરે શયન’ને શંકરાચાર્ય દુસ્તર અપાર સંસાર કહે છે. ભવાન્તરગમન સાથે અનેક પ્રશ્નો સંકળાયેલા છે. જીવ વર્તમાન જન્મનું શરીર છોડીને નવા સ્થાને જન્મ લેવા જાય છે, તો તે નવો જન્મ શા માટે લે છે ? તે નવા જન્મસ્થાને કેવી રીતે જાય છે ? જીવ તે માટે ગતિ કરે છે કે નહિ ? જો તે ગતિ કરતો ન હોય તો તે ત્યાં પહોંચે છે કેવી રીતે ? અને જો ગતિ કરતો હોય તો અન્તરાલગતિ કેવી છે અને તેનું કાલમાન શું છે ? તે અન્તરાલગતિમાં તેની સાથે કોઈ સૂક્ષ્મ શરીર હોય છે ? જો હોય તો તે સૂક્ષ્મ શરીરનાં ઘટકો કયાં છે અને તેનું સ્વરૂપ કેવું છે ? આમ સંસારની વિભાવનાની અંદર આ બધા પ્રશ્નો સમાવિષ્ટ છે. અર્થાત્ કર્મ, કર્મફળ, પુનર્જન્મ, અન્તરાલગતિ, સૂક્ષ્મ શરીર – આ બધાંનો વિચાર અનિવાર્યપણે સંસારની વિભાવના સાથે જોડાયેલો છે. આ બધા વિચારોના ઝૂમખાને ‘સંસારવાદ’ કહેવામાં આવે છે. ઘણા વિદ્વાનો ‘સંસારવાદ’ને વેદમૂલક માનતા નથી. પરંતુ ઉપનિષદોમાં ‘સંસારવાદ’નાં બધાં જ અંગોના ઘણા વિચારો છે અને પ્રત્યેક ભારતીય દર્શન પોતપોતાની પરિભાષામાં ‘સંસારવાદ’નું પ્રતિપાદન કરે છે.

સંસારનાં (ભવભ્રમણનાં) કારણો – મોહ, અજ્ઞાન, અવિદ્યા, અવિવેક, મિથ્યાદર્શન આ બધા પર્યાય-શબ્દો છે. તે સંસારનું મૂળ કારણ છે. મોહમાંથી રાગદ્વેષ, કષાયો યા ક્લેશો જન્મે છે. રાગદ્વેષ પ્રવૃત્તિનિવૃત્તિને જન્મ આપે છે. રાગદ્વેષથી પ્રેરાઈને થતી પ્રવૃત્તિનિવૃત્તિ કર્મસંસ્કારોને જન્મ દે છે. કર્મસંસ્કારો તે પ્રવૃત્તિનિવૃત્તિનાં ફળ આપે છે. વર્તમાન જન્મમાં ભોગવવાં બાકી રહી ગયેલાં ફળોને ભોગવવા માટે નવો જન્મ લેવો પડે છે. આમ સંસાર યા ભવભ્રમણ થયા કરે છે. બધાં જ દર્શનો આ જ વાતને પોતપોતાની પરિભાષામાં કહે છે. ઉદાહરણાર્થ, બૌદ્ધો આ પ્રમાણે કહે છે : તેઓ ભવચક્રની યા સંસારચક્રની કાર્યકારણની શૃંખલાની બાર કડીઓ માને છે. તેમને તેઓ બાર નિદાનો કહે છે. તે છે – અવિદ્યા, સંસ્કાર (કર્મસંસ્કાર), વિજ્ઞાન (માતાની કૂખે અવતરેલું ચિત્ત), નામરૂપ (ચેતનાયુક્ત પ્રાથમિક ગર્ભશરીર), ષડાયતન (પાંચ ઇન્દ્રિયો અને મન), સ્પર્શ (ઇન્દ્રિયનો વિષય સાથે સંપર્ક), વેદના (સુખદુ:ખાનુભવ), તૃષ્ણા, ઉપાદાન (આસક્તિ), ભવ (પુનર્જન્મોત્પાદક કર્મ), જાતિ (જન્મ), જરામરણાદિ દુ:ખ. આમાં પૂર્વ પૂર્વ નિદાન ઉત્તર ઉત્તર નિદાનનું કારણ છે. આમ ભવચક્ર ચાલ્યા કરે છે.

જન્મ અને મરણ વચ્ચેનું દુન્યવી જીવન પણ સંસાર અન્તર્ગત છે કારણ કે તે રાગદ્વેષથી પ્રેરાયેલી પ્રવૃત્તિનિવૃત્તિરૂપ છે. ભવભ્રમણરૂપ સંસાર જ મુખ્ય દુ:ખ છે. બાકીનાં આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક (માનસિક) – એ ત્રિવિધ દુ:ખો તદાધારિત યા આનુષંગિક છે. દુન્યવી જીવન, જે રાગદ્વેષપ્રેરિત પ્રવૃત્તિનિવૃત્તિરૂપ છે તે, દુ:ખરૂપ છે. પ્રાણી ગમતી વસ્તુ મેળવવા રાગપ્રેરિત પ્રવૃત્તિ કરે છે અને અણગમતી વસ્તુથી દ્વેષપૂર્વક નિવૃત્ત થાય છે; અર્થાત્ ત્યાગ કરે છે. ગમતી વસ્તુની પ્રાપ્તિ અને અણગમતી વસ્તુથી છુટકારો થતાં પ્રાણી સુખ અનુભવે છે. પણ તે ખરું સુખ નથી કારણ કે તેના મૂળમાં રાગદ્વેષ હોવાથી પરિણામે તે અવશ્ય દુ:ખમાં પરિણમે છે. એટલે સંસારને દુ:ખરૂપ કહેલ છે.

સંસારનો વિરોધી મોક્ષ છે. ભવભ્રમણમાંથી છુટકારો એ જ મોક્ષ છે. એટલે મોક્ષને ભવાન્ત પણ કહેવામાં આવે છે. સંસારનાં મૂળ કારણ મોહ યા અજ્ઞાન અને રાગદ્વેષ દૂર થતાં જ સંસારચક્ર અટકી જાય છે, સંસાર નાશ પામે છે અને ભવભ્રમણમાંથી મુક્તિ (મોક્ષ) થાય છે. અજ્ઞાન અને રાગદ્વેષ દૂર કરવા માટે દરેક દર્શન સાધનામાર્ગ યા યોગમાર્ગ ઉપદેશે છે.

ભારતીય દર્શનો સંસારને દુ:ખમય માને છે એટલે તેમના ઉપર નિરાશાવાદી હોવાનો આક્ષેપ કરવામાં આવે છે. પરંતુ આ આક્ષેપ સાચો નથી. બધાં જ ભારતીય દર્શનો સંસારનું કે સંસારની દુ:ખમયતાનું કારણ અજ્ઞાન અને રાગદ્વેષને જ ગણે છે. અજ્ઞાન અને રાગદ્વેષ હોતાં જે સંસાર છે તે જ અજ્ઞાન અને રાગદ્વેષ ન હોતાં ભવાન્ત યા મોક્ષ છે. આ જ વાત નીચેના શ્લોકમાં કહી છે

 

તત્ત્વજ્ઞાન અને યોગાનુષ્ઠાન – યમ, નિયમ આદિનો અભ્યાસ – અજ્ઞાન અને રાગદ્વેષ દૂર કરવાના આવશ્યક ઉપાયો છે. જે દર્શનો આ ઉપાયો દર્શાવે અને તે ઉપાયોથી અજ્ઞાન અને રાગદ્વેષ દૂર કરી દુ:ખમુક્ત થવાનો ઉપદેશ આપે તેમને નિરાશાવાદી કઈ રીતે ગણી શકાય ?

ન્યાયદર્શન દુ:ખમાં અંત પામતા, મિથ્યાજ્ઞાન વગેરે સતત રહેલા હોય તેને સંસાર માને છે. સાંખ્યદર્શન સૂક્ષ્મ શરીર આગલું સ્થૂળ શરીર છોડે અને નવા સ્થૂલ શરીરમાં સંસરણ કરે તેને સંસાર માને છે. ‘સંસાર’ એટલે અજ્ઞાન. ‘સંસાર’ એટલે જગત, એવો ‘સંસાર’ શબ્દનો અર્થ કરવામાં આવે છે. વેદાંતદર્શનમાં મધ્વાચાર્ય જીવબંધન પ્રાપ્ત થાય તેને સંસાર કહે છે. માયાવાદી વેદાંતીઓ મિથ્યાજ્ઞાનથી ઉત્પન્ન થતી સંસ્કારરૂપ વાસનાને અથવા શરીરનું આરંભક એવું અષ્ટ એ સંસાર છે એમ માને છે અથવા પોતાના અષ્ટથી જે શરીર મળે તેને પણ સંસાર કહે છે. વળી વૈશેષિક દર્શન જન્મમરણના પ્રવાહને સંસાર માને છે. આત્માને દેહ સાથે એક કરીને સ્વર્ગ અથવા નરકના રસ્તે જવું તેને સંસાર માનવામાં આવે છે. આમ જુદાં જુદાં દર્શનો સંસારની વ્યાખ્યા જુદી જુદી રીતે આપે છે.

નગીન જી. શાહ