સંસારચંદ (. 16 જૂન 1935, ફતેહપુર, જિ. કાંગરા, હિમાચલ પ્રદેશ) : હિંદી કવિ અને લેખક. તેમણે હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીમાંથી બી.એ.; પંજાબ યુનિવર્સિટીમાંથી ‘પ્રભાકર’ની પદવી મેળવી. પછી અધ્યાપનકાર્ય કરીને સેવાનિવૃત્ત થયા. તેઓ કાંગરા કલા સંગમના સામાન્ય મંત્રી; કાંગરા લોકસાહિત્ય પરિષદના તથા અન્ય સાહિત્યિક સંસ્થાઓના મંત્રી રહ્યા. ‘પ્રભાકર’ તેમનું તખલ્લુસ છે.

તેમની માતૃભાષા પહાડી છે. તેમણે પહાડી તથા હિંદીમાં 10 ગ્રંથો આપ્યા છે. તેમાં નીચેના નોંધપાત્ર છે : પહાડીમાં : ‘જગદી જોત’ (1987), ‘દેવ-ધરતી’ (1989) બંને કાવ્યસંગ્રહો; ‘માયા’ (1991) પહાડીમાં મહાકાવ્ય; હિંદીમાં : ‘સીતા અગ્નિ-પરીક્ષા’ (1992) દીર્ઘકાવ્ય છે; ‘મેરી ધરતી મેરા દેશ’ (1993) કાવ્યસંગ્રહ; ‘માનવમન’ (1984), ‘જનજીવન’ (1988), ‘ઘાવ ગહરાતે ગયે’ (1994) લોકપ્રિય વાર્તાસંગ્રહો છે; જ્યારે ‘નિરપરાધ અપરાધી’ (1982) અને ‘પશ્ર્ચાત્તાપ’ (1992) બંને નવલકથાઓ છે.

તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1986માં ‘હિમાચલ કેસરી’ તરફથી અને 1987માં કાંગરા લોકસાહિત્ય પરિષદ તરફથી ઍવૉર્ડો; હિમાચલ પ્રદેશ ભાષા અને સંસ્કૃતિ અકાદમી ઍવૉર્ડ (1992) તથા ‘પહાડી શિખર સન્માન’ આપવામાં આવ્યાં છે.

બળદેવભાઈ કનીજિયા