સંશ્લેષિત એસ્ટ્રોજન
January, 2007
સંશ્લેષિત એસ્ટ્રોજન : માદાના લૈંગિક અંતસ્રાવો. લૈંગિક અંત:સ્રાવો મુખ્યત્વે ત્રણ વિભાગમાં વહેંચી શકાય : (1) માદાના લૈંગિક અંત:સ્રાવો – એસ્ટ્રોજન, (2) નરના લૈંગિક અંત:સ્રાવો – એન્ડ્રોજન તથા (3) ગર્ભાવસ્થા દરમિયાન સ્રવતા અંત:સ્રાવો – પ્રોજેસ્ટિન (progestin).
સૌથી પહેલો લૈંગિક અંત:સ્રાવ એસ્ટ્રોન (oestrone or estrone) અલગ પડાયેલો. જર્મનીની ગોટિંગન યુનિવર્સિટીના ઍડોલ્ફ બ્યુટેનાન્ડટ તથા અમેરિકાની સેંટ લૂઇસ યુનિવર્સિટીના એડવર્ડ ડોઇઝી દ્વારા એકબીજાથી સ્વતંત્ર રીતે ગર્ભવતી સ્ત્રીઓના પેશાબમાંથી આ અંત:સ્રાવ અલગ પડાયેલો. ત્યારબાદ ડોઇઝીએ ડુક્કરના 4 ટન જેટલા અંડાશયોમાંથી નિષ્કર્ષણ કરીને 12 મિલીગ્રામ એસ્ટ્રાડાયૉલ (estradiol) અંત:સ્રાવ મેળવ્યો. એમ સાબિત થયું છે કે એસ્ટ્રાડાયૉલ સાચા અર્થમાં અંત:સ્રાવ છે, જ્યારે એસ્ટ્રોન તેનું ચયાપચયી સ્વરૂપ છે.
સંશ્લેષિત એસ્ટ્રોજન સંશ્લેષિત પ્રોજેસ્ટિન સાથે મુખ વાટે લેવાતા ગર્ભનિરોધક તરીકે વપરાય છે. આવું અન્ય ઉદાહરણ ઇથાઇનાઇલ એસ્ટ્રાડાયૉલ અથવા નોવેસ્ટ્રૉલ પણ જાણીતું છે તથા વપરાશમાં છે. આવાં સંયોજનોનાં બંધારણો નીચે મુજબનાં છે.
જ. પો. ત્રિવેદી