સંવેદનવંચિતતા (sensory deprivation) : એક કે વધુ સંવેદના-ઇન્દ્રિયો(જ્ઞાનેન્દ્રિય)ને મળતી ઉત્તેજનાઓને નિર્ણયપૂર્વક (deliberately) ઘટાડવી કે દૂર કરવી તે. આંખે પાટો બાંધવો કે કાનમાં પૂમડાં નાખવાં એ જોવાની અને સાંભળવાની ઇન્દ્રિયોને તેમને માટેની ઉત્તેજનાઓથી અલગ પાડવાની સાદી રીતો છે. વધુ સંકુલ સંયોજનાઓ(devices)માં ગંધ, સ્પર્શ, સ્વાદ, ઉષ્મા-સંવેદના (thermoception) તથા ગુરુત્વાકર્ષણ અંગેની સંવેદનાને પણ તેમને માટેની ઉત્તેજનાથી અલગ પાડી શકાય છે. સંવેદનવંચિતતાનો ઉપયોગ સારવાર માટે, મનોવૈજ્ઞાનિક પ્રયોગો માટે (દા.ત., અલગીકરણ ટાંકી, isolation tank), ત્રાસ ગુજારવા, માહિતી મેળવવા તથા સજા માટે કરાય છે. થોડાક સમય માટે સંવેદનવંચિતતા કરાય તો તે મનને શાંત કરે છે. પરંતુ લાંબા સમય સુધી તે રહે તો મનોવિકારી ચિંતા, મનોભ્રમ, અસ્પષ્ટ વિચારો, ખિન્નતા તથા સમાજવિરોધી વર્તણૂક સર્જે છે.

1970ના દાયકાના શરૂઆતના ભાગમાં ઉત્તર આયર્લૅન્ડમાં સુરક્ષાદળો દ્વારા 5 પ્રકારની પદ્ધતિઓ વાપરવામાં આવી હતી  ભીંત પર ઊભા રહેવાનું (wall standing), મોં-માથું ઢાંકી રાખવું (hooding), સતત મોટા અને તીણા અવાજોવાળા વાતાવરણમાં રાખવું (subjection to noise), ઊંઘવા ન દેવું, ખોરાક અને પ્રવાહી ન આપવું. ભીંત પર ઊભા રાખવામાં વ્યક્તિને પહોળા પગે પગનાં આંગળાંનાં ટેરવાં પર ભીંતથી દૂર ત્રાંસો ઊભો રખાય છે જેથી તેના માથાની ઉપર રાખેલા હાથનાં આંગળાંનાં ટેરવાં ભીંતને સ્પર્શે અને તેના દ્વારા તેનું વજન હાથની આંગળીઓનાં ટેરવાં પર ઝિલાયેલું હોય. સન 1972માં પાર્કરના અહેવાલને આધારે યુ.કે.માં આ પદ્ધતિઓ નાબૂદ કરવામાં આવી હતી.

સંવેદનવંચિતતા

હાલ આ 5 પદ્ધતિઓમાં ફેરફાર લાવીને વાપરવામાં આવે છે. વ્યક્તિને અવાજોથી દૂર કરવા કાન ઢાંકવામાં આવે છે અથવા અલગીકરણ ખંડ(isolation chamber)માં તેને રાખવામાં આવે છે. તે ખંડને કોઈ બારી હોતી નથી અને તેમાં પ્રકાશ તથા ખોરાક જુદા જુદા સમયે અને અનિશ્ચિત તથા વિષમ સમયે આપવામાં આવે છે. જેથી તેને દિવસ-રાતનું ભાન જતું રહે તથા તેનો સામાજિક સંપર્ક કપાઈ જાય.

જ્હૉન કનિંગહામ લીલી

જ્હૉન કનિંગહામ લીલી(1915-2001)એ અલગીકરણ ટાંકી (isolation tank) સન 1954માં બનાવી હતી. તેમાં પ્રકાશ તથા અવાજ પ્રવેશી ન શકે તેવી વ્યવસ્થા હતી અને તેમાં માનવશરીર કરતાં વધુ ઘનતા ધરાવતા અને સામાન્ય શરીરનું તાપમાન ધરાવતા એપ્સમના ક્ષારવાળા પાણીમાં વ્યક્તિ તરતો રહે તેવી ગોઠવણી કરાઈ હતી. આ ટાંકીને સંવેદનવંચિતતા ટાંકી (sensory deprivation tank) પણ કહે છે. તેમણે મૂળ સંવેદનવંચિતતાના પ્રયોગો માટે આ ટાંકી બનાવી હતી. પણ હાલ તેનો ઉપયોગ ધ્યાન (meditation), પ્રાર્થના, મન:શમન (relaxation) તથા વૈકલ્પિક તબીબીવિદ્યાઓ માટે થાય છે.

પૂર્ણક્ષેત્રી (ganzfeld) પ્રયોગમાં અવાજ અને દૃશ્ય માટેની સંવેદનવંચિતતા કરીને ઇન્દ્રિયેતર પ્રસંવેદન (extra-sensory perception, ESP) અંગેનાં પરીક્ષણો કરાય છે. તેમાંથી ઘણી આધારભૂત સાબિતીઓ મળે છે.

શિલીન નં. શુક્લ