સંવત્સર : તિથિપત્રનાં ક્રમિક વર્ષોની ગણતરી માટેની, કોઈ વિશિષ્ટ ઘટનાની સ્મૃતિમાં અપનાવાયેલી પદ્ધતિ; જેમ કે, (વિક્રમાદિત્યના હૂણ આક્રમકો સામેના યુદ્ધમાં વિજયની સ્મૃતિમાં શરૂ કરાયેલ) વિક્રમ સંવત, ઈસુ સંવત, હિજરી સંવત ઇત્યાદિ.
ભારતીય જ્યોતિષમાં ‘સંવત્સર’નો ઉલ્લેખ વૈદિક સંહિતાઓમાં સૌપ્રથમ થયેલ જણાય છે. ઋગ્ અને યાજુષ્ જ્યોતિષ અનુસાર પાંચ સંવત્સરોના બનતા યુગનો પ્રારંભ ધનિષ્ઠામાં સૂર્ય અને ચંદ્ર ભેગા થાય ત્યારે, એટલે કે ઉત્તરાયન નજીકની શુક્લ પક્ષની પ્રતિપદાથી થતો મનાતો. વૈદિક સમયમાં ઉત્તરાયન-બિંદુ ધનિષ્ઠા નક્ષત્રમાં અને વસંતસંપાત-બિંદુ કૃતિકા નક્ષત્રમાં હતાં તેનો સ્પષ્ટ ઉલ્લેખ છે અને પૃથ્વીની ધરીની દિશાના પુરસ્સરણ(precession)ને ખ્યાલમાં લેતાં આ સમય આજથી ~ 3500 વર્ષ પૂર્વેનો આવે છે. ઋગ્ અને યાજુષ્ જ્યોતિષમાં તેના પ્રથમ શ્લોક ‘પંચસંવત્સરમયં યુગાધ્યક્ષં પ્રજાપતિમ્’ અનુસાર પ્રજાપતિ(બ્રહ્મા ?)ને પાંચ સંવત્સરો દ્વારા સર્જાતા યુગના અધ્યક્ષ માન્યા છે. વૈદિક કર્મકાંડમાં સંવત્સરને ગરુડપક્ષી (સૂપર્ણ) આકારનું માનીને ‘અગ્નિચયનયાગ’ માટેની વેદીને 720 ઈંટો દ્વારા પક્ષીના આકારમાં રચવાની હોય છે (શતપથ બ્રાહ્મણ). વર્ષમાં 360 દિવસની 720 અહોરાત્રી થાય એટલે 720 ઈંટો લેવાય છે. આ આકારનો મુખ ભાગ એ વસંત-વર્ષની શરૂઆત, બે પાંખો તે દક્ષિણાયન અને ઉત્તરાયન, પુચ્છ એ શરદ અને શરીરનો મધ્ય ભાગ તે વિષુવવૃત્ત. આ રીતે ગરુડપક્ષીના સ્વરૂપમાં વૈદિક તિથિપત્રની રચના હતી અને વર્ષ દરમિયાન ચાલતી યાગવિધિ તિથિપત્રની ગણતરી માટે ઉદ્ભવી હોય તેમ માની શકાય.
યુગનાં પાંચ સંવત્સરોનાં નામ અનુક્રમે ‘સંવત્સર’, ‘પરિવત્સર’, ‘ઈદાવત્સર’, ‘અનુવત્સર’ અને ‘ઈદવત્સર’ છે. આમાં ફક્ત યુગનો પ્રારંભ (સંવત્સરનો પ્રથમ દિવસ) ધનિષ્ઠામાં સૂર્યચંદ્રની યુતિ સાથે ગણાતો અને ત્યારબાદનાં વર્ષો અનુક્રમે 355 દિવસ (સંવત્સર), 354 દિવસ (પરિવત્સર), 384 દિવસ (ઈદાવત્સર), 354 દિવસ (અનુવત્સર) અને 383 દિવસ (ઈદવત્સર) – એ પ્રકારે ગણાતા. આ રીતે એક યુગમાં થતા કુલ 1830 દિવસ અનુસાર સરેરાશ વર્ષની અવધિ 366 દિવસ થાય. આ દર્શાવે છે કે વૈદિક તિથિપત્ર, યુગપદ્ધતિ વાપરીને, 29.5 દિવસના એક એવા બાર તિથિચક્રોનું ચાંદ્રવર્ષ (354 દિવસનું) અને 366 દિવસનું એક એવા સૌર વર્ષ વચ્ચે, યુગના પાંચ સંવત્સરોમાં બે અધિક માસ (ઈદાવત્સર અને ઈદવત્સરમાં) ઉમેરીને તાલ મેળવતું તિથિપત્ર હતું. આમ આપણા વિક્રમ અને શક સંવત્સર અનુસારની વર્ષગણતરીમાં પ્રસંગોપાત્ત, અધિક માસ ઉમેરવાની જે પદ્ધતિ છે, તેની શરૂઆત વૈદિક સમયથી થયેલ જણાય છે. સાથે સાથે જાણવાનું કે, હાલમાં અપનાવાયેલ અધિક માસ માટેનો નિયમ સૂર્યની રાશિસંક્રાંતિ અનુસાર છે, જે વૈદિક જ્યોતિષના સમય બાદ અને આજથી આશરે 2000 વર્ષ પહેલાં, વેદાંગ જ્યોતિષને બદલે સિદ્ધાંત જ્યોતિષ અપનાવાયું ત્યારથી અમલમાં છે. આ પદ્ધતિ અનુસાર જે માસ દરમિયાન સૂર્ય બે રાશિનું સંક્રમણ કરે તો તેમાં પ્રથમ સંક્રમણને અધિક માસ કહેવાય છે.
જે રીતે ચંદ્ર અને સૂર્ય ધનિષ્ઠા નક્ષત્રમાં સાથે થાય ત્યારે પાંચ સંવત્સરોનો યુગ શરૂ થતો મનાતો હતો. તે રીતે જ્યારે ગુરુ, ચંદ્ર અને સૂર્ય – આ ત્રણેય એકસાથે ધનિષ્ઠા નક્ષત્રમાં હોય ત્યારે એક વધુ મોટો બૃહસ્પતિ યુગ શરૂ થતો મનાતો. ગુરુનું નક્ષત્રભ્રમણ-ચક્ર 12 વર્ષનું હોવાથી, આ પ્રકારની ઘટના લગભગ 12 x 5 = 60 વર્ષે સર્જાતી રહેતી જણાતી. આમ જે 60 સંવત્સરોનું ચક્ર સર્જાય તે દરેક સંવત્સરને આગવું નામ અપાયું છે. ‘પ્રભવ સંવત્સર’ નામથી શરૂ થતું આ ચક્ર ‘ક્ષય’ નામના સંવત્સરથી સમાપ્ત થાય છે. આ સંવત્સર ચક્ર અનુસાર વિ. સં. 2061, તે ‘દુર્મુખ’ સંવત્સર છે.
જૈન જ્યોતિષમાં પણ એક યુગના પાંચ સંવત્સર માનેલા છે; પરંતુ તેમાં અધિક માસ નહિ ધરાવતા ત્રણ સંવત્સરોને ચાંદ્ર સંવત્સર અને જે બે સંવત્સરોમાં અધિક માસ આવે તેને અભિવર્ધિત સંવત્સર કહ્યા છે. ઉપરાંત ઋતુચક્ર અનુસારના 366 દિવસના સંવત્સર(સૌર સંવત્સર)ને ઋતુસંવત્સર અથવા સાવન સંવત્સર કહેલ છે. એક અન્ય સંવત્સર-નક્ષત્ર સંવત્સર ચંદ્રના નક્ષત્રગણ-સંદર્ભે 12 ભ્રમણ જેટલો (~ 328 દિવસનો) મનાય છે; પરંતુ વ્યવહારમાં ઉપયોગી નથી. (સૌર સંવત્સર જે વાસ્તવિક 365.25 દિવસનો થાય તે આ સમયમાં 366 દિવસનો મનાતો હતો એમ જણાય છે.)
જ્યોતીન્દ્ર ન. દેસાઈ