સંલગ્નતા (affiliation)
January, 2007
સંલગ્નતા (affiliation) : મૈત્રીપૂર્ણ જૂથમાં જોડાઈને તેમાં ભાગ લેવાનું, (બને ત્યાં સુધી સરખી વયના) અન્ય લોકો સાથે મૈત્રીપૂર્ણ સહચાર સાધવાનું અને બને તેટલા વધારે મિત્રો બનાવીને તેમને ચાહવાનું અને વફાદાર રહેવાનું મનોવલણ.
આ પ્રેરણા અન્ય લોકો સાથે થતા અનુભવોમાંથી ઉદ્ભવે છે અને ધીમે ધીમે વ્યક્તિમાં વિકસતી જાય છે. તેથી એને સંપાદિત (અનુભવજન્ય) અને સામાજિક પ્રેરણા ગણવામાં આવે છે.
માણસો મોટેભાગે અન્ય લોકો સાથે હળવામળવાનું અને એક કે બીજા જૂથમાં જોડાવાનું પસંદ કરે છે. માણસોનો જાગ્રત અવસ્થાનો મોટો સમય કુટુંબીઓ, મિત્રો, પડોશીઓ, જ્ઞાતિજનો, મંડળના સભ્યો, સહપાઠીઓ કે સહકર્મીઓ સાથે પસાર થાય છે. શિક્ષિતો અને નગરજનો માટે તો રોજની જીવનપ્રવૃત્તિઓમાં, વ્યવસાયનાં કાર્યોમાં અને મનોરંજક પ્રવૃત્તિઓ દરમિયાન ભેગા થવાની તકો ઊભી થતી જ રહે છે; પણ અશિક્ષિતોના મહોલ્લાઓમાં, ઓછી વસ્તીવાળાં ગામડાંમાં અને દૂરના આદિમ/વનવિસ્તારોમાં પણ માણસ અન્ય લોકોનો સાથ શોધતો જ રહે છે. ભેગાં થવા માટે કોઈનો આગ્રહ કે કોઈ દબાણ ન હોય ત્યારે પણ લોકો બીજાઓની પાસે જઈ તેમની ચાલુ પ્રવૃત્તિઓમાં જોડાઈ જતા હોય છે.
સંલગ્નતાની આ પ્રેરણા શિશુ-અવસ્થાના અને શરૂઆતના બાળપણના અનુભવોમાંથી વિકસે છે. માનવ-શિશુ પોતાની ભૂખ, સલામતી અને બીજી મહત્ત્વની જરૂરિયાતોને સંતોષવા માટે અન્ય વ્યક્તિઓ ઉપર આધાર રાખતું થાય છે. આશરે છ વર્ષની વય સુધી તેનું સુખચેન માતાપિતા વડે લેવાતી સંભાળ પર અવલંબે છે; તેથી એ સમયગાળા દરમિયાન પોતાની પાસે માતાપિતા, વડીલ, કે અન્ય સહાનુભૂતિવાળી વ્યક્તિ હાજર હોય અને તે પોતાને મદદ કરે, ટેકો આપે, એવું બાળક ઇચ્છતું હોય છે. બાળક પણ એમની નજીક રહેવાનો પ્રયત્ન કરે છે. સામાન્ય રીતે માણસની ઉંમર વધે તે સાથે તેની આ સંલગ્નતા, સમર્થન કે અધીનતાની પ્રેરણા મંદ પડતી જાય છે; પણ તે પુખ્ત વયે પણ પૂરેપૂરી દૂર થતી નથી.
જ્યારે અન્ય લોકો સાથે જોડાવાની પ્રેરણા સંતોષાય ત્યારે વ્યક્તિ પ્રસન્ન રહે છે. જો તે લાંબા સમય સુધી જૂથમાં જોડાઈ ન શકે અથવા જોડાવાના પ્રયત્નો કરવા છતાં નિષ્ફળ જાય તો તે ખૂબ હતાશ અને ઉત્તેજિત કે ખિન્ન બને છે. જૂથમાં સંલગ્ન બનવાના કેટલીક વ્યક્તિઓના પ્રયત્નોની જૂથના બીજા સભ્યો ઉપેક્ષા કરે છે. ‘એ વ્યક્તિમાં જૂથમાં જોડાવા માટેનાં લક્ષણો કે લાયકાત નથી’ અથવા ‘એ વ્યક્તિ પારકા, અસ્વીકાર્ય જૂથની છે’ એવાં કારણો દર્શાવીને એના તરફ પૂર્વગ્રહ રખાય છે. કેટલીક વાર તો તીવ્ર પૂર્વગ્રહને લીધે જૂથ એ વ્યક્તિનો બહિષ્કાર પણ કરે અને લગ્ન કે જન્મદિનની ઉજવણીમાં, કેળવણીની કે વ્યવસાયની સંસ્થામાં પ્રવેશ આપતી વખતે કે જૂથના કાર્યક્રમોમાં તેની હાજરી ઉપર પ્રતિબંધ પણ મૂકે.
જ્યારે જૂથમાં સંલગ્ન બનવા માગતી વ્યક્તિનો અન્ય લોકો ત્યાગ કરે ત્યારે એ વ્યક્તિ ઘણી વાર પોતાની આસપાસ બનતી સામાજિક ઘટનાઓ ઉપર વધારે ઝીણવટથી ધ્યાન આપવા માંડે છે. આમ સામાજિક સંપર્કો માટેની તેની વણસંતોષાયેલી ભૂખ તેને સામાજિક સંકેતો પ્રત્યે વધારે સંવેદનશીલ બનાવે છે.
સંલગ્નતાની પ્રેરણા જટિલ છે. તેમાં વિવિધ પ્રેરણાઓનો સમાવેશ થાય છે. એમાં પ્રગટ સ્વરૂપે ઉદ્દીપન મેળવવાની પ્રેરણા રહેલી છે, જેને લીધે વ્યક્તિ બીજાઓ પાસેથી સામાજિક ઉદ્દીપન મેળવવાના પ્રયત્ન કરે છે. તે સામાજિક પરિસ્થિતિમાં દાખલ થઈને અન્ય લોકો પાસેથી ઉદ્દીપન મેળવે છે. સંલગ્નતામાં અપ્રગટ રૂપે સમર્થન મેળવવાની પ્રેરણા હોય છે. એ માટે માણસ અન્ય લોકો સાથે ગાઢ સંબંધો કેળવીને તેમની પાસેથી સામાજિક ટેકો મેળવવાનો પ્રયત્ન કરે છે.
ઉપરાંત સંલગ્નતામાં ધ્યાન ખેંચવાની અને સામાજિક તુલના કરવાની પ્રેરણાનો પણ સમાવેશ થાય છે. ધ્યાન મેળવવા માટે પ્રેરાયેલ વ્યક્તિ એવું વર્તન કરે છે, જેને લીધે બીજાઓ તેના તરફ ધ્યાન આપે, તેને સંમતિ આપે અને તેનાં વખાણ કરે. સામાજિક તુલનાની જરૂરિયાતને લીધે વ્યક્તિ આફત આવી પડે ત્યારે બીજા લોકો સાથે આંતરક્રિયા કરીને તે વડે તેમનાં આફત પ્રત્યેનાં મનોવલણોનું જ્ઞાન મેળવે છે અને એને અંગે પોતાની અસ્પષ્ટતાઓ અને ગેરસમજોને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. વળી તે પોતાનાં અને બીજા લોકોનાં મંતવ્યો, હકો, ભૂમિકાઓ અને મોભાની સરખામણી કરવા માગે છે. સંલગ્નતાની જરૂરિયાતમાં કેટલેક અંશે ભય અને ચિંતા પણ ઘટક હોય છે. (જેમ કે, ‘જો હું જૂથસંલગ્ન નહિ રહું તો જ્યારે મારી સલામતીને પડકાર થશે ત્યારે કોઈ મારી મદદે નહિ આવે.’)
પોતાની સંલગ્નતાની જરૂરિયાત કેટલાક લોકોને પુરસ્કારરૂપ, તો બીજાઓને સજારૂપ લાગે છે. બાળપણ સુધી તે આશીર્વાદરૂપ હોય છે, પણ વ્યક્તિ તરુણ કે યુવાન થાય ત્યારે તેનામાં સ્વતંત્ર થવાની જરૂરિયાત તીવ્ર બનતી જાય છે. તે એક તરફ સ્વતંત્ર વ્યક્તિ તરીકે પોતાના પગ ઉપર જ ઊભી રહેવા માગે છે તો બીજી તરફ તે વડીલોને અધીન થવાનું કે જૂથસંલગ્નતાને તદ્દન છોડવા તૈયાર હોતી નથી ‘તમે મારી પ્રવૃત્તિઓને સ્વીકારો અને તેને ટેકો આપો’ અને સાથે જ ‘હું મારું ફોડી લઈશ’ એવા વિરોધી વિચારો વચ્ચે તે અટવાય છે. તેનામાં સ્વાતંત્ર્યની અને સંલગ્નતાની પ્રેરણાઓ વચ્ચે સંઘર્ષ ઊપજે છે. સંલગ્નતા અને સ્વાતંત્ર્ય વચ્ચે શી રીતે મેળ બેસાડવો તે એને સમજાતું નથી.
સંલગ્નતાની જરૂરિયાતની તીવ્રતા પરિસ્થિતિના વર્ણન વડે મપાય છે. વ્યક્તિ અન્ય લોકોની સાથે કે એકલી રહેવાનું પસંદ કરે છે અને તે કેવા સંજોગોમાં સંગાથ શોધવા પ્રયત્ન કરે છે તે નોંધવામાં આવે છે. એ માટે આત્મનિવેદન અને પ્રક્ષેપણ એ બે પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. આત્મનિવેદન-પદ્ધતિમાં ‘હું લોકો સાથે કેમ જોડાવા ઇચ્છું છું’ કે ‘જૂથ સાથે સંલગ્ન થઈને હું કઈ પ્રવૃત્તિઓ કરવા માગું છું’ એવા પ્રશ્નો વિશે વ્યક્તિ જણાવે છે. સંલગ્નતા વિશેનાં તૈયાર કથનો પોતાને લાગુ પડે તો ‘હા’, નહીંતર ‘ના’ કહેવાનું હોય છે. પ્રક્ષેપણ-પદ્ધતિમાં ટીએટી જેવાં ચિત્રો દર્શાવીને વાર્તા રચવાનું કહીને સંલગ્નતા સાથે સંકળાયેલી વ્યક્તિની અર્ધચેતન અને અંતર્ગત પ્રેરણાઓને શોધવામાં આવે છે.
હાલના ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણથી પ્રભાવિત જનજીવનમાં લોકોનું સંલગ્ન-વર્તન ઘટતું જાય છે. પહેલાંની પેઢીઓ કરતાં આપણી પેઢીની વ્યક્તિઓ અન્ય વ્યક્તિઓ સાથે જૂથમાં ઓછી ભળે છે અને ઓછી આંતરક્રિયા કરે છે. લોકો વધારે વ્યક્તિવાદી અને આત્મકેન્દ્રી બનતા જાય છે અને પોતાના જૂથના કે સમાજના પ્રશ્નોમાં ઓછી નિસબત (concern) અને ઓછો રસ દર્શાવે છે, જે વ્યક્તિને તેમજ સમાજને માટે હાનિકારક છે.
સંલગ્નતાની તીવ્રતામાં વ્યક્તિઓ વચ્ચે તફાવત હોય છે. વ્યક્તિ પોતાને માટે લાભકારક હોય એટલા પ્રમાણમાં સમાજસંપર્કોને જાળવી રાખે છે; તે થોડે અંશે સમાજસંલગ્ન અને થોડે અંશે અળગો રહે છે. જ્યારે માણસને તેના વિધાયક વલણ અને સહકાર માટે વખાણવામાં આવે ત્યારે તે વધુ સંલગ્ન બનીને વધુ સારી રીતે કાર્ય કરે છે.
સંશોધનો દર્શાવે છે કે સંલગ્નતાની તીવ્ર જરૂરિયાતવાળી વ્યક્તિમાં આ લક્ષણો હોય છે : (1) તે મિત્રોનો અને બીજા લોકોનો સંગાથ શોધે છે, જાળવે છે અને માણે છે. (2) તે બીજા લોકોનો તરત સ્વીકાર કરે છે. (3) તે વધુ ને વધુ મિત્રો બનાવવાનો પ્રયત્ન કરે છે. (4) તે સામાજિક અનુમતિ(consent)ને પસંદ કરે છે. (5) પોતાના સહાયક તરીકે તે મિત્રોને પસંદ કરે છે. (6) તે એવું કાર્ય હાથમાં લે છે, જેમાં તેને મૈત્રી-સંબંધો વિકસાવવાની છૂટ હોય, અને સહકારયુક્ત પર્યાવરણ હોય. (7) તે દિવસ દરમિયાન વધુમાં વધુ વ્યક્તિઓને મળે છે, પત્રો લખે છે કે ટેલિફોન કરે છે. (8) તે બીજા લોકોથી ઓછું ભૌતિક અંતર રાખે છે. (9) શક્ય હોય ત્યાં સુધી તે લોકો ઉપર નકારાત્મક ટિપ્પણ (comment) કરવાનું ટાળે છે. (10) તે અન્ય વ્યક્તિ સાથે વધુ આવેગાત્મક સંબંધ બાંધે છે. (11) બીજા લોકો તેને મળતાવડો અને ઉત્સાહી ગણે છે. (12) લોકો પોતાને સમજે અને ગાઢ સંબંધ બાંધે તેથી તે ખુશ થાય છે. (13) તે મુશ્કેલીમાં આવી પડેલા લોકોને આશ્વાસન આપવા અને મદદ કરવા તૈયાર હોય છે. (14) મિત્રો સાથે રહેવાની તક મળતાં જ તે ઉત્તેજિત થાય છે.
સંલગ્નતા વ્યક્તિની બીજી જરૂરિયાતોને પણ સંતોષી શકે. લગ્ન-સંબંધનો આધાર ભલે જાતીયતાયુક્ત પ્રેમ ગણાતો હોય, લગ્ન વ્યક્તિની સંલગ્નતાની જરૂરિયાતને સંતોષતું હોવાથી લગ્નજીવન સફળ બને છે. એ જ રીતે અમુક ક્લબમાં કે સંપ્રદાયના મંડળમાં સંલગ્ન થવાથી મોભો મેળવવાની પ્રેરણા પણ સંતોષાય છે. સંલગ્નતા વ્યક્તિની અધીનતાની પ્રેરણાને પણ સંતોષે છે.
સંલગ્નતા વ્યક્તિગત અને કેટલાક પરિસ્થિતિગત ઘટકો ઉપર અવલંબે છે. કેટલાક માણસોનું વ્યક્તિત્વ જ એવું હોય છે કે તેમનામાં જૂથસંલગ્ન થવાની અને બીજાઓ ઉપર આધાર રાખવાની પ્રેરણા તીવ્ર બને છે. ભૌતિક સમીપતાને લીધે પણ સંલગ્નતા ઊપજે છે. આપણી પાસે રહેતા લોકો જોડે જોડાવાની આપણને ઇચ્છા થાય છે. વર્તમાનપત્રો કે ટેલિવિઝન જેવાં સંચાર-માધ્યમોના સંપર્કમાં રહેવાથી પણ સંલગ્નતા ઊપજે, વધે કે ઘટે છે. બસ, ટ્રેન વગેરેના સહપ્રવાસીઓમાં સંલગ્નતા ઊપજી શકે. જાહેર કાર્યક્રમો કે બનાવોમાં એકબીજાના સંપર્કમાં આવનારા અજાણ્યા લોકોમાં પણ એકબીજા પ્રત્યે સંલગ્નતા વિકસી શકે છે. કુદરતી કે માનવસર્જિત આફતોનો સામનો કરનારા લોકોમાં પણ સંલગ્નતા તીવ્ર બને છે. તેઓ એકબીજાનો સંગાથ શોધે છે, એકબીજાને મદદ કરી દિલાસો આપે છે. તે આપત્તિ વખતે બીજી ગમે તે વ્યક્તિ સાથે નહિ; પણ પોતાના જેવી જ પીડા ભોગવનારી વ્યક્તિઓ સાથે સંલગ્નતા અનુભવે છે. તે એમની સાથે વાતો કરી એમની પરિસ્થિતિ વિશેની સમજ અને પરિસ્થિતિ પ્રત્યેની આવેગ-પ્રતિક્રિયા જાણવાનો પ્રયત્ન કરે છે. આવી વાતચીતથી બંને સંલગ્ન વ્યક્તિઓને લાભ થાય છે.
સંલગ્નતા જીવનમાં વ્યાવહારિક મૂલ્ય ધરાવે છે. સંલગ્ન થનાર વ્યક્તિ પોતાની સામાજિક ભૂમિકાને વધુ સારી રીતે સમજે છે અને તેથી વ્યવહારોમાં કાર્યક્ષમ બને છે. તે પરાનુભૂતિ વડે લોકોને વધુ સારી રીતે સમજી શકે છે. તેથી તે માનવસંબંધોના નિષ્ણાત તરીકે સફળ થઈ શકે. સંલગ્નતા જૂથતાદાત્મ્ય અને તે દ્વારા જૂથમાં એકતા વિકસાવે છે. સંલગ્ન-વ્યક્તિ માનસિક સ્વાસ્થ્ય વધુ સારી રીતે જાળવી શકે. સંલગ્નતા વ્યક્તિમાં ખિન્નતા, હતાશા કે ચિંતા જેવી નકારાત્મક ક્રિયાઓ થતી રોકે છે. તે વિચારોને વિધાયક અને દૃષ્ટિકોણને વિસ્તૃત બનાવે છે; પણ સંલગ્ન-વ્યક્તિનું વર્તન વધુ પડતું જૂથ-અનુરૂપ બને છે. તે કર્તાને બદલે અનુકર્તા (અનુસરણ કરનાર) બને છે. સંલગ્નતા પારકા જૂથ પ્રત્યે પૂર્વગ્રહ ઉપજાવી શકે. મૈત્રીસંબંધો ઉપર વધારે ભાર મૂકવાથી તે અસરકારક કાર્ય કરવામાં બાધક બની શકે.
ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે