સંભાજી (શંભુજી) (જ. 1657, મહારાષ્ટ્ર; અ. 11 માર્ચ 1689, કોરેગાંવ) : છત્રપતિ શિવાજીનો જ્યેષ્ઠ પુત્ર. શિવાજી સાથે ઔરંગઝેબના દરબારમાં તે આગ્રા ગયો હતો અને શિવાજી તેને લઈને નાસી આવ્યો હતો. ત્યારબાદ થયેલ સંધિ મુજબ ઔરંગાબાદમાં દખ્ખણની મુઘલ છાવણીમાં તેને મોકલવામાં આવ્યો હતો. મુઘલ સરકારમાં ઉત્કર્ષની લાલચનો ભોગ બની મુઘલ સેનાપતિ દિલિરખાનને તે મળ્યો; પરંતુ તેની સાથે અણબનાવ થતાં પન્હાલા પાછો ફર્યો. શિવાજીના માણસો તેને સમજાવીને પન્હાલા લઈ ગયા. ત્યાં તેને કેદી તરીકે રાખ્યો. શિવાજીનું અવસાન થતાં સોયરાબાઈએ, શિવાજીના બીજા પુત્ર રાજારામને રાયગઢમાં ગાદીએ બેસાડ્યો. સંભાજીને આ સમાચાર મળતાં પન્હાલાના કિલ્લેદારને મારી નાખી, પોતાને રાજા જાહેર કરી, પ્રદેશો કબજે કર્યા. રાયગઢ કબજે કરી, 16 જાન્યુઆરી 1681ના રોજ પોતાનો રાજ્યાભિષેક કરાવ્યો. રાજારામની માતા સોયરાબાઈ પર તેના પતિ શિવાજીને ઝેર આપવાનો આરોપ મૂકી, મારી નાખવામાં આવી. સોયરાબાઈના પિતૃપક્ષના શિરકે કુટુંબના સભ્યોની તેણે હત્યા કરાવી. તેના શાસન દરમિયાન કાવતરાં અને બળવા ચાલુ રહ્યાં. રાજ્યને વફાદાર અને મહત્ત્વના હોદ્દા પરના સેવકો પર શંકા લાવીને તેમને પદભ્રષ્ટ કર્યા. ઉત્તરપ્રદેશના એક વિદ્વાન બ્રાહ્મણ કવિ-કલશ પર તેને આંધળો વિશ્વાસ હતો. તેને મુખ્યમંત્રી નીમ્યો. સંભાજી શરાબ અને સ્ત્રીઓ પાછળ સમય બગાડતો.
ઔરંગઝેબના પુત્ર અકબરે પિતા સામે બળવો કર્યો અને દખ્ખણમાં ગયો ત્યારે સંભાજીએ તેને આશ્રય આપ્યો. તેને કારણે મુઘલો સાથે લડાઈ થઈ. સંભાજીએ જંજીરાના સિદીઓ ઉપર આક્રમણ કર્યું; પરંતુ મુઘલોનો હુમલો થવાથી, નુકસાન અને પરાજય વેઠીને રાયગઢ પાછા જવું પડ્યું. તેણે પોર્ટુગીઝો પર હુમલો કર્યો. તેને થોડા વિજયો મળ્યા પણ તેમના કિલ્લાને જીતી શક્યો નહિ. સંભાજી અને અકબરે ઉત્તર ભારત પર ચડાઈ કરવાની યોજનાની સપ્ટેમ્બર, 1682થી 1685 સુધી ચર્ચાઓ કરી; પરંતુ તેનું પરિણામ આવ્યું નહિ. તે સમયે ઔરંગઝેબ તેના વિશાળ લશ્કર સાથે દખ્ખણમાં હોવાથી મહારાષ્ટ્રનું રક્ષણ કરવું આવદૃશ્યક હતું. તેથી સંભાજીને અકબરની યોજનામાં રસ ન હતો. છેવટે ફેબ્રુઆરી 1687માં અકબર ઈરાન જતો રહ્યો. ઔરંગઝેબે બિજાપુર અને ગોલકોંડા પર ચડાઈ કરી ત્યારે સંભાજીએ તે રાજ્યોને મદદ કરી નહિ કે તે તકનો લાભ લઈ પોતાની સ્થિતિ સુધારી નહિ. સંગમેશ્વર(કોંકણ)માં તે વિલાસી જીવન વિતાવતો હતો ત્યારે 1 ફેબ્રુઆરી, 1689ના રોજ એક મુઘલ અધિકારીએ કવિ-કલશ અને બીજા અધિકારીઓ સહિત સંભાજીને કેદ કર્યો અને તેની અને કવિ-કલશની ખૂબ દુ:ખ દઈને ક્રૂર હત્યા કરવામાં આવી.
જયકુમાર ર. શુક્લ