સંભલ (Sambhal) જિલ્લો : ઉત્તરપ્રદેશ રાજ્યના મોરાદાબાદ વિભાગમાં આવેલો જિલ્લો.

ભૌગોલિક સ્થાન : તે 28 59´ ઉ. અ. અને 78 57´ પૂ. રે. પર આવેલ છે. આ જિલ્લાની ઉત્તરે અમરોહા જિલ્લો, પૂર્વે બીજનોર અને જ્યોતિફૂલે નગર જિલ્લો, દક્ષિણે ગાઝિયાબાદ જિલ્લો અને ગૌતમબુદ્ધનગર જિલ્લો તેમજ પશ્ચિમે બાઘપત જિલ્લો સીમા રૂપે આવેલા છે. આ જિલ્લો સમુદ્રસપાટીથી આશરે 203 મીટર ઊંચાઈ ધરાવે છે.

ભૂપૃષ્ઠ – આબોહવા : આ જિલ્લો સમતળ સપાટ ફળદ્રૂપ મેદાની વિસ્તાર ધરાવે છે. આ જિલ્લાની પૂર્વે ગંગા અને પશ્ચિમે હિન્ડોન નદીઓ કુદરતી સીમા નિર્માણ કરે છે. આ જિલ્લામાં જંગલો આવેલાં નથી.

આ જિલ્લાની આબોહવા પ્રમાણમાં ગરમ હોય છે. ઉનાળાનું સરેરાશ તાપમાન 25 સે.થી 46 સે. રહે છે. તેમાં પણ મે અને જૂન માસનું તાપમાન 40 સે.થી 46 સે.ની આજુબાજુ રહે છે. શિયાળાનું તાપમાન આશરે 5 સે. કરતાં પણ નીચું રહે છે. આ ગાળામાં વાતાવરણ ઠંડું અને ધુમ્મસવાળું રહે છે. વર્ષાઋતુ જૂનથી સપ્ટેમ્બર માસના ગાળામાં અનુભવાય છે. વરસાદ આશરે 900થી 1000 મિમી. જેટલો પડે છે.

અર્થતંત્ર – પરિવહન : આ જિલ્લાનું અર્થતંત્ર ખેતી ઉપર અવલંબિત છે. મોટા ભાગની વસ્તી ખેતપ્રવૃત્તિ સાથે સંકળાયેલી છે. મુખ્ય ખેતીકીય પાકોમાં ડાંગર, ઘઉં, બટાટા, શેરડી અને કઠોળ છે. બાગાયતી ખેતી અને પશુપાલનની પ્રવૃત્તિ પણ ખેતી સાથે સંકળાયેલી છે. આ જિલ્લો દક્ષિણ એશિયામાં સૌથી વધુ ફૂદીના(menthol)નું ઉત્પાદન મેળવે છે. આ ફૂદીનાના તેલનું મહત્ત્વનું બજાર પશ્ચિમ યુરોપના દેશો અને ચીન છે. આ જિલ્લામાં મકાન-બાંધકામ માટે ઉપયોગમાં લેવાતી ઈંટોનું મહત્તમ ઉત્પાદન થાય છે. અહીં થોડીઘણી ફૅક્ટરીઓ ઊભી થઈ છે તે મોટે ભાગે ખેતપેદાશો પર આધારિત છે. જેમાં ખાંડનાં કારખાનાં, ડેરીપેદાશો, રાઇસમિલ, ચર્મઉદ્યોગો, ખાદ્યપ્રક્રમણ વગેરે આવેલાં છે.

આ જિલ્લામાંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 24, 93 પસાર થાય છે. આ સિવાય રાજ્યના ધોરી માર્ગો અને જિલ્લા માર્ગો પણ પસાર થાય છે. આ જિલ્લાનું જિલ્લામથક બાહજોઈ(Bahjoi) છે. બધા માર્ગો આ જિલ્લામથક સાથે સંકળાયેલા છે. રેલમાર્ગો પણ પસાર થાય છે. સંભલ શહેર એ રેલવેનું મોટું જંકશન છે. આ રેલમાર્ગ માલસામાન અને મુસાફરોની હેરફેર માટે મહત્ત્વનો ફાળો આપે છે.

વસ્તી : આ જિલ્લાનો વિસ્તાર 2453.30 ચોકિમી. છે. જિલ્લાની વસ્તી (2025 મુજબ) આશરે 27,24,736 છે. સાક્ષરતાનું પ્રમાણ 55% જ્યારે સેક્સ રેશિયો 1000 પુરુષોએ 889 મહિલાઓ છે. શહેરી વિસ્તાર આશરે 21.29% છે. પછાત જાતિનું પ્રમાણ 16.56% છે. અહીં બોલાતી મુખ્ય ભાષા હિન્દી (80.90%) છે. આ સિવાય ઉર્દૂ ભાષા (18.57%) બોલાય છે. ખડી ભાષાનો ઉપયોગ ગ્રામ્ય વિસ્તારમાં થાય છે. આ સિવાય અંગ્રેજી, પંજાબી ભાષા પણ બોલાય છે. વસ્તીગીચતા દર ચોકિમી.એ 940 જેટલી છે. હિન્દુઓની વસ્તી 66.66% જ્યારે મુસ્લિમ 32.88% છે. ક્રિશ્ચિયનોની વસ્તી 0.1% છે. વહીવટી સુગમતા માટે જિલ્લાને સંભલ, ચંદાઉન્સી અને ગુન્નુર એમ ત્રણ તાલુકામાં વહેંચવામાં આવેલ છે. આ જિલ્લામાં 993 ગામડાં આવેલાં છે. જોવાલાયક સ્થળોમાં કાલકી મંદિર, શાહી જામા મસ્જિદ તેમજ જૂના કિલ્લાઓ આવેલા છે, જે મોટે ભાગે ખંડેર સ્વરૂપે છે. જિલ્લામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કૉલેજો પણ આવેલી છે.

રાજ્ય સરકારે નવા સંભલ જિલ્લાની જાહેરાત 28 સપ્ટેમ્બર, 2011ના રોજ કરી હતી. ત્યારબાદ રાજ્ય સરકારે 23 જુલાઈ, 2012ના રોજ મોરાદાબાદ જિલ્લામાંથી નવા ત્રણ જિલ્લા જાહેર કર્યા તેમાંનો આ એક સંભલ જિલ્લો છે. પ્રારંભમાં ભીમરાવ આંબેડકરને લક્ષમાં રાખીને આ જિલ્લાનું નામ ભીમરાવનગર જિલ્લો જાહેર કર્યો હતો.

સંભલ (શહેર) : સંભલ જિલ્લાનું મુખ્ય શહેર. તે 28 58´ ઉ. અ. અને 78 55´ પૂ. રે. પર સ્થિત છે. સમુદ્રસપાટીથી આશરે 203 મીટર ઊંચાઈએ આવેલું છે. આ શહેર સિંધુ-ગંગાના મેદાની પ્રદેશમાં આવેલું હોવાથી તે સપાટ અને ફળદ્રૂપ મેદાની વિસ્તાર ધરાવે છે. આ શહેરની પૂર્વે ગંગા અને પશ્ચિમે હિન્ડોન નદી આવેલી છે. આ શહેરમાં શિયાળો, વસંત, ઉનાળો, વર્ષાઋતુ અને પાનખર ઋતુ અનુભવાય છે. ઉનાળાનું સરેરાશ તાપમાન 40 સે. અને શિયાળામાં 5 સે. જેટલું રહે છે. સમગ્ર વર્ષ દરમિયાન પ્રાપ્ત પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળી રહે છે. વર્ષ દરમિયાન વરસાદ આશરે 900 મિમી. જેટલો પડે છે.

આ શહેરનો વેપાર-વણજ ખેતપેદાશો અને તેની સાથે સંકળાયેલી ફૅક્ટરીઓ ઉપર રહેલો છે. ઘઉં, ડાંગર, શેરડી અને મેન્થોલ પેદાશોનો જથ્થાબંધ અને છૂટક વ્યાપાર મહત્ત્વનો છે. મેન્થોલ તેલ/અર્કનું સૌથી મોટું બજાર દક્ષિણ એશિયાના દેશો છે. શહેરના સરાઈ-તરીન વિસ્તારમાં શિંગડાં અને હાડકાંમાંથી બનાવાયેલી કલાત્મક કોતરકામવાળી ચીજવસ્તુઓનું મોટું બજાર છે. આ સિવાય ખાંડનાં કારખાનાં, હાથવણાટ કાપડનાં કેન્દ્રો, કેલિકો પ્રિન્ટિંગના એકમો આવેલા છે. આ શહેરમાં આજુબાજુના વિસ્તારમાં બાગાયતી ખેતીને વધુ પ્રાધાન્ય અપાય છે. આ શહેરનો વિકાસ થાય તે માટે પ્રવાસન ઉદ્યોગના કેન્દ્રોને વિકસાવવામાં આવ્યા છે.

આ શહેરમાં શહેરીજનો અને માલસામાનની હેરફેર માટેની સગવડ સારી છે. માર્ગ પરિવહન માટે રાજ્યની અને જિલ્લાની બસો ઉપલબ્ધ છે. આ સિવાય ‘ઉબેર’ની સેવા પણ છે. આ શહેર રેલમાર્ગનું મુખ્ય સ્ટેશન છે. મોટા ભાગની ટ્રેનો અહીં થોભે છે.

આ શહેરનો વિસ્તાર 16 ચોકિમી. છે. જ્યારે વસ્તી (2025 મુજબ) આશરે 3,21,000 છે. અહીં હિન્દુઓ કરતાં મુસ્લિમ વસ્તી અધિક છે. મુસ્લિમોની વસ્તી 77.67%, હિન્દુઓ 22%, ક્રિશ્ચિયન 0.12% જ્યારે શીખ 0.06% છે. વસ્તીગીચતા આશરે 11,433/ ચોકિમી. છે. અહીં સાક્ષરતાનું પ્રમાણ 49.51% જ્યારે સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ 908 મહિલાઓ છે. આ શહેરમાં ઉર્દૂ ભાષાનો ઉપયોગ કરનારાની ટકાવારી 70.75% જ્યારે હિન્દીનું પ્રમાણ 29.20% છે. ભારતમાં આ એક જ શહેર છે જ્યાં મહત્તમ લોકો ઉર્દૂ ભાષાનો ઉપયોગ કરે છે. જે એક રેકૉર્ડ સમાન છે. અહીં પ્રાથમિક શાળાથી કૉલેજ સુધીનું શિક્ષણ અપાય છે. જેમાં CBSE, ICSE, યુપી બોર્ડ અને મદરેસા બોર્ડ છે. યુપી. બોર્ડની મુખ્ય શાળા અલ-કદિર હાઈસ્કૂલ, હિન્દી ઇન્ટર-કૉલેજ, M.N.I. હાયરસેકન્ડરી હતીમ સરાઈ છે. જ્યારે મુખ્ય બે કૉલેજો કે જેમાં મહાત્મા ગાંધી મેમોરિયલ અનુસ્નાતક કૉલેજ અને ગવર્નમેન્ટ ડિગ્રી કૉલેજ આવેલી છે.

આ શહેરમાં જોવાલાયક સ્થળોમાં  કઈલા (Kaila) દેવી મંદિર, વિષ્ણુ મંદિર, મનોકામના મંદિર અને ઘંટાઘર માર્કેટ છે. આ સિવાય પાતેલેશ્વર શિવ મંદિર અને હનુમાનજી મંદિર, પંચમુખી મંદિર, સુલતાન ડાકુ કા કુરાન, અજમલ ચૉક, શેખ નાથન ખાનનો ગુંબજ, શાહી જામા મસ્જિદ, ગુર્જર ચૅરિટેબલ ભવન વગેરે આવેલાં છે.

નીતિન કોઠારી