સંભલ : ઉત્તરપ્રદેશ રાજ્યના મોરાદાબાદ જિલ્લામાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 28° 35´ ઉ. અ. અને 78° 33´ પૂ. રે..
પ્રાચીન વસાહતમાંથી વિકસેલા આ નગરનું મુસ્લિમ શાસન દરમિયાન વિશેષ મહત્ત્વ હતું. પંદરમી સદીના ઉત્તરાર્ધ અને સોળમી સદીના પૂર્વાર્ધ કાળ દરમિયાન સિકંદર લોદીના સમયમાં તે પ્રાંતીય પાટનગર હતું. પ્રાચીન કાળમાં આ સ્થળ કોટ નામથી ઓળખાતું હતું. અહીં એક વિસ્તૃત ટીંબો તથા ઇમારતોનાં ખંડિયેરો જોવા મળે છે. અહીંનાં જોવાલાયક સ્થળો પૈકી એક કિલ્લાની જર્જરિત દીવાલ પર પાષાણની મોટા કદની એક ઝૂલતી પાટ જોવા મળે છે. આ અંગે એક એવી લોકવાયકા પ્રવર્તે છે કે અલ્હા અને ઉદલના પિતરાઈ ભાઈ મલખાને તેને ઉછાળી હતી, આ બાબત મલખાનની તાકાતની સાબિતી પૂરી પાડે છે. આઈને-અકબરીમાં જેનો ઉલ્લેખ છે એવું એક વિષ્ણુમંદિર પણ જોવાલાયક છે, તેનો ભારતનાં અડસઠ તીર્થોમાં સમાવેશ થાય છે. અહીં ઓગણીસ જેટલા સ્નાનઘાટ પણ આવેલા છે.
આજે આ નગરમાં શિંગડાંમાંથી કલાત્મક ચીજવસ્તુઓ બનાવવાનો ઉદ્યોગ વિકસ્યો છે. તેમાં કાંસકા, રમકડાં તેમજ અન્ય ચીજોનો સમાવેશ થાય છે. આ નગરમાં ખાંડના એકમો અને હાથસાળનાં કેન્દ્રો તેમજ કાપડ રંગવાના એકમો આવેલાં છે. 1956માં અહીં હૉર્ન ડેવલપમેન્ટ સેન્ટર તથા 1972માં યુ. પી. સ્ટેટ બ્રાસ વેર કૉર્પોરેશન સ્થાપવામાં આવ્યાં છે. હાથીદાંતની ચીજવસ્તુઓ પણ બને છે. શિંગડાંની આયાત તથા બટાટા અને અહીં તૈયાર થતી વસ્તુઓની ભારતમાં તેમજ વિદેશોમાં નિકાસ થાય છે.
આ નગર જિલ્લામથક મોરાદાબાદ ખાતે પાકા રસ્તાથી જોડાયેલું છે, તે જ રીતે તે સૂરસી રેલમથક સાથે પણ સંકળાયેલું છે. આ નગર તેની આજુબાજુના વિસ્તાર માટેનું કૃષિપેદાશોનું વેપારીમથક બની રહેલું છે. વારતહેવારે અહીં હિન્દુ-મુસ્લિમ તહેવારોની ઉજવણી થાય છે તેમજ મેળા ભરાય છે.
નીતિન કોઠારી