સંપૂર્ણ સ્ફટિકમય કણરચના (holocrystalline texture)
January, 2007
સંપૂર્ણ સ્ફટિકમય કણરચના (holocrystalline texture) : ખનિજ સ્ફટિકોથી બનેલી કણરચના. જે ખડકમાંનાં ખનિજ ઘટકો સંપૂર્ણપણે સ્ફટિકોથી બનેલાં હોય એવા ખડકમાંની ખનિજ ગોઠવણીને સંપૂર્ણ સ્ફટિકમય કણરચના કહે છે; તેમ છતાં, આ પ્રકારની કણરચનાવાળા કેટલાક ખડકોમાં સ્ફટિકોની કિનારીઓ પાસાદાર ન પણ હોય, ખનિજ ઘટકો અંશત: દાણાદાર કે અંશત: મહાસ્ફટિકમય
(પૉર્ફિરિટિક) પણ હોય. આવા ખડકોમાં કાચમય દ્રવ્ય બિલકુલ હોતું નથી. આવી કણરચનાવાળા ખડકોમાં ક્યારેક મહાવિસ્ફોટકોનું થોડુંક પ્રમાણ હોય તો તે મિશ્ર પ્રકારની ‘સંપૂર્ણ સ્ફટિકમય – મહાસ્ફટિકમય’ કણરચના તરીકે ઓળખાય છે. અગ્નિકૃત ખડકો પૈકીના બધા જ અંત:કૃત ખડક પ્રકારો સંપૂર્ણ સ્ફટિકમય કણરચનાવાળા હોય છે; જેમ કે, ગ્રૅનાઇટ. મોટેભાગે ગ્રૅનાઇટ વધુ પ્રમાણમાં મળી આવતો હોવાથી તેમજ તેની કણરચના આ પ્રકારની હોવાથી ‘ગ્રૅનાઇટિક કણરચના’ તેના સમાનાર્થી પર્યાય તરીકે પણ ઉપયોગમાં લેવાય છે.
ગિરીશભાઈ પંડ્યા