સંપત, દ્વારકાદાસ (જ. 1884, જામખંભાળિયા, ગુજરાત; અ. 1958) : ચિત્રસર્જક. ભારતીય ચલચિત્ર-ઉદ્યોગનો વિકાસ કરવામાં પાયાનું યોગદાન આપનારાઓમાં દ્વારકાદાસ નારાયણદાસ સંપતનું નામ ભારતીય ચિત્રોના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે. ચલચિત્ર-કલાની તકનીક વિશે કંઈ ન જાણતા હોવા છતાં દ્વારકાદાસ સંપતને આ માધ્યમમાં વ્યાપક સંભાવનાઓ નજરે પડી હતી અને તેમણે પોતાની સૂઝબૂઝથી આ સંભાવનાઓને હકીકતમાં પલટી નાખી હતી. સંપતનો ચિત્રો સાથેનો નાતો દાદાસાહેબ ફાળકે કરતાં પણ જૂનો હતો. સંપતે છેક ઈ. સ. 1904માં એક પ્રોજેક્ટર ખરીદ્યું હતું. સાથે 15.24 મી.થી 18.3 મી.(પચાસ-સાઠ ફૂટ)ની લંબાઈ ધરાવતી ફિલ્મો પણ ખરીદી લાવ્યા હતા અને રાજકોટમાં તેનું મફત પ્રદર્શન કરતા હતા. પછી તો ધંધાર્થે મુંબઈ ગયા, પણ ચિત્રોનો જે ચસકો તેમને લાગ્યો હતો તે ધીમે ધીમે વળગણ બની ગયો હતો. મુંબઈની નાગદેવી સ્ટ્રીટમાં ફ્રેન્ડ્ઝ ઍન્ડ કંપની નામે તેમની મિલ જીનની પેઢી હતી. ચિત્રોનું તેમને એવું ઘેલું લાગ્યું હતું કે તેઓ આ ક્ષેત્રે પ્રવેશ માટે કંઈ પણ કરવા તૈયાર હતા, પણ તેમની મુશ્કેલી એ હતી કે તેમની પાસે પૈસા તો હતા પણ ચિત્રો અંગેની કોઈ તકનીકની જાણકારી નહોતી.
દાદાસાહેબ ફાળકેએ ‘રાજા હરિશ્ર્ચંદ્ર’નું નિર્માણ કર્યું એ પહેલાં ‘સાવિત્રી’ ચિત્ર બનાવવાનો નિષ્ફળ પ્રયાસ કરનાર એસ. એન. પાટણકર અને તેમના મિત્રોને સમય જતાં નાણાંની ભીડ પડી અને માત્ર નાણાંના અભાવે પાટણકર ચિત્રોને અલવિદા કરવાનું વિચારતા હતા ત્યારે તેમને નાણાકીય મદદ દ્વારકાદાસ સંપતે પૂરી પાડી હતી. એ જમાનામાં 25 હજાર રૂપિયા જેવી રકમ કાઢીને દ્વારકાદાસે પાટણકર તથા તેમના મિત્રો સાથે મળીને ‘પાટણકર ફ્રેન્ડ્ઝ ઍન્ડ કંપની’ની સ્થાપના કરી અને દાદર ખાતે સ્ટુડિયો ઊભો કર્યો. જોકે થોડા જ સમયમાં મતભેદો ઊભા થતાં એકાદ વર્ષ પછી તેઓ છૂટા પડ્યા. ‘પાટણકર ફ્રેન્ડ્ઝ ઍન્ડ કંપની’ બંધ થઈ પણ તે સાથે ભારતીય ચિત્રોનું એક નોખું પ્રકરણ આલેખતી ‘કોહિનૂર ફિલ્મ કંપની’ની સંપતે સ્થાપના કરી.
એ પહેલાં તેમણે જોકે કેટલાંક ચિત્રોનું નિર્માણ કર્યું હતું. દ્વારકાદાસ સંપત પોતે ગુજરાતી એટલે ફિલ્મોમાં ગુજરાતી માહોલ આવે એનો ખાસ આગ્રહ રાખતા. પાટણકર સાથે મતભેદ થવાનું આ પણ એક કારણ હતું. પાટણકર મોટાભાગનાં ચિત્રોમાં મરાઠી પરિવેશ રાખવાનું પસંદ કરતા. સ્ત્રીનું પાત્ર સ્ત્રી જ ભજવે એવું દૃઢપણે માનતા સંપત ‘કચ દેવયાની’ ચિત્ર માટે છેક કોલકાતા જઈને ઉષા અને ગુહી નામની બે યુવતીઓને લઈ આવ્યા હતા. સંપતે ગુજરાતી કથાનકો પરથી પણ ચિત્રો બનાવ્યાં હતાં. શરૂઆતનાં વર્ષોમાં તેઓ ફિલ્મ-ટેક્નિકની જાણકારી ધરાવતા નહોતા પણ તેમનામાં ગજબની સૂઝ હતી. પાટણકર સાથે તેઓ હતા એ દરમિયાન જ પડદા પર તેમણે પાત્રોને સંવાદ બોલતા કર્યાં હતાં. પાત્રો પડદા પર જે બોલતાં હોય તેનો અવાજ ભલે ન સંભળાય પણ તેઓ સંવાદ બોલી રહ્યાં છે એવું તો પ્રેક્ષકોને લાગવું જોઈએ એવું તેઓ માનતા. એ પહેલાં ચિત્રોમાં તમામ પાત્રો માત્ર મૂક અભિનય કરતાં પણ સંપત પ્રયોગને કારણે ચિત્રોને એક નવો આયામ મળ્યો હતો.
‘પાટણકર ફ્રેન્ડ્ઝ ઍન્ડ કંપની’માંથી છૂટા પડ્યા પછી સંપતે માણેકલાલ ભોગીલાલ પટેલ સાથે મળીને શરૂ કરેલી ‘કોહિનૂર ફિલ્મ કંપની’ના નેજા હેઠળ તેમણે ઈ. સ. 1919માં પ્રથમ ચિત્ર ‘સતી પાર્વતી’નું નિર્માણ કર્યું. સંપત આ વ્યવસાયમાં એક વેપારી તરીકે જ આવ્યા હતા, પણ અહીં આવ્યા બાદ માત્ર કમાણીની પરવા કર્યા વિના આ માધ્યમના વિકાસ માટે પોતાનાથી થઈ શકે એ બધા પ્રયાસ કર્યા હતા. એ વખતે દેશમાં વીજળીથી ચાલતું ફિલ્મપ્રિન્ટિંગ મશીન નહોતું. સંપતે વિદેશથી આવું મશીન આયાત કરીને પુણે પાસે લોનાવલા ખાતે દેશની પ્રથમ ફિલ્મ રસાયણશાળાની સ્થાપના કરી. 1919થી 1932 દરમિયાન સંપતે 100 જેટલાં ચિત્રો બનાવ્યાં હતાં. તે પૈકી ‘ભક્ત વિદુર’ (1921) જેવાં કેટલાંક ચિત્રોમાં અભિનય પણ કર્યો હતો. 1925માં તેમણે લક્ષ્મી ફિલ્મ કંપનીની સ્થાપના કરી હતી. તેનું સંચાલન તેમના પુત્ર રામદાસને સોંપ્યું હતું. મૂક ચિત્રોના યુગમાં સમય જતાં નામના મેળવનારા ઘણા સર્જકોએ કારકિર્દીનો પ્રારંભ સંપત સાથે કર્યો હતો જેમાં કાનજીભાઈ રાઠોડ, મણિલાલ જોશી, હોમી માસ્તર, ભવનાની, નંદલાલ જસવંતલાલ, દયારામ શાહ વગેરેનો સમાવેશ થાય છે.
હરસુખ થાનકી