સંન્યાસી : પ્રાચીન ભારતીય ધર્મશાસ્ત્રમાં બતાવેલી આશ્રમવ્યવસ્થા પ્રમાણે ચોથા આશ્રમમાં રહેનારી વ્યક્તિ. ધર્મશાસ્ત્રમાં મનુષ્યજીવનને ચાર વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે. પ્રથમ બ્રહ્મચર્યાશ્રમમાં બાળક માબાપ, કુટુંબ અને સમાજની સહાયથી વિદ્યા પ્રાપ્ત કરે છે. બીજા ગૃહસ્થાશ્રમમાં વિદ્યા પ્રાપ્ત કરેલો તરુણ લગ્ન કરી ગૃહસ્થ બની માબાપ, કુટુંબ અને સમાજનાં ઋણો ચૂકવવા પ્રયત્ન કરે છે. ત્રીજા વાનપ્રસ્થાશ્રમમાં પ્રૌઢ મનુષ્ય પોતાની ગૃહસ્થ તરીકેની જવાબદારીઓ સંતાનને સોંપી ઘરમાંથી વન તરફ જવાની તૈયારી કરે છે. છેલ્લા અને ચોથા સંન્યસ્તાશ્રમમાં સંસારનો ત્યાગ કરી દેવઋણ, મનુષ્ય એવા ઋષિઓનું ઋણ અને પિતૃઋણમાંથી મુક્ત થઈ વૃદ્ધ મનુષ્ય મોક્ષમાર્ગનો પ્રવાસ આરંભે છે. આ સામાન્ય મનુષ્ય માટેનો ક્રમ છે. જો જ્ઞાન અને વૈરાગ્ય અત્યંત તીવ્ર હોય તો બ્રહ્મચર્યાશ્રમમાંથી સીધા જ સંન્યસ્તાશ્રમમાં શંકરાચાર્યની જેમ જઈ શકાય છે; એટલું જ નહિ, જીવનમાં જે દિવસે વૈરાગ્ય તીવ્ર બને તે જ દિવસે સંન્યાસી બની શકાય છે. તેનો વિધિ એવો છે કે સંન્યાસના ઇચ્છુકે દેવ વગેરેના ઋણમાંથી મુક્ત થઈ પ્રાજાપત્ય હોમ અથવા આગ્નેયી ઇદૃષ્ટિ વિધિપૂર્વક કરી, કુટુંબીઓ, સ્વજનો અને ગ્રામજનોની રજા લઈ, સંન્યાસી ગુરુ પાસે શિખા અને સૂત્રનો ત્યાગ અગ્નિમાં કરી, ભગવાં પહેરી દંડ, કમંડલ વગેરે લઈ ગામની પ્રદક્ષિણા કરી પોતે મૃત છે એવી ભાવના કરી સંન્યાસદીક્ષા લઈ ત્યાંથી ચાલી નીકળવું.
સંન્યાસી માટે ધર્મશાસ્ત્રમાં ચોક્કસ નિયમો આપવામાં આવ્યા છે. તે મુજબ સંન્યાસીએ ગામની બહાર, વનમાં વૃક્ષ નીચે કે કોઈ દેવાલયમાં રહેવું. કોઈ પણ સ્થળે બેપાંચ દિવસોથી વધુ ન રહેવું. ફક્ત ચાતુર્માસમાં એક સ્થળે લાંબા સમય સુધી રહી શકાય. સંન્યાસીએ સ્થૂળ અગ્નિનો ત્યાગ કરી પ્રાણના અગ્નિમાં જ માનસિક હોમ કરવો. કૌપીન કાયમ ધારણ કરવું. પાસે મૃગચર્મનું આસન, પાણી ગાળવા માટે ગળણું, દંડ, કમંડલ વગેરે રાખવાં. ભિક્ષામાં વગર માંગ્યે જે મળે તેનો અથવા વનનાં ફળ, મૂળ, પાન વગેરેનો સ્વાદની લોલુપતા છોડી દિવસમાં એક જ વાર આહાર કરવો. નિત્ય પ્રવાસ કરવો. બધાંના સંગનો ત્યાગ કરવો. દૃષ્ટિપૂત પગલું ભરવું, વસ્ત્રપૂત પાણી પીવું, સત્યપૂત વાણી બોલવી અને મન:પૂત આચરણ કરવું. પોતાના વિદ્યામંત્ર અને દેવમૂર્તિ કોઈને આપવાં નહિ. ભગવાન નારાયણનું ધ્યાન, જપ, તપ અને યોગસાધના કરવાં. પ્રણવ અને વેદનો અભ્યાસ કરવો. અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, ક્ષમા, દયા, સંતોષ, આત્મરતિ, સમદૃષ્ટિ, સાચો વૈરાગ્ય, બ્રહ્મજ્ઞાન વગેરે ગુણો સંન્યાસીએ ગ્રહણ કરવા. દંભ, અહંકાર, ક્રોધ, નિંદા, પૈશુન્ય, લોભ, અસૂયા, રાગ, દ્વેષ, ઇચ્છા, અપેક્ષા વગેરે દોષોનો ત્યાગ કરવો. સંન્યાસી શાંત, દાન્ત, યતચિત્ત, જિતેન્દ્રિય, યોગી, ધ્યાની, મૌની અને આત્મજ્ઞાની હોવો ઘટે. મનોદંડ, વાગ્દંડ અને કાયદંડ – એ ત્રણ દંડવાળો જ સંન્યાસી હોવો જરૂરી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે જડ અને ચેતન એવા સર્વ પદાર્થોમાં એક જ આત્મા કે પરમાત્મા રહેલો છે એટલે કે સઘળું બ્રહ્મમય છે એનો અનુભવ કરનાર સાચો સંન્યાસી છે. આવો સંન્યાસી બધાં કર્મોમાંથી જ્ઞાન વડે મુક્ત થાય છે. જ્ઞાન થતાં સંન્યાસી જીવન્મુક્ત બને છે. એ પછી દેહમાંથી આત્મા મુક્ત થતાં બ્રહ્મમાં જ લીન થઈ જાય છે. આથી સંન્યાસીના દેહને અગ્નિદાહને બદલે જમીનમાં કે જળમાં સમાધિ આપવામાં આવે છે.
બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈદૃશ્ય – ત્રણેય વર્ણના લોકો સંન્યાસી બની શકે છે, પરંતુ કળિયુગમાં ક્ષત્રિય અને વૈદૃશ્ય માટે સંન્યાસી બનવા નિષેધ ધર્મશાસ્ત્રે કર્યો છે. એક દૃષ્ટિએ સંન્યાસીના ત્રણ પ્રકારો છે : (1) વેદસંન્યાસી, (2) કર્મસંન્યાસી અને (3) જ્ઞાનસંન્યાસી. વેદમાં લીન રહે તે વેદસંન્યાસી, કર્મના ફળનો ત્યાગ કરે તે કર્મસંન્યાસી અને પોતાના આત્મામાં જ લીન રહે તે જ્ઞાનસંન્યાસી છે. આ ત્રણેયમાં જ્ઞાનસંન્યાસી શ્રેષ્ઠ છે.
બીજી દૃષ્ટિએ સંન્યાસીના ચાર પ્રકારો છે : (1) કુટીચક, (2) બહૂદક, (3) હંસ અને (4) પરમહંસ. જે સંન્યસ્તાશ્રમનાં કર્મોને જ મુખ્ય માને તે કુટીચક સંન્યાસી છે. વળી જે સંન્યસ્તાશ્રમનાં કર્મોને ગૌણ માની જ્ઞાનને જ મુખ્ય માને તે બહૂદક સંન્યાસી છે. જે ફક્ત જ્ઞાન અને અભ્યાસમાં જ લીન રહે તે હંસ સંન્યાસી છે. જે સર્વ ક્રિયાઓનો ત્યાગ કરે અને તત્ત્વનો સાક્ષાત્કાર પામી ગયેલા હોય તે પરમહંસ સંન્યાસી છે. આ ચારેય પ્રકારના સંન્યાસીઓ ઉત્તરોત્તર ચઢિયાતા છે અને પરમહંસ તેમાં શ્રેષ્ઠ છે.
ત્રીજી દૃષ્ટિએ સંન્યાસીના દસ પ્રકારો છે : (1) તીર્થ, (2) આશ્રમ, (3) વન, (4) અરણ્ય, (5) ગિરિ, (6) પર્વત, (7) સાગર, (8) સરસ્વતી, (9) ભારતી અને (10) પુરી. તેમાં ત્રિવેણી-સંગમના તીર્થમાં તત્ત્વાર્થભાવથી સ્નાન કરે તે તીર્થસંન્યાસી છે. પ્રૌઢ, આશા વગરના અને યાતાયાત ના કરે તે આશ્રમસંન્યાસી છે. ઝરણાંઓથી સુંદર વનના પ્રદેશમાં આશા રાખ્યા વિના રહે તે વનસંન્યાસી છે. આનંદ આપનારું સઘળું છોડીને આનંદદાયક વનમાં રહે તે અરણ્યસંન્યાસી છે. ગંભીર, સ્થિર બુદ્ધિવાળો ગીતાના અભ્યાસમાં લીન એવો પર્વત પર રહે તે ગિરિસંન્યાસી છે. પ્રૌઢ અને સારનો પણ સાર જાણનાર જે ધ્યાન અને ધારણા કરી પર્વતની તળેટીમાં રહે તે પર્વતસંન્યાસી છે. જંગલની શ્રેષ્ઠ વસ્તુઓ સ્વીકારી સાગરની જેમ ગંભીર અને મર્યાદા ના ઓળંગે તે સાગરસંન્યાસી છે. સંસારસાગરમાં સારનો જાણકાર અને વેદના સ્વરોના જ્ઞાનને વશ થઈ હંમેશાં વેદના સ્વરો બોલનાર તથા શ્રેષ્ઠ વિદ્વાન હોય તે સરસ્વતીસંન્યાસી છે. વિદ્યાના ભારથી ભરેલો, બધા ભારનો ત્યાગ કરનાર અને દુ:ખનો ભાર ના જાણનાર તે ભારતીસંન્યાસી છે. જ્ઞાનના તત્ત્વથી ભરેલો, પૂર્ણ તત્ત્વમાં રહેલો અને હંમેશાં શબ્દ્બ્રહ્મમાં લાગેલો તે પુરીસંન્યાસી છે. સંન્યાસીને તેના દીક્ષાનામની પાછળ જે તે પ્રકારનું નામ લગાડવામાં આવે છે. તીર્થ કે આશ્રમ પ્રકારના સંન્યાસીઓ શંકરાચાર્યના શિષ્ય હસ્તામલકના અનુયાયીઓ છે, વન કે અરણ્ય પ્રકારના સંન્યાસીઓ શંકરાચાર્યના શિષ્ય પદ્મપાદના અનુયાયીઓ છે, ગિરિ કે પર્વત કે સાગર પ્રકારના સંન્યાસીઓ શંકરાચાર્યના શિષ્ય તોટકના અનુયાયીઓ છે અને સરસ્વતી કે ભારતી કે પુરી પ્રકારના સંન્યાસીઓ શંકરાચાર્યના શિષ્ય સુરેશ્વરના અનુસારીઓ છે.
આ સંન્યાસીઓ હિંદુ ધર્મના છે. જૈન અને બૌદ્ધ ધર્મમાં પણ અનુક્રમે ‘શ્રમણ’ અને ‘ભિખ્ખુ’ નામથી ઓળખાતા સાધુઓ હિંદુ ધર્મના આ સંન્યાસીઓ જેવા જ છે. જગતના અન્ય ધર્મોમાં પણ સંન્યાસી જેવાં લક્ષણો ધરાવતા શ્રેયાર્થીઓ અસ્તિત્વ ધરાવે છે.
નટવરલાલ જ. શુક્લ