સંધ્યા રેડ્ડી, કે. આર.
January, 2007
સંધ્યા રેડ્ડી, કે. આર. (શ્રીમતી) (જ. 22 જૂન 1953, ચિત્રદુર્ગ, કર્ણાટક) : કન્નડ લેખિકા. મૈસૂર યુનિવર્સિટીમાંથી તેમણે કન્નડમાં બી.એસસી.; એમ.એ. અને લોકસાહિત્યમાં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેઓ બગલોરમાં એનજીઈએફ લિમિટેડના ગુણવત્તા અને ધોરણોના વિભાગનાં નાયબ મૅનેજરના પદ સાથે લેખનકાર્ય કરતાં રહ્યાં. 197981 દરમિયાન કન્નડ લોકસાહિત્ય એન્સાઇક્લોપીડિયાનાં સહ-સંપાદિકા; ‘એનજીઈએફવાણી’નાં સંપાદિકા; ટેક્નિકલ સામયિક ‘તાંત્રિક પત્રિકે’નાં સંપાદિકા રહ્યાં. કન્નડ વિમેન રાઇટર્સ ઍસોસિયેશનનાં પ્રમુખ, (1997); 1994 સુધી બગલોર જિલ્લા કન્નડ સાહિત્ય પરિષદનાં કારોબારી સભ્ય તથા મૈસૂર અને બગલોર યુનિવર્સિટીમાં લોકસાહિત્યમાં માનાર્હ અધ્યાપિકા રહ્યાં.
તેમની માતૃભાષા તેલુગુ હોવા છતાં તેમણે કન્નડમાં 13 ગ્રંથો આપ્યા છે. તેમાંની આ કૃતિઓ ઉલ્લેખનીય ગણાય છે : ‘મૂવાતૈદારા હોસ્તિલુ’ (1990); ‘એ પ્રીતિ યોલગે’ (1996) તેમના કાવ્યસંગ્રહો છે. ‘બરોન્ડુ ડારી’ (1998) તેમનો વાર્તાસંગ્રહ છે. ‘મૂવાતુ જનપદ કથેગલુ’ (1981) તથા ‘કન્નડ જનપદ કથેગલુ’ (1982) બંને લોકસાહિત્યને લગતા ગ્રંથો છે. ‘હલ્લિયા હાડુગલુ’ (1994) લોકગીતસંગ્રહ છે; જ્યારે ‘જનપદ સાહિત્ય ડલ્લી મહિલે’ (1995) લોકસાહિત્યમાં સ્ત્રીઓ અંગેનો ગ્રંથ છે.
બળદેવભાઈ કનીજિયા